યાત્રા/– જઈએ
Jump to navigation
Jump to search
– જઈએ
અહા, આવે આવે કુસુમ સમ કો કોમલ કશી,
ઉષાની હૂંફાળી અરુણવરણી અંગુલિ જશી,
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી,
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી!
ખરે, મારે એને ઉર ધરવી? ના હું કુસુમની
ઉષાની અર્ચાનો અધિકૃત, ન વીણા મુજ બની
સુરીલી, સૃષ્ટિના સુર ઉર ઝીલી જે પ્રતિરવ
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ.
હજી મારે વીણા બહુ ય સજવાની, કુસુમ હે,
હજી તારાં અંગો રજકણ અને કંટક વહે;
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણી ઝરે,
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે?
નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને,
જહીં તારું મારું રસધન બધું દિવ્ય જ બને.
એપ્રિલ, ૧૯૪૩