યોગેશ જોષીની કવિતા/જળ વગર હું તરફડું જળમાં રહી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જળ વગર હું તરફડું જળમાં રહી...

જળ વગર હું તરફડું જળમાં રહી,
એક પળ પકડું હું ઝાકળમાં રહી!

પાંખ ફફડાવી ચહે છે ઊડવા,
આ બધાયે શબ્દ કાગળમાં રહી!

ઘર સુધી તારા કદી ના આવશે,
રોકતો હું રણને બાવળમાં રહી!

ગામ પરથી થૈ ગયાં તેઓ પસાર,
જળ ભરેલા એક વાદળમાં રહી!

એટલે ઘેરાય છે આ વાદળો,
હું ધરા ઊકેલતો હળમાં રહી!

ભેજ, માટી, તેજ ને બસ એક ક્ષણ,
રાહ જોઉં હું સતત ફળમાં રહી.