યોગેશ જોષીની કવિતા/સાલું આ આજુબાજુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાલું આ આજુબાજુ

સાલું આ આજુબાજુ
જંગલ ક્યાંથી ઊગી ગયું?!
હમણાં તો અહીં તું હતી!

જો, પેલી ગાય આવી.
જે ખાવા ટાણે
હજીયે પહેલાની જેમ જ નિયમિત આવે છે
અને નિરાશ થઈને પાછી જાય છે
પણ તને તો તેની ખબર પણ નહીં હોય, ખરું ને?
તને ખબર છે હું જીવું છું?
જો, ભીંત પર ચીતરેલું ‘લાભ-શુભ’
કેવું લાહીલુહાણ થઈ ગયું છે!
ગણપતિએ પણ બે હાથો વડે મોં સંતાડી દીધું છે!
પણ તને તો
ખેતર વગરના ચાડિયા જેવો હું
યાદ પણ નહીં આવતો હોઉં, નહીં?
તારા ગામમાં સૂરજ ઊગે છે? મારા ગામમાં નથી ઊગતો.
સાત ડગલાં સાથે ચાલ્યાનું
તને યાદ છે? મને યાદ છે.
સાત ફેરા સાથે ફર્યાનું
તને યાદ છે? મને યાદ છે.

ગમે તે હોય પણ તું
મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી જા ને!
એકાદવાર માટે પણ આવીને
‘હવે છાપું પછી વાંચજો, પહેલાં ચા પી લો.’ કહીને
મારા હાથમાંથી છાપું ઝૂંટવી લે ને કલ્પના!