મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૩)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૩)

ભાલણ

રામ રંગે રીખે
રામ રંગે રીખે, કૌશલ્યકુમાર રામ રંગે રીખે.

છબછબ કરતા છેડા પલાળે, પાણીડાં ઢોળે;
ચંચળ ચતુરા રૂદયે ચાંપી, બેસારે ખોળે.

કર ગ્રહી લાવે કૌશલ્યા, મ્હેલે પડશાળે;
ગોત્રજમા-નો ઘૃતદીવડો; તે મુઠ્ઠીમાં ઝાલે.


દીવડો મ્હેલાવી કૌશલ્યા, મણિ કરમાં આલે;
મણિ તો લઈ મુખમાં મેલે, દેવ નભે ભાળે.

સુમિત્રા લાવે શેલડી, તે બાલકને ભાવે;
કટકા લઈ કોરાણે મૂકે પાળી લઈ ચાવે.

ઘૂઘરા ઘમકે તેથી ચમકે, ઉતાવળા ચાલે;
કરતણી કોમલ આંગળીઓ, તે ચણિયારે ઘાલે.

ઘૂલર ઘસે ખડખડ હસે, ક્રોધ કરે માતા;
બાળપણને બલિહારી જાય, શંકર ને વિધાતા.

અતિ આકળી થઈ માતા, લઈ બારણિયે બેસે;
રાયતણા મસ્તાના મદગળ, વચ્ચે જઈ પેસે.

અતિ અડપલા કુંવર આપણા, કહો દિન ક્યમ જાશે?
ભાલણપ્રભુ રઘુનાથજીને, બાંધે પ્રેમતણે પાશે.