રચનાવલી/૨૦૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦૯. કાળીની રાણી (પુશ્કિન)


એક રશિયન લેખકે નવા કવિઓને સલાહ આપી છે : ‘તમે દરેક જણ તમારે પોતપોતાને રસ્તે જાઓ, રસ્તો નાનો હોય કે મોટો, તમારે જે લેવો હોય તે લો પણ પુશ્કિનને ટાળીને આગળ ન વધજો. જો એવું કરશો તો તમે તમને જ હાનિ પહોંચાડશો.’ કોણ છે આ પુશ્કિન? આ એ પુશ્કિન છે જેને વિશે નિકોલાઈ ગૉગોલે કહેલું કે પુશ્કિન એક અસાધારણ ઘટના છે અને કદાચ રશિયન ચેતનાની અપૂર્વ ઘટના છે. આ એ પુશ્કિન છે જેને વિશે વિસારિયોન બેલિન્સ્કીએ કહેલું કે પુશ્કિન એક એવી સર્જક પ્રતિભા છે, એક એવું ઐતિહાસિક પરિબળ છે જે વર્તમાન વિશે કામ કરતાં કરતાં ભવિષ્યને રચે છે. આ એ પુશ્કિન છે જેના વિશે લિયો તોલ્સ્ટોયે કહેલું કે દરેક લેખકે એનો અભ્યાસ કરવો જોઈએ. મેં હમણાં જ કર્યો છે અને એને વાંચતા જે મને લાભ થયો છે એ હું કહી શકતો નથી. આ એ પુશ્કિન છે જેના વિષે ઈવાન ગોન્ચોરોવે કહેલું કરે પુશ્કિનમાં બધાં જ બીજ, બધા જ આરંભો છુપાયેલાં છે જે પછીથી રશિયન કલાના બધા પ્રકારો અને સ્વરૂપોમાં વિકસિત થયાં છે. આમ, પુશ્કિનમાં રશિયાનું પ્રાકૃતિક વિશ્વ, રશિયાની ચેતના, રશિયન ભાષા અને રશિયન પાત્રો શુદ્ધરૂપે પ્રતિબિંબિત થાય છે. પુનરુત્થાનકાળના અને ફ્રેન્ચ ક્રાંતિના વિચારોથી ઘડાયેલો આ રશિયન લેખક એના વિશિષ્ટ રાજકીય અભિગમને કારણે બબ્બેવાર દેશનિકાલ પામેલો અને છેવટે નિકોલસ પહેલાએ એને માફી બક્ષીને મોસ્કોમાં રાખ્યો ત્યારે પત્નીના કારણે એક લશ્કરી અમલદાર સાથે સંઘર્ષમાં આવી એની સાથે દ્વન્દ્વયુદ્ધ ખેલી મરણતોલ થવાઈને એનું માત્ર ૩૮ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. આ નાના જીવનના ગાળામાં પુશ્કિન રશિયન સમાજ અને રશિયન સાહિત્ય પર અમીટ છાપ છોડી ગયો છે. પહેલાં લેખનની રોમેન્ટિક શરૂઆત કરીને પુશ્કિન બહુ ઝડપથી વાસ્તવવાદ તરફ કરી ગયો. ખોટી કૃત્રિમ આડંબરી શૈલીની જગ્યાએ એને સીધી, ચોકસાઈભરી સ્પષ્ટ શૈલીનો આગ્રહ રાખ્યો અને ૧૯મી સદીના આવનારા વાસ્તવવાદનો દઢ પાયો નાખ્યો. એણે ઊર્મિકાવ્યો લખ્યાં, એણે કથાકાવ્યો લખ્યાં, એણે પદ્યનાટકો અને પદ્યકથાઓ પર પણ હાથ અજમાવ્યો. એ બધામાં ‘યેવગેની ઓનેજિન’ એ એની પદ્યમાં નવલકથારૂપે લખાયેલી સમર્થ કૃતિ છે. ગદ્ય લખવાની શરૂઆત એની કવિ તરીકેની કારકિર્દીનો નવો વળાંક સૂચવે છે. પુશ્કિને અનેક ગદ્યલખાણો કર્યાં એમાં ‘સદ્ગત ઈવાન પેત્રોવિચ બેલ્કિનની કથાઓ’, ‘કેપ્ટનની દીકરી’ અને ‘કાળીની રાણી’ જાણીતાં છે. ‘કાળીની રાણી’ની કથા આ પ્રમાણે છેઃ નારુમોવના નિવાસે જુગાર રમનારા વચ્ચે તોમ્સ્કી એની પોતાની ઉમરાવદાદીમા ક્યારે ય જુગાર નથી રમતી એ બાબતનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. આથી બીજા એને કહે છે કે ૮૦ વર્ષની બુઢ્ઢી જુગાર નથી રમતી એમાં નોંધવા જેવું શું છે? આની સામે તોમ્સ્કી ઉમરાવદાદીની વાત રજૂ કરે છે. યુવાવયે દાદી જુગારમાં ઘણુંબધું હારીને ઘરે આવેલાં. પોતાના પતિને એ ભરપાઈ કરવાનું કહેતાં પતિ એને છેવટની ના સંભળાવી દે છે. આથી તેઓ મિત્ર જર્મનનો સંપર્ક સાધે છે. જર્મન ઉમરાવ દાદીને એક કરામત શીખવે છે : દાદીમા ફરીને જુગાર રમવા જાય છે ત્રણ પાનાં પસંદ કરે છે. ઉપરા ઉપરી ત્રણ પાન રમે છે અને કરામત પ્રમાણે બધું જીતીને પાછાં આવે છે. આ રહસ્ય પછી ઉમરાવદાદી પોતાના હારેલા એક જુગારી દીકરાને બતાવે છે પણ એ શરતે કે જિંદગીમાં એ ક્યારેય ફરી જુગાર ન રમે. દીકરી ચેપલિન્સ્કી જીતી આવે છે. તોમ્સ્કી આ વાત કરતો હતો ત્યારે હેર્માન પણ ત્યાં બઠો હતો એણે જિંદગીમાં ક્યારેય પત્તાને હાથ અડાડ્યો નહોતો. તોમ્સ્કીની ઉમરાવ દાદી ૮૦ વર્ષની ઉંમરે નોકરચાકર સાથે હજી પૂરા દબદબા સાથે જીવી રહી છે, અને પોતાની સાથે લિસાવેતા ઈવાનોના નામની યુવતીને સંગાથી તરીકે આશ્રય આપ્યો છે. આ લિસાવેતાને બારીએ બેઠેલી હેર્માન જોઈ જાય છે અને લિસાવેતા પણ સતત પોતાને તાકી રહેલા હેર્માન તરફ ખેંચાય છે. પત્રવ્યવહારોને અંતે હેર્માન લિસાવેતાને મળવા મજબૂર કરે છે, ઉમરાવ દાદીની ગેરહાજરીમાં મળવાનું ગોઠવાય છે. લિસાવેતા એને મકાનનો નકશો અને એના ખંડનું સ્થાન પત્ર મારફતે સમજાવે છે. તકનો લાભ લઈને હેર્માન આવે છે પણ લિસાવેતાના ખંડમાં ન જતાં ઉમરાવ દાદીના ખંડમાં છુપાય છે. પાર્ટીમાંથી રાત્રે પાછી ફરીને આવેલી ઉમરાવ દાદી પાસે હેર્માન પત્તાની કરામત જાણવાનો પિસ્તોલની અણીએ આગ્રહ રાખે છે એમાં ઉમરાવ દાદીનું મૃત્યુ થાય છે. આ પછી રાહ જોતી લિસાવેતાના ખંડમાં પહોંચીને હેર્માન બધી વાત સ્પષ્ટ કરે છે. લિસાવેતાને આઘાત લાગે છે એને ખબર પડે છે કે એને ચાહવાનું તો હેર્મોનનું માત્ર નાટક હતું. એનો ઈરાદો મકાનમાં પેસવાનો અને કરામત જાણી પૈસા કમાવાનો હતો. આ બાજુ હેર્માનની અપરાધવૃત્તિ એને કોરી ખાય છે. એ ઉમરાવદાદીની અંતિમક્રિયામાંથી ઘેર પાછો ફરે છે ત્યારે રાત્રે ઉમરાવ દાદી એને દેખા દે છે અને તીરી, સત્તો અને એક્કો એમ ત્રણ પાનાનું રહસ્ય છતું કરે છે અને એની પાસે વચન લે છે કે એ લિસાવેતાને પરણશે. હેર્મોનની પીડા ઓછી નથી. આ ત્રણ પાનાના સંદર્ભો એને ચારેબાજુથી ઘેરી લે છે. છેવટે એ જુગાર રમવા જાય છે અને બે બાજી જીતી છેલ્લી બાજી વખતે ભૂલમાં એક્કાને બદલે કાળીની રાણીને ખોલી બેસે છે એને લાગે છે કે કાળીની રાણીના પત્તામાંથી ઉમરાવ દાદી એની સામે ઝીણી આંખે હસી રહી છે. છ ભાગમાં વિસ્તરેલી આ લઘુનવલમાં હેર્માનનો અપરાધ ઊડીને આંખે વળગે એવો છે. લિસાવેતા સાથે એણે કરેલી છેતરપીંડી અને ભય પ્રસારીને મૃત્યુ તરફ ધકેલેલી ઉમરાવદાદી હેર્માનનો પીછો કરે છે. હેર્માનની આંતરિક પીડાને પુશ્કિન વાચાળ બન્યા વગર ચમત્કારી ઘટનાઓ સર્જીને વ્યક્ત કરી છે.