લીલુડી ધરતી - ૧/ઊજડી ગયેલું આકાશ
ગિધાની ચેહ હજી તો ટાઢી ય નહોતી થઈ ત્યાં તો જીવા ખવાસે એક પ્રવૃત્તિ આદરી દીધી : કોઈક ભેદી રીતે એ કોઈક સ્થળેથી અફીણ અને ગાંજો લઈ આવ્યો અને ચાર-ચાર દિવસથી ગિધાની દુકાનના ઉંબરા આગળ આળોટી રહેલા ગારાડીઓને એણે બમણે તમણે ભાવે અફીણ–ગાંજો વેચવા માંડ્યો.
પોતે આચરેલા ખૂટામણને કારણે તખુભા બાપુની ડેલીએથી પાણીચું મળ્યા પછી જીવો આમે ય કોઈક નવા કામધંધાની શોધમાં હતો જ; એમાં ગિધાએ અકાળે અવસાન પામીને એને માટે એક સોનેરી તક ઊભી કરી દીધી.
જીવાએ જરા પણ વિલંબ વિના આ સોનેરી તક ઝડપી લીધી. જેમાં બાળકો સાચોસાચ સોનાને ઘૂઘરે રમી શકે એવો આ કસવાળો ધંધો એણે હાથ કરી લીધો. હજી તો ઝમકુનાં દૂરદૂર વસતાં પિયરિયાંમાંથી એનો ભાઈ દામજી અહીં આવે, ત્યારે ગિધાની બંધ હાટડી પર ટીંગાતું ખંભાતી તાળું ઊઘડે, એ પહેલાં તો જીવાએ એ હાટડીની પડખોપડખ જ એક કણબીનું સાવ અવાવરું રહેતું એકઢાળિયું મહિને સવા રૂપિયાનું નરદમ ભાડું ઠરાવીને ભાડે રાખી લીધું. રાતોરાત એ જુસ્બા ઘાંચીને ત્યાંથી ખોળ જોખવાનાં કાંટા-છાબડાં માગી લાવ્યો. શાપરમાં રેતી ઠાલવીને પાછા વળનાર ટીહા વાગડિયાના ખાલી ગાડામાં કરિયાણા માલના દશબાર બાચકા નાખતો આવ્યો, ને જોતજોતામાં તો એણે ગિધાની જેમ ગોળી–પાંચીકાથી માંડીને ગોળના માટલા સુધીનો માલ વેચવા માંડ્યો...
જીવાની આ નૂતન પ્રવૃત્તિ અંગે ઘણાય ઘરાકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા.
‘એલા, બાપુનો હોકો ભરવો મેલીને આ હાટડી માંડવાનું ક્યાંથી સૂઝ્યું ?’
‘શું કરું, ભાઈશાબ ? બાપુએ તો ડેલીએથી તગડી મેલ્યો એટલે હવે જેમ તેમ કરીને રોટલા તો કાઢવા ને ?’
પોતે તાજનો સાક્ષી બનીને છૂટી આવ્યો ને શાદૂળભાને જનમટીપ ટિચાઈ ગઈ પછી ફરી વાર ગઢની ડેલીને ઊંબરે ચડતાં ખુદ જીવાનો જ પગ ભારે થઈ ગયો હતો. પોતે આચરેલા ખુટામણ બદલ એ ભારોભાર ભોંઠપ અનુભવી રહ્યો હતો, તેથી સમજુબા ને મોઢું બતાવવાની પણ એનામાં હિંમત નહોતી. એને ખાતરી હતી – અને ગામલોકોએ પણ આગાહી કરી હતી – કે જીવલાની ને એના બાપ પંચાણભાભાની હવે ઓખાત ખાટી થઈ જશે. ઠકરાણાં આ બાપ-દીકરાને ડેલીએથી તો કાઢી જ મૂકશે, પણ ભલા હશે તો તો ગામમાંથી ય ઉચાળા ભરાવશે... પણ આવી આવી આગાહીઓમાંથી એકે ય સાચી ન પડી. અલબત્ત, જીવો તો પોતાનો જ ‘પગ ભારે થઈ ગયો’ હોવાથી ગઢની ડેલીએ ફરી ડોકાયો જ નહિ, પણ પંચાણભાભાને પાણીચું મળવાની ધારણા સાવ ખોટી પડી.
‘ના, રે બૈ ! આ ડોહાને હવે જાતી જંદગીએ મારે જાકારો નથી દેવો.’ ઠકરાંણાંએ કહ્યું. ‘જીવલે ખુટામણ કર્યું એમાં એના બાપનો શું વાંક ? ના રે માડી ! પંચાણભાભાને હવે જાતે જનમારે જાકારો દઉં તો પાપ લાગે. હવે એને જીવવું કેટલું ને વાત કેટલી ? હવે તો ઈ એકાદો ફેંટો ફાડે તો ય નસીબદાર ! જંદગી આખી એણે દરબારનો હોકો ભર્યો. હવે કોઈ નવાસવા માણસને હાથે હોકો ભરાવું તો દરબારને ઈ ભાવે જ નહિ ને ! હોકો ભરવામાં તો હથરોટી જોઈં. ઈ સમોસરખો ભરાણો હોય તો જ એનો સવાદ ઊગે. આજ પચા વરહ થ્યાં પંચાણભાભો આ ડેલીએ હોકો ભરતો આવ્યો છ. નવાં માણહ તો માગ્યાં જડે, પણ ઓલી હથરોટી થોડી જડવાની હતી ? ના રે બાપુ ! હવે ગલઢે ગઢપણ આ ગરીબ ડોહાનો રોટલો ભાંગીને મારે એના નિહાહા નથી લેવા...’
ઠકરાણાંની આટલી બધી ઉદારતા જોઈને પંચાણભાભાને તથા જીવાને તો ઠીક પણ ગામલોકોને ય નવાઈ લાગેલી. જીવાને ‘કાળમુખો’ કહેનાર અને આ જન્મારામાં એનું મોઢું જોવાની ય ના પાડનારાં સમજુબા અફીણના અમલ વિના એક ડગલું ય ચાલી ન શકનાર પંચાણભાભા જેવા દમિયલ ડોસાને શા માટે સાચવે છે એ કોઈને સમજાયું નહિ. તેથી રજવાડાંના ભેદ તો ૨જવાડાં જ જાણે એવો ચુકાદો આપીને લોકોએ આશ્વાસન લીધેલું.
ઝમકુનાં પિયરિયાં આવ્યાં. નાના ભાઈ દામજીએ ગિધાનું કારજ વગેરે પતાવ્યું, ત્યાં સુધીમાં જીવાએ માંડેલી નવી હાટડી ધમધોકાર વેપાર કરતી થઈ ગઈ હતી. જીવો આમે ય અકલકડિયો તો હતો જ, ને હવે તો તખુભાબાપુ તરફથી તેમ જ વાજસૂરવાળા ભાયાત તરફથી મળેલી બેવડી ‘દક્ષિણા’ને પરિણામે એની પાસે સારો ‘જીવ’ પણ થઈ ગયેા હતો. તેથી એણે ઠેઠ હજૂર ઓફિસ સુધી લાંબા થઈને લાગ તેમ જ વગ બન્ને લગાડીને, ‘ગુંદાસરનો અફીણનો ઈજારદાર મરી ગયો છે ને અફીણ વિના ગામનાં સાજાંમાંદાં માણસોને પારાવાર મુશ્કેલી પડે છે’ એવો દાવો કરીને મહાલકારીથી માંડીનેય નાયબ દીવાન સુધી નૈવેદ્ય ધરીને અફીણ વેચવાનો ઈજારો પોતાને હસ્તક કરી લીધો હતો.
ઝમકુને લાગ્યું કે જીવા ખવાસ જેવા ખમતીધર માણસે કરેલી જમાવટ સામે હવે પોતાનો ભાઈ દામજી હાટડી ચલાવવા બેસે તો કશો વેપલો થઈ શકે નહિ, તેથી ગિધાની દુકાન સાધનસરંજામ સહિત કાઢી નાખવાનો નિર્ણય કર્યો. તુરત જીવાએ આ બીજી સોનેરી તક પણ ઝડપી લીધી. એ ગિધાની હાટનો ઝીણોમોટો સરસામાન પાણીને મૂલે ખરીદી લીધો એટલું જ નહિ પણ ખાલી થયેલી દુકાન પણ ભાડે લઈ લીધી. કોઈએ પૂછ્યું :
‘જીવાભાઈ ! આ બબ્બે દુકાનું રાખીને શું કરશો ?’
પણ જીવો આવા પ્રશ્નોના કશા સ્પષ્ટ ઉત્તર આપતો નહિ. એ તો પોતાની મુખ્ય દુકાન મોડી રાતે વધાવી લીધા પછી જેરામ મિસ્ત્રી જોડે કશીક ગુપ્ત યોજનાઓ કર્યા કરતો.
થોડા દિવસમાં જ એણે ગિધાવાળી દુકાનમાં સારું ખરચ કરીને રંગરોગાન કરાવ્યાં. એ પછી થોડા દિવસમાં એક સાંજે ટીલા વાગડિયાનું ગાડું આવીને એ નવી દુકાનના આંગણામાં ઊભું. એમાંથી તાજા જ વારનિશની ગંધ મારતું નવું નકોર ફર્નિચર લઈને જેરામ ઊતર્યો. ચકચકીત પોલીશવાળા બાંકડા, ટેબલ, ખુરશીઓ, દેવદેવીઓની મઢાવેલી છબીઓ વગેરે સરંજામ નવી દુકાનમાં ગોઠવાઈ ગયો. રાતોરાત જેરામ પોતાને ઘેરથી ઓજારા લાવ્યો અને આ ફર્નિચર જોડે જ શહેરમાંથી ચીતરાઈને આવેલું એક મોટુંમસ પાટિયું દુકાનના પ્રવેશદ્વાર પર ટાંગી દીધું...
સવારમાં અહીંથી પસાર થનાર અને અક્ષરજ્ઞાન ધરાવનાર લોકોએ આ પાટિયામાંથી અક્ષરો ઉકેલ્યા :
આ નવી હૉટેલે ચાના ભાવમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો !
‘અંબાભવાની’માં ‘બે પૈસે કોપ’નો ભાવ હતો, એમાં જીવાએ ‘કાવડિયે કોપ’ જાહેર કરીને પચાસ ટકાનો ધરખમ ઘટાડો કર્યો હોવાથી એનો વેપાર ધમધોકાર હાલવા લાગ્યો. રહેતે રહેતે જ લોકોને ખબર પડી કે રામભરોસે શરૂ કરવાનો વિચાર જેરામ મિસ્ત્રીના ફળદ્રુપ ભેજાની પેદાશ હતી, અને આ હૉટેલમાં એણે જીવા ખવાસ જોડે આઠ આની ભાગીદારી રાખી હતી. આ નૂતન સાહસ પાછળનો જેરામનો ઉદ્દેશ જતે દહાડે રઘાની ‘અંબાભવાની’નું ઊઠમણું કરાવવાનો હતો. ગણિતકામમાં પ્રવીણ એવા મિસ્ત્રીનું આ પગલું પણ ગણતરીયુક્ત હતું. હમણાં હમણાં રઘાને પગે સંધિવાની અસર જણાતાં એ ઝાઝી હરફર કરી શકતો નહિ ને ગિરજાપ્રસાદને દુકાનને થડે બેસાડીને પોતે તો મેડા ઉપર ખાટલે પડ્યો રહેતો. ગિરજાપ્રસાદ અને છનિયા જેવા છોકરાઓના હાથમાં અંબાભવાનીનો વહીવટ આવ્યા પછી હડફામાં વકરો ઓછો દેખાવા માંડ્યો હતો, છતાં ૨ઘો હજી ઘરાકી ઘટી હોવાનું માનવાને બદલે ‘છનિયો નેફે ચડાવે છે’ એવો આક્ષેપ કરીને આત્મસંતોષ અનુભવતો હતો.
આવી સ્થિતિમાં રામભરોસેવાળાઓ અંબાભવાનીનું ઊઠમણું કરાવવા પ્રવૃત્ત થયા. એમણે ચાનો ભાવઘટાડો કરીને જ ન અટકતાં બીજાં પણ ઘણાં આકર્ષણો ઉમેર્યા. રઘાને ત્યાં બેસતા-ઊઠતાં કપડાં ફાડે એવું ખપાટિયું ફર્નિચર હતું, ત્યારે રામભરોસેમાં ‘માલીપા મોઢું કળાય’ એવું અરીસા જેવું ફર્નિચર આવ્યું હતું. અંબાભવાનીની દીવાલો પર જિનતાનનાં જૂનાં કેલેન્ડર સિવાય બીજુ કશું સુશોભન નહોતું, ત્યારે રામભરોસેમાં ભિન્ન ભિન્ન રુચિવાળા ઘરાકોની વૃત્તિઓનું સમાપન કરી શકે એવી ‘વસ્ત્રહરણ’થી માંડીને જાપાની સુંદરીઓ સુધીનું સુશોભન કરવામાં આવ્યું હતું. અને આટલું જાણે કે ઓછું હોય એમ જેરામ મિસ્ત્રીએ એક ‘સ્ટન્ટ’ કર્યો. અંબાભવાનીનું મુખ્ય આકર્ષણ એનું ગ્રામોફોન હતું. પણ એની ‘સંતુ’ કે ‘ભારી બેડાં’ કે ‘ચંદનહાર’ની હવે ઘસાઈ ગયેલી રેકર્ડના ઘોઘરા અવાજમાં લોકોનો રસ ઓસરતો જતો હતો, અને રઘો નવી રેકર્ડનો ઉમેરો કરતો નહોતો, એ જોઈને જેરામ છેક રાજકોટ જઈને સૂકી બેટરીવાળો રેડિયો લઈ આવ્યો.
લોકોનાં કુતૂહલનો પાર ન રહ્યો. અંતરીક્ષમાંની કોઈક ગેબી વાણી સાંભળતાં હોય એવા આશ્ચર્યથી ગ્રાહકો કલાકો સુધી આ નવતર કરામત નિહાળતાં રામભરોસેમાં બેસવા લાગ્યાં, ને થોડા જ દિવસમાં અંબાભવાનીમાં કાગડા ઊડવા લાગ્યા.
એક મોડી રાતે રામભરોસેમાં આવા લોકપ્રિય સંગીતના શ્રોતાઓની ભીડ જામી હતી. હૉટેલની અંદર સંકડાશ પડતી હોવાથી જીવાએ રસ્તા ઉપર વધારાના બાંકડા ઢાળ્યા હતા અને એમાં પણ જ્યારે ભીડ થઈ ત્યારે બાકીના ઘરાકો રસ્તા પર જ પલાંઠી વાળીને રેડિયો-સંગીતનું પાન કરી રહ્યા હતા. અંબાભવાની સામેની સ્પર્ધામાં જેરામે અહીં નવીનતા ખાતર દાખલ કરેલી સોડા અને લેમનની બાટલીઓ ફટ ફટ ફૂટી રહી હતી; ખાખરા-આપટાનાં પાંદડાંને બદલે હમણાં જ આવેલી ધોળા કાગળની બીડીઓમાંથી ધુમાડાના ગોટેગોટ નીકળી રહ્યા હતા અને રેડિયોમાંથી ગેબી અવાજની ઢબે મોડી રાતનું કોઈક પશ્ચિમી કૉન્સર્ટ બેંડ વાગી રહ્યું હતું, ત્યાં જ કણબીપામાંથી એક છોકરો આવ્યો ને બોલ્યો :
‘એય ગોબરકાકા ! ધોડજો, ધોડજો ! માંડણકાકો એના સાથીને લાકડીએ લાકડીએ લમધારે છે.’
વિદેશી સંગીતે જમાવેલ વિચિત્ર વાતાવરણના રંગમાં ભંગ પડ્યો. ગોબર, જેરામ મિસ્ત્રી, જીવો ખવાસ, વલભ મેરાઈ ને બીજા ત્રણચાર જુવાનિયાઓ ઊઠ્યા ને માંડણના ઘર તરફ ગયા.
‘માળો ફરીદાણ ગાંજોબાંજો પીને આવ્યો હશે.’
‘માંડણિયાનો ય દિ’ ઊઠ્યો છે.’
‘બાવાસાધુની સંગતે ચડીને અવતાર બાળી નાખ્યો.’
આવો અફસોસ વ્યક્ત કરતાં કરતાં સહુ માંડણની ડેલીએ પહોચ્યા ત્યાં જ અરજણની ચીસો સંભળાઈ.
ખડકીના ઉંબરામાં જ ઊભેલા નથુ સોનીએ કહ્યું : ‘ઓલ્યા અરજણિયાને છોડાવો. કોક છોડાવો, નીકર માંડણિયો એનું કાટલું કાઢી નાખશે. હું છોડાવવા ગ્યો તો મારા બાવડા ઉપર કડીઆળી ઝીંકી દીધી.
‘એલા માંડણ ! આ શું માંડ્યું છે ?’ ગોબરે પડકાર કર્યો.
જેરામે અરજણની આડે હાથ ધર્યો; અને જીવા ખવાસે માંડણની પછવાડે ઊભીને એને લાકડીસોતો બથમાં દાબી દીધો.
ક્યારનો બોકાસાં પાડી રહેલો અરજણ જરા શાંત થયો અને પોતાને અહીંતહીં લાગેલો મૂઢ માર તપાસી રહ્યો.
પોતાના મજબૂત હાથની બથમાં માંડણને જકડી લેનાર જીવાએ કશોક વહેમ જતાં બેત્રણ વાર ઊંડા ઊંડા શ્વાસ લીધા અને એની આંખ ચમકી ઊઠી. ગભરાઈને એણે માંડણને પૂછ્યું :
‘એલા ક્યાંથી પી આવ્યો છે ?’
સાંભળીને જેરામ અને ગોબર પણ ચમકી ઊઠ્યા.
‘ગાંજો ગંધાય છે ને ?’ ગોબરે પૂછ્યું.
‘ગાંજાની ગંધ્ય આવી હોય ? આ તે ડબલું ઢીંચી આવ્યો છે, ડબલું !’
‘હેં ? ડબલું ? દારૂનું ડબલું ?’ ગોબર માટે આ સમાચાર સાવ અણધાર્યા હતા.
‘આ સૂંઘી જુઓ ની ! મોઢું વાસ મારે છે.’
‘ઈ તો રોજ રાતે પીને આવે છે.’ હવે અરજણિયે સમર્થન કર્યું.
ગોબર વિચારમાં પડી ગયો. દારૂનો શીશો તો ગામ આખામાં તખુભા બાપુની ડેલી સિવાય બીજે ક્યાંય સુલભ નહોતો.
‘એલા આ રવાડે કે દિ’થી ચડ્યો ?’
‘કોણે શીખવાડ્યું ?’
‘ક્યાંથી પી આવ્યો ?’
‘શાપર ગ્યો’તો ?’
પ્રશ્નોની ઝડી વરસી રહી. એના ઉત્તર દેવાનું તો દૂર રહ્યું, પણ એ સાંભળવાના ય માંડણને હોંશ નહોતા રહ્યા. એ તો કેમ જાણે નિશ્ચેષ્ટ મૂડદું હોય તેમ જીવા ખવાસની બથમાંથી સરકવી લાગ્યો.
જીવાએ એને ઊંચકીને ખાટલા પર નાખ્યો, પણ માંડણને તેથી શાંતિ ન થઈ. એને તો લવરી ઊપડી :
‘શાદૂળિયાને ઝાટકે મારીશ... ગઢની ડેલીમાં સંતુને પૂરી રાખનારો ઈ કોણ ?... ઈ ફાટેલા ફટાયાને ભોંયભેગો ન કરું તો મારું નામ માંડણિયો નઈ....’
‘એલા શાદૂળિયો તો કે’દુનો જેલમાં પુરાઈ ગ્યો. હવે તો ધીરો પડ્ય !’ ગોબરે કહ્યું.
‘જેલમાં ? જેલમાં જઈને ઝાટકે મારીશ... રાઈ રાઈ જેવડા કટકા કરી નાખીશ... હું કોણ ? માંડણિયો !’
‘અટાણે તો શાદૂળભાને સાટે તારા સાથીને જ લમધારી નાખ્યો છે !’ જેરામ મિસ્ત્રીએ મજાક કરી.
‘હાડકેહાડકું ભાંગી નાખીશ.... દરબારનો દીકરો થ્યો એટલે શું થઈ ગ્યું ? ગામની હંધી ય વવ—દીકરીયું એને લખી દીધી છે ? ...ઓખાત ખાટી ન કરી નાખું તો મારું નામ માંડણિયો નઈં !’
લવારો ઘટવાને બદલે વધતો જ રહ્યો એટલે જીવા ખવાસે ગોબરને સૂચન કર્યું :
‘નથુબાપાના ઘરમાંથી પાણીની ગાગર ભરી આવ્ય ?’
જીવાએ માંડણના માથા ઉપર પાણીની ધારાવાડી કરવા માંડી. બોલ્યો :
‘તખુભાબાપુને વધારે પડતો નશો ચડી જાતા તંયે ગાગર્યુંની ગાગર્યું રેડવી પડતી.’
‘શાદૂળિયો એના મનમાં સમજે છે શું !.... સંતુને હેરવનારો ઈ કોણ ?’ કહીને માંડણે ભેંસાસૂર અવાજે ગાવા માંડ્યું : ‘મારુ નામ પાડ્યુ છે સંતુ રંગીલી...’
સાંભળીને હસવું કે ખિજાવું એની ગોબરને મૂંઝવણ થઈ પડી.
જીવાએ કહ્યું : ‘બીજી એક ગાગર ભરી આવ્ય.’
ફરી વાર માંડણના માથા પર પાણી રેડ્યું. ધીરેધીરે એને શાંતિ વળવા લાગી. કવચિત્ કવચિત્ શાદૂળ અને સંતુનાં નામોચ્ચાર કરીને એ જંપી ગયો.
રખે ને કાંઈ અજૂગતું બની જાય એવા ભયથી ગોબરે માંડણની બાજુમાં જ ખાટલો ઢાળ્યો અને આખી રાત એ ત્યાં જ સૂતો રહ્યો.
સવારમાં માંડણે એની ઘેનભરી આંખની ભારેસલ્લ પાંપણો ઉઘાડી અને સામે ગોબરને જોયો કે તુરત એને રાત દરમિયાન ભજવાઈ ગયેલું આખું નાટક યાદ આવી ગયું અને એ નાના બાળકની જેમ રડી પડ્યો−મોકળે મને રડી પડ્યો.
ગોબરે એને સમાચાર આપ્યા :
‘અરજણિયો હાલ્યો ગ્યો છે. તારો ઢોરમાર ખાઈને ધરાઈ રિયો તી આટલા મહિનાનું મહેનતાણું લેવા ય રોકાણો નંઈ. ઈ તો એને ગામ પૂગી ગ્યો.’
પોતે ઠુંઠો માણસ હવે એકલે હાથે શી રીતે ખેતી કરશે એની ચિંતા થતાં માંડણે ફરી રડવા માંડ્યું.
‘હવે રોવા બેઠે શું વળે ? આ અરજણિયાનું સાંભળી બીજો કોઈ સાથી ય તારે ખેતરે કામ નહિ કરે.’
‘તો વાવણી કેમ કરીને થાશે ?’
‘ઈ તે હવે મારે જ કરવી પડશે.’ ગોબરે સધિયારો આપ્યો. ‘એકને સાટે હવે બે ખેતરનું કામ કરીશ.’
પણ સદ્ભાગ્યે કહો કે દુર્ભાગ્યે, માંડણના ખેતરમાં તો શું , ગામના એકે ય ખેતરમાં વાવણી કરવા જેવો વખત જ ન આવી શક્યો.
***
ગઈ સાલ ભીમઅગિયારસને દિવસે પરબતનું શબ ઢાંકી રાખીને હાદા પટેલ વાવણી કરી આવ્યા હતા. પણ આ વર્ષની ભીમ અગિયારસ સાવ કોરીધાકોર ગઈ. આકાશમાં ક્યાંય નાનું-સરખું વાદળું પણું દેખાયું નહિ. ઓણ સાલ નખતર બદલી ગયાં છે, એવી આશામાં પખવાડિયું નીકળી ગયું અને બીજા પંદર દિવસ વાદળની પ્રતીક્ષામાં ગયાં, ત્યાં તો અનાજના ભાવમાં ઉછાળો આવ્યો, ને જીવા ખવાસની નવીસવી દુકાનને તડાકો પડી ગયો.
જીવાએ પોતાની નવી દુકાનનો વેપાર જમાવવા સારુ જ વરસાદને બાંધી રાખ્યો છે, એવી મજાક–મશ્કરીઓમાં વળી એક નક્ષત્ર પૂરું થઈ ગયું.
‘એલા જીવા ! હવે તો વરસાદ છોડ્ય, હવે તો ભલો થઈને છૂટો મેલ્ય ! તારી કમાણીના સવારથમાં ગામ આખાને ભૂખે મારીશ ?’ આવી આવી વિનતિઓમાં વળી એક અઠવાડિયું વીતી ગયું.
જેઠ મહિનો આખો કોરો ગયો એટલે લોકોના પેટમાં ફાળ પેઠી. ગામના ઢેઢ–ભંગિયાઓએ પૂતળાં મંતર્યાં હશે કે કશાંક કામણટૂમણ કર્યાં હશે એવા શક પરથી બેચાર હરિજનોને પીટી નાખ્યાં, પણ એથી ય કશો ફેર ન પડ્યો.
અનાજના ભાવો વધતા રહ્યા અને જીવા ખવાસને ‘બખ્ખાં’ થઈ પડ્યાં.
ખુદ મુખી ભવાનદા પણ આ દોહ્યલા દહાડામાં જીવાની ઠેકડી કરતા :
‘એલા જીવા ! તેં બવ સારે શકને હાટડી માંડી છે, એટલે પહેલી જ સાલમાં બખ્ખાં થઈ પડ્યાં. પણ હવે હાંઉ કર્ય, ને મેઘરાજાને છૂટો કર્ય. તારા સૂટકા-બૂટકા હંધા ય છોડી દે, ને ગામના ગરીબ માણસ ઉપર દિયા કર્ય.’
આકાશમાં અષાઢી બીજ ઊગી. એનાં દર્શન કરવા ગામ આખું પાદરમાં ઊમટ્યું. આંખે ઝામર–મોતિયાને લીધે ઓછું જોઈ શકનારાં ડોસાંડગરાં પણ જિજ્ઞાસાથી આ ‘બીજમાવડી’નાં દર્શન કરવા બહાર નીકળ્યાં. બીજના ચંદ્રનું ડાબું પાંખિયું ઊંચું છે કે જમણું પાંખિયું, એનું અવલોકન થયું. નક્ષત્રોની સ્થિતિ સાથે એનો મેળ મેળવાયો. જાણકારે ‘નખતર’ પરથી હવામાનની આગાહી કરતાં ભડલી વાક્યો ઉચ્ચાર્યાં :
અને ઉજ્જડ આકાશ તરફ તાકી રહીને સહુએ એકી અવાજે આગાહી કરી :
‘ઓણ સાલ તો છપનિયાને ય આંટે એવો કાળ પડશે !’
બીજે જ દિવસે મુખીએ મેઘરાજાની આરાધના માટે ઉજાણી યોજવાનું એલાન આપ્યું.
અને ગામ આખું ઉઘાડે પગે ને ઉઘાડે માથે મેઘરાજાનાં મનામણાં કરવા ઓઝતને કાંઠે એકઠું થયું. પ્રાર્થનાઓ થઈ, રામધૂન ગાજી, ધોળ અને ભજનો ગવાયાં.
આ ઉજાણીના સમાચાર સાંભળીને શાપરથી કામેસર ગોર ખભે ખડિયો નાખીને દોડતો આવ્યો. એણે દુકાળમાં અધિક માસ જેવું સૂચન કર્યું. મેઘરાજાનો કોપ શમાવવા એણે મોટો યજ્ઞ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભોળા ભવાનદાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને ગામમાંથી ઘરદીઠ અને સાંતીદીઠ રૂપિયો રૂપિયો ઉઘરાવીને ઠાકર મંદિરમાં યજ્ઞ કરાવ્યો.
હાદા પટેલને આવા ક્રિયાકાણ્ડમાં બહુ શ્રદ્ધા નહોતી. એમણે તો ગોબરને સૂચના આપી દીધી :
‘વાડીના કૂવામાંથી ગાળ ઉલેચી નાખો. ઓણ સાલ ભર ચોમાસે કોસ જોડવાનો વારો આવવાનો છે.’
માંડણ અને ગોબર બન્ને પોતાની વાડીઓમાં ગાળ કાઢવા પ્રવૃત્ત થયા. પણ અરજણને શાદૂળ સમજીને માંડણિયે લાકડીએ લાકડીએ ખોખરો કરી નાખ્યા પછી બીજો કોઈ સાથી એને ત્યાં રહેવા તૈયાર નહોતો થતો, તેથી ગોબરે જ એ મજૂરી કરવાની હતી.
માંડણ, ગોબર અને સંતુએ મળીને બન્ને વાડીઓમાંથી ઉલેચી શકાય એટલો ગાળ ઉલેચ્યો, પણ એથી ય કશો ફેર ન પડ્યો. ઓણ સાલ ઓઝતની સાચી ગણાતી સરવાણીઓ જ ખોટી પડી ગઈ હોય એવું લાગ્યું.
‘તો હવે તળ ઊંડેરું ઉતારો.’ હાદા પટેલે આદેશ આપ્યો. ‘વાવ્યમાં સાંગડી નાખીને બે હાથ ઊંડેરુ ખોદી નાખો તો નવી સરવણી નીકળશે.’
‘પણ પાકા પથરનું તળ તોડવું શી રીતે ? સાંગડીનું પાનું ભાંગી જાય એવા મજબૂત કાળમીંઢને કાપવા શી રીતે ?’
‘દાર ધરબીને ટેટા ફોડો !’ હાદા પટેલે સૂચન કર્યું.
ગોબર ને માંડણને બન્નેને આ સૂચન ગમી ગયું. આમેય હવે શ્રાવણ મહિનો બેસી ગયો છતાં ઉજ્જડ આકાશમાં સમ ખાવાનું ય વાદળ દેખાતું નહોતું તેથી વરસાદની આશા તો માંડી જ વાળી હતી. તેથી બન્ને ભાઈઓએ કોસ જોડવા માટે કૂવાનું તળ ફોડવાનો નિર્ધાર કર્યો.
એક વહેલી સવારે, ઉજ્જડ આકાશ તરફ નિરાશાભરી નજર નાખીને માંડણ અને ગોબર નેફે રૂપિયા ચડાવીને શહેરમાંથી પોટાશ ખરીદવા નીકળ્યા.