મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૭)
ઘાયલ
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લેરીડા! હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા!
ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ! રે ઝાંપે તારી ઝુંપડી,
એ લેરીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા!
ભેસું તારી ભાલમાં, ઘાયલ! રે ભેસું તારી ભાલમાં,
એ લેરીડા! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે, અરજણિયા!
ગાયું તારી ગોંદરે, ઘાયલ! રે ગાયું તારી ગોંદરે,
એ લેરીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા!
પાવો વગાડ્ય મા, ઘાયલ રે! પાવો વગાડ્ય મા,
એ લેરીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે, અરજણિયા!
ચીતું રે લગાડ્યા મા, ઘાયલ! ચીતું લગાડ્ય મા,
એ લેરીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા!
બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ! રે બખિયાળું કડીઉં,
એ લેરીડા! તેદુનું છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!
ખંભે તારે ખેસડો ઘાયલ! રે ખંભે તારે ખેસડો,
એ લેરીડા! તેદુનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા
રૂપાળીને મોઈશ મા, ઘાયલ! રે રૂપાળીને મોઈશ મા,
એ લેરીડા! રૂપાળી બાવડાં બંધાવશે રે, અરજણિયા!
કુંવારીને મોઈશ મા, ઘાયલ! રે કુંવારીને મોઈશ મા,
એ લેરીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા!
ખોળામાં બાજરી ઘાયલ! રે ખોળામાં બાજરી,
એ લેરીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા!
પાવો વગાડ્ય મા, ઘાયલ! રે પાવો વગાડ્ય મા,
એ સેલુડા! પાવો સાંભળીને પ્રાણ વીંધાયા રે, અરજણિયા!
તારે મારે ઠીક છે, ઘાયલ! રે તારે મારે ઠીક છે,
એ લેરીડા! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા!
લીલો સાહટિયો, ઘાયલ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!