રચનાવલી/૭૮


૭૮. આઉટ (પ્રદીપ ખાંડવાલા)



૭૮. આઉટ (પ્રદીપ ખાંડવાલા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


‘આ બધા મૅમો, ઑર્ડર્સ, કાગળો / સહી કરવાના / આ કવિતા શું કરે છે/ ખૂણામાં ટૂંટિયું વાળીને' ઓળખાય છે આ અવાજ? આમ તો કોઈ અધિકારીનો અવાજ લાગે છે, પણ આ અધિકારી માત્ર મત્તુ મારનારો અધિકારી નથી, સંવેદનશીલ. અધિકારી છે અને તેથી જ સહી કરવાના ઢગલો કાગળોની વચ્ચેથી પણ એની નજર કવિતા પર પડી છે. સંકોચાઈને ટૂંટિયું વાળીને પડેલી કવિતાને હમણાં જાણે હાથમાં લેશે... આ સંવેદનશીલ અધિકારી એ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટના એકવારના નિયામક અને ઓર્ગેનાઈઝ૨ બિહેવિયરના નિષ્ણાત પ્રદીપ ખાંડવાલા છે. ત્રણ ત્રણ કવિતાના સંગ્રહો એમના નામ પર છે, તેઓ અંગ્રેજીમાં લખે છે. એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘વાઈલ્ડ વર્ડ્ઝ' (૧૯૮૨) છે; બીજો ‘આઉટ' (૧૯૯૪) છે, અને ત્રીજો ‘ઈનકાર્નેશન્સ’ (૧૯૯૩) છે. ભારતીય કવિ હવે અંગ્રેજીમાં કવિતા લખે છે, ત્યારે બ્રિટીશ ધોરણો કે અમેરિકન ધોરણોને ખ્યાલમાં રાખવાની જરૂર જોતો નથી. આફ્રિકન કવિની જેમ ભારતીય અંગ્રેજી કવિ પોતાની સંવેદનાનો અને અંગ્રેજી ભાષાની ભારતીય તાસીરને ધ્યાનમાં રાખીને ચાલે છે. પ્રદીપ ખાંડવાલા કહે છે કે કવિઓ આમે ય ક્રૂર હોય છે. તેઓ ભાષાનાં અંગોને સતત મોડતા રહેતા હોય છે. અને એવી પરપીડન પ્રવૃત્તિમાં પોતે પણ હવે સામેલ છે. આ કવિની નેમ ઓછામાં ઓછા શબ્દોથી કામ ચલાવવાની છે. આજે જગત જ્યારે શબ્દોના ભારથી, અધમૂવું બની ગયું છે, ત્યારે કાવે સંક્ષેપને, કહો કે તાર જેવી ભાષાને, મેદવગરની નકરી ભાષાને ઝંખે છે. જપાની હાઈકુ, ચીની લુ-શિહ કે ગઝલના એક શેરની જેમ નાનકડી જગ્યામાં આ કવિ મોટી અને ઊંચી ઈમારત બાંધવાનું સ્વપ્ન જુએ છે. એટલે કે એમની કવિતા એક થાંભલા પર પ્રાચીનકાળમાં ચણાતો એવો એક દંડિયો મહેલ ચણવા માગે છે. આ બાબતમાં એમનો ‘બહાર’ (આઉટ') કાવ્યસંગ્રહ ખાસ ધ્યાન ખેંચે છે. કવિને મતે અહીં ‘આઉટ’ના ઘણા અર્થ છે, બહાર જવું, પ્રવાસ કરવો, દેશવટો ભોગવવો, પાણીચું આપવું, પી પીને નકામા થઈ જવું. આ બધા સંદર્ભો સાથે મનના ફલક પર ઊઠતા પરપોટાની જેમ એમની રચનાઓ છે. આ રચનાઓ ત્રણથી છ પંક્તિની છે અને લાંબામાં લાંબી રચના પણ માત્ર નવ પંક્તિની છે. સંગ્રહને છ ભાગમાં વહેંચ્યો છે. પહેલા ભાગમાં કવિ ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, સૂર્ય, પૃથ્વી વગેરે ગ્રહોની મુલાકાતે જાય છે. બાળપણમાં માતા સાથે અગાશીમાં આકાશપોથી ખોલી જે તારાઓને ઓળખવાની લિજ્જત લીધેલી એનું અહીં પરિણામ છે. ‘મંગળ' વિશે લખતા કવિ કહે છે; ‘મને એકવાર ફોલ્લો થયો / એ મોટો ને મોટો થતો ગયો / અને મંગળ (ગ્રહ) બની ગયો’ પોતાના શારીરિક અનુભવને કવિએ મંગળની દાહકતામાં પલટી નાખ્યો છે. સૂર્ય વિશેની ક્લ્પના અદ્ભુત છે ‘નજીક જતાં / ખબર પડી કે સૂર્ય એક નથી | પણ આ તો ઉષ્મા માટે / ટોળે વળેલા પણ બધા અગ્નિઓ છે' અગ્નિ પાસે દાહકતા હોય, ઉષ્મા ક્યાંથી હોય? એ મળે કેવળ એકબીજાની ઓથ લઈએ તો જ. અલબત્ત કવિની ઉત્તમ રચનાઓ ‘પૃથ્વી’ પરની છે. કહે છે : ‘હું પાછો ફર્યો / સમૃદ્ધ પૃથિવીવાસી / મારા ગ્રહો પડ્યા છે.’ ક્યાંક કહે છેઃ ‘વાદળીની જેમ મેં ઝંઝાઓ અને શૂન્યો સાથે અવકાશને શોધી લીધો.... હવે મૂળ નાખવા હું પૃથ્વીનો કાદવ ઝંખું છું.' આ ગ્રહયાત્રામાં અને પ્રત્યેક ગ્રહની મુલાકાત સંદર્ભે મુકાયેલા ગદ્યખંડમાં કવિનો ભીતરી અનુભવ માણવા જેવો છે. બીજા ખંડમાં આ જ રીતે હોલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટલી, ગ્રીસ, ઇજિપ્ત વગેરેની મુલાકાતમાં કવિએ સ્થળોને નાની જગ્યામાં ઝાઝી મોકળાશ આપી છે. ફ્રાન્સમાં લાસ્કો ગુફા માટે કહે છે ઃ ત્યાં ક્યારે ય દિવસ નથી / કારણ ત્યાં અંધાર છે / ત્યાં ક્યારે ય રાત્રિ પણ નથી / કારણ ત્યાં ચમક છે.’ પ્રાગૈતિહાસિક કાળની લાકો ગુફાનાં ચિત્રોનો કેટલા ઓછા શબ્દોમાં કવિએ મહિમા કર્યો છે! ઇજિપ્તના કાર્નેક મન્દિરનું મનુષ્યને અવાક્ કરી દેનારું સ્થાપત્ય કવિએ આ રીતે રજૂ કર્યું છે; આ એક જગ્યા છે, ‘આ જ્યાં ઈશ્વર જરૂર સાંભળે છે / પણ મનુષ્યો મૂંગા બની જાય છે.' ત્રીજા ભાગમાં મેંગલોરના પ્રવાસ વખતે વિમાની સેવા ખોરવાઈ જતાં ખરાબ હૉટલના ખંડમાં કવિ માનવજગત વિશે વિચારે છે, તો ચોથા ભાગમાં આંદામાન ટાપુ પર કવિએ કાલ્પનિક દેશવટો ભોગવ્યો છે. પાંચમા ભાગમાં સહેજ હટીને વર્ણન થયું છે. એમાં કવિ ક્યાંય જતા નથી પણ પત્ની બેંગલોર જાય છે અને તેથી પત્નીના અભાવમાં પત્નીના વિશેષ રૂપ તરફ કવિ યાત્રા કરે છે : 'ગઈ કાલે રોપેલો ગુલમહોર / આકાશને ખેદાનમેદાન કરી રહ્યો છે.’ બીજી એક રચનામાં કહે છે : જ્યારે આપણે જુદાં . થઈએ છીએ / હું તારાઓમાં વિશ્વાસ રાખું છું / જેવાં આપણે ભેગાં થઈએ છીએ / કે તારાઓ આપણે અંગે ગપસપ્ શરૂ કરી દે છે.' છેલ્લે છઠ્ઠો ખંડ ‘સમુદ્ર’ અંગેનાં સંવેદનોનો છે. અંગત વેદનાનું અદ્ભુત કાલ્પનિક રૂપ કવિએ સમુદ્રમાં જોયું છે : ‘ગર્જતા ઘાવમાં પરુ ફિણાય છે.' આખા સમુદ્રને ઘાવ’માં અને ઊછળતા ફીણવાળા પાણીને પરુમાં પલટવાનો કીમિયો કવિ સિવાય બીજા કોની પાસે હોય? કવિને સમુદ્રકાંઠે ઊભા રહે એક મહત્ત્વનું સત્ય સમજાયું છે : ‘ઘણો ચરણ પાણીને છૂંદી ગયાં | બહુ ઓછાઓ એમના ચિહ્ન છોડી ગયાં છે.’ ટૂંકમાં, પ્રદીપ ખાંડવાલાની લઘુરચનાઓ આપણને લાંબી રઝળપાટો માટે રસ્તો આપે છે અને એ એની કમાણી છે.