મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૦)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૦) - પ્રેમોર્મિનાં પદો-માંથી

નરસિંહ મહેતા

ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વસિયો રે;
રદેભાવ કુચમંડલ પૂર્યો, આવ્યો રતિપતિ રસિયો રે.
ક્ષિતિરસ૦
અતિલિબલ વનસ્પતિનાથે ઊલટપાલટ કીધું રે;
અખિલ બ્રહ્માંડતણું અમૃત રસ જુવતીને વદને દીધું રે.
ક્ષિતિરસ૦
અદ્ભુત બલ આપ્યું અબલાને, નર વર કાયર અંગે રે;
હસવું વનવેલીને આપ્યું, કોકિલ-સ્વર મુખ-રંગે રે.
ક્ષિતિરસ૦
યોગ-વિયોગ વિમુખને આપ્યો, ભોગ ભગત-ભગવાન;
તપ-તપસ્યા કર્મજડને આપ્યાં, નરસૈંયાને ગુણગાન રે.
ક્ષિતિરસ૦