રમણીક સોમેશ્વરની કવિતા/ઉત્ખનન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૩. ઉત્ખનન

આ ઉત્ખનન
મારી ભીતરનું
ટીંબાઓ ખોદતાં ઊઠેલા
ધૂળના ગુબ્બાર
ખોદતાં ખોદતાં
નજરે ચડે
ઝાંખીપાંખી ધાર
સાચવી સાચવી
ખોદું આરપાર
આંધળી ગલીઓ
ધીમેધીમે ઊપસતા આકાર
રસ્તા
દુકાનો
મકાનોની હાર
ઓરડા
ઓસરિયું
નાવણિયાં...
ને પછી
ભગ્ન અવશેષો હયાતીના
હાડપિંજરોનાં પોલાણોમાં
ફૂંકાતો પવન
ને
જીવનનાં કેટલાંય રૂપો
ઊભરતાં આંખ સામે
આંખ સામે
હરતા-ફરતા
દેહ
અંદરની આંટીઘૂંટીમાં
સાંધતા
સમયને તાંતણે
અઢળક ભાવો
અભાવો

ભેજલ અંધકારમાં
ફરીફરી
ગર્ભ ધરે
ઇતિહાસમાં પલટાતી જતી
પળો...