મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૬.હરિદાસ
કુંતલપુરના આ ક્ષત્રિય ભક્ત કવિએ ૧૩ કડવાંનું ‘શિવવિવાહ’ ઉપરાંત ૮૧ કડીનું ‘દ્રુપદીચીરહરણ-આખ્યાન’, ૧૨ કડીનું ‘નૃસિ્ંાંહાવતાર-આખ્યાન’ એવી વિશિષ્ટ કૃતિઓ રચી છે. ધોળ, મહિના, ગરબી જેવાં પદો પણ રચ્યાં છે.
દ્રુપદીચીરહરણ-આખ્યાન’ -માંથી
ગરુડે ચઢી આવજો ગિરધારી, લજ્જા મોરી રાખજો રે મુરારિ!
પ્રથમ સરસ્વતી ગણપતિ ગાઈએ, પદ પૂજીને પાવન થઈએ;
નિત્ય ગોવિંદના ગુણ ગાઈએ, ગરુડે ચઢી આવજો ગિરધારી.
માતા કુંતાજી છે શુભમતિ, સતી સાધ્વી છે દ્રૌપદી;
એના બહુનામી છે પતિ, ગરુડે ચઢી આવજો ગિરધારી.
રાજા ધર્મ તે ધર્મનું ધ્યાન, અર્જુનના નામે વિશ્રામ;
ભીમસેન મહા બળવાન, ગરુડે ચઢી આવજો ગિરધારી.
જોષી સહદેવ જોષ બતગાવે, નકુલ તોલે કોઈ ના’વે;
પાંચે પાંડવ ભક્ત કહેવે, ગરુડે ચઢી આવજો ગિરધારી.
હસ્તિનાપુરમાં હોડ મંડાણાં, દ્યુત ખેલતાં પાસાઓ ઢાળ્યા;
પ્હેલે પાસે હસ્તિનાપુર હાર્યા, ગરુડે ચઢી આવજો ગિરધારી.
બીજે પાસે રતનભંડાર, ગર્થ ામ ને ગજ ઘોડાર;
એમ હાર્યા તે વારંવાર, ગરુડે ચઢી આવજો ગિરધારી.
ત્રીજા બેઠા ચાતુરી ચુકાવી, નથી ઊગર્યાની એકે બારી;
ચોથે હાર્યા છે દ્રૌપદી નારી, ગરુડે ચઢી આવજો ગિરધારી.
ત્યાં તો સભા મળી બહુ સારી, બોલ્યો દુર્યોધન અહંકારી,
તેડી લાવો પાંડવની નારી, ગરુડે ચઢી આવજો ગિરધારી.
એવે દુ:શાસન દોડતો આવ્યો, સતીને સંદેશો સંભળાવ્યો;
કેશે ખેંચીને સભામાં લાવ્યો, ગરુડે ચઢી આવજો ગિરધારી.
સતી ભરી રે સભામાં આવ્યાં, પતિ દેખીને મનમાં લજાયાં;
દુષ્ટે હસીને પાસે બોલાવ્યાં, ગરુડે ચઢી આવજો ગિરધારી.
પાંડવ હાર્યા ધન-ધામને ઠામ, એમ બોલ્યો દુર્યોધનરાય;
આવી બેસોને ખોળાની માંહ્ય, ગરુડે ચઢી આવજો ગિરધારી.
ત્યારે સતીએ દીધો છે શાપ, તને લાગ્યું પૂર્વેનું પાપ;
તને વ્યાપશે શોક-સંતાપ, ગરુડે ચઢી આવજો ગિરધારી.
તને કાળે લીધો છે ઘેરી, તેં તો યાદવકુળ કર્યું વેરી;
ખોળે બેસે ગદા ભીમ કેરી, ગરુડે ચઢી આવજો ગિરધારી.
એવું વચન સુણી કોપ્યા વીર, ઊઠ્યો દુ:શાસન છાંડી ધીર;
કેશ ખેંચી ઉતારે છે ચીર, ગરુડે ચઢી આવજો ગિરધારી.
દૂર દેશ છે દ્વારિકામતી, મારી વ્હારે ચઢો જદુપતિ!
વહાલા દુ:ખ પડ્યાં મને અતિ, ગરુડે ચઢી આવજો ગિરધારી.
સતી વારે વારે પોકારે, આંસુ પાડે ને રડે ચોધારે;
પ્રભુ ધાજો તમે મારી વ્હારે, ગરુડે ચઢી આવજો ગિરધારી.
હરિએ સૂણ્યો છે આર્ત પોકાર, વેગે દોડીને ઊઠ્યા તે વાર;
ચડ્યા ગરુડે જગદાધાર, ગરુડે ચઢી આવજો ગિરધારી.
પ્રભુ કૌરવ સભામાં આવ્યા, અંતરીક્ષ કો’ને ન દેખાય;
પાંચાળીને પટકૂળ પહેરાવ્યાં, ગરુડે ચઢી આવજો ગિરધારી.
આવી સાચવ્યું સતીનું ટાણું, પાટો બાંધ્યાનું ઋણ પ્રમાણ્યું;
ચીર પૂર્યાં છે નવસે નવ્વાણું, ગરુડે ચઢી આવજો ગિરધારી.
કર્યાં ભક્ત તણાં કામ પૂરાં, નથી કોઈ રીતેય અધૂરાં;
સંકટ હરવમાં શામળિયો શૂરા, ગરુડે ચઢી આવજો ગિરધારી.
કહે ક્ષત્રિ તે દાસનો દાસ, જેનો કુંતલપુરમાં છે વાસ;
ગુણ નિત્ય ગાયે હરિદાસ, ગરુડે ચઢી આવજો ગિરધારી.