મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વીરવિજય પદ ૧
વીરવિજય
સખી રે, મેં કૌતુક દીઠું
સખી રે, મેં કૌતુક દીઠું, સાધુ સરોવર ઝીલતા રે,
સખી, નાકે રૂપ નિહાલતા રે, સખી, લોચનથી રસ જાણતા રે,
સખી, મુનિવર નારી સું રમે રે. સખી રે. ૧
સખી, નારી હીંચોલે કંતને રે, સખી, કંત ઘણા એક નારીને રે,
સખી, સદા યૌવન નારી તે ચહે રે, સખી, વેશ્યા વિલુદ્ધા કેવલી રે. ૨
સખી, આંખ વિના દેખે ઘણું રે, સખી, રથ બેઠા મુનવિર ચલે રે,
સખી, હાથ-જલે હાથી ડુબિયો રે, સખી, કૂતરીએ કેસરી હણ્યો રે. ૩
સખી, તરસ્યો પાણી નવ પીએ રે, સખી, પગવિહૂણો મારગ ચલે રે,
સખી, નારી નપુંસક ભોગવે રે, સખી, અંબાડી ખર ઉપરે રે. ૪
સખી, નર એક નિત્ય ઊભો રહે, સખી, બેઠો નથી, નવિ બેસશે રે,
સખી, અધર ગગન વચે તે રહે રે, સખી, માંકડે મહાજન ઘેરિયો રે. ૫
સખી, ઉંદરે મેરુ હલાવિયો રે, સખી, સૂરજ અજવાળું નવિ કરે રે,
સખી, લઘુ બાંધવ બત્રીસ ગયા રે, સખી, શોકે ઘટી નહિ બેનડી રે. ૬
સખી, શામલો હંસ મેં દેખિયો રે, સખી, કાટ વલ્યો કંચનગિરિ રે,
સખી, અંજનગિરિ ઊજલ થયો રે, સખી, તોહે પ્રભુ ન સંભારિયા રે. ૭
સખી, વયરસ્વામી પાલણે સૂતા, સખી, શ્રવિકા ગાવે હાલડાં રે,
સખી, થઈ મોટા અરથ તે કેજો, સખી શ્રી શુભવીરને વાલડાં રે. ૮