મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૦)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૬૦)

નરસિંહ મહેતા

ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો;
‘ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ, તું કૃષ્ણ તું એમ કહેતો.
ચાલિયો
‘માગવું મૃત્યુ પરમાણ છે પ્રાણીને, લોભ કીધો તિહાં પ્રીત તૂટે;
મંન અબળા સુખે વાટ જોતી રહે, માગતાં તો બધો મરમ છૂટે.
ચાલિયો
વાટ જોવી નથી, માગિયું મેં નથી, ભોગવું કર્મ જે ભાગ્ય લાવ્યો;
શ્રીપતિ નાથ, ને રંક હું સરજિયો,’ એમ કરતાં જદુ-દ્વાર આવ્યો.
ચાલિયો
આવી ઊભો રહ્યો, કંઠ ગદ્‌ગદ થયો, કોટિ-સૂરજ-શશી-જ્યોત ભાસે;
ઉર દયા આણીને, હરિજન જાણીને, પોળિયે જઈ કહ્યું કૃષ્ણ પાસે.
ચાલિયો
મંદિરમાં તેડિયા ચાલીને ભેટિયા, ત્રિવિધના તાપ તે સર્વે નાઠા;
હેમ-સિંહાસને લેઈ બેસાડિયા, તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટ્યાં.
ચાલિયો
તેલ-ફૂલેલ મર્દન કરાવિયાં, શુદ્ધ ઉષ્ણોદકે સ્નાન કીધું;
કનકની પાવડી ચરણ આગળ ધરી, કૃષ્ણે ચરણોદક શીશ લીધું.
ચાલિયો
પુનિત પીતાબંર પહેરવા આપિયું, કનકને થાળે પકવાન દીધાં;
ભાવતાં ભોજન કૃષ્ણ સાથે કર્યાં, લીધાં આચમન ને કારજ સિધ્યાં.
ચાલિયો
કૃષ્ણે પરિયંક પર હેતે પોઢાડિયા, દધિસુતા વીંઝણે વાયુ ભરતાં;
સત્યભામા આદે નાર નિરખી રહી, નરસૈંનો નાથ ચરણ-સેવા કરતા.
ચાલિયો