મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧)
Jump to navigation
Jump to search
પદ (૧)
મીરાં
ઝેર તો પીધાં છે
ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!
ઝેર તો પીધાં છે જાણી જાણી.
કોયલ ને કાગ રાણા એક જ વર્ણા રે;
કડવી લાગે છે કાગવાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
મને રે મળ્યા સારંગપાણિ.
મેવાડા રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી.