રવીન્દ્રપર્વ/૨૧૬. બંગાળનાં લોકગીતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧૬. બંગાળનાં લોકગીતો

લોકગીતના વિષયના મુખ્ય બે વિભાગ પાડી શકાય: હરગૌરી વિષયક અને કૃષ્ણરાધા વિષયક. હરગૌરીનો વિષય એ દરેક બંગાળીના ઘરઘરની કથા છે જ્યારે કૃષ્ણરાધાનો વિષય બંગાળીના હૃદયભાવની કથાને વ્યક્ત કરે છે. એકમાં સામાજિક દામ્પત્યબન્ધન છે, જ્યારે બીજામાં સમાજબન્ધનથી અતીત એવો પ્રેમ છે. દામ્પત્યસમ્બન્ધમાં એક વિઘ્ન રહ્યું છે — એ છે દારિદ્યનું. એ દારિદ્યશૈલને વેષ્ટન કરીને હરગૌરીની કથા ચારે દિશાએથી તરંગિત થઈ ઊઠે છે. ક્યારેક સાસુસસરાનો સ્નેહ એ દારિદ્યે આઘાત કરે છે. ક્યારેક વળી સ્ત્રીપુરુષનો પ્રેમ એ દારિદ્યની ઉપર જઈને પ્રતિહત થાય છે. બંગાળના કવિહૃદયે આ દારિદ્યને મહત્ત્વથી અને દેવત્વથી બહુ ઉચ્ચ કક્ષાએ મૂક્યું છે. વૈરાગ્ય અને આત્મવિસ્મૃતિ દ્વારા દારિદ્યની હીનતાને ભૂંસી નાખીને કવિ એના ઐશ્વર્યને અનેકગણું વધારી દે છે. ભોળાનાથે દારિદ્યને અંગનું ભૂષણ બનાવી દીધું હતું — દરિદ્ર સમાજને પક્ષે આવો આનન્દમય આદર્શ બીજો કોઈ પણ નથી. હું નિરાધાર છું એમ કહે તે ગરીબ — મને કશાની આવશ્યકતા નથી એમ જે કહી શકે તેને શાનો અભાવ? શિવ એનો જ આદર્શ છે. બીજા દેશમાં હોય છે તેમ ભારતવર્ષમાં ભદ્રતા ધન સાથે જ સંકળાયેલી હોતી નથી. પહેલાંના વખતમાં તો એવું નહોતું જ. કુલશીલસમ્માનવાળાં ઘર કે વંશમાં પૈસો ન હોય એવું આપણા દેશમાં ઘણુંખરું જોવામાં આવતું. એથી જ તો આપણા દેશમાં ધનિક અને નિર્ધનોની વચ્ચે કન્યાનું આદાનપ્રદાન સદા ચાલતું આવ્યું છે. સામાજિક આદર્શ ભલે ને ગમે તે હોય, પણ ધનમાં એક સ્વાભાવિક મત્તતા તો રહી જ હોય છે. ધનના ગૌરવને કારણે ધનિક દરિદ્રના પ્રત્યે કૃપાકટાક્ષપાત કરી શકે. જ્યાં સામાજિક ઉચ્ચનીચતા નથી હોતી ત્યાંયે ધનની ઉચ્ચનીચતા વચ્ચે આવીને જાણે વિપ્લવ ઊભો કરી દે છે. આ પ્રકારની સ્થિતિ દામ્પત્યસમ્બન્ધમાં એક મોટા વિપાકનું કારણ બની રહે છે. સ્વાભાવિક રીતે જ જ્યારે ધનિક શ્વસુર દરિદ્ર જમાઈની અવજ્ઞા કરે ત્યારે ધનિક પુત્રી દરિદ્ર પતિ અને પોતાના દૈવથી ઉદાસ થઈ જાય ત્યારે ગૃહધર્મ પણ વિક્ષુબ્ધ થઈ ઊઠે. દામ્પત્યના આ દુગ્રહને શી રીતે ટાળી શકાય તે હરગૌરીની કથા દ્વારા વર્ણવાયું છે. અટલ શ્રદ્ધા એ સતી સ્ત્રીનું એક ઉપાદાન છે. એનું બીજું ઉપાદાન તે દારિદ્યની હીનતાનું મોચન, એનું મહત્ત્વકીર્તન. ઉમાપતિ દરિદ્ર હોવા છતાં હેય નહોતા અને સ્મશાનચારીની સ્ત્રી પતિગૌરવે ઇન્દ્રની ઇન્દ્રાણી કરતાંય શ્રેષ્ઠ બની ગઈ હતી. દામ્પત્યબન્ધનનું એક બીજું મોટું વિઘ્ન તે સ્વામીનું વાર્ધક્ય અને કુરૂપતા. હરગૌરીના સમ્બન્ધમાં એને પણ પરાભૂત કરી દેવામાં આવ્યું હતું. વિવાહસભામાં જ્યારે વૃદ્ધ જમાઈને જોઈને મેનકા આક્ષેપ કરતી હતી ત્યારે અલૌકિક પ્રભાવથી વૃદ્ધનાં રૂપયૌવન અને વસનભૂષણ પ્રકટ થયાં. આ અલૌકિક રૂપયૌવન દરેક વૃદ્ધ સ્વામીને હોય છે. એનું પ્રકટ થવું સ્ત્રીની આન્તરિક ભક્તિપ્રીતિના ઉપર નિર્ભર થઈને રહે છે. ગામડાનો ભિક્ષુક કથાકાર ગાયક હરગૌરીની કથા દ્વારા દ્વારે દ્વારે ફરી ફરી એ જ ભક્તિનો ઉદ્રેક કરતો ફરે છે. ગામડાની કવિપ્રતિભા આટલાથી જ શાન્ત થઈ જતી નથી. શિવને ગાંજો, ભાંગ વગેરેના નશાથી ઉન્મત્ત કરવામાં આવ્યા છે. કેવળ એટલું જ નહીં, અસભ્ય સ્ત્રીના પ્રત્યેની આસક્તિ ચીતરવાનુંય બાકી રાખ્યું નથી. કાલિદાસનો અનુત્તરંગ સમુદ્ર અને નિર્વાતનિષ્કમ્પ દીપશિખાવત્ યોગીશ્વર બંગાળનાદ્વ ગામડાંમાં આવીને આવી દુર્ગતિ પામ્યો છે. પરન્તુ આ બધું જવા દઈએ તો હરગૌરીની કથા એ પ્રધાનતયા નાનાંમોટાં સૌ વિઘ્નો પરના દામ્પત્યના વિજયની કથા છે. હરગૌરીના કથાપ્રસંગમાં આપણા એકાન્નપારિવારિક સમાજની મર્મરૂપિણી સ્ત્રીનો એક જીવન્ત આદર્શ મૂર્ત થઈ ઊઠે છે. સ્વામી ભલે ને ગમે તેટલા દીન દરિદ્ર વૃદ્ધ કે વિરૂપ હોય, સ્ત્રી તો રૂપયૌવન ભક્તિપ્રીતિ ક્ષમાધૈર્ય અને તેજના ગર્વે સમુજ્જ્વલા જ રહેવાની. સ્ત્રી જ દરિદ્રનું ધન છે, ભિખારીની અન્નપૂર્ણા છે, રિક્તગૃહની સમ્માનલક્ષ્મી છે. હરગૌરીનું ગીત જેમ સમાજનું ગીત છે, તેમ રાધાકૃષ્ણનું ગીત સૌન્દર્યનું ગીત છે. એમાં જે અધ્યાત્મતત્ત્વ રહ્યું છે તેને આપણે છોડી દઈએ છીએ. કારણ કે તત્ત્વ જ્યારે રૂપકનો છદ્મવેશ ધારણ કરીને જનસાધારણની દૃષ્ટિને આકર્ષવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પોતાના તત્ત્વરૂપનું ગોપન કરે છે. બાહૃા રૂપ જ જનસાધારણના હૃદયને આકર્ષી શકે. રાધાકૃષ્ણના રૂપકમાં એવું કશુંક રહ્યું છે જે બંગાળના વૈષ્ણવઅવૈષ્ણવ, તત્ત્વજ્ઞાની અને મૂઢ — સર્વને માટે એ એકસરખું ઉપાદેય બની રહે છે. એથી જ તો એ લોકગીતમાં, યાત્રામાં, કથાકારો દ્વારા પરિવ્યાપ્ત થઈ શક્યું છે. સૌન્દર્યસૂત્રે નરનારીના પ્રેમનું આકર્ષણ સર્વ દેશના સાહિત્યમાં આલેખાયું છે. કેવળ સામાજિક કર્તવ્યબન્ધનમાં એને સીમિત કરીને રાખી શકાતું નથી. સમાજની બહાર પણ એનું શાસન વિસ્તૃત છે. પંચશરની ગતિ સર્વત્ર છે. અને વસન્ત અર્થાત્ જગતનું યૌવન અને સૌન્દર્ય એનાં નિત્ય સહચર છે. નરનારીના પ્રેમમાં એવી એક મોહિની શક્તિ રહી છે કે જેના પ્રભાવથી એક ક્ષણમાં જગતના સમસ્ત ચન્દ્રસૂર્યતારા પુષ્પકાનન નદનદીને એક સૂત્રે ખેંચીને મધુરભાવે ઉજ્જ્વળ ભાવે એ પોતાની ચારે બાજુ સજાવી મૂકે છે. આ પ્રેમની શક્તિ એક વેળાના વિચ્છિન્ન વિક્ષિપ્ત આવિર્ભાવ દ્વારા સમ્પૂર્ણતયા કૃતાર્થ કરી દે છે. આ જ શક્તિને યુગેયુગે દેશેદેશે મનુષ્યે અધ્યાત્મશક્તિના રૂપક તરીકે અનુભવી છે અને વર્ણવી છે. સોલોમન, હાફિઝ અને વૈષ્ણવકવિઓની પદાવલિ એના પ્રમાણ રૂપ છે. બે મનુષ્યના પારસ્પરિક પ્રેમમાં એવી એક વિરાટ વિશ્વવ્યાપકતા રહી છે કે જેને અનુભવીને આધ્યાત્મિક ભાવકને થાય છે કે એ પ્રેમનો સમ્પૂર્ણ અર્થ એ બે મનુષ્યોમાં જ પર્યાપ્ત થઈને રહેતો નથી. એ ઇંગિત જગત અને જગદીશ્વરનો અનન્ત કાળનો સમ્બન્ધ અને એમાં રહેલી અપરિસીમ વ્યાકુળતાને સૂચવે છે. કાવ્યને માટે આવી સામગ્રી બીજી એકેય નથી. આ એકી સાથે સુન્દર અને વિરાટ છે, અન્તરતમ અને વિશ્વગ્રાસી છે, લૌકિક અને અનિર્વચનીય છે. જોકે હિન્દમાં સ્ત્રીપુરુષનું પ્રકટ હળવુંભળવું અને સ્વતન્ત્ર રીતે એકબીજાની પસંદગી કરવી એ ન બની શકતું હોવાને કારણે ભારતવર્ષીય સમાજમાં એ પ્રેમ લાંચ્છિત થઈને ગુપ્તભાવે વિરાજે છે, છતાં ભારતવર્ષના કવિઓ અનેકવિધ કૌશલથી એને પોતાનાં કાવ્યોમાં આલેખે છે. એઓ પ્રકટ રીતે સમાજની અવહેલના ન કરીને કાવ્યને સમાજની બહાર સ્થાપિત કરે છે. માલિની નદીને કાંઠે તપોવનમાં સહકારરસનાથ વનજ્યોત્સ્નાકુંજે રહેતી નવયૌવના શકુન્તલા સમાજકારાવાસી કવિહૃદયનું જ કલ્પનાસ્વપ્ન છે. દુષ્યન્ત શકુન્તલાનો પ્રેમ સમાજથી અતીત છે, એટલું જ નહીં, સમાજવિરોધી પણ છે. પુરૂરવાની પ્રેમોન્મત્તતાએ સમાજબન્ધનને છિન્નવિચ્છિન્ન કરીને નદીગિરિવનમાંની મદમત્ત વન્ય હાથીની જેમ ઉદ્દામભાવે પરિભ્રમણ કર્યંુ છે. મેઘદૂત એ વિરહનું કાવ્ય છે. વિરહાવસ્થામાં દૃઢબન્ધ દામ્પત્યસૂત્રમાં થોડોક વ્યવચ્છેદ રચીને માનવ જાણે કે ફરી વાર સ્વતન્ત્રભાવે ચાહવાનો અવસર પ્રાપ્ત કરે છે. જ્યાં હૃદયની પ્રબલ અભિમુખી ગતિ પોતાને મુક્ત રીતે પ્રવાહિત કરવાનું સ્થાન પ્રાપ્ત કરે છે ત્યાં જ સ્ત્રીપુરુષની વચ્ચે વ્યવધાન ખડું થાય છે. કુમારસમ્ભવમાં કુમારી ગૌરીએ જો પ્રચલિત સમાજનિયમની વિરુદ્ધ શૈલતપોવને એકાકિની બનીને મહાદેવની સેવા ન કરી હોત તો તૃતીય સર્ગમાં છે તેવા અતુલનીય કાવ્યનું સર્જન થાત શી રીતે? એક બાજુ વસન્તપુષ્પાભરણા, શિરીષપેલવા વેપથુમતી ઉમા, બીજી બાજુ યોગાસીન મહાદેવનું અગાધસ્તમ્ભિત સમુદ્રવિશાળ હૃદય. સમાજની નિયમપ્રાચીરમાં વિશ્વવિજયી પ્રેમનો આવો મહત્તમ સુયોગ ક્યાંથી સિદ્ધ થઈ શક્યો હોત? એ જે હોય તે, માનવરચિત સમાજ પોતાનામાં પોતે સમ્પૂર્ણ પરિતૃપ્તિ અનુભવતો નથી. સમાજને સમાજની બહારની દિશા તરફ ખેંચી લઈ જનારી સૌન્દર્ય અને પ્રેમની શક્તિની આખરે માનસલોકમાં સ્થાપના કરીને કલ્પના દ્વારા ઉપભોગ કર્યા વિના મનુષ્યથી રહી શકાતું નથી. પાથિર્વ સમાજમાં જો અન્તરાય નડે તો દ્વિગુણિત તીવ્રતાસહિત આધ્યાત્મિક ભાવમાં એને આયત્ત કરવાને તે મથે છે. વૈષ્ણવ ગીતો જોતજોતાંમાં સમસ્ત ભારતવર્ષમાં ફેલાઈ ગયાં છે તેનું પ્રધાન કારણ પણ આ જ છે. વૈષ્ણવ ગીતો સ્વાધીનતાનાં ગીતો છે. એઓ જાતિને માનતાં નથી, કુળને માનતાં નથી. છતાંય એમાં રહેલી ઉચ્છ્રંખલતા સૌન્દર્યબન્ધન અને હૃદયબન્ધનથી સંયત થયેલી હોય છે. એ ગીતો અન્ધ ઇન્દ્રિયની ઉદ્ભ્રાન્ત ઉન્મત્તતા માત્ર નથી. હરગૌરીની કથામાં જેમ દામ્પત્યબન્ધનની આડે આવતા કેટલાક અન્તરાયો વર્ણવાયા છે તેમ વૈષ્ણવ ગાથાના પ્રેમપ્રવાહને પણ અવરુદ્ધ કરતી એક પ્રબળ બાધાનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ પ્રબળ બાધા તે સમાજ. એ એક જ એક હજારના જેટલી છે. વૈષ્ણવ પદાવલિમાં આ સમાજબાધાની ચારે બાજુએ પ્રેમના તરંગ ઉચ્છડવસિત થઈ ઊઠે છે. એટલું જ નહીં, વૈષ્ણવ કાવ્યશાસ્ત્રમાં પરકીયાને માટેની અનુરક્તિનું વિશેષ ગૌરવ વર્ણવાયું છે. સમાજનીતિની દૃષ્ટિએ એ ગૌરવ વર્ણવાયું નથી એ કહેવાની જરૂર ભાગ્યે જ હોય. એ ગૌરવ વર્ણવાયું છે તે કેવળ પ્રેમની દૃષ્ટિએ. એમાં જે આત્મવિસ્મૃતિ, વિશ્વવિસ્મૃતિ, નિન્દાભય, સમાજ શાસન પરત્વે સમ્પૂર્ણ ઔદાસીન્ય, કઠિન કુલાચાર-લોકાચારની અવગણના પ્રકટ થાય છે તે દ્વારા પ્રેમનું પ્રચણ્ડ બળ, દુર્બોધ રહસ્ય, એની બન્ધનવિહીનતા, સમાજસંસાર, સ્થળ-કાળ-પાત્ર અને યુક્તિતર્ક-કાર્યકારણથી અતીત એવો એક વિરાટ ભાવ પરિસ્ફુટ થઈ ઊઠે છે. આ જ કારણે વિશ્વના સમાજમાં સર્વત્ર એકવાક્યે નિન્દિત એ અભ્રભેદી કલંકચૂડાની ઉપર વૈષ્ણવ કવિગણ એમના આ પ્રેમને સ્થાપિત કરીને તેની અભિષેકક્રિયા કરે છે. આ સર્વનાશી, સર્વત્યાગી, સર્વબન્ધનચ્છેદી પ્રેમને એના આધ્યાત્મિક અર્થમાં ગ્રહણ ન કરી શકીએ તો તેથી કાવ્ય તરીકે એમાં કશી ક્ષતિ થતી નથી, સમાજનીતિની દૃષ્ટિએ ક્ષતિ થાય ખરી. આ સ્વરૂપનાં પ્રેમગાનનો પ્રચાર જનસાધારણને માટે વિપજ્જનક અને સમાજને પક્ષે અહિતકર નીવડે એ સમ્ભવિત છે. પણ એ જ કાંઈ સમ્પૂર્ણ સત્ય નથી. માનવપ્રકૃતિને સમાજ સમૂળગી ઉન્મૂલિત કરી શકતો નથી. તેથી જ તો કાપયમાં કથામાં કલ્પનામાં એ પોતાને અનેક પ્રકારે વ્યક્ત કર્યા કરે છે. એક દિશાએથી પ્રતિહત થાય છે તો એ બીજી એક દિશામાં થઈને વહી જાય છે. માનવપ્રકૃતિને યથાપરિમાણે અને સમ્પૂર્ણપણે અવરોધવી એ સમાજને માટે અત્યન્ત મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જ્યારે એ રુદ્ધ પ્રકૃતિને કોઈ પણ રૂપે બહાર વહી જવાનો માર્ગ મળી રહે ત્યારે જ એનો મોક્ષ થાય. પણ સમાજમાં પ્રવેશવાનો સદર દરવાજો એને માટે બિલકુલ બંધ જ રહે છે, એટલું જ નહીં, શાસ્ત્ર પણ એને કડક અનુશાસનથી કચડી નાખે છે ને છતાં એ જ્યારે ભૂત થઈને મધ્યરાત્રે રુદ્ધ દ્વારના છિદ્રમાં થઈને દ્વિગુણતર બળે લોકાલયમાં પર્યટન કરતો ફરે છે ત્યારે ખાસ કરીને આપણા સમાજમાં એ કુલમાનગ્રાસી કલંકાંકિત પ્રેમ ગુપ્ત ભાવે જ સ્થાન પામે એ સ્વાભાવિક છે. વૈષ્ણવ કવિઓએ એ બન્ધનનાશી પ્રેમના દુનિર્વાર આવેગને સૌન્દર્યક્ષેત્રે અધ્યાત્મલોકમાં વહાવીને ઘણે અંશે સંસારને માર્ગેથી માનસપથ તરફ વાળી દીધો છે. આપણા સમાજના એ ચિરક્ષુધાતુર પ્રેતને પવિત્ર ગયામાં પિણ્ડદાન કરવાની વ્યવસ્થા કરી છે. એઓએ કામને પ્રેમમાં પરિણત કરવાને માટે છન્દોબદ્ધ કલ્પનાના વિવિધ સ્પર્શમણિઓનો પ્રયોગ કર્યો છે. એમની રચનાઓમાં ક્યાંયે ઇન્દ્રિયવિકારને સ્થાન નથી એમ તો ન જ કહી શકાય. પણ બૃહત્ સ્રોતસ્વિની નદીમાં જેમ અસંખ્ય દૂષિત અને મૃત પદાર્થ હંમેશાં આપમેળે શુદ્ધ થતા જાય છે તેવી જ રીતે સૌન્દર્ય અને ભાવના વેગમાં આ સમસ્ત વિકારો સહજ જ શુદ્ધ થતા આવ્યા છે, નહીં તો વિદ્યાસુન્દરનો કવિ તો સમાજનો ખરેખરો અપરાધી છે. સમાજના પ્રાસાદની નીચે એણે હસતાં હસતાં સુરંગ ખોદી છે. એ સુરંગમાં પવિત્ર સૂર્યનો પ્રકાશ અને ઉન્મુક્ત વાયુને માટે પ્રવેશવાનો માર્ગ જ નથી. છતાંય એ જ વિદ્યાસુન્દર અને વિદ્યાસુન્દરયાત્રાનો આપણા દેશમાં આટલો આદર કેમ થાય છે? એ તો અત્યાચારી કઠિન સમાજની પ્રત્યેનો માનવપ્રકૃતિનો સુનિપુણ પરિહાસ છે. વૈષ્ણવ કવિ જે વસ્તુને ભાવના છાયાપથે સુન્દર રૂપે અંકિત કરે છે તેને જ એણે સમાજની પીઠ ઉપર ડાઘની જેમ છાપી દીધી છે. જે આ જોઈ શકે છે તેને એ જોવાથી અત્યન્ત કૌતુક થાય છે. એ જે હોય તે, ખાસ કહેવાનું એટલું જ કે હરગૌરી અને કૃષ્ણરાધાની કથા તો આપણા ઘરઘરની કથા છે, એ હરગૌરીની કથામાં આપણા બંગાળ દેશની એક મોટી મર્મકથા રહેલી છે. કન્યા આપણા ઘરનો એક મોટો બોજો છે. કન્યાદાનના જેવી બીજી મોટી જવાબદારી એકે નથી. ‘કન્યાપિતૃત્વં ખલુ નામ કષ્ટમ્ /’ સમાજના અનુશાસને નક્કી કરેલી વય તથા સંકીર્ણ સમૂહમાં કન્યાને આપણે ફરજિયાત પરણાવવાની રહે છે. ને વળી આ પ્રકારની કન્યાપક્ષની કૃત્રિમ લાચારીને કારણે વરનો દર અત્યન્ત વધતો જાય છે. વરનાં રૂપગુણ કે અર્થસામર્થ્યનું પછી બહુ પ્રયોજન રહેતું નથી. કન્યાને અયોગ્ય પાત્રને સમર્પણ કરી દેવી એ તો આપણા સમાજની નિત્યનૈમિત્તિક દુર્ઘટના બની રહી છે. આને કારણે થતી દુશ્ચિન્તા, અનુતાપ, અશ્રુપાત, જમાઈના પરિવાર સાથેનો વિરોધ, પિતૃકુળ અને પતિકુળની વચ્ચે લટકતી બાલિકાની તીવ્ર મનોવેદના તો ઘરઘરની સામાન્ય કથા બની ગઈ છે. એકાન્ન પરિવારમાં આપણે દૂરનાં ને નિકટનાં, એટલું જ નહીં પણ માત્ર નામનાં આત્મીયનેય જકડી રાખવા ઇચ્છીએ છીએ. કેવળ કન્યાને જ દૂર નાખવી પડે છે. જે સમાજમાં પતિપત્ની સિવાયના પુત્રપુત્રી વગેરે બધાં જ જુદા પડીને રહે છે તે સમાજને આપણી આ દુ:સહ વેદનાની કલ્પના સરખી ન આવી શકે. આપણા મિલનધર્મી પરિવારમાં આ જ એક માત્ર વિચ્છેદ છે. તેથી જ ફરી ફરીને હાથ પાછો એ ઘાના પર જ આવીને પડે છે. હરગૌરીની કથા બંગાળના એકાન્નપરિવારની પ્રધાન વેદનાની કથા છઢ્ઢ. શરદ્સપ્તમીના દિવસે આખાયે બંગદેશની ભિખારી વધૂ બની ચૂકેલી પુત્રી માતૃગૃહે આવે છે અને વિજયાદશમીને દિવસે એ ભિખારી ઘરની અન્નપૂર્ણા જ્યારે સ્વામીગૃહે પાછી ફરે છે ત્યારે સમસ્ત બંગાળની આંખે આંસુ છલકાઈ ઊઠે છે. આ બધાં કારણોને લઈને હરગૌરીવિષયક ગ્રામલોકગીત એ વાસ્તવિક ભાવનું ગીત બની રહે છે. એ રચયિતાની અને શ્રોતૃવર્ગની પોતાની અંગત કથા છે. એ આખા કાવ્યમાં જમાઈની નિન્દા, પતિપત્નીનો કલહ અને ગૃહસંસારનું જે કાંઈ વર્ણન છે તેમાં રાજભાવ કે દેવભાવ જેવું રજમાત્ર નથી. એમાં તો બંગાળના ગામડાંની ઝૂંપડીનાં પ્રાત્યહિક દૈન્ય અને ક્ષુદ્રતાનું જ આખું પ્રતિબિમ્બ ઝીલાયું છે. એમાંના કૈલાસ અને હિમાલયને આપણા પાનાપુકુરના ઘાટ આગળ ખડા કરી દેવામાં આવ્યા છે અને એમાંની શિખરરાજિને આંબાવાડિયાંથી ઊંચું માથું કરીને ઊભા રહેવાની છૂટ નથી. જો એઓ પોતાનું અભ્રભેદી રૂપ ધારણ કરવાનો પ્રયત્ન સરખો કરે તો બંગાળના ગામડામાં એનું કશું સ્થાન ન રહે. વાણી: વૈશાખ-જેઠ ૨૦૦૪
(વાણીના આ અંકમાં નોંધ હતી કે આ લેખમાળા ક્રમશ: પ્રગટ થશે પણ પછી એમ થયું નથી. કોઈએ આ અનુવાદ પૂરો કરવા જેવો છે. શિ.પં.)