મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિરાંત પદ ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૫

નિરાંત

કોણ લખાવે રે, અલખની એંધાણી,
અકેણ કહાવે રે કહી ના શકે વાણી.          (ટેક)

નામ નહિ તેને શું કહીએ, રૂપરેખ નહિ ભાસ,
ગુણ નહિ, શો ગુણ દાખવીએ, અલગો આપ નિવાસ;
ભાવ ને ભરોંસે રે, આરત અંજાણી.          કોણ૦          ૧

મન પવન સુરતા નવ ચાલે? ધ્યાને નવ ધરાય,
સાધન શ્વાસ ઉશ્વાસ ના પહોંચે, જોગ-સમાધે ના સોહાય;
વેદ આદે વિદ્યા રે, ભણીને મત ભૂલાણી.          કોણ૦          ૨

શિવ બ્રહ્મા ને નારદ આદે, સરવ અભ્યાસી દેવ,
અંધા કાષ્ટ આધારે વહેતા, આપ રહ્યો અભેવ;
વિત્ત વિશ્વનું રે, નિત્યપદ નિરવાણી.          કોણ૦          ૩

ખટ દરશને ખોળ્યો નવ લાધે, વર્ણાશ્રમથી દૂર,
થાવર જંગમ સભર ભરાભર, ક્યમ ભાસે ભરપૂર;
કૃત્ય પડ્યાં કાચાં રે, બૂઝ નવ બૂઝાણી.          કોણ૦          ૪

જથારથ પદ જેમનું તેમ છે, અકળ કળ્યું નવ જાય,
સદ્ગુરુ સ્વામી કૃપા કરે તો, આપે આપ ઓળખાય;
નિરાંત નામ નરખો રે, સાક્ષીવત જાણી.          કોણ૦          ૫