રચનાવલી/૮૬


૮૬. શરપંજર (ત્રિવેણી)


સેમ્યુઅલ બટલરની અંગ્રેજી નવલકથા ‘એરહોન’ (૧૮૭૨)ના કાલ્પનિક પ્રદેશમાં એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાંની પ્રજામાં જો કોઈને તાવ આવે કે ટાઈફૉઈડ થાય તો એને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને જો કોઈ ખૂન કરે કે કોઈને હાનિ યા ઈજા પહોંચાડે તો એન માંદા ગણી લોકો એની ખબર જોવા જાય. આ ઊંધું જગત ચીતરીને લેખકે શરીરના રોગો અને મનના રોગો તરફ નવી રીતે ધ્યાન ખેંચ્યું છે. ખાસ તો લોકો માનસિક રોગને સહાનુભૂતિથી જોતા નથી એ તરફ ઇશારો કર્યો છે. આજનો ફ્રેન્ચચિંતક મિશેલ ફૂંકો પણ એના ‘ગાંડપણ અને સભ્યતા' નામના પુસ્તકમાં કહે છે કે યુરોપમાં સત્તરમી અઢારમી સદીમાં તો ગાંડાઓ નગરબહાર રખડતાં રખડતાં જીવી લેતા. અને ઘણીવાર એમને ગાંડાઓના વહાણમાં ચઢાવી દેવામાં આવતા. પરંતુ ૧૯ મી સદીથી ‘પાગલખાના’ હયાતીમાં આવ્યા, જ્યાં ગાંડાઓને બંધ કરી દેવાનું શરૂ થયું. અહીં માત્ર શરીરની નહીં પણ માનસિક યાતનાઓનો પણ મનુષ્ય ભોગ બને છે. ક્યારેક મનોરોગનો ભોગ બનેલો મનુષ્ય અમુક સમય માટે માનસિક સમતુલા ખોઈ બેસે પણ સારવાર પછી જો સાજો થાય તો પણ સમાજ એને સાજો સ્વીકારવા તૈયાર હોતો નથી. અને એમાંય જો સ્ત્રી હોય તો એની કૌટુંબિક અને સામાજિક યાતના કેવી અસહ્ય બની શકે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ આવા મુશ્કેલ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કન્નડ ભાષાની પ્રસિદ્ધ સ્ત્રી લેખિકા ત્રિવેણીએ ‘શરમંજર’ નામે એક મનોવિજ્ઞાન પર આધારિત નવલકથા લખી છે; જેમાં એણે સ્ત્રીના મનોરોગની ગંભીર સામાજિક સમસ્યાઓને વિષય બનાવ્યો છે. ‘શરપંજર' એ ત્રિવેણીની ખૂબ ચર્ચાયેલી અને ખૂબ વંચાયેલી કન્નડ નવલકથા છે. બહુ નોંધપાત્ર દિગ્દર્શક સદ્ગત શ્રી પુટ્ટના કનગલે એના ઉપરથી સાતમા દાયકામાં સુન્દર ફિલ્મ પણ બનાવેલી. ફિલ્મ દ્વારા નવલકથા લાખો પ્રેક્ષકો પાસે પહોંચેલી છે. ૧૯૨૮માં જન્મીને ૧૯૬૩માં ૩૫ વર્ષની યુવાવયે અવસાન પામેલી કન્નડ લેખિકા ત્રિવેણીએ માત્ર બાર વર્ષના ગાળામાં એકવીસ નવલકથાઓ અને ત્રણ વાર્તાસંગ્રહો દ્વારા બુદ્ધિજીવી વર્ગમાં જ નહીં પણ લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. વીસમી સદીના કન્નડ સાહિત્યમાં સ્ત્રીલેખિકાની ત્રણ પેઢીઓ આવી છે. પહેલી પેઢીએ સામાજિક પરિવર્તન માટે લેખનનું કાર્ય કર્યું છે; બીજી પેઢીએ જીવનની કઠોર વાસ્તવિકતાને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે; ત્રીજી પેઢીએ સાહિત્યના આનન્દ પર ધ્યાન આપ્યું છે, એમાં ત્રિવેણી મોખરે છે. સ્ત્રીજીવનને સંડોવતી ગૃહસંસારની પરિસ્થિતિઓને ત્રિવેણીએ મનોવિજ્ઞાનનાં પાસાંઓથી રજૂ કરી છે. ‘શરપંજર'માં માનસિક રોગની ઇસ્પિતાલમાં બે વર્ષ રહી આવીને મનોરોગથી સાજી થયેલી નારીને પતિની ઉપેક્ષા અને સામાજિક વ્યવહારો કઈ રીતે સાચેસાચ એને ગાંડી બનાવી મૂકે છે, એની વાત છે. માણસને જાતજાતના જીવલેણ રોગો થાય છે. માણસ ક્યારેક ઊગરી પણ જાય છે, પરંતુ શીતળાના ચાઠાની જેમ માનસિક રોગ થયો હોય એવી વ્યક્તિ પરનો ડાઘ મરણ સુધી એની સાથે કાયમ રહે છે. આ નવલકથાની નાયિકાને લાગે છે કે જ્યાં ને ત્યાંથી દયાનાં, ઉપેક્ષાનાં, જાકારાનાં, તિરસ્કારનાં બાણો એની સામે છૂટ્યાં કરે છે અને પોતે બાણોના પિંજરામાં કેદ છે. આ બાણોના પિંજરામાંથી એની કોઈ મુક્તિ નથી. પાંજરામાં કેદ વાઘસિંહને જુએ છે તેમ લોકો એને જોયા કરે છે. એના જ લોકોએ ખોટા સિક્કાની જેમ એને ચલણમાંથી બહાર ફેંકી દીધી છે. નરી આંખે જોઈ ન શકાય એવી નાયિકાના અંદરના માનસિક જગતનો અને એના આઘાત પ્રત્યાઘાતનો આલેખ અહીં રજૂ થયો છે. આ નવલકથાની નાયિકા કાવેરી નારાયણપ્પા અને વિશાલામ્માનાં પાંચ સંતાનોમાંનું એક છે. પહેલેથી જ કુટુંબમાં એવી સમજ હતી કે કાવેરી મોટી થશે ત્યારે એને એના ફોઈના દીકરા વિવેક સાથે પરણાવવામાં આવશે. કાવેરી મોટી થઈને રૂપરૂપનો અંબાર બને છે. પહેલી જ નજરમાં કોઈના લગ્નમાં સતીશ નામના કોઈ યુવાનને કાવેરી ગમી જાય છે અને સતીશ કાવેરીના પ્રેમમાં પડે છે. અત્યંત ફાંકડો અને રૂપાળો સતીશ વિવેક કરતાં કાવેરી માટે વધુ યોગ્ય છે એવું વિચારી કાવેરીનાં માતાપિતા કાવેરીને વિવેકને બદલે સતીશ વેરે પરણાવી દેવાનું નક્કી કરે છે. વિલ્ક મામામામી પર વેર લેવા મનમાં ગાંઠ વાળે છે અને લગ્ન પહેલાં કાવેરીને પોતાની હવસનો શિકાર બનાવે છે. વિવેક દ્વારા થયેલા જાતીય હૂમલાની સ્મૃતિને મનમાં ધરબી દઈ કાવેરી સતીશને પરણે છે. અરવિંદ પછી બીજા સંતાન અશોકનો જન્મ થયો ત્યાં સુધી તો કાવેરીનું જીવન સમથળ ચાલે છે. સતીશનો અઢળક પ્રેમ છે અને સંવેદનશીલ સુંદ૨ કાવેરીનો એના આસપાસના જગત પર અદ્ભુત પ્રભાવ છે. પણ બીજા સંતાન અશોકના જન્મ વખતે સુવાવડ પછીના ગાળામાં કાવેરીની ધરબી રાખેલી સ્મૃતિઓ સપાટી પર ઊભરી આવે છે; અને એ માનસિક રીતે ભાંગી પડે છે. કાવેરીને માનસિક ઇલાજ માટે ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવે છે. બે વર્ષના ઇલાજ પછી કાવેરી સાજી થાય છે અને માનસિક રીતે સ્વસ્થ બની જાય છે. કાવેરી કુટુંબમાં પાછી ફરે છે. પણ એના ઘરવાળાઓ અને સવારના સભ્યો એના માનસિક રોગને ભૂલી શકતા નથી. કાવેરી સ્વસ્થ અને સાધારણજીવન માટે જેમ જેમ પ્રયત્ન કરે છે તેમ તેમ લોકો એના માનસિક રોગને યાદ કરાવી એને શંકાની નજરે જ જોયા કરે છે. અતિ સંવેદનશીલ બની ગયેલી કાવેરીને અંતે જ્યારે ખબર પડે છે કે એક સમયે પોતાને એક પળ પણ અળગી ન રાખનાર પતિની ઉપેક્ષાનું કારણ એના ઈલાજ દરમ્યાનની ગેરહાજરીમાં અન્ય સ્ત્રી સાથેની સંડોવણી છે, એ સાથે કાવેરી સંપૂર્ણ સમતુલા ગુમાવી બેસે છે. ફરીને કાવેરી પાગલખાનામાં કેલાઈ જાય છે. નવલકથામાં સાજી થયેલી કાવેરીને ઉત્તરોત્તર બનતા પ્રસંગો કઈ રીતે ગાંડપણ તરફ દોરી જાય છે એની માવજત ઉત્તમ રીતે થયેલી છે. આ સફળ નવલકથાને કર્ણાટક સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું છે.