યાત્રા/ગાતું હતું યૌવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગાતું હતું યૌવન

ગાતું હતું યૌવન તહીં,
એની કનક શી કાયમાં.
મેળવેલી બીન કેરા તાર શાં,
અંગ અંગ અહા કશાં ઝંકારતાં
ગાન કે લીલામયીનું અદ્‌ભુત.

આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું!
પૃથ્વી તણા ઉત્તમ રસોના અર્ક શું,
રક્ત એના કાનની કુમળી કિનારે
શી ગુલાબી ઝાંયને રચતું હતું,
ઊગતા એ ચંદ્ર જેવી અરુણિમા
કેવી કપોલે ધારી એ લસતું હતું!
ને મસ્ત એના શક્ત ભુજની અંગુલી
મસળી રહી’તી મસ્તીમાં,
કૈં અરધપરધા ભાનમાં,
કૈં કો અજાણી તાનમાં–
આ કોર પાલવની લઈ એ આમળા દેતી હતી,
કે કેશની લટ આમળી પૃષ્ઠે પછાડી દેતી ’તી,
કે હૃદય પરનો હાર ગુંચવી રમ્ય ગૂંચે,
હારનાં મોતી કઠણ હૈયા સહે એ ચાંપી લેતી છાનું છાનું;
કે ચડેલી ચિંતને,
આંગળીનાં ટેરવાં ટુકડા સમાં પરવાળના
કરડી રહી ’તી અર્ધ-વિકસિત અધરથી!

જિંદગીના ધનુષની ખેંચેલ જાણે પણછ એ,
કેવું મધુરું રણકતી
પ્રત્યેક હા વાયુ તણા ઉચ્છ્વાસથી!
જિંદગી–વીણા હજારો તારની
____
તે પૂર્વ પણ ઝંકારી ઉઠતી શી સ્વયં!

જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો–
એને અનંત વિરામહીણી શાશ્વતીમાં
કોઈ પણ રીતે જડી દેવાય તો!


જૂન, ૧૯૪૫