મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭૧)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૭૧)

નરસિંહ મહેતા

એવા રે અમો એવા રે એવા, તમો કહો છો વળી તેવા રે;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.
એવા રે
જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર-રાતું રે;
હવે થયું છે હરિરસ-માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
એવા રે
કરમ-ધરમની વાત જેટલી, તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની તોલે ના’વે રે.
એવા રે
સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;
તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે.
એવા રે
હળવાં કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફેરા ફોગટ ઠાલા રે.
એવા રે અમો એવા રે એવા...