રચનાવલી/૧૦૯
આપણી ભદ્રતા, આપણી શિષ્ટતા, આપણા સંસ્કાર, આપણી સામાજિકતા, આપણી નૈતિકતા, આપણી વ્યવસ્થા, આપણી સૌન્દર્યદૃષ્ટિ – આ બધું આપણને જ મુબારક હો! કારણ આપણે જ શોષણ દ્વારા, પીડન દ્વારા, અત્યાચાર અને અમાનુષી કૃત્યો દ્વારા આપણા સમાજની બહાર એવા સમાજોને જન્મ આપ્યો છે કે એ સમાજોની યાતનાઓને, એમની મનુષ્ય તરીકેની થયેલી ગૌરવહાનિને, એમની પર પશુઓની કક્ષાએ થોી દીધેલી જીવન જીવવાની રીતને, માનવસંવેદનના ક્ષેત્રથી ઊતરડી નાખીને આપણા હૃદયના કોઈ તંત્રની જડતામાં જડી દીધેલી એમના તરફની પૂર્વગ્રહવૃત્તિને માટે આપણે જ જવાબદાર છીએ. એથી જ અછૂત, શોષિત કે દલિત વર્ગો એ ભદ્ર સમાજની નરી અભદ્રતાનાં પરિણામો છે. ભારત સ્વતંત્ર દેશ થયો પણ ભારતમાં આજે પણ આ સમાજને સ્વતંત્રતાની લહેર જેવી પહોંચવી જોઈએ એવી પહોંચી નથી. આપણી રાજકીય વ્યવસ્થા, આપણી કાનૂનવ્યવસ્થા, આપણી પોલિસવ્યવસ્થાનાં નઘરોળ પાસાંઓએ આ દલિત પીડિત સમાજની યાતનાઓમાં ઓર વધારો કર્યો છે. આવા દલિત સમાજમાંથી જ્યારે કોઈ સાહિત્યકાર આવ્યો ત્યારે જ એનો સાચો દસ્તાવેજ આપણને મળ્યો છે. મરાઠી અને કન્નડમાં અને રહી રહીને ગુજરાતીમાં પણ આવા દલિત સમાજે પોતાનાં દુ:ખસંદર્ભે વાચા આપી છે. મરાઠીમાં લક્ષ્મણરાવ ગાયકવાડે ૧૯૭૭ પોતાનું આત્મવૃત્તાંત લખ્યું – ‘ઉઠાવગીર' (ઉચલ્યા). અને એ આત્મવૃત્તાન્તને ૧૯૮૯માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ મળ્યો. ઉપરાંત, એને મરાઠીના ઘંટી પુરસ્કાર, મુકાદમ પુરસ્કાર અને સમતા પુરસ્કાર પણ મળ્યા. લેખક સ્પષ્ટ કહે છે કે એવા એક નોનસ્પેટ્રિક ભણેલા કાર્યકરનું મનોગત છે. એનું સાહિત્ય તરીકે મૂલ્યાંકન ન કરતાં એનું સમાજશાસ્ત્રીય મૂલ્યાંકન થાય એ વધુ જરૂરી છે. પોતાનું આત્મવૃત્તાન્ત લખવા પાછળનો લેખકનો હેતુ એ છે કે પ્રસ્થાપિતો પોતાના પૂર્વગ્રહ બાજુએ મૂકીને એમને વિશે નવેસરથી વિચારવા માંડે. પણ લેખક ત્યાં જ નથી અટકતા. એ એવું પણ ઉમેરે છે કે એમની જાતિજમાતમાંથી નવતર શૈલીનું શિક્ષણ લઈને આવનારાઓએ એ સમાજ અંગેની પોતાની જવાબદારી સમજવી જોઈએ. ‘ઉઠાવગીર’માં ઉપેક્ષિત સમાજમાંથી આવેલા એક ઉપેક્ષિત ત્રણની કથા છે. આ સંવેદનશીલ તરુણ કામની શોધમાં પોતાનું ગામ છોડીને લાતૂર આવે છે. કાપડની મિલમાં નોકરી લે છે. તક મળતાં પંદરમી ઑગસ્ટે એ જીવનમાં પહેલીવાર સમૂહની સામે થોડાંક વાક્યો બોલે છે અને એની પોતાની ઓળખની અને એની કારકિર્દીની શરૂઆત થાય છે. ધનેગાંવમાં લક્ષ્મણ એક ચોરજાતિમાં જન્મ્યો છે. આ સંતામુચ્ચર જાતિ આખા ભારતમાં ઓળખાય છે. તેલુગુ ભાષામાં સંતા એટલે બજાર અને મુરચર એટલે ચોરી કરનારા. અઠવાડિક બજારમાં ચોરી કરનારી આ જાતિઓમાં બે જ અટક છે : જાધવ અને ગાયકવાડ, લક્ષ્મણે એનું ગામ, એનો વાસ, વાસની રહેણીકરણી, વાસના રીતિરિવાજો, એમની અંધશ્રદ્ધા એમના વહેમો, એમની જાતપંચાયત – આ બધાનું જે રીતે વર્ણન કર્યું છે, એમાં એ સમાજ પરત્વેની ઉપેક્ષા અને અસહ્ય ભૂખ તેમજ ગરીબી પડેલાં છે. આપણને એમાં જે બીભત્સતા લાગે છે તે એમની નરી લાચારી છે. શાસક વ્યવસ્થાનું એમની ફરતેનું વિષચક્ર ખોફનાક છે. લખે છે : ‘અમને કામધંધો કોઈ આલે નઈ એટલે ચોરી કરવી પડતી તો અમારી આખી જાતને જ ચોર ગણવાની? આવું કેમ? અમને સારી રીતે કેમ જીવવા નથી દેતા? શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લઈને મારી માએ પોલિસોને કેમ આપવા પડે છે? અને શાહુકારનું દેવું વધતા તે ફેડવા મારા ભાઈઓએ ચોરી કેમ કરવી પડે છે? આવી હાલતમાં રહેવા છતાં આ દેશની વિવિધ પરંપરાનું ગૌરવ કરવાનું? એવું મને જેમ વાંચતા આવડવા લાગ્યું તેમ થવા લાગ્યું અને મરાઠીની પહેલા પાના પરની પ્રતિજ્ઞા કેટલી ખોટી છે તેવું રોજ થતું અને ઉદાસ થઈ જતો. નસીબને દોષ દેતો, દેવોને પોકાર પાડતો અને ચૂપચાપ યાતના સહન કરતો હું ચોર જાતિમાં ભણતોગણતો ઊછરતો હતો.' આગળ લખે છે : ‘આ જમાતના લોકોને જન્મતાવેંત પોલિસ કસ્ટડી બતાવે કે તેનો હંમેશનો સંબંધ એ જ કસ્ટડી જોડે રહે. કોઈ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે કે તે પોતે બહાર નીકળવા મથે તો પણ આ નરકમાંથી તેનો છૂટકારો થાય નહીં. કારણ તેની પાંખો કપાઈ ચૂકેલી છે. તેના લમણે ગુનેગારનો સિક્કો મારેલો છે.' આ અત્યાચારો વચ્ચે લેખક વિષમતાને નોંધે છે : ‘વિમુક્ત ભઠ્યા સમાજમાંનાં ઘણાં લોકોને સમાજ અને પોલિસ ચોર સમજે છે, તેમનાં ઘરોની ઝડતી લે છે. તેમનાં ભાંગ્યાતૂટ્યાં વાસણો તો ઉપાડી જાય છે પણ આ અધિકારીઓ પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તેમની સાદી તપાસ સિક્કે થતી નથી. એ જ રીતે લેખક અન્યત્ર નોંધે છે : સંજોગવશાત ચોર ચોરી કરે છે ને ચોરીના માલ પર પોલિસ હવેલી બાંધે છે અને ચોરીનો તથા પારધી પાસેનો માલ જપત કરે છે. અને જપ્તિમાં જપત ફરેલો માલ ન બતાવતાં ફક્ત ખરાબ માલ જ બતાવે છે. જો માલ સારો હોય તો પોલિસ અંદરો અંદર વહેંચી લે છે. કેટલીકવાર પારધી પાસે માલની રસીદ મળે પણ પોલિસ રસીદ લઈને ફાડી નાખે ને પેલો માલ હડપ કરી લે. મૂંગો રડે ને બૈરો હાંભળે જેવો ઘાટ હતો....’ આ અનુભવ લેખકને ભટક્યા વિમુક્ત જાતિનું સંગઠન કરવા સંઘર્ષમાં ઉતારે છે. તો લેખકે મિલમજૂરોના શોષણની સામે ઉઠાવેલો અવાજ એને યુનિયનની પ્રવૃત્તિ તરફ ધકેલે છે. આ બંને પ્રવૃત્તિ છેવટે નિષ્ફળ રાજકારણની પ્રવૃત્તિમાં જઈને અટકે છે. આમ, ચોરીનું શિક્ષણ આપતી અને પોલિસોના અત્યાચાર સામે ટકી રહેવા યુક્તિઓ અજમાવતી જાતિમાં જન્મેલો લક્ષ્મણ અપવાદ રૂપ થોડુંક શિક્ષણ પામી, સંઘર્ષ કરતો કરતો કંઈ રીતે શોષિત પીડિત વર્ગમાં જનજાગૃતિ અંગે નિષ્ઠાથી વળગ્યો રહ્યો છે. એનો પરિચય આ આત્મકથા આપે છે. આ આત્મકથામાં એવું ઘણું છે જે આપણી સુરુચિના રૂંવાડાં ખડા કરી દે, આપણી શિષ્ટતાનું નાક દબાવી દે, પણ એમાં કોઈ પણ ટાપટીપ વગર નિખાલસતાથી થયેલું લખાણ એક ઉપેક્ષિત સમાજનો પારદર્શક દસ્તાવેજ આપે છે. સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પ્રકાશિત આ આત્મકથાનો રવીન્દ્ર પારેખે ‘ઉઠાવગીર' નામે ગુજરાતી અનુવાદ આપ્યો છે.