રચનાવલી/૧૨૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨૧. શ્રીમદ્ ભગવદ્ગીતા


ગીતા હિન્દુધર્મનો પ્રાચીન ગ્રંથ ગણાયો છે. પણ આ ગ્રંથ સાંપ્રદાયિકતાને વટાવી ગયો છે. ધર્મનો વિચાર કરવામાં આવે કે જીવનના પાક તરીકે ધર્મનો વિચાર કરવામાં આવે ત્યારે જગતના ધર્મોમાં ગીતાનો કોઈ જોટો નથી. આથી એ જીવનવિદ્યાનો ગ્રંથ પણ કહેવાયો છે. કિશોરલાલ મશરૂવાલાએ એ મુજબનું કહ્યું છે કે ગીતા જીવનવિદ્યાનો ગ્રંથ હોવાથી અને જીવન ગૂઢ હોવાથી ગીતાનો ગ્રંથ પણ ગૂઢ રહ્યો છે. આ કારણે ગીતાના અનેક ભાષામાં અનુવાદ થયા છે. એના પર અનેકાનેક ભાષ્યો રચાયા છે. અનેક આચાર્યોએ એના પર ટીકા લખી છે; અને એમાંથી પોતાના મનગમતા અર્થ તારવ્યા છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બકાચાર્ય, વલ્લભાચાર્ય અને બીજા અનેકોને આ ગ્રંથ પોતાના વિચાર સાથે મેળમાં બેસતો લાગ્યો છે. એમણે એમના સંપ્રદાયો માટે એમાંથી સમર્થન મળ્યું છે. આમ ગીતાના ગ્રંથને વારંવાર પોતાનો વિચાર ટાંગવા મીંટી બનાવવામાં આવ્યો છે. ગીતાનું માહાત્મ્ય મોટેભાગે ‘ગીતાશાસ્ત્ર', ‘ગીતાજ્ઞાન', ‘ગીતાવિચાર', ‘ગીતાર્થ' સાથે જોડવામાં આવ્યું છે. ગીતાપાઠમાં પણ એનું અર્થશ્રવણ જ આગળ ધરાયું છે; અને બતાવાયું છે કે ગીતા સારી રીતે ગાવામાં આવે તો અન્ય શાસ્ત્રોની શી જરૂર છે? પણ ગીતાને દિવ્ય ગાન – ડિવાઈન સૉન્ગ – કહ્યા પછી પણ એનો ‘દિવ્ય’ સાથે વધુ નાતો રહ્યો છે. એના ગાનનો ઓછો મહિમા છે. ગીતાના અર્થશ્રવણ સાથે ગીતાના નાદશ્રવણનો મહિમા પણ ઓછો નથી. ગીતામાં જીવનની વાત છે, તો ગીતાનું પોતાનું પણ ધબકતું જીવન છે. એમાં જે કહેવાનું છે એ જોવા સાથે એમાં જે કહેવાની રીત છે તે પણ જોવા જેવી છે. ગીતાના કુલ ૧૮ અધ્યાય છે અને પ્રચલિત પાઠ મુજબ એમાં ૩૦૦ શ્લોક છે. આ દરેક શ્લોક ચુસ્ત છે. એમાં એક એક શબ્દ બીજા શબ્દો સાથે તોળાઈને મુકાયેલો છે. તેથી એમાંથી એક સંગીત ઊભું થાય છે. એનાં વાક્યો અન્ય કેટલાંક વાક્યો સાથે ખભેખભા મેળવે છે. એમાં વાત તો તત્ત્વની કરાયેલી છે પણ આ શબ્દના ઉત્તમ સત્ત્વ સાથે પ્રગટ થયેલી છે. સંસ્કૃત ભાષાની મધુરતા અને સુન્દરતાનું એમાં અનોખું મિશ્રણ છે. સાથે સાથે એમાં કિશોરલાલ મશરૂવાલા કહે છે તેવી કાવ્યચતુરાઈ છે. એમાં કવિનું મંડન છે, એમાં કવિની સજાવટ છે. ગીતા સ્વતંત્ર હોવા છતાં સ્વતંત્ર ગ્રંથ નથી. ‘મહાભારત' જેવા મહાકાવ્યનો એ એક ભાગ છે. ‘મહાભારત'ના ભીષ્મ પર્વના ૪૩માં ‘ગીતા’ ગોઠવાયેલી છે. એટલે કે ગીતાના કર્તા ‘મહાભારત’ના કર્તા મહર્ષિ વ્યાસ છે. વાલ્મીકિ દ્વારા 'રામાયણ' રામના જન્મ પહેલાં રચાયું છે તેમ મહર્ષિ વ્યાસે પણ શ્રીકૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, પાંડવો, કૌરવો વગેરેના જન્મ પહેલાં ‘મહાભારત' રચ્યું છે; એવું મનાય છે. ગીતાને આ રીતે ‘મહાભારત'ના ભાગ રૂપે જોઈએ તો કહેવાય કે મહર્ષિ વ્યાસે ભવિષ્યદર્શન કરેલું, પછી સંજયે ધૃતરાષ્ટ્રને દૂરદર્શન દ્વારા યુદ્ધવર્ણન કરેલું, ધૃતરાષ્ટ્ર દૂરદર્શન દ્વારા તત્કાલદર્શન કરેલું અને પછી . ગીતાને વાંચતા વાચક ધૃતરાષ્ટ્રને સંજયે કરાવેલા તત્કાલદર્શન દ્વારા પોતાનું દર્શન કરે છે. દર્શનની ભીતર દર્શન અને એની ભીતર દર્શનની ગીતાની આ કાવ્યસજાવટ આનંદ આપે છે. ગીતાની ખાસ કાવ્યસજાવટ જોવી હોય તો એના બે અધ્યાય બરાબર ધ્યાનથી જોવા જોઈએ. અર્જુનવિષાદયોગનો પહેલો અધ્યાય અને વિશ્વરૂપદર્શનયોગનો અગિયારમો અધ્યાય. આખી ગીતામાં ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે અને તે પહેલા અધ્યાયના પ્રારંભમાં આવે છે. એ એક શ્લોકના પ્રશ્નમાંથી આખી ગીતા સંજયના દૂરદર્શન દ્વારા વિસ્તરી છે. સંજયના દૂરદર્શન દ્વારા કહેવાતી વાત અને કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા રજૂ થતી વાત રસ જાળવી રાખે છે. પહેલા અધ્યાયની નાટ્યાત્મક સ્થિતિ જોવા જેવી છે. યુદ્ધની કલ્પના અને યુદ્ધ સામે હોય એ બે જુદી ઘટના છે. અર્જુન સામે યુદ્ધ અને તે ય પોતાના સ્વજનો સામે યુદ્ધ આવતા જે યુદ્ધ ન કરવાની ઇચ્છા પર પહોંચે છે એ વાતને ગીતાકારે અસરકારક રીતે ઉપસાવી છે. એના ઉપર જ ગીતાના કર્મસિદ્ધાન્તનો અને જીવનસિદ્ધાન્તનો આધાર છે. અહીં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે અને સંજય જે યુદ્ધનું વર્ણન કરે એમાં બની ગયેલી વસ્તુનો અહેવાલ રિલે – નથી, પણ બનતી વસ્તુનો આંખે દેખ્યો હાલ લાઈવ ટેલિકાસ્ટિંગ – છે. જેવો દૂર્યોધન દ્રોણને સૈન્યનો પરિચય કરાવે છે કે ભીષ્મ સિંહનાદ કરી શંખ ફૂંક છે અને સાથે વાતાવરણમાં ભેરી ઢોલ શંખ બાજી ઊઠે છે. આ ઘોરનિનાદ વચ્ચે અર્જુન કૃષ્ણને કહે છે : ‘કૃષ્ણ મારા રથને બે સૈન્ય વચોવચ ખડો કરો.' આ દશ્ય મહત્ત્વનું બને છે. બે બાજુ પોતાનાં જ સ્વજનોને જોતાં અર્જુન પર જે અસર થાય છે તે આ દૃશ્ય વગર થઈ ન હોત. ગીતામાં અર્જુન સ્વજનોને જુએ છે એ ઘટનાને જે બે ૨૬-૨૭ મા શ્લોકોમાં રજૂ કરી છે તે શ્લોકોમાં સમાસોને કારણે શબ્દોને એટલા નજીક લાવવામાં આવ્યા છે કે ખીચોખીચ સ્વજનોનો જાણે અનુભવ થાય. અર્જુન પરની અસરને અર્જુને પોતે જ અદ્ભુત રીતે વર્ણવી છે : ‘મારા ગાત્રો ઢીલાં થાય છે, મારું મોં સુકાય છે, શરીર કંપે છે, વાળ ઊભા થઈ જાય છે, હાથથી ગાંડીવ ધનુષ છૂટી જાય છે, ત્વચા બળે છે, ઊભા રહેવાની શક્તિ રહી નથી, મન ભમે છે. આમ સ્વજનહત્યામાં અર્જુનને યુદ્ધનો સાર દેખાતો નથી. આ ક્ષણે ગીતાકારે અર્જુનના મનની ગતિને શબ્દોમાં પકડી છે. કહે છે : ‘કૃષ્ણ, ન ઇચ્છું વિજય, ન રાજ્ય કે વૈભવ.' અને ઉમેરે છે : ‘ગોવિન્દ શું કરું એ રાજ્યને? અને શું કરું એ ભોગ-જીવિતને?' અહીં સામસામા મુકાયેલાં વાક્યોની ગતિ જુઓ. કુલક્ષયના દોષને બતાવીને પાંડવો અને કૌરવો વચ્ચેનો તફાવત પણ આવાં જ સામસામાં સમાન્તર વાક્યોથી અર્જુને અસરકારક રીતે ઊભો કર્યો છે. અર્જુન છેવટે ધનુષબાણ છોડીને રથના પાછલા ભાગમાં બેસી પડે છે એ વખતે ગીતાકારે ‘શોકસંવિગ્નમાનસ' એવા એક શબ્દગુચ્છથી અર્જુનનું સચોટ ચિત્ર દોર્યું છે.