મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨૪.દલુ દલીચંદ વાણિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨૪.દલુ દલીચંદ વાણિયો

દલુ વાણિયો/દલીચંદ
રામા પિરના ભક્ત કવિ
૧ પદ
 
હેલો મારો સાંભળો રણુજાના રાય...

હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયું થાય, મારો હેલો સાંભળો હો જી.

રણુંજાના રાજા, અજમલ જીના બેટા,
વીરમદેના વીરા, રાણી નેતલના ભરથાર, મારો હેલો સાંભળો હો જી...
હે જી રે મારો હેલો સાંભળો હો જી....૦

વાણિયો ને વાણિયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર એની વાંહે વાંહે થા... મારો હેલો સાંભળો હો જી....૦

ઊંચી ઊંચી ઝાડીયું ને વસમી છે વાટ,
બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો ચોર... મારો હેલો સાંભળો હો જી....૦

ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં બોલે મોર,
મારી નાખ્યો વાણિયો ને માલ લઈ ગ્યા ચોર...મારો હેલો સાંભળો હો જી....૦

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા પીરને કાને ગ્યો અવાજ... મારો હેલો સાંભળો હો જી....૦

લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયા ની વારે ચડ્યા રામદેવ પીર... મારો હેલો સાંભળો હો જી....૦

ઉઠ ઉઠ વાણિયણ, ધડ માથું જોડ,
ત્રણ ભુવનમાંથી ગોતી લાવું ચોર.... મારો હેલો સાંભળો હો જી....૦

ભાગ ભાગ ચોરટા! કેટલેક જાય?
વાણિયાનો માલ તું તો કેટલા દાડા ખાય? મારો હેલો સાંભળો હો જી....૦

આંખે કરૂં આંધળો ને ડીલે કાઢું કોઢ,
દુનિયા જાણે કે આ તો રામાપીરનો ચોર...મારો હેલો સાંભળો હો જી....૦

ગાય દલુ વાણિયો ને ભલી રાખી ટેક
રણુજા શેરમાં વાણિયે, પેરી લીધો ભેખ...મારો હેલો સાંભળો હો જી....૦