મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૦
Jump to navigation
Jump to search
પદ ૧૦
ગંગાસતી
અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને,
ને રે’વું ભેદવાદીની સાથે રે;
કાયમ રે’વું એકાંતમાં ને,
માથે સતગુરુનો હાથ રે. ..અભિયાસ. ૧
ભાઈ રે! તીરથ વ્રત પછી કરવાં નહિ ને,
ન કરવાં સતગુરુનાં કર્મ રે;
એવી રે ખટપટ છોડી દેવી ને,
જ્યારે જણાય માંયલો મર્મ રે. ..અભિયાસ. ૨
ભાઈ રે! હરિમય જ્યારે જગત જાણ્યું ને,
ત્યારે પરપંચથી રહેવું દૂર રે;
મોહ સઘળો પછી છોડી દેવો, ને,
હરિ ભાળવા ભરપૂર રે. ..અભિયાસ. ૩
ભાઈ રે! મેળો મંડપ કરવાં નહિ ને,
ઈ છે અધૂરિયાનાં કામ રે;
ગંગાસતી એમ બોલિયાં ને,
ભાળવા હોય પરિપૂરણ રામ રે.. .અભિયાસ. ૪