રમણીક સોમેશ્વરની કવિતા/સરગવાના સુંગધભીના–

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૦. સરગવાના સુગંધભીના

સરગવાના સુગંધભીના વૃક્ષ નીચે
હું સૂતો હતો.
એક નાનકડું શ્વેતકંઠ આવ્યું
મને
આમ પડેલો જોઈ
પહેલાં તો જરા ખમચાયું
પછી
કોણ જાણે કેમ
એણે મને માફ કરી દીધો
અને
પોતાના માળામાં પ્રવેશ્યું

માળામાંથી
શ્વેતકંઠના બચ્ચાંઓનો
મંદ કલશોર સંભળાયો

પવનના હાલરડાથી
હું
જરા ઝોલે ચડ્યો
ત્યાં
કીડીનો પદરવ સાંભળી
જાગી જવાયું
એ પદરવમાં
ઉલ્લાસ હતો,
પાસેના છોડ પર ફૂટેલા
એક તાજા પાનનો
જન્મોત્સવ ઉજવવા
કેટલીક કીડીઓ ભેગી થઈ હતી.
પતંગિયાએ છેડેલી
મધુર તરજથી
પુષ્પો તાનમાં આવી ગયાં
આ બધાં
disturb ન થાય તે માટે
હું
શ્વાસ સમેટી
ચૂપચાપ ત્યાંથી ચાલતો થયો