રવીન્દ્રપર્વ/નિવેદન
અભ્યાસકાળ દરમિયાન ઉષા સુરેશ જોષીએ વાણીના અંકો મને આપ્યા. પાનાં ઉથલાવતાં રવીન્દ્રસ્મૃતિ વિશેષાંક પર ધ્યાન ગયું. બંગાળી શીખવા માટેના પ્રયત્નો આરંભ્યા, જોકે સફળતા હજુ પણ નથી મળી. રવીન્દ્રનાથને મેં સુરેશ જોષીની આંખે જોયા. આ કવિવરનો ભારે પ્રભાવ સુરેશ જોષી ઉપર પડ્યો હતો. તેમને તો શાળાજીવનનાં વર્ષોથી રવીન્દ્રનાથનો છન્દ લાગ્યો હતો. કોઈની સહાય વિના જ બંગાળી ભાષા શીખી લીધી અને પછી તો વર્ષોનાં વર્ષો સુધી રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદ તેઓ કરતા જ રહ્યા. કેટલાક અનુવાદ સાહિત્યઅકાદેમી(દિલ્હી)એ તેમની પાસે કરાવ્યા પરન્તુ મોટા ભાગના અનુવાદ તેમણે પોતાની રીતે કર્યા. ઈ.સ. ૧૯૪૭-૪૮ના વાણીના રવીન્દ્રવિશેષાંકે ઘણાંબધાંનું ધ્યાન ખઁચ્યું. ગુજરાતીમાં રવીન્દ્રનાથ ઠાકુરના અનુવાદોની એક દીર્ઘ પરમ્પરા છે. કોઈએ શોધનિબન્ધ નિમિત્તે આની ચર્ચા કરવા જેવી છે. સુરેશ જોષીના અનુવાદો ગુજરાતી અનુવાદસાહિત્યનું એક સોનેરી પ્રકરણ છે. વીરેન્દ્રકુમાર જૈન વાણીમાં પ્રગટ થયેલા અનુવાદો પર વારી ગયા હતા. વિશ્વની જે ભાષાઓમાં કવિવરના અનુવાદો પ્રગટ થયા તેમાં સૌથી ઉત્તમ અનુવાદો સુરેશ જોષીના હતા એવું તેમને લાગ્યું. સુન્દરમે ‘અર્વાચીન કવિતા’ની બીજી આવૃત્તિમાં સુરેશ જોષીએ કરેલા આ અનુવાદો બદલ ભારે રાજીપો વ્યક્ત કર્યો હતો. અહીં જે અનુવાદો ગ્રન્થસ્થ કર્યા છે તે મુખ્યત્વે કવિતાના અને નિબન્ધોના છે. એક અચરજ એ વાતનું છે કે સુરેશ જોષીએ નાટકોમાંથી કે ટૂંકી વાર્તાઓમાંથી અનુવાદો કર્યા જ નથી અને એ વિશે કોઈ વિવેચના પણ કરી નથી. આ સંજોગોમાં સમય જતાં મને લાગ્યું કે કવિગુરુના જેટલા અનુવાદ સુરેશ જોષીએ કર્યા હોય તે બધાનો સંચય કરવો. ૭૦-૮૦ના દાયકામાં એ બધા અનુવાદો ભેગા કરવા બેઠો. મેં તૈયાર કરેલી ફાઇલ મુંબઈ પહોંચી ગઈ, ત્રણેક વરસ એમ ને એમ ધૂળ ખાતી ત્યાં પડી રહી. છેવટે થાકી હારીને મુંબઈથી એ હસ્તપ્રત પાછી લઈ આવ્યો. સુરેશ જોષીના અવસાન પછી પણ એના પ્રકાશનની દિશામાં કશું નક્કર કરી ના શકાયું. કેટલાક ધનાઢ્ય મિત્રોએ આના પ્રકાશનમાં રસ બતાવ્યો પણ અંગત કારણોસર તેઓ દૂર રહ્યા. છેવટે મારા સહાધ્યાયી મિત્ર નવીન પંડ્યાએ રસ બતાવ્યો અને એના સૌજન્યથી આટલાં વરસે આ પ્રકાશન શક્ય બન્યું તેનો આનન્દ છે. આપણને અચરજ થશે પણ કવિવરના ૧૫૫મા જન્મદિવસે સંપૂર્ણ રવીન્દ્રનાથ ચીની ભાષામાં પ્રગટ થયા. પશ્ચિમી સંસ્કૃતિ અને લોકોના વર્ચસવાળા જગતમાં પહેલી વાર એશિયાવાસી સર્જકનો અવાજ સંભળાયો એનાથી પૂર્વની પ્રજા આનન્દવિભોર બની ગઈ હતી. કોઈ ચીની અનુવાદક ફેન્ગે રવીન્દ્રનાથને અવળી રીતે ચિતરીને કવિને કે ભાવકને જરાય અભિપ્રેત ન હોય એવી અશિષ્ટતા આલેખી અને ત્યાંના ટાગોરપ્રેમીઓ એ વિકૃત અનુવાદ પર ટૂટી પડ્યા હતા. આ પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, જયદેવ શુક્લ, બકુલ ટેલર, રાજેશ પંડ્યા. પ્રણવ જોષી વગેરે મિત્રોએ ખૂબ જ ઉત્સાહ બતાવ્યો તેનો રોમાંચ છે. શિરીષ પંચાલ