રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ઉપસંહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫.
ઉપસંહાર
આમ રામનારાયણની ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા વૈવિધ્યપૂર્ણ અને સંગીન છે. કળા, કેળવણી, દર્શન-વિચાર,—આ સર્વમાં તેમને રસ ઉત્કટ જણાય છે. જીવનનું અખિલાઈના સંદર્ભમાં અવલોકન કરતાં, મનુષ્યને જ કેન્દ્ર-સ્થાને રાખી તેમણે સત્ય અને સૌન્દર્યનાં રહસ્યોને જાણવા–માણવાનો તપયોગ રચ્યો. તેમની સૌન્દર્યભક્તિમાં સત્યની શક્તિ હતી. તેમની સાહિત્યિક સાધનામાં માનવીય સ્નેહની જ ઉપાસના હતી. તેમની સાદગીભરી જીવનશૈલી અને ભાષાશૈલીમાં સર્વ રંગોને જાણી લીધાની (એક વિનમ્ર પ્રતીતિ હતી. રામનારાયણે ન શબ્દને હીણો કર્યો, ન જીવનને જરાયે ઉપેક્ષ્યું. એક અપૂર્વ સમતુલાથી તેમણે એક જ ક્ષણે ગાંધી ને ટાગોર – ઉભયના ઉપાસક થવાની શક્તિસિદ્ધિ હાંસલ કરેલી. એમણે જીવન-કલાના એવા બિન્દુએ પોતાને સ્થિર કર્યા, જ્યાં ભાવના અને વાસ્તવિકતાનો ભેદ નિરર્થક થઈ રહેતો હતો; અને તર્ક-તત્ત્વ સાથે ભાવ-કલ્પનાનો મેળ સહજ બની રહેતો હતો. રામનારાયણમાં પરમ સ્વસ્થતા ને સ્થિર રસદીપ્તિની –ઉદાત્ત રસિકતાની જે આકર્ષકતા અનુભવાય છે તેનું રહસ્ય તેમની આ બિન્દુએ જે સ્થિતિ – ધૃતિ છે તે છે.

રામનારાયણનો શબ્દ સાદો દેખાય છે, પણ એની સાદાઈમાં એક પ્રકારની સાચી ગર્ભશ્રીમંતાઈ રહેલી છે. એમનો શબ્દ સંયમપૂત છે, એમના સાહિત્યમાં સંયમશ્રીના પ્રભાવ સાદ્યંત અનુભવાય છે. રામનારાયણના શબ્દમાં બૌદ્ધિક તીક્ષ્ણતા સાથે સંવેદનની સૂક્ષ્મતાનો યુગપત્‌ અનુભવ અવારનવાર થાય છે. એમના શબ્દમાં કલ્પનાના સ્વૈરવિહાર સાથે તત્ત્વપ્રેમી ચિત્તનો મનોવિહાર પણ જોવા મળે છે. જીવન અને કલામાં એમને સર્વથા ને સર્વદા અભિમત છે તે ‘વિહાર’ વિલાસ’ નહીં જ. એમના શબ્દમાં જ્ઞાનીના પ્રૌઢ અને શિશુના કૌતુકમય દર્શનનો વિરલ યોગ અવારનવાર આહ્‌લાદક રીતે પ્રગટ થાય છે. રામનારાયણનો શબ્દ જીવનના શીલભદ્ર અનુભવ-દર્શનમાંથી એનું સામર્થ્ય મેળવે છે. એ શબ્દ પરંપરામાન્ય થવા સાથે પ્રેયોગનિષ્ઠ રહેવા જેટલી સ્ફૂર્તિ સદૈવ દર્શાવતો રહ્યો છે. રામનારાયણનો શબ્દ રજવાડી ઠાઠવાળો નથી; પણ એની પ્રકૃતિમાં રજવાડી તેજ પ્રચ્છન્ન રૂપે રહેલું અવારનવાર પ્રતીત થાય ખરો. એમનો શબ્દ પ્રથમ નજરે આંજી નાખે એવો ન લાગે કદાચ, પરંતુ એક વાર એની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ સિદ્ધ થયા પછી, એની ઉષ્માસભર આકર્ષકતા ને રસાત્મકતાનો પરચો મેળવ્યા પછી એના સાન્નિધ્યને ટાળવું કે અવહેલવું મુશ્કેલ છે. પાઠકસાહેબના સમસ્ત જીવનકર્મનો-કલાકર્મ-વિદ્યાકર્મને પ્રધાન રસ જ શમ જણાય છે; જિંદગીના સર્વ રસો ને રંગોના તત્ત્વપરિપાકરૂપ શમ. એ શમના અનુભવમાં અસ્તિત્વની સાર્થકતાનો અને જીવનપુરુષાર્થની ઇષ્ટતાનો જ સંકેત છે. એમાં જીવનની સંકુલતાનું આકલન જરૂર છે, જીવનની કરુણતાનું ગભીર અવગાહન પણ ગૃહીત છે જ; પણ અશ્રુની આર્દ્રતાએ એમની શુચિતા ને પ્રસન્નતાની સાધનાને વધુ સ્નિગ્ધતા સમર્પી તેની સંસ્કારદીપ્તિને બઢાવી છે. પાઠકસાહેબના શબ્દ એની ઉત્કૃષ્ટ ભૂમિકાએ સત્યાર્થ સ્ફુરતાં જે વ્યાપ અને ગહનતા સિદ્ધ કરે છે તેનો સાક્ષાત્કાર કરનાર ઉમાશંકરની રીતે તેમના માટે નિઃસંકોચ કહેશે : “અહો વિરલ ચિત્તસાજ અતિ સૂક્ષ્મદર્શી શુચિ”

૦૦૦