મનીષા જોષીની કવિતા/ધ્યાનખંડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધ્યાનખંડ

આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી ઝૂકી જતાં
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે
અને બંધ આંખો પાછળ દેખાય છે,
વિશાળ ધ્યાનખંડો.
ધ્યાનખંડની જાજમની નીચે
પગની ધૂળની સાથે દબાઈ ગયેલો કોલાહલ
હું જોઈ શકું છું.

ધ્યાનખંડની દીવાલ પરના પોપડા સહેજ ખરે છે
અને હું ધ્યાનમાંથી ઝબકી જઉં છું.
મારાં ચિત્તની અશાંતિ
અહીંની દીવાલોને ખેરવી નાખશે તો?
આશ્રમની બહાર આવી ગયા પછી
હવે હું જાતજાતના અવાજ, ઘોંઘાટને
પ્રેમ કરતાં શીખી રહી છું.
અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે
અને હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું.
કોઈ અવાજને કોઈ અર્થ નથી
છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ
ખૂબ શાંતિથી સાંભળું છું.
મારા ધ્યાનખંડમાં જબરો કોલાહલ છે.