યાત્રા/તારી થાળે

તારી થાળે

નથી જાણ્યું તારું વતન, કુલ, ના નામ, ગુણ ના
સુણ્યા કિંવા જાણ્યા, તદપિ તુજમાં એવું જ કશું
વસ્યું કે જે દેખી મુજ મન અહા તુર્ત જ હસ્યું,
અને મૂંગી મૂંગી કંઈ રચી રહ્યું પ્રીતિગણના?

અહો, એવું તે શું વસ્યું મનુજમાં જે અવરને
શકે છાનું છાનું પરસી, નહિ કો આડશ નડે,
અજાણ્યું તે જાણે પરિચિત યુગોનું થઈ પડે,
જગાડે આત્માને સુનમુન થિજેલા રુધિરને?

તને દેખું જાતી નિત તવ મહા પૂજનસ્થળે,
કરે થાળી દીવો કુસુમ, દૃઢ પાદે દૃઢ દૃગે:
છતાં ક્યારે ક્યારે ચરણ દૃગ તારાં ડગમગે,
અને તારું હૈયાવસન ઊછળે કોઈ વમળે.

દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
બને તારી યાત્રા સુદૃઢ, મન મારું ય કુસુમ.

મે, ૧૯૪૩