મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મનોહર સ્વામી પદ ૧
મનોહર સ્વામી
એક અખંડિત નરહરિરાય, તે જાણ્યાવણ દ્વૈત જણાય; ટેક.
ચક્ષુ એક રૂપ જોવાને, શ્રવણે શબ્દ શુંણાય.
રસાનાયે સહુકો રસ જાણે ધ્રાણે ગંદ જણાય. એક. ૧
વાચા એકવડે ચહુબોલે, સ્પર્શ ત્વચાયે થાય;
કરથી કામ કરે સહુ કોઈ, પગથી પંથ પલાય. એક. ૨
ઉપસ્થથી આનંદ કરાયે, ત્યાગ ગુદે મલ થાય;
મરથી સહુ સંકલ્પ ક રે, બુદ્ધિયે સકળ જણાય. એક. ૩
જ્ઞાતા જ્ઞાન જ્ઞેય વૃત્તિથી, જ્ઞાન વિષયનું થાય;
કર્ત્તા ક્રિયા કર્મવૃત્તિયે, લૌકિક કાર્ય કરાય. એક. ૪
જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા, સહુને સમ કહેવાય;
ચૈતન એક સકલ ઘટવ્યાપક, પ્રગટ શ્રુતિ એમ ગાય. એક. ૫
ચારે આહાર સકળને સરખા, પાંચ કોશ કહેવાય;
અણજાણે પોતામાં જાણી, અહંકારે બંધાય. એક. ૬
જયમ રવિ એક માત્ર જળનાં બહુ, તેમાં બહુ દેખાય;
જયમ જલ લહેર ચપલતામાંહે, ચંદ્ર ચપલ દરસાય. એક. ૭
ત્યમ બહુ લિંગભેદમાં પોતે, પણ બહુ રૂપ જણાય;
વ્યાપક રૂપ અંનત અગોચર, કોઈ થકી ન કળાય. એક. ૮
પુત્ર વિત્ત લોકાદિકકેરી, આશાયે અથડાય;
કર્મ કરે બહુ તે પામ્યા ને, ત્યમ ત્યમ પાપ જમાય. એક. ૯
ધ્યાતા ધ્યાન ધેયવૃત્તિયે, કોટિ દેવને ધ્યાય;
સાઘે લોક ભ્રાંતિ બહુ વાઘે, ભુવન ભુવન ભટકાય. એક. ૧૦
તપ તીરથ વ્રત સ્નાન દાન જપ, વિધિવિધ કરે ઉપાય;
હૃદયગ્રંથીનો ભેદ ન જાણે, અવળાં ઓસડ ખાય. એક. ૧૧
દેહાદિકમાં હું મારાથી, ત્રિઘા ભેદ દ્દઢ થાય;
આપ સજાતિ વિજાતિ સ્વગત, રૂપે બહુ રૂપ જણાય. એક. ૧૨
કામી ક્રોધી લોભી કોઈ, દાતા દીન જણાય;
કઈ રાગી કઈ ત્યાગી કોઈ, સુખી દુખી દેખાય. એક. ૧૩
કઈ પંડિત કઈ જાણ્યાજોષી, છળીયા બલીયા થાય;
કઈ ઘરબારી કઈ ભીખારી, કઈ નાચે કઈ ગાય. એક. ૧૪
કઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;
શિષ્ય તણો સંશય નવ ટાળે, ધૂતીને ધન ખાય. એક. ૧૫
દેહાકૃતીને બ્રહ્મ ઠરાવે, ચૈતન નવ લહેવાય;
અંધ અંધની પાછળ ચાલે, ઉભય કુવામાં જાય. એક. ૧૬
દ્દઢ વિશ્વાસ ધરીને જે કોઈ, સદ્ગુરૂ શરણે જાય;
તેનાં સંશય તર્ક વિપર્યય, હૃદયગ્રંથી ભેદાય. એક. ૧૭
સચ્ચિદ આનંદરૂપ લહીને, નિજપદમાં લય થાય;
મનોહર જન્મમરણભય ભાગે, સંશય દૂર પલાય. એક. ૧૮