યજ્ઞેશ દવેનાં કાવ્યો/લઘુકાવ્યો
Jump to navigation
Jump to search
લઘુકાવ્યો
ઘાસ જરીક મેં ખેંચ્યું...
ઓહ!
આટલું બધું વળગેલું તે કોઈ હોય?
* *
દરવાજાઓ
મને હંમેશા ગમે છે....
ક્યારેક બહાર ખૂલતા
ક્યારેક અંદર
* *
આ
આ તે ખુરશીઓ
કે
વાતે વળગેલા બે જણ!
* *
બપોરે હોઉં છું દેહ
સાંજે થાઉં છું ગૃહસ્થ
રાત્રે નર
નિદ્રામાં કિન્નર.
* *
આ શરીર
ક્યારેક પિંજર
તો ક્યારેક પાંખ.
* *
સમય જતા
સંતાનો પક્ષીઓ થઈ જાય છે.