રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

દીપક મહેતા (જન્મ ૨૬ નવે. ૧૯૩૯)

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અઠંગ અભ્યાસ અને નિષ્ઠાપૂર્વક સંશોધનનું સમાનાર્થી નામ એટલે દીપક મહેતા. પાંચ દાયકાથી વધુ સમયથી એમણે ગુજરાતી સાહિત્યનાં વિવેચન, સંપાદન, સાહિત્યિક ઇતિહાસલેખન અને ગુજરાતની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાના દસ્તાવેજીકરણ ક્ષેત્રે અવિરત અને નોંધપાત્ર કાર્ય કર્યું છે. વિદ્યાર્થીકાળમાં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીપક મહેતાએ ઓગણીસમી, વીસમી અને એકવીસમી – એમ ત્રણ સદીના ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે એક વિશિષ્ટ અને વિશ્વસનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાર્યકાળની શરૂઆતમાં કે. જે. સોમૈયા કોલેજમાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક. ત્યારબાદ પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે કાર્યરત રહ્યા પછી એક દસકો નવી દિલ્હીમાં લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના ભાષા સાહિત્ય-વિશેષજ્ઞ તરીકે તેમ જ મુંબઈ ખાતે યુ.એસ. ઇન્ફોર્મેશન સર્વિસમાં કલ્ચરલ અફેર્સ સ્પેશ્યાલિસ્ટ તરીકે તેમણે ભારતીય અને વૈશ્વિક સાહિત્ય વચ્ચે જ્ઞાનવિનિમય, ગ્રંથસંગ્રહ અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપ્યું. દીપક મહેતાએ લેખક, સંપાદક, અનુવાદક અને સંકલનકાર તરીકે પચાસથી વધુ ગ્રંથો આપ્યા છે. ખાસ કરીને ઓગણીસમી સદીના ગુજરાતી સાહિત્ય, મુદ્રણસંસ્કૃતિ, પત્રકારત્વ, અને ગુજરાતી ગ્રંથપ્રકાશનના ઇતિહાસ અંગેનું તેમનું સંશોધન ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનમાં એક મહત્વપૂર્ણ પ્રદાન છે. સંપાદક તરીકે ‘માતૃવંદના’ના પાંચ ભાગ ઉપરાંત, ‘વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓ’, ‘મુનશીનો વૈભવ’ મોખરે છે. અગ્રણી સામયિકો અને અખબારોમાં તેમણે વિવેચનલેખો, સંશોધનલેખો, પુસ્તકોની સમીક્ષાઓ, મુલાકાતો અને અનુવાદોનું વિશાળ લેખન કર્યું છે. સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત ‘Anthology of Modern Indian Literature’, તથા ‘Encyclopedia of Indian Literature’ જેવાં મહત્ત્વનાં પ્રકાશનોમાં તેમનું સંપાદકીય અને લેખન-યોગદાન ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં પ્રતિષ્ઠિત બનાવે છે. મુંબઈ સમાચારમાં બાર વરસ સુધી પ્રગટ થયેલી લોકપ્રિય ‘વર્ડનેટ’ કૉલમ દ્વારા તેમણે સાહિત્ય-ચિંતનને સામાન્ય વાચકો સુધી સરળ અને રસપ્રદ રીતે પહોંચાડ્યું છે. એ જ રીતે કોઈ પણ એક જ શહેર વિશે સતત સાત વરસથી ગુજરાતી મિડ-ડેમાં પ્રગટ થતી ‘ચલ મન મુંબઈ નગરી’ કૉલમ પોતે જ એક વિક્રમ સમાન છે. એમની દીર્ઘકાલીન અને મૂલ્યવાન સાહિત્યસેવાને અનેક સંસ્થાઓએ પોંખી છે. તેમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’, અનંતરાય રાવળ વિવેચન પુરસ્કાર, રમણલાલ જોશી વિવેચન પુરસ્કાર, ગિરનાર એવોર્ડ તથા ગંગાબહેન પટેલ પુરસ્કાર સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા છે.

– ખેવના દેસાઈ