માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૨

૧૨

રેવતીના અવસાનના ખબર મળતાં જ અર્જુન સુભદ્રા સહિત દ્વારિકા આવી પહોંચ્યો. કૃષ્ણના સખા, અને યાદવકુળના નિકટના સગા તરીકે તેને દ્વારિકાવાસીઓ તરફથી સ્નેહ અને આદર મળતો. અર્જુનને મળવા માટે સેનાપતિઓ અને કળાવિદો સદાય ઉત્સુક રહેતા. દૈવી, માનુષી અને આસુરી યુદ્ધવિદ્યામાં અર્જુન એકસરખો નિપુણ ગણાતો. સેનાપતિઓ તેની પાસેથી વિવિધ શસ્ત્રાસ્ત્રોની જાણકારી મેળવવા માગતા, તો કળાના રસિયા માટે કૃષ્ણની બંસી સાથે અર્જુનનું નૃત્ય ભળે તો એ જિંદગીનો લહાવો હતો. રણાંગણ હોય કે રંગમંચ હોય - આ બંને મિત્રોની જુગલબંધી એવી જામતી કે એનો જોટો ક્યાંયે જોવા ન મળતો. શ્યામ વર્ણના આ બંને પુરુષોમાં શક્તિનું પ્રખર તેજ હંમેશાં સ્નિગ્ધતા ને સુંદરતાનાં વાદળમાંથી ગળાઈને આવતું. તેમની હાજરી વાતાવરણને પ્રજાળતી નહીં, પ્રદીપ્ત કરી મૂકતી. યાદવોમાં અર્જુન ઊપડ્યો ન ઊપડતો. એકમાત્ર બળરામને તેના પ્રત્યે અણગમો હતો. તેણે સુભદ્રાનું જે રીતે હરણ કર્યું હતું તેનો ખટકો બળરામના મનમાં રહી ગયો હતો. કૃષ્ણના અનુરોધથી તે અર્જુનને માફ કરી શક્યા હતા, પણ માન તો આપી જ ન શકતા. તેમને એમ પણ થતું કે અર્જુન કૃષ્ણને ઊંડા પાણીમાં ઉતારતો જાય છે. અર્જુન પ્રત્યે કૃષ્ણનો પક્ષપાત જોઈ તે કહેતા : “આ પાંડુનો ફટાયો તને કોક દિવસ ભેખડે ભરાવી દેશે, નાનકા! તું કાંઈ મારી વાત કાન પર ધરવાનો નથી, તોય તને ચેતવી દઉં છું.” “તમને ખબર છે ને, મોટા! કે મારું ગાડું જ ઉફરાટે ચાલે છે. અને ભેખડે ભરાવાના પ્રસંગો તો હું ગોતતો ફરું છું. એમ માનો ને કે આ તો ઘેરબેઠાં ગંગા.” અર્જુન જ્યારે દ્વારિકા આવતો ત્યારે સ્વાગતની ધૂમ મચી જતી. આખું નગર ઉત્સવઘેલું બની જતું. પણ આ વેળા દ્વારિકા શોકમાં ડૂબી ગયું હતું. અર્જુને કૃષ્ણના મહેલમાં ચુપચાપ પ્રવેશ કર્યો. પ્રવેશદ્વાર પાસે કુલગુરુએ સ્વસ્તિવાચન કર્યું. કૃષ્ણ બાહુ પ્રસારીને અર્જુનને ભેટી પડ્યા. જ્યારે જ્યારે કૃષ્ણને મળવાનું થતું ત્યારે અર્જુનને થતું કે અંતરમાં સૂર્યોદય થઈ રહ્યો છે. તેમને મળવાના વિચારમાત્રથી અંદરનાં પંખી કલશોર કરી મૂકતાં. પણ બળરામને મળતાં અર્જુનને મનમાં દહેશત રહેતી : ક્યાંકથી કાંટા ભોંકાશે ને મેળાપ બેસૂરો બની જશે એનો ફફડાટ થઈ આવતો. પણ આવી અણીની પળે કૃષ્ણની કુશળતા અને રેવતીની મધુરતા વાતચીતને નવો જ વળાંક આપી દેતી. અર્જુન ઊગરી જતો. રેવતીનું એક વાક્ય તો અર્જુનના હૃદયમાં વસી ગયું હતું. બળરામે એક વાર અર્જુનની ખબર લઈ નાખી. તેમના કઠોર, તીખા શબ્દો ધારદાર શિલાની જેમ છાતી પર પડ્યા. અર્જુનની મનોવેદના મુખ પર તરી આવી. રેવતી આ અણીદાર શિલાના ખૂણા ભાંગી નાખી તેમાંથી ગોળાકાર શિવલિંગ સર્જતી હોય એમ બોલી : “સવ્યસાચી, તમે તો પિનાકપાણિ રુદ્રના પરમ ભક્ત છો. અનેક વાર રુદ્રાભિષેક પણ કરતા જ હશો. મને આ રુદ્રાભિષેકનો મર્મ જરા સમજાવો તો!” આ શબ્દો સાંભળતાં જ અર્જુનનું ચિત્ત હિમાલયનાં શિખરો પર પહોંચી ગયું. પોતાને એક વાર થયેલા અદ્ભુત અનુભવનો જાણે ફરીથી આસ્વાદ લેતો હોય એમ અર્જુન ભાવવિભોર બની ગયો. બોલ્યોઃ “રેવતીદેવી, શું કહું? આખી જિંદગી હું રુદ્રાભિષેક કરતો રહેત પણ રુદ્રના સ્વરૂપને પામી ન શકત. એ તો મહાદેવે કિરાત વેષે આવી પ્રહાર કર્યો અને પાશુપતાસ્ત્રનું વરદાન આપ્યું ત્યારે જ તેની કંઈક ઝાંખી પામી શક્યો. અરે, એ કિરાતનો દેખાવ કેટલો વિકરાળ! કેટલો વિનાશક! અને છતાં એ મહા રુદ્રનાં બાણ સહી સહીને તેમનાં સર્વતોભદ્ર રૂપનાં મને દર્શન થયાં. પેલી પ્રાર્થના સાંભળી છે ને! રુદ્ર, યત્તે દક્ષિણ મુખ, તેન મામ્ પાહિ નિત્યે. “રુદ્ર, તમારું જે દક્ષિણ મુખ છે, તેનાથી મારી સદા રક્ષા કરો! જેમાં પ્રકોપનો અગ્નિ જલે છે તેમાંથી અમીધારા વરસાવો! હવે રુદ્રાભિષેક કરતાં તેની પાછળ રહેલું આ ભદ્ર દર્શન હું ભૂલી શકતો નથી.” કૃષ્ણે અર્જુનની મજાક ઉડાવતાં કહ્યું : “હવે જિંદગીમાં એકાદ વાર રુદ્રની કૃપા અનુભવી તેમાં આટલો બધો કેફ? ભાભી તો તેમની કૃપા રોજ અનુભવે છે અને ઊછળીને કાંઈ કહેતાં નથી." પછી ગંભીર મુખ રાખી રેવતીને વંદન કરતાં કહ્યું : “ભાભી, તમારા પર થઈ તેવી રુદ્રની નિત્ય કૃપા અમારા પર પણ થાય એવા આશીર્વાદ આપો.” રેવતીએ કોમળ સ્મિત કરી કહ્યું : “એ તો આશુતોષ છે, માધવ! પણ આપણું માનવનું હૃદય કૃપણ બની જાય છે, અનુદાર બની જાય છે ને રુદ્રની સહજ કૃપા ઝીલી શકતું નથી.” રેવતીએ બળરામ સામે જોયું. આ વેળા બળરામ મુક્તકંઠે હસી પડ્યા. અર્જુનને કહ્યું : “તને આકરાં વેણ કહ્યાં હશે, ધનંજય, તારું અકલ્યાણ હું કદી ન વાંછું એ તો તું પણ જાણે છે.” અર્જુનના હૃદયમાંથી રહ્યુંસહ્યું શલ્ય પણ તે દિવસે નીકળી ગયું. બળરામને મળવા જતાં અર્જુનને રેવતીનું વાક્ય યાદ આવી ગયું. પણ આજે રેવતી નથી. બળરામે અર્જુનને આવકાર આપ્યો, પાસે બેસાડ્યો. બળરામની ગૌર, ઉન્નત કાયા જોઈ અર્જુનને થયું, - હિમાચ્છાદિત નિર્જનતામાં જાણે એકલા સદાશિવ બેઠા છે. ગૌરી નથી. ગૌરી હવે નથી રહી. આ બરફાળ નિર્જનતાને કોણ ભરી શકશે? અર્જુન કશું બોલી ન શક્યો. નાના બાળકની જેમ બળરામના ખોળામાં માથું મૂકી રડી જ પડ્યો. સમય મળતાં કૃષ્ણે અર્જુનને એકાંતમાં બોલાવી પૂછ્યું : “તમે ઉપપ્લવ્ય ગામમાં નિવાસ કર્યો તે સમાચાર મળેલા. પછી ધૃતરાષ્ટ્ર તરફથી કાંઈ જવાબ આવ્યો?” અર્જુને માહિતી આપતાં કહ્યું : “થોડા દિવસમાં જ ધૃતરાષ્ટ્ર તરફથી સંજય દૂત તરીકે આવી પહોંચશે એવા ખબર છે. પણ તેની દરખાસ્તોમાં કશું નવું નહીં હોય. ધૃતરાષ્ટ્ર ધર્મની, નીતિની, શાંતિની વાતો કરે છે, અમને ધર્મનું પાલન કરવાનું કહે છે પણ પોતે અધર્મથી પચાવી પાડેલો અમારો ભાગ આપવા તૈયાર નથી. અમને ત્યાગનો ઉપદેશ આપવો છે અને પોતાને અમારો હક પણ હડપ કરી જવો છે. આ દંભ તો જુઓ, મુરારિ! કોઈ વાર થાય છે કે, આ અન્યાયી, અત્યાચારી, પાતકી કૌરવોનો ઘાણ વાળી નાખું. પણ વળી થઈ આવે છે કે, રાજ્યભાગ માટે શું કુલઘાતક બનવું? ભાઈઓની હત્યા કરી લોહી-ખરડ્યા હાથે રાજ્ય ભોગવવામાં સુખ ક્યાંથી? કેશવ, એક યાજ્ઞસેની અને સહદેવનો જ્વાળામુખી ભભૂક્યા કરે છે. ધર્મરાજ, ભીમ, હું અને નકુલ તો ઘડી આગમાં ઓરાઈએ છીએ, ઘડી રાખમાં રગદોળાઈએ છીએ." “ભીમ પણ? કૌરવોને રણમાં રોળવાની તેની પ્રતિજ્ઞાનું શું?” કૃષ્ણે પૂછ્યું. “શું કહું, કેશવ! એ તો ભોળિયો રાજા છે. કાળ વ્યાપે ત્યારે કોઈના વશમાં રહે તેવો નથી. પણ દયાનો ભંડાર છે. પોતાને હાથે સોએ સો કૌરવોનાં માથાં ધડથી જુદાં થશે એ તે બરાબર જાણે છે. અને એટલે જ સમાધાન થાય, શાંતિ સ્થપાય, કૌરવો કાંઈક સમજે એમ ઇચ્છે છે. ધર્મને પંથે પળનારાની આ કેવી અમૂંઝણ છે, માધવ! જે છડેચોક અધર્મ આચરે છે તેમનો કેવો તો સર્વનાશ થશે એ વિચાર આવતાં જ કંપારી છૂટે છે. કૌરવોને તેની ખબર નહીં હોય, પણ તેમની પત્નીઓનું કલ્પાંત મારી ઊંઘ ઉડાડી મૂકે છે.” કૃષ્ણે અર્જુનના ખભા પર હાથ મૂકી કહ્યું : “જેને કાળ પુકારે છે તેની મતિ હરાઈ જાય છે. સત્તાથી મદોન્મત બનેલા સત્યને જોઈ શકતા નથી. સત્યને કાં તો એ નિર્બળ સમજે છે, અથવા નાદાનોનો પડકાર. માને છે કે સત્યને ચપટીમાં ચોળી નાખીશું. પણ તેમને ખબર નથી કે પાખંડના પાયા જ પોલા હોય છે. કાળપુરુષનો એક ધક્કો ને આ પાખંડના મિનારા ધૂળ ચાટતા થઈ જાય છે.” કૃષ્ણે હસતાં હસતાં અર્જુનનો ખભો થાબડી કહ્યું : “કદાચ આજે કાળપુરુષ તમારે હાથે જ અધર્મનું નિકંદન કાઢવા માગતા હશે. આના જેવું સદ્ભાગ્ય બહુ ઓછાને સાંપડે છે, અર્જુન!” પછી આનંદભર્યા સ્વરે કહ્યું : “પણ એ સદ્ભાગ્ય જીરવવું સહેલું નથી. તને આ મહદ્ કાર્યના નિમિત્ત બનવાનો કશો લોભ નથી, ઊલટો ક્ષોભ થાય છે. એ જોઈ મારું મન ઘણું રાજી છે.” અર્જુનને થયું કે પોતે નવા યુગનો નિમિત્ત બને કે નહીં, પણ અત્યારે તો તેના જીવનની દશા સુકાન-વિહોણા વહાણ જેવી છે. જે દિશાનો પવન ફૂંકાય છે એમાં તે તણાઈ જાય છે. આ વિચાર આવતાં જ અર્જુનને થયું : ભલે, સુકાન હોય કે ન હોય, સુકાની તો સામે બેઠા છે! તેના વિષાદઘેરા મુખ પર હાસ્ય ફેલાઈ ગયું. કૃષ્ણે પૂછ્યું : “શું વિચાર આવ્યો?” અર્જુને જવાબ આપ્યો : “થાય છે, મારા વહાણમાં સુકાનનું ઠેકાણું નથી. પણ સુકાની બેઠા છે - સમર્થ અને સજાગ.” કૃષ્ણે વાતને ઉપાડી લેતાં કહ્યું : “અને એ સુકાની જ પોતાને હાથે વહાણને સમુદ્રમાં ગરક કરી દેશે તો?” અર્જુને હાથ લંબાવી કહ્યું : “તો? તો આપો તાળી.” બંને હસી ઊઠ્યા. કૃષ્ણને અર્જુન પર બહુ પ્રેમ આવતો ત્યારે તે એને પાર્થ કહેતા. માત્ર પૃથા-કુંતાનો પુત્ર નહીં પણ આ વિશાળ પૃથ્વીનો એ પુત્ર લાગતો. માનવનું સર્વ કાંઈ શ્રેષ્ઠ તેનામાં પ્રતિનિધિત્વ પામ્યું હોય એમ લાગતું. અર્જુનનો પરાજય થાય તો સર્વ કાળનો માનવ, માનવમાં રહેલું દૈવત પરાજય પામે. કૃષ્ણથી એ સાંખી કેમ શકાય? ઊંડો વિચાર કરી તેમણે કહ્યું : “જો, પાર્થ! થોડા દિવસમાં જ સંજય આવવાનો હોય તો મારે તારી સાથે નીકળવું પડશે. તેને શો જવાબ આપવો તે આપણે સાથે મળી વિચારી કાઢીશું. હું નીકળવાની તૈયારી કરું છું.” અર્જુન અવાક બની કૃષ્ણ સામે જોઈ રહ્યો. રેવતીના મૃત્યુનો આઘાત હજી તાજો છે, કોઈ કુટુંબીજનને કળ નથી. વળી દ્વારિકામાં સૂનકાર છે. બળરામના મનની સ્થિતિ એવી છે કે કૃષ્ણે તેમની પાસે રહેવું જોઈએ અને ત્યારે કૃષ્ણ તેની સાથે ચાલી નીકળવાની વાત કરે છે? અર્જુનના અંતરમાં ઊંડે ઊંડે ઇચ્છા હતી કે કૃષ્ણ સાથે હોય તો કેવું સારું! પણ તેની જીભ ઊપડે શી રીતે? તેનું મન પણ એ વિચારને માન્ય નહોતું કરતું. ત્યાં કૃષ્ણે સામેથી જ આ શું કહ્યું? અણબોલી વ્યથાને જાણી લીધી? પણ અહીં સામે કણેકણમાં બોલતી વ્યથાનું શું? અર્જુને આકુળ બની કહ્યું : “ના, ના, માધવ! તમારાથી હમણાં દ્વારિકા છોડાય જ નહીં. રેવતીદેવીના શોકના દિવસોયે હજી પૂરા નથી થયા.” “ભાભીનું મૃત્યુ તેં જોયું હોત અર્જુન, તો તું શોકની વાત ન કરત. એ તો મૃત્યુની અંધારી વાટ ઉજાળતાં ગયાં. જે રાખની ઢગલી પાછળ રાખી જાય તેને આપણે વળગી રહીએ, અને જે વિસ્મયનું, આનંદનું આકાશ ખોલી આપે તેને માટે કાંઈ નહીં? આપણે તો સ્વજનની વિદાય પછી પણ તેના મડદા પાસે મડાગાંઠ વાળીને બેસી રહીએ. આખરે મડદું બની જવાનો એ સારામાં સારો ઉપાય છે. જીવનનો એ માર્ગ નથી.” “પણ આવું અકાળ મૃત્યુ? કારમો આઘાત લાગે તે સ્વાભાવિક નથી, માધવ!” “આઘાત લાગે, અસહ્ય લાગે. પણ એ શોકની ગર્તામાં જ નાખી દે? ચાબુક મારીને અંધકારને ચીરતા જવા માટે હચમચાવી ન મૂકે?" અર્જુન કાંઈ જવાબ ન આપી શક્યો. કૃષ્ણે પણ વધુ કાંઈ ન કહ્યું. તેમના મનમાં બળરામનો વિચાર ઘોળાવા લાગ્યો : “મોટા ભાઈ પર સખત માર પડ્યો છે. કદાચ ભાંગી પડે એવો આ માર છે. પણ તેમને હું જાણું છું. તે બીજાની જેમ શબ પાસે માથું ઢાળી પડ્યા નહીં રહે. કદાચ સતીના વિરહમાં ભાન ભૂલેલા મહાદેવની જેમ ઉન્મત્ત નૃત્ય કરી ઊઠશે. ભૈરવની જેમ દિશાઓ ગજાવી મૂકશે. પણ મંદપ્રાણ કરતાં, મરું મરું થતા મુડદાલ જીવન કરતાં એ ક્યાંયે સારું.” “તમારી વાતમાં મને કાંઈ સમજાતું નથી.” અર્જુને કહ્યું : “ક્યારેક ચાબુક, ક્યારેક ચક્ર, વળી ક્યારેક બંસી ને રાસ! મારી ઉદાસીને તમે વંટોળની જેમ ચકરાવે ચડાવો છો પણ એ ક્યાંયે વિખેરાતી નથી.” “એનું કારણ છે. તું ક્યાંક મંદિર ગોતતો ફરે છે. અરે, ભાઈ મારા, મેદાનને જ મંદિર બનાવી દે ને! તારા વંટોળ પર આનંદની ધજા ફરફરવા માંડશે.” પછી હસીને કહ્યું : “ન સમજાય તે મૂક તડકે. હવે તું પહેલાં મળવું હોય તે બધાંને મળી લે, સુભદ્રાને તૈયાર કર, અને આપણે આવતી કાલે સવારે મોટા ભાઈને મળીને જવાનું છે તેમાં ફેરફાર નથી. આટલું તો સમજાય છે ને?” કૃષ્ણ અને અર્જુન બળરામને મળવા આવ્યા ત્યારે તે દરિયા પર પડતી બારીમાંથી દૂર દૂર જોઈ રહ્યા હતા. દ્વારિકાનો દરિયો રમણીય અને ભયંકર હતો. તેની સુંવાળી, ચમકતી રેતી પર બેસી તરંગોની લીલા નિહાળવી એ સુંદરતાનું આકંઠ પાન હતું; તો કોઈ વાર સુવર્ણ મહેલાતોને ગળી જવા માગતાં હોય એવાં પ્રચંડ મોજાં ઊઠતાં ને ભય વ્યાપી જતો, હમણાં હમણાં તો આવા ઉત્પાત વધી ગયા હતા. કોઈ વાર ઝંઝાવાત ફૂંકાતો, કોઈ વાર અણધાર્યાં વાદળ ચડી આવતાં. દ્વારિકામાં રંગરાગનો પ્યાલો છલકાતો હતો ત્યારે જ પ્રકૃતિ જાણે એ પ્યાલાને પટકી દેવા માગતી હોય એમ ત્રાટકતી. વૃદ્ધ અને અનુભવી યાદવો માથું ધુણાવતા : આ કાંઈ સારાં ચિહ્ન નથી. પણ એ ચિહ્નો પારખવાની કોને ફુરસદ હતી? કૃષ્ણ અને અર્જુનનાં પગલાંનો અવાજ સાંભળી બળરામે પાછળ ફરી જોયું. બંનેએ નમસ્કાર કર્યા. બળરામે એક શિલા બતાવી કહ્યું : “પેલો પથ્થર જોયો ને! પેલો, નંદીના આકાર જેવો, જેના પર શીકરો ઊડે છે તે. રેવતી ને હું તેના પર એક સાંજે બેઠાં હતાં. ક્યારે મોજાં પગને ઘેરી વળવા માંડ્યાં તેની ખબર પણ ન પડી. અમે વાતોમાં એટલાં તલ્લીન હતાં! પવનનું જોર વધ્યું. તોફાનની આગાહી પામી જઈ મેં રેવતીને કહેલું : ‘ચાલ, હવે ઊઠીએ’, પણ એ તો હઠીલા બાળકની જેમ બેઠી રહી. કહે, ‘છો આવે તોફાન’ માથે તોફાન ગાજવા લાગ્યું પણ ઊઠવાનું નામ નહીં. મેં તેને હાથ પકડી ઉઠાડી. ઝડપથી કિનારા ભણી લઈ ગયો, પાછળ નજર કરી કહ્યું : “જો, પેલા પથ્થરને મોજાં ગળી ગયાં. આપણે ત્યાં બેઠાં હોત તો? “તો આપણને પણ મોજાં ગળી જાત.” રેવતીએ ઠાવકું મોં રાખી કહ્યું હતું. “એટલે તો હું ક્યારનો તને ઊઠવાનું કહેતો હતો. પણ તું તો સાંભળતી જ નહોતી.” “ ‘પણ મોજાંયે મને કાંઈક કહેવા માગતાં હોય તો? તેનું કહેવું સાંભળવું કે નહીં?’ પછી એક મોટો પ્રશ્ન ઉકેલવા માગતી હોય તેમ મને પૂછ્યું : ‘તમે સાંભળવા દીધું હોત તો?’ ” બળરામ ઊંડા વિચારમાં ડૂબી ગયા. થોડી વાર પછી તે કૃષ્ણ સામે જોઈ રહ્યા. તેમના મુખે એક જ અક્ષર તોળાઈ રહ્યો હતો - તો? કૃષ્ણને થયું, મોટા ભાઈ રેવતી સાથેનો એક એક પ્રસંગ ફરીથી જીવે છે અને દરેક પ્રસંગ છેવટે પ્રશ્નનું મોજું બની જાય છે. કૃષ્ણે તેમને બહાર લાવતાં કહ્યું : “મોટા, અર્જુન સાથે હું આજે જાઉં છું. થોડા દિવસમાં આવતો રહીશ.” બળરામે કારણ જાણવા ન માગ્યું. આટલી શી ઉતાવળ છે તે જાણવાની ઇચ્છા ન બતાવી, માત્ર એટલું કહ્યું : “ભલે. શ્રાદ્ધક્રિયા પછી હું વાડીએ જતો રહીશ.” “હું બને એટલો વહેલો આવી જઈશ.” પછી રહસ્ય-મિશ્રિત સ્મિત કરી કહ્યું : “અને તમારી બંનેની પાસેથી મારો ભાગ માગીશ.” “બંનેની પાસેથી એટલે? તારો ભાગ રાખી મૂકનારી તો હવે નથી રહી.” બળરામના હૃદય પર હાથ મૂકી કૃષ્ણે કહ્યું : “જે નથી રહ્યું તેની કોણ વાત કરે છે? તેને રોકવાયે કોણ માગે છે? હું તો જે છે તેની પાસેથી મારો ભાગ માગીશ. અને એ કાંઈ આપણને છોડીને જઈ નહીં શકે.” બળરામ આશ્ચર્યચકિત બની જોઈ રહ્યા. કૃષ્ણે પૂરી ગંભીરતાથી કહ્યું : “મશ્કરી નથી કરતો હો, મોટા! ખરું કહું છું." બળરામના મનની સ્થિતિ એવી નહોતી કે સાબિતી માગી શકે, પ્રતીતિ કરાવી આપવા માટે પડકાર કરે. માથું એવી રીતે ધુણાવ્યું કે તેનો અર્થ એટલો જ થઈ શકે : “ભાઈ, તને ખબર.” કૃષ્ણ અને અર્જુને બળરામની વિદાય લીધી. બળરામ ફરી દરિયાકિનારે આવેલી પેલી શિલા પર જઈ બેઠા. પાણી વધુ ઊંચાં ચડતાં હતાં. મોજાંની થપાટો વધુ જોરદાર બનતી હતી.