મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ધીરો પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૫

ધીરો

દુનિયા દીવાની રે...

દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે;
કર્તા વસે પાસે રે, બાજી કાંઈ નવ બૂજે.

જીવ નહિ એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ;
ચૈતન્યપુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ;
અર્કને અજવાળે રે, પ્રસિદ્ધ મણિ નવ સૂઝે.

પાષાણનું નાવ નીરમાં મૂકે, સો વાર પટકે શીશ;
કોટી ઉપાયે તરે નહિ એ તો, ડૂબે વસા વીશ;
વેળુમાં તેલ ક્યાંથી રે? ધાતુની ધેનું શું દૂઝે?
અંતર મેલ ભર્યો અતિ પૂરણ,
નિત્ય નિર્મળ જળમાં નહાય,
મહામણિધર પેઠો દરમાં, તો રાફડો ટીપે શું થાય?
ઘાયલ ગતિ ઘાયલ રે, જાણીને જ્ઞાની ઘાવ રૂઝે.
સદ્ગુરુ શબ્દનું ગ્રહણ કરીને, પ્રગટી પંડમાં પેખ;
દૂર નથી નાથ નજીક નિરંજન, દિલ શુદ્ધે દેદાર દેખ;
ધુરંધર ખેલે ધીરો રે, જાહેર જગત મધ્યે ઝૂઝે.