રવીન્દ્રપર્વ/૧૭૪. આશા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭૪. આશા

જે મોટાં મોટાં કામ કરું છું તે એટલાં અઘરાં નથી; જગતના હિતને ખાતર આખા વિશ્વમાં ફરતો ફરું છું. સાથીઓની ભીડ વધતી જાય છે; લખવાવાંચવાનું વધતું જાય છે; અનેક ભાષાઓમાં પ્રલાપ ચાલ્યા કરે છે, ઘણી તોડજોડ થતી રહે છે. ધીમે ધીમે જાળ ગુંથાતી રહે છે, ગાંઠ પર ગાંઠ બંધાતી જાય છે, ઈંટ પર ઈંટ અને ઓરડા પર ઓરડો, ચણાયે જાય છે. કીર્તિને કોઈ સારી કહે છે. કોઈ કહે છે ખરાબ, કોઈ વિશ્વાસથી પાસે આવે છે, કોઈ સન્દેહ રાખે છે. થોડીક સાચી તો વળી થોડીક બનાવટી — કંઈ ને કંઈ સામગ્રી આવી મળે છે ને આખરે એમાંથી કશુંક ને કશુંક બની આવે છે. પણ જે બધી નાની આશા તે અતિશય કરુણ છે; સાંભળવામાં સહેલી લાગે પણ જરાય સહેલી નહીં. ગીતમાં, સૂરમાં, ફૂલની સુવાસ સાથે ભળેલું, સહેજસરખું સુખ; વૃક્ષની છાયામાં બેસીને સ્વપ્નો જોવાં, અવકાશનો નશો કરવો: મનમાં હતું કે આટલું તો ઇચ્છતાં જ મળી જશે. પણ જ્યારે એને ઇચ્છું છું ત્યારે જ જોઉં છું તો એ ચંચલા ક્યાંય દેખાતી નથી. આકાર વગરના અને પાર વગરના બાષ્પ(ગૅસ)ની વચ્ચે વિધાતાએ કમર કસીને આકાશને કંપાવી દઈને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે આદ્યયુગના એ પરિશ્રમથી પહાડ ઊંચા થયા, લાખ જુગનાં સ્વપ્નોને અન્તે વિધાતા પ્રથમ ફૂલનો ગુચ્છ પામ્યા. ઘણા દિવસથી મનમાં આશા સેવી હતી: ધરતીને એક ખૂણે હું મારી ઇચ્છા મુજબ રહીશ. ધન નહીં, માન નહીં, અમથા એક ઘરની આશા સેવી હતી. વૃક્ષની સ્નિગ્ધ છાયા, નદીની ધારા, ગોરજટાણે સન્ધ્યાવેળાના તારાને ઘરમાં આણવો(ઘરમાંથી જોવો), બારી પાસે ચમેલીની સુવાસ, નદીને સામે કાંઠે પ્રભાતનો પ્રથમ પ્રકાશ : આ બધાંને વળગી પડીને, ઘેરી વળીને મારા જીવનના થોડાશા દિવસોને હાસ્ય અને ક્રંદન ધીરે ધીરે ભરી દેશે; ધન નહીં, માન નહીં, અમથા એક ઘરની મેં આશા સેવી હતી. ઘણા દિવસથી મને આશા હતી, અન્તરનું ધ્યાન સમ્પૂર્ણ વાણી પામશે; ધન નહીં, માન નહીં, પોતાની ભાષાની મેં આશા સેવી હતી. આથમતો સૂર્ય વાદળે વાદળે કલ્પનાના અન્તિમ રંગે સમાપ્તિની છબિ આંકી જાય છે; મારો સ્વપ્નલોક પ્રકાશ અને છાયાથી, રંગે અને રસે એવી જ માયાથી રચી દઈશ. તે બધાંને વળગી પડીને ઘેરી વળીને મારા જીવનના થોડાશા દિવસોને હાસ્ય અને ક્રન્દન ધીરે ધીરે ભરી દેશે; ધન નહીં, માન નહીં, ધ્યાનની ભાષાની મેં આશા સેવી હતી.ઘણા દિવસથી મને આશા હતી; પ્રાણની ગભીર ક્ષુધા(પોતાની તૃપ્તિ માટે) એની અન્તિમ સુધા પામશે; ધન નહીં, માન નહીં, થોડા શા પ્રેમની મેં આશા કરી હતી. હૃદયના સૂરથી નામ દેવું, અકારણે પાસે સરીને હાથમાં હાથ રાખવો, દૂર જતાં એકલા બેસી મનમાં ને મનમાં એનો વિચાર કરવો, પાસે આવતાં બે આંખોમાં બોલતી હોય એવી ચમક હોવી — આ બધાંને વળગી પડીને, ઘેરી વળીને મારા જીવનના થોડાશા દિવસોને હાસ્ય અને ક્રન્દન ધીરે ધીરે ભરી દેશે; ધન નહીં, માન નહીં, થોડા શા પ્રેમની મેં આશા કરી હતી. (પૂરબી)
(એકોત્તરશતી)