માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૫

૨૫

બળરામની સાંજ નમવા માંડી હતી. ઘણી વાર તેમને થતું : કૃષ્ણને કર્મનો સંદેશ ઝીલનાર અર્જુન મળ્યો, વિરક્તિનો મર્મ જાણનાર ઉદ્ધવ મળ્યો એમ પોતાનેય કોઈ વારસદાર મળ્યો હોત તો! ધરતીના રહસ્યભંડારની ચાવી એ પ્રેમથી સુપરત કરી દેત. પૃથ્વીના પુત્ર મહીદાસ ઐતરેય જેવા માટે બળરામનું હૃદય ઝંખી ઊઠતું. પણ ક્યાંયે એવાના પગરવ નહોતા સંભળાતા. આખું જીવન કૃષિવિદ્યામાં ગાળ્યું. ઘણાએ એનો લાભ લીધો. પણ આ વિદ્યાને વિશાળ પટમાં વહેતી રાખે એવું તો કોઈ ન મળ્યું. યાદવો અભિમાન અને ઈર્ષાની આગમાં હોમાતા હતા. દ્વારિકાનાં સુવર્ણશિખરો ધુમાડાથી ઘેરાઈ ગયાં હતાં. આથમણે આરે ઊભા રહીને જોતાં બળરામનું હૃદય લીલુંછમ થઈ ઊઠે એવું કશું નહોતું દેખાતું. રેવતી કેટલી વહેલી ચાલી ગઈ! તે સાથે રહી હોત તો આ ધરતીની સૂરત પલટાઈ જાત. સારું હતું કે તે અંતરનું ઝરણ બની સુક્કા જીવનને રસાળ રાખતી હતી. પણ પેલું વિરાટ સ્વપ્ન! હવે જ્યારે આ પૃથ્વીની વિદાય લેવાની ઘડી નજીક આવી રહી છે, ત્યારે એ સ્વપ્ન જ રહેશે? કોઈ વાર નમતી સન્ધ્યામાંથી એકલતા, ઉદાસી, વિફલતા કાળા પંખીની જેમ ચકરાવો લેવા માંડતી. છેલ્લાં કિરણો સંકેલાય તે પહેલાં આ વાડીને કોઈ કિલ્લોલથી ભરી દે એ માટે બળરામ પ્રયાસ કરી જોતા. કેટલા જુવાનોને ખભે હાથ મૂકી તેમણે આ વાડીમાં પોતે વાવેલું ધરતીનું કલ્પવૃક્ષ બતાવ્યું હતું? પણ જેને સોનાનો સ્વાદ લાગે છે તેને ધાનના ખેતરનું આકર્ષણ રહેતું નથી. જુવાનો પ્રણામ કરી પંડ છોડાવતા. એક વાર કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને બળરામે કહ્યું : “ચાલ દીકરા, મારી વાડીએ આવતો રહે. તને ધરતીનો જાદુ શીખવી દઉં.” અનિરુદ્ધ સુંદર હતો એટલો જ નમ્ર હતો. બળરામની તે આમન્યા પાળતો. બળરામને પ્રસન્ન કરવા મથતો. પણ તેનું હૃદય ધરતીમાં નહોતું, દરિયાનાં મોજાં પર ઊછળતું હતું. તેનાં વહાણો કાં લાંબી સફરેથી આવી નાંગર્યાં હોય કે લાંબી સફરે ઊપડવાનાં હોય. તેણે કહ્યું : “દાદા, અસુરોની નગરી શોણિતપુર જોવાની ઈચ્છા છે. ત્યાંથી તમારે માટે શું લાવું?" બળરામના હૃદયમાંથી નિસાસો નીકળી ગયો. બોલી ઊઠ્યા : “કેવો યુગ આવ્યો છે? મારું ધાન વાવલવા માંડું છું ત્યારે પવનમાં દાણા ઊડી જાય છે અને કણસલાંનો ઢગલો થઈ જાય છે. મારે તો તારા જેવા મજબૂત હાથની જરૂર છે.” અનિરુદ્ધને કાંઈ જવાબ ન સૂઝ્યો. તે દાદાને પરદેશની અવનવી વાતો કરી રીઝવવા બેસી ગયો. તેના મનોભાવ કળી જઈ બળરામે કહ્યું : “દીકરા, તું તારે મારગે ખુશીથી જા. મને તો આ ભૂતનો વળગાડ છે. મને એમ કે જતાં પહેલાં કોઈને ખભે એ ઉતારતો જાઉં. પણ તને દરિયો સાદ પાડતો હોય તો મોજથી ઊપડ. મારા આશીર્વાદ છે.” અનિરુદ્ધ ગયો, પણ બળરામની ઝંખના અનિરુદ્ધ દ્વારા જ અદ્ભુત રીતે સફળ થઈ. શોણિતપુરના રાજા અસુર બાણની કન્યા ઈસિસ સાથે અનિરુદ્ધે લગ્ન કર્યાં. એ બે વ્યક્તિઓનાં નહીં, બે સંસ્કૃતિનાં લગ્ન હતાં. ઈસિસ પોતાની સાથે અસુર લોકોની સમૃદ્ધિ જ નહીં, તેમની હિંમત, પ્રયોગશીલતા અને ઉત્સાહ લેતી આવી. બંધ તોડી છૂટેલા ધોધની જેમ તે અદમ્ય વેગથી ઘૂમી વળતી. તેની પાસે અંધકારને ભેદી નીકળતું જાણે ઊગતું તેજ હતું. ઈસિસને જોતાં જ બળરામ પ્રસન્ન કંઠે બોલી ઊઠ્યાઃ “અરે, આ તો આપણી ઉષા! અને ઈસિસનું નામ ઉષા પડી ગયું. દ્વારિકાનાં સુવર્ણદ્વારોને તેણે નવા ઉજાસનું સ્વાગત કરવા ખોલી નાખ્યાં. તેણે દ્વારિકામાં પોતાનો રાજમહેલ ન વસાવ્યો. રેવતીની જેમ વાડી ન રોપી, દ્વારિકાથી જરા દૂર એક આખું ઉપનગર ખડું કર્યું અને તે ઉષામંડળ નામે ઓળખાવા લાગ્યું. ઉષાને લોકજીવનમાં રસ હતો. લોકોનાં નૃત્ય, સંગીત, કળા, ઉત્સવોમાં તેને પોતાના પ્રાણનો ધબકાર સંભળાતો, અને તેને વધુ બળવાન, વધુ વિશાળ પ્રવાહમાં ઊછળતો રાખવા તે રાતદિવસ મથ્યા કરતી. ઉષામંડળનું વાતાવરણ આવા રંગો અને ધ્વનિથી ભભકતું રહેતું. ઉષાના પાડોશીઓમાં રાજકુટુંબો નહોતાં; હતાં શરણાઈભેરીનાં બજવૈયા, નટબજાણિયા, વાદીડા, રંગારા, માટીની મૂર્તિઓ ઘડનારા, રેશમી ભરતકામ કરનારા અને લોકગીતો તથા લોકકથાના ભંડાર સમા ભાટચારણો. યાદવોના મશ્કરીખોર સ્વભાવને આ કારણે મોકળું મેદાન મળી જતું. કોઈ લોકકલાકારને જુએ ત્યારે તેને ઉષાનો સગો છે એમ તેઓ કહેતા અને એવો કોઈ દ્વારિકામાં આવી ચડે તેને ઉષાનું આંગણું ચીંધી બતાવતા. ઉષાના આગ્રહથી ઘણા યાદવોને ભુલાયેલાં નૃત્યો તાજાં કરવાં પડતાં અને વિસારે પડેલાં લોકગીતોને ફરી કંઠે રમતાં કરવાં પડતાં. કૃષ્ણને પણ તે નૃત્ય અને રાસમાં ખેંચી જતી. ગોપજીવનના પ્રસંગો દ્વારિકામાં ફરી જિવાતા. જામ્બવતી અને સત્યભામાને પણ વૃદ્ધાવસ્થાનો ભાર ખંખેરી નખાવી તે નાચગાનમાં સામેલ કરતી. બળરામની વાડીએ આવી કૃષ્ણ કહેતા : "મોટા, આપણાં અજવાળાં આથમી રહ્યાં છે ત્યારે દ્વારિકામાં ખરેખર ઉષાનો ઉદય થયો છે. પણ યાદવો એનું સ્વાગત કરી શકશે?” એક વાર ઉષાએ બળરામ પાસે આવી કહ્યું : “દાદા, અમને રાજી નહીં કરો?” “તને શી રીતે રાજી કરું, બેટા!” બળરામે હસીને કહ્યું : “મને નથી ગાતાં આવડતું, નથી નાચતાં આવડતું.” “એ કામ અમારું.” ઉષાએ અધવચ્ચે વેણ ઉછાળ્યાં : “તમારે તો હળચાલન સંભાળવાનું. અમે તેને ‘મંગલમયી રાજવિધિ’નું નામ આપ્યું છે. સમગ્ર રાજ્યમાં વર્ષામંગલનો ઉત્સવ ધામધૂમથી ઊજવવો છે. તમારે હાથે એનું સર્વ પ્રથમ હળચાલન થાય તે જોવાની ઇચ્છા છે. તમે એકલા એકલા હળ ચલાવશો એ હવે નહીં ચાલે. અમને સહુને એમાં ભાગ લેવા દેવો પડશે.” ઉષા પોતાની યોજના અને કાર્યક્રમની વિગત કહેતી ગઈ તેમ બળરામની છાતી ગજ ગજ ફૂલવા લાગી. એક ક્ષણમાં તે ઉષાના કાર્યનો મહિમા અને તેનાં દૂરવર્તી પરિણામો સમજી ગયા. આ છોકરીએ રેવતીનું સ્વપ્ન પૂરું કર્યું હતું. એટલું જ નહીં, તેને આનંદના ભવ્ય સમારોહમાં પલટી નાખ્યું હતું. કૃષિના બહુમાનમાં તે રાજ્યકર્તા અને લોકસમુદાયનો હાથ મેળવી નવા યુગનાં મંડાણ કરતી હતી. અહીં માત્ર ખેતીનું ગૌરવ નહોતું, પણ સમાજજીવનનાં સમસ્ત ક્ષેત્રોમાં એક ગૌરવની ખેતી કરવા માટે તેણે હળ જોડ્યાં હતાં. બળરામે ઉષાને નાની બાળકીની જેમ ઊંચકી લીધી. ચારે દિશામાં ઘુમાવી બોલી ઊઠ્યા : "બેટા, તારો જય હો, તારો સદા જય હો. માત્ર ભારતમાં જ નહીં, સારાયે જગતમાં તારો જયજયકાર હો.” કેટલીક વ્યક્તિઓ સ્વપ્નશીલ હોય છે. એક પલકારામાં તે પોતાના સ્વપ્નને આકાશમાં વિહરતું જોઈ શકે છે. પણ એ સ્વપ્નને ધરતી પર ઉતારવા માટે જે ઉદ્યમ કરવો જોઈએ, જે સાધનો એકઠાં કરવાં જોઈએ, જે રજેરજ વિગતમાં ઊતરવું જોઈએ એ આવા સ્વપ્નદર્શીથી બનતું નથી. ઉષા પાસે સ્વપ્નની પાંખો હતી, તો સ્વપ્નને સાકાર કરવાની પુરુષાર્થ-શક્તિ પણ હતી. આકાશમાર્ગેથી પણ પોતાના સ્વપ્નને પૃથ્વી પર ઉતારવાની ઉષામાં સિદ્ધિ હતી એમ કહેવાતું. તેથી તો દંતકથા વહેતી થઈ હતી કે તેણે અનિરુદ્ધને પહેલાં સ્વપ્નમાં જોયો હતો, પછી પોતાની સખી ચિત્રલેખા પાસે તેનું ચિત્ર દોરાવ્યું હતું, અને ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરી ગઈ હતી. ઉષા પોતાની યોગકળાથી દ્વારાવતીને હવે સુવર્ણપુરીમાંથી વિષ્ણુનું ધામ બનાવવાના કામે લાગી ગઈ હતી. વ્યાસદેવે આપેલી શ્લોકપોથી બળરામે ઉષાને સોપતાં કહ્યું હતું : “ઉષા, તારા દાદાને મળેલો આ અમૂલ્ય વારસો છે. એમ કહું કે તે ભારતના હૃદયમાંથી વહેતી સરવાણી છે. અમે તો હવે આ ઊપડ્યા. તું આ સરવાણીને જીવતી રાખજે. જમનોત્રીને બે કાંઠે વહેતી જમના બનાવજે.” ઉષાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. આ શ્લોકોની તેણે અનેક પ્રતિલિપિ કરાવી. એટલું જ નહીં, પણ આ શ્લોકોને નૃત્યમાં, સંગીતમાં, રાસગરબામાં ઊછળતા-જીવતા કરી લીધા. ચિત્રોમાં અને શિલ્પોમાં તેના રંગ ઝીલ્યા. પ્રસંગોને પકડી રાખ્યા. એક સ્વપ્નને સ્પષ્ટ નિહાળવા અને તેને વધુ સુંદર રૂપે જીવનમાં ઉતારવા માટે ઉષા પૂરી કાળજી લેતી. બળરામે કૃષિમંગલ વિષે પૂછ્યું : “પણ તું શરૂઆત કેવી રીતે કરીશ?” “એ બધું જ વિચારી રાખ્યું છે, દાદા! વર્ષામંગલના મહોત્સવ માટે આ વાડી તો ઘણી નાની પડે. એ માટે તમે પ્રભાસક્ષેત્રમાં ખેડેલાં ખેતરોમાં જવું પડશે. અનિરુદ્ધ અને હું સરસ્વતીને કિનારે એક જગ્યા જોઈ પણ આવ્યાં છીએ." “તારા મનમાં પ્રભાસ કેમ વસી ગયું?” “આપણે હાથે જીમૂત દ્વારા થયેલા અધર્મનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે ને!” બળરામ ચમકી ઊઠ્યા. અરે, આ છોકરી તો ઘણુંબધું જાણે છે. ઉષા મનોમન બોલી : અને પ્રાયશ્ચિત્ત માત્ર ભૂતકાળને ચૂકવેલું દેણું નથી રહેતું, ભવિષ્યને માટે મૂડીનું રોકાણ પણ બની જાય છે. “હા, દીકરી, જાણું છું. પણ પ્રકૃતિનો હિસાબ જુદો છે. એક ક્ષુદ્ર કીટનું અપમાન કર્યું હોય, અવહેલના કરી હોય, હત્યા કરી હોય એ ક્યાંક લોહીના અક્ષરે લખાઈ જાય છે, અને જેને કીટ માની લીધું હોય એ કાલાગ્નિ બની સામે આવે છે. પછી અનેક પેઢી પોતાનું લોહી રેડે તોયે દેણું ભરાતું નથી. અમે યાદવોએ જે પ્રભાસમાં, કુરુક્ષેત્રમાં વાવ્યું છે તેનો પાક કેવો ઊતરશે તે વિચાર આવતાં કંપી ઊઠું છું. તારા પુણ્યબળે એ ઝેરનું અમૃત થાય તો મારી આંખો ઠરશે.” “કૃષ્ણદાદા તો કહે છે : ઝેર અને અમૃતને જુદાં પાડવાં એ જ અજ્ઞાન છે. ઝેર નીકળશે તો એ મોઢે માંડીશું. અમૃત નીકળશે તો વહેંચતાં ફરીશું. આપણા હાથમાં તો કાળ-વાસુકિનાં નેતરાં છે. તેને ઢીલાં પડવા નહીં દઈએ.” બળરામ કશો જવાબ આપી ન શક્યા. જરૂર પણ ન લાગી. આમ અચાનક ઉષા ઊગશે તેની ક્યાં કલ્પના હતી? અને પછી સવાર ન પડે તોયે શું? તેમણે આઘેથી નજર સંકેલી લીધી. ચાલુ વાતચીતનો દોર સાંધી પૂછ્યું : “અને ઉત્સવ શરૂ ક્યારે થશે?” “મારી સાથે મગ પુરોહિતો આવ્યા છે તે ખગોળવિદ્યામાં પારંગત છે. તેમની પાસે તિથિ, મુહૂર્ત જોવડાવીશું. સોમતીર્થમાં દેવપૂજન, હળપૂજન કરીશું, અને પછી તમારા ખેતરમાં એકસાથે હજાર હળ ચાલતાં થશે. તમે એની આગેવાની લેશો ત્યારે મેઘરાજ પ્રસન્ન થઈ જશે. તેમને પછી વાજતેગાજતે આવ્યા વિના છૂટકો જ નહીં ને! જલધર અને હલધરના સંબંધની વાત મારા સાંભળવામાં આવી છે.” આ તો રેવતી સાથે થયેલો વાર્તાલાપ! પોતાને વિષે ઝીણીમોટી વાતો જાણવામાં ઉષાએ ખૂબ રસ લીધો લાગે છે. પણ વાતચીત દરમિયાન ઉષાએ ક્યારેય રેવતીનું નામ નહોતું લીધું. કદાચ જાણી જોઈને જ નહીં લીધું હોય. એમાં એની કોમળ સૂઝ કામ કરી ગઈ હશે. બળરામના હૃદયમાં રહેલી રેવતીને અને રેવતીના અધૂરા સ્વપ્નને જાણવા છતાં એ કુતૂહલનો ધક્કો મારી આ આંતરિક પ્રદેશમાં દાખલ થવા નહોતી માગતી. પણ જતી વખતે ઉષા બળરામને પગે લાગી ત્યારે સહજ ભાવે બોલી : “દાદા, એક આશીર્વાદ આપો.” “શું, બેટા?” “મા રેવતીની પ્રસન્નતા મેળવી શકું એવા આશિષ આપો, દાદા!” બળરામે ઉષાને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો. સાથે તેમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી પડ્યો.