રચનાવલી/૮૭


૮૭. શિકાર (યશવંત ચિત્તાલ)


કોઈકે કહ્યું કે ઈશ્વર મરી ગયો છે, કોઈકે કહ્યું કે સમાજ મરી ગયો છે. કોઈકે કહ્યું કે સંસ્કૃતિ મરી ગઈ છે, કોઈકે કહ્યું મનુષ્ય મરી ગયો છે. વિકસતા મહાઉદ્યોગો, ટૅક્નોલોજીની મહાચૂડ અને મૂડીવાદની મહાપકડમાં મૂલ્યો નેસ્તનાબૂદ થયાં છે. બબ્બે મહાયુદ્ધોએ મનુષ્યની શ્રદ્ધાનો ખાતમો બોલાવ્યો છે. માનવજાતિના માથા પરથી સહીસલામતીનું છાપરું જ ઊડી ગયું છે. કદાચ ડર આ યુગનું પરમ લક્ષણ છે. દરેક જણ દરેક જણની સામે કાવતરું કરતો જણાય છે. મળી એટલી ગતિમાં મનુષ્ય જગતના આ ખૂણેથી પેલા ખૂણા સુધી અને પેલા ખૂણાથી આ ખૂણા સુધી દિશાહીન દોડાદોડીમાં પડ્યો છે. એનાં મૂળ જ રહ્યાં નથી. કદાચ કપાઈ ગયાં છે. મૂળ વગર એ શંકુની જેમ જ્યાં ને ત્યાં અથડાયા કરે છે. કોઈનો કોઈની સાથે જાણે સંબંધ નથી. મનુષ્ય જાણે કે બહુ મોટી ભૂલભૂલામણીમાં પેસી ગયો છે. જીવનનું ઠેકાણું નથી અને મૃત્યુ ગમે ત્યાં ઊભું છે. તર્ક કામ કરતો અટકી ગયો છે. કાફકા, કામૂ બૅકિટ જેવા વીસમી સદીના લેખકોએ ભીતરી ભયાવહ રૂપને, જોખમમાં મુકાયેલા અસ્તિત્વને ઓળખ્યું છે અને પોતાનાં લખાણોમાં એને રજૂ કર્યું છે. આવા લેખકો જે તે દેશના નથી રહેતા, જગતના ઘણા બધા લેખકોમાં આનો પડઘો પડ્યો છે. આ પડઘો આ લેખકોને કારણે તો હશે જ, પણ પોતાના અનુભવમાંથી પણ પડઘો પડ્યો છે. આને કેવળ પશ્ચિમમાંથી આવેલી ફૅશન સમજી લેવાની જરૂર નથી. આ જ રીતે યશવંત ચિત્તાલ (૧૯૩૮) નામનો એક કન્નડ લેખક એની ‘શિકાર’ (૧૯૭૯) નવલકથામાં થોડા પ્રયોગ સાથે માણસની આજની સ્થિતિની શોધમાં નીકળ્યો છે. એની નવલકથાનો નાયક નાગપ્પા પણ જર્મન કથાકાર કાફકાની નવલકથા ‘ટ્રાયલ’ના નાયક ‘કે’ જેવો ગૂંચવાયેલો છે. ડરના જગતમાં જીવે છે અને ક્ષણે ક્ષણે એ ડરનો સામનો કરે છે. ડમાંથી ઊગરવા મનતોડ મહેનત કરે છે. નવલકથાની શરૂઆતમાં ભયભીત અને ગૂંચવાયેલા પ્રાણી જેવો નાગપ્પા નવલકથાને અંતે સ્વેચ્છાએ લાલચને ફગાવી, સ્પર્ધાના ભ્રષ્ટ જગતને જાકારો આપી પોતાના ભાગી ગયેલા ભાઈ અને ગૂમ થયેલી બહેનની શોધમાં નીકળી સાચા લાગણીના સંબંધને પામવા મથી રહે છે. ચિત્તાલની ‘શિકાર' નવલકથા ખૂબ ચર્ચાયેલી અને દશકાની ઉત્તમ ગણાતી નવલકથા છે. એને ૧૯૮૩માં સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક પણ મળ્યું છે. ચિત્તાલના ગદ્ય વિશે અનંતમૂર્તિ જેવા કન્નડ સાહિત્યકારે કહ્યું છે કે કન્નડની ઉત્તમ કવિતા કાં તો ચિત્તાલના ને કાં તો લંકેશના ગદ્યમાં પડેલી છે. ‘શિકાર’ નવલકથામાં લેખક ચિત્તાલનો પોતાનો હાર્લેમ બેકેલાઈટ લિમિટેડ કંપનીના માર્કેટિંગ ડિરેક્ટર તરીકેનો અનુભવ પણ ખપમાં આવ્યો છે. નાગપ્પા હવેહલ્લીમાંથી આવી મુંબઈમાં વસેલો મુંબઈની કંપનીમાં ઍક્ઝિક્યુટિવ છે. એક સવારે એને કંપનીમાંથી ખબર મળે છે કે કોઈ ગંભીર આરોપસર તરત એને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યો છે. કંપની જલદી કારણ બતાવશે, ત્યાં સુધી નાગપ્પાએ ઑફિસમાં જવું નહીં. આરોપ જો જૂઠો સાબિત થાય તો એવી પરિસ્થિતિમાં નાગપ્પાને નુકસાન ન પહોંચે એ માટે એને એક મહિનાની રજા પર ઊતરી જવા સલાહ આપવામાં આવી હતી. હજી હમણાં તો એને કંપની અમેરિકા મોકલવાની હતી. અને આ કેમ બન્યું એની ગૂંચમાં નાગપ્પા પડી જાય છે. એનો ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ફિરોઝની વેરભાવના હોઈ શકે. નાનપણનો પ્રતિસ્પર્ધી શ્રીનિવાસરાવ પણ હોઈ શકે. શ્રીનિવાસરાવ કોઈ નેત્રવતી નામની સ્ત્રીના પ્રેમમાં પડી એને દગો દઈ બેઠેલો અને નેત્રવતીએ આપઘાત કરેલો. કોર્ટમાં શ્રીનિવાસની વિરુદ્ધ પોતે જુબાની આપેલી અને એને દોષી ઠરાવેલો. શ્રીનિવાસ એનો બદલો પણ લેતો હોય. મેનેજર જલાલને ભૂલમાં એણે પોતાને અમેરિકા જવાનું થવાનું છે એ વાત કરી દીધેલી. ને ત્યારથી કદાચ આ દુર્ભાગ્યની શરૂઆત થઈ હોય. નાગપ્પાને થાય છે કે હું દરેક પર અવિશ્વાસ કરવાની સ્થિતિ પર પહોંચી ગયો છું. પછી તો મેરીનો ફોન, દવાની દુકાનદારનો પ્રશ્ન – આ બધા એના તરફ આશ્વાસન બતાવતા હતા. એમાં એને શ્રીનિવાસનું કાવતરું જોવાતું હતું. પોતાની સફાઈ આપવા માટે નાગપ્પાને પ્લેનમાં હૈદ્રાબાદ પહોંચવાનું હતું. પ્લેનમાં મેરીની એરહૉસ્ટેસ મિત્ર પણ એ જ સવાલ કરે છે. હૈદ્રાબાદ પહોંચે છે તો એની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. કંપની કાર મોકલતી નથી, ટેક્સી કરીને એ હૉટેલ પર જાય છે; તો સંદેશો મળે છે કે એણે સફાઈ માટે મુંબઈ પાછું જવાનું છે. મુંબઈમાં તાજમહાલ હૉટેલના ચોક્કસ રૂમમાં એની મુલાકાત ગોઠવાયેલી તે મુલતવી રહે છે. પછી જ્યારે મુલાકાત યોજાય છે ત્યારે નાગપ્પાના માતાપિતાને કેટલાં સંતાન હતાં, એવો અસંગત પ્રશ્ન પુછાય છે. નાગપ્પા ચીઢાઈને પૂછે છે ‘કૃપા કરી મને સમજાવો કે આ તપાસનો ઉદ્દેશ શો છે?’ એને કહેવામાં આવે છે કે આ એનો ઇન્ટરવ્યુ પણ છે અને એનું ઇન્વેસ્ટીગેશન પણ છે. જો નિર્દોષ સાબિત થાય તો એને બઢતી આપવામાં આવશે. ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં નાગપ્પાને સંડોવવાનો એના ઉપલા ભ્રષ્ટ અધિકારીઓ પ્રયત્ન કરે છે. આ પછી તૈયાર કરેલા રિપોર્ટ પર સહી કરવા ભ્રષ્ટ અધિકારીઓ દબાણ લાવે છે, ત્યારે નીડરતાથી નાગપ્પા રાજીનામું ધરી દે છે. નાગપ્પાનું રાજીનામું આવતાં ડરેલા અધિકા૨ીઓ એને લાલચ આપવા પ્રયત્ન કરે છે. પણ નાગપ્પા એકનો બે થતો નથી. એને લાગે છે કે ભાગી ગયેલો ભાઈ અને ગૂમ થયેલી બહેનને શોધવાં એ જ એનું સાચું લક્ષ્ય હોઈ શકે.... એ દાદર ઊતરી જાય છે. સ્વેચ્છાએ સ્વાર્થીજગતમાં સફળતા અંગેની લાલચને છોડી અને સ્વેચ્છાએ ઉપરીક્ષેત્રના આધિપત્ય સાથે વ્યર્થ લડવાનું છોડી નાયક નાગપ્પા છેલ્લે સાચા સંબંધની શોધમાં નીકળી પડે છે એ ક્રિયાને કારણે પ્રપંચ અને ડરથી ભરેલા વાતાવરણવાળી આ નિરાશ નવલકથામાં એક આછો આશાનો અણસાર વર્તાય છે.