મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧૧
યશોવિજય
ઇણિ પુરિ કંબલ કોઈ ન લેસી-એ દેશી.
સાયર કહે "તૂં બહુ અપરાધિ, વાહણ! જીભ તુઝ અધિકી વાધી;
ખોલે મર્મ અનેક અહ્મારાં, ઢાંકૂં છિંદ્ર અહ્મે તુજ સારા. ૧
જો હવઈ ન રહિસ નિંદા કરતો; મર્મ ઉઘાડિસિ માહરા ફિરતો;
પોત તરંગ ઘુમરમાં બોળી, તો હું નાંખીશ તુજને ઢોળી. ૨
તુજવિણ મુજ નવિ હોસ્યે હાણી, તુજ સરિખા બહુ મેલિસિ આવી,
જો અખૂટ છે નૃપ ભંડાર, તો ચાકરનો નહીં કો પાર. ૩
ઉષ્ણ અગનિ-તાપે હુએ ગાઢું, જેહ સ્વભાવે જલ છેટાઢું;
તિમ તુજ મર્મ વચને હું કાપ્યો, ક્ષમાવંત ધૂરિ જે આરોપ્યો. ૪
મોટાસ્યું હઠવાદ નીવાર્યો, નીતિ ઋજાુમાર્ગ તેં વિસાર્યો;
મુજ કોપિ તૂં રહિએ ન સકઈ, પડે કએ લહરીને ધક્કઈ. ૫
કોડિ તરંગ શિખર પરિ વાધે, જઈઅ ફીરઈ તે અંબર આધે;
એ તરંગ સબલ નભ ભાજે, કાજ ઘણા તૂં સ્યૂં ઈમ લાજે? ૬
પવન ઝકોલે દિએ જલ ભમરી,માનું મદ–મદિરાની ઘુમરી;
તેહમાં શૈલ–શિખર પણિ ત્રૂટે, હરિ શય્યા ફણિ–બંધ વિછૂટે. ૭
નક્ર ચક્ર પાડિન અતુચ્છ; ઊછળતા આછોટઈ પુચ્છ;
જઈ લાગે અંબર જલ કણિયા, છમકે ગ્રહગણ તાતા મણિયા. ૮
એહવે મુજ કોપે તુજ સર્વ, ગલસ્યે જે મનમાં છે ગર્વ;
જે બોલે અસમંજસ ભાષા, તે ફલસે સઘલી શત શાખા." ૯
દુહા.
વાહણ કહે ‘મત રાખજે, સાયર! પાછું જોર;
ચાલે તે કરિસ્યું વૃથા, ફૂલી કરે બકોર. ૧
વચન ગુમાને તુજ ભરિયાં, સાચ નકા તિહાં ભાખ;
કેતાં કાલાં કાઢિએ, જિમતાં દહિ ને માખ. ૨