યાત્રા/મા – શિશુ

મા – શિશુ

અહો શું સુખ એનું? માત નિશ સારી જે જાગતી
રહી શિશુ નિહાળી નિંદર વિષે ઢળ્યું સોડમાં,
ઘડી વિલપતું, ઘડી સ્મિત કરંતું સ્વપ્નો વિષે,
પ્રફુલ્લ બની જાગતું ટહુકી કાલું ‘મા’ ‘મા’ કરી,
ધસે જનનીના હુંફાળ હૃદયે. સુખી માત શી!

અહો પણ સુખી જ કેવું શિશુ તે વ્યથાપૂર્ણ જે
હતું સ્વપ્નમાં અનેક ભયભીત ઓથારથી,
ખુલંત નયનો લહે જનનીહસ્ત આશ્વાસતો,
સજાગ શ્રવણે સુણે લલલ સાદ હાલા તણો,
અને જનનીનું મળે હૃદય હૂંફ – દૂધે ભર્યું,
અહા શિશુ સુખી કશું અધિક એ!


ફેબ્રુઆરી, ૧૯૪૦