વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સમીપે (ડૉ. ભરત શાહ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સમીપે

સમીપે (નવલકથા) : ભરત શાં. શાહ, ૨૦૦૩, રંગદ્વાર પ્રકાશન, યુનિવર્સિટી પ્લાઝા, અમદાવાદ-૩૮૦ ૦૦૯, રૂ.૧૦૦-૦૦, પૃ.૧૪૦ અને ૧૯, ડિમાઈ, કાચું પૂંઠું.

આત્મચરિત્રાત્મક લઘુનવલકથાના લેખક ડૉ. ભરત શાહને કૃતિ માટે સર્વથા યોગ્ય શીર્ષક જડી ગયું છે, કોઈ સુંદર ગીતને ધ્રુવપદની પંક્તિ મળી જાય તેમ. મૂળ ઉપનિષદની પ્રાર્થના - असतो मा सद् गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्माडमृतं गमय- નો ન્હાનાલાલે ઉત્કૃષ્ટ અનુવાદ કર્યો છે:

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.

લઘુનવલ ‘સમીપે’નું શીર્ષક આવો સમૃદ્ધ વારસો લઈને જન્મ્યું છે. સાચે જ આ લઘુનવલ મૃત્યુ સામેની આકરી લડાઈ છે. આ યુદ્ધમાં એકથી વધુ વાર નાનીમોટી લડાઈઓમાં પરાભવ મળે છે, પીછેહઠ કરવી પડે છે, પરંતુ ‘આ ઘોર યુદ્ધે ઘણી વાર હાર્યો, સાચું છતાં હાર નથી સ્વીકારી’ એવા અખૂટ શ્રદ્ધાના બળની સામે મૃત્યુને પરાજય સ્વીકારવો પડે છે અને અસૂર્યલોકે ઉષાનો પુનર્જન્મ થાય છે. ‘સમીપે’ની સમૃદ્ધિ એની ભાવશબલતા છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી ઓગણીસમા દિવસના પ્રભાતે અંતઃપુરમાંથી સ્ત્રીઓ કલ્પાંત કરતી રણભૂમિ ઉપર વીરશય્યા પામેલા સ્વજનોનાં અંતિમ દર્શન કરવા આવે છે. ‘શવો-શવાંશોથી કીર્ણ’ રણભૂમિ પરનું આ સ્ત્રીસમુદાયનું આક્રંદ અસહ્ય છે. ત્યારે મહાભારતકારે ભૂરિશ્રવાની પત્નીના મુખમાં આ શ્લોક મૂક્યો છે :

अयं स रशनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
नाभ्यूरजघनस्पर्शी नीवीविस्रंसनः करः ॥

(મારા અંતરવસ્ત્રને ઉતારનાર, ભરાવદાર સ્તનનું વિમર્દન કરનાર, નાભિ, ઊરુ, જઘનને સ્પર્શનાર, નાડી છોડી નાખનાર આ મારા પતિનો હાથ છે.) તીવ્રતમ કરુણની સાથે આવા ઉત્કટ શૃંગારનું નિરૂપણ ભાવશબલતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. ‘સમીપે’માં કરુણ અને હાસ્યની ભાવશબલતા છે. કરુણ અને હાસ્યની સેર એકબીજાની સાથે કેવી ગૂંથાતી આવે છે તેનું સરસ દૃષ્ટાન્ત છે, જિંદગીનો વીમો લેવાનો પતિપત્ની વચ્ચે સંવાદ. આ સંવાદમાં જીવન અને મરણ પણ ગૂંથાતાં જાય છે એ પણ કરુણ અને હાસ્યની નિષ્પત્તિની અભિવૃદ્ધિ કરે છે. મરણ ઢૂંકડું આવ્યું છે ત્યારે ઉષાબહેનને એક તેજસ્વી વિચાર આવે છેઃ ‘મારાથી હવે જિંદગીનો વીમો લેવાય?’ ભરતભાઈ: ‘કોઈ આપે તો લેવાય, કેમ શી જરૂર પડી?’ ‘વીમો હોય તો સારું. મારાં કેટલાંય સગાંવહાલાં અને મિત્રોને પૈસાની જરૂર છે!’ ‘મારે પણ!... (પણ) તને હવે લીવરનો સિરોસીસ થયો અને જળોદર પણ થયો. હવે કોઈ તને વીમો ન આપે. બહુ બહુ તો નવકાર આપે!’ ‘કાશ્મીરા (ભરતભાઈની ભાભી) ના પપ્પા રસિકભાઈનો કાલે મારી ખબર પૂછવા માટે ફોન હતો. મને કહેતા હતા કે ધર્મધ્યાન કરવું. રોજ સવારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક એક નવકારવાળી ગણવી.’ ‘પછી?’ ‘મેં કંઈ કહ્યું નહિ. પણ જો હું હવે માળા ફેરવવા બેસું તો ભગવાનને પણ હસવું આવે કે આ બહેનને હવે કંઈ ગરજ પડી લાગે છે!’ થોડી વાર પછી આંખમાં ચમક સાથે કહે, ‘તને પણ હવે કોઈ વીમો ન આપે, બરાબર?’ તેની વાત સાવ સાચી જ હતી, જેને એક વાર લકવો થયો હોય તેને વળી વીમો કોણ આપવાનું હતું? મારા પ્રત્યે અપાર સ્નેહ, ભક્તિભાવ, માન બધું હોવા છતાં પણ મારું જેમાં કંઈ ન ચાલે તેવું કંઈ થાય, ત્યારે તેમાં તેને અનેરો આનંદ આવતો. તે ખુશખુશાલ થઈ જતી. યુરોપની અમારી મુલાકાત વખતે અમે જર્મની અને ફ્રાંસ પણ ગયેલાં. ત્યાંની સ્થાનિક ભાષા અમને ન આવડે અને એ લોકો જાણીબૂઝીને અંગ્રેજીમાં બોલે નહિ. તેમને સમજાવવાનાં મારાં હવાતિયાંથી તેને બહુ ગમ્મત પડતી. મને કહે, ‘તું ભલભલાને ભલભલું સમજાવી શકે છે, પણ અહીં...’ ‘તનેય ક્યાં કશું સમજાવી શકું છું?’ હવે જુઓ લેખકનો વિનોદ: ‘છેવટે અમને બેમાંથી એકેયને જિંદગીનો વીમો મળી શકે તેમ ન હોવાથી હાલ તુરત પૂરતું તો જીવતા રહેવું જ વધારે ઈચ્છનીય છે, એ નિર્ણય ઉપર અમે આવ્યાં.’ અને આ ભાવપલટો, ‘તે નિર્ણયને અમલમાં મૂકવાનું અલબત્ત, અમારા હાથમાં ન હતું.’ (પૃ.૬૧-૬૨) વળી એક પતિપત્નીનો સંવાદ જુઓ. ભરતભાઈ વ્યવસાયે ડૉક્ટર છે. લીવરની બીમારીની ગંભીરતા એ જેટલી સમજે છે એટલી સમજણ દર્દી ઉષાબેન ન જ સમજે. એ તો બિન્દાસ્ત જીવનની બધી ઘરેલુ પ્રવૃત્તિઓમાં મશગૂલ છે. મરણની છાયા હેઠળ જ આ નિત્ય નૈમિત્તિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એનો ભરતભાઈને તો સ્પષ્ટ ખ્યાલ છે જ, ઉષાબહેનને એની ગંભીરતાનો ખ્યાલ નથી. આ દરમિયાન ઉષાબહેનના ભત્રીજાના લગ્નનું અમદાવાદથી નિમંત્રણ આવે છે, ફોનથી. હવે આગળ વાંચો : ‘મેં શયનખંડનાં ખુલ્લાં દ્વાર પાસેથી સાંભળ્યું. ઉષા કહેતી હતી, ‘જૂનમાં રાખશો તો હું નહિ આવું.’ મને ખબર હતી કે એ જૂન મહિનો કાઢશે તેવી આશા રાખવી પણ અસ્થાને હતી. જૂનને હજુ ત્રણચાર મહિનાની વાર હતી. તેણે આગળ ચલાવ્યું, “નવેમ્બરમાં રાખો તો કંઈ ઠંડક હોય.’ હા, ત્યાં સુધીમાં તો ચિતા ઠંડી પડી ગઈ હોય ખરી! ફોન મૂકીને મને વાત કરી. સહદેવ જેવી મારી દશા હતી. મેં માત્ર કહ્યું, ‘તને જવું ફાવશે?’ ‘અલબત્ત ફાવશે. ત્યાં સુધીમાં તો હું ઘોડા જેવી થઈ જઈશ.’ તે તો થાય ત્યારે ખરી, પણ અત્યારની આ ગધેડા જેવી મૂર્ખતાભરી વાત ઉપર હસવું કે રડવું તે મને ન સમજાયું.’ (પૃ.૬૩-૬૪) નર્સ અને ડૉક્ટર સાથેનો એક સંવાદ પણ જોવા જેવો છે. ગ્રેજ્યુએશનના સમારંભ પછી મનીષા હૉસ્પિટલમાં તેની માને મળવા આવે છે. ‘મા-દીકરી ભેટ્યાં....’ ‘તમારી દીકરી વકીલ થઈ. હવે તમે તેને દલીલબાજીમાં પહોંચી નહિ વળો. હવે તમે સાજાં થઈને ઘેર જાવ.’ નર્સે ઉષાને મજાકમાં કહ્યું. ‘તમે નવું લીવર આપો ત્યારે ને!’ ઉષાએ જવાબ આપ્યો. ‘બસ આજકાલમાં જ!’ ડૉક્ટર ટૅપરમૅન રોજ સવારે રાઉન્ડ પર આવે ત્યારે ઉષા તેમને પણ પૂછે, ‘હજી કેટલા દિવસ થશે?’ ‘પાંચ દિવસ’, એ તેમનો હંમેશનો જવાબ હતો. ‘તમે તો કેટલાય દિવસથી એમ જ કહો છે!’ એક દિવસ છંછેડાઈને તેણે કહ્યું. ‘રોજ એનું એ જ કહું છું, તેથી તો તમને યાદ રહે છે. વળી હું મારી વાત બદલતો નથી. એક વખત જે કહ્યું તેને વળગી રહું છું.’ (પૃ.૯૧) કૃતિ સુખાંત હોવા છતાં તેનો પ્રધાન રસ તો કરુણ જ છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ મૃત્યુના ઓછાયા નીચે જ વિકસે છે. છતાં અહીં મરણની ભીષણતા નથી. અફર નિયતિ સામેનો વિદ્રોહ નથી. લાગણીવેડા, રુરુદિષા અને વિલાપ તો નથી જ નથી. ‘હસતે મુખે પ્રારબ્ધના કરતાં જશું પરિહાસ’ એવો એક શાંત પ્રતિકાર છે, દૈવાધીન લાચારી નથી. જેવો કરુણ શાન્ત છે તેવો જ હાસ્યરસ મધુર અને અનાક્રમક છે. જ્વલ્લે જ આ હાસ્ય સ્થૂલ જોક્સની નીચી કક્ષાએ ઊતરે છે, જેમ કે ઉષાબહેનના ઉત્કટ શોપિંગના રસને અનુલક્ષીને એમની સ્મશાનયાત્રાને ગ્રોસરી સ્ટોરમાં થોભાવવાનું સૂચન અને આટલું ઓછું હોય તેમ થોડોક જીવ હજી બાકી રહી ગયો હોય તો તેના ઊભા થઈ જવાની શક્યતાનું સૂચન (પૃ.૫૬) સદ્ભાગ્યે આવી સ્થૂલતા બીજે ક્યાંય જોવા મળતી નથી. બાકી સર્વત્ર પ્રસન્નમધુર હાસ્યની લહેરખીઓ આવ્યા કરે છે. ઉષાબહેનને ટ્રાન્સપ્લાન્ટ માટે નવું લીવર પહેલી વાર મળે છે અને નથી મળતું તેની તંગદિલી કોઈ રહસ્યકથાની જેમ આકર્ષક રીતે આલેખાઈ છે. પાંચ ભવ જેવાં પાંચ અઠવાડિયાં પછી એક લીવર મળે છે, તેના સમાચારથી ભરતભાઈ અને કુટુંબીજનોમાં આનંદની લહરી વ્યાપી જાય છે ત્યાં જ મધરાતે નર્સનો ફોન આવે છે કે તે લીવર કામ આવે એવું નથી. ફરી હતાશા વ્યાપી વળે છે. ત્યાં તો ૨૪ કલાકમાં જ બીજું લીવર મળે છે. પણ પહેલાંનો અનુભવ જલદી ભૂલી શકાય તેવો નહોતો. ત્યારે રાત્રે બે વાગ્યે ફોન આવ્યો હતો. હવે જુઓ લેખકનું નિર્મળું હાસ્ય : ‘આખી રાત અમે.... ફોન ન આવવાની પ્રતીક્ષા કરી, અને તે ફળી પણ ખરી. કોઈનો ‘રૉન્ગ નંબર’નો ફોન પણ ન આવ્યો. જીવનનો વીમો વેચવાવાળાઓ, સ્ટૉકમાં પૈસા ડબલ કરી આપનારાઓ, કોઈ અમારા અભિપ્રાયની મોજણી (Opinion Survey) કરવાવાળાઓ, કે ભારત ફોન કરવા માટેના સસ્તા દર આપવાવાળાઓનો ફોન પણ ન આવ્યો. કદાચ આવ્યો હોત તોપણ રાહતનો એક દમ ખેંચીને, ખુશીથી તેમને માફ કરી દેત! (પૃ. ૧૧૩) ક્યારેક તો લેખકનું ઝીણું હાસ્ય વિસ્મયનો આહ્લાદ જગાડી જાય છે : ‘મારી સાઠમી વર્ષગાંઠ મારી ઈચ્છાનુસાર શાંતિપૂર્વક બાને ત્યાં નાના પાયે મનાવી. મારી અને ઉષાની વર્ષગાંઠમાં એક મહિના કરતાં પણ ઓછો ગાળો છે. અમારી લગ્નની એનિવર્સરી તો વળી દર સાલ એક જ દિવસે આવે છે!’ (પૃ.૧૩૯) હાસ્ય અને કરુણની સહોપસ્થિતિ (Juxtaposition)ની સાથે સાથે પરસ્પર વિરોધી શબ્દોની સહોપસ્થિતિ પણ આસ્વાદ્ય છે, જાણે કે હાસ્યકરુણનું પ્રતિબિંબ છે. ઉષાબહેન એમના ભત્રીજાનાં લગ્નમાં નવેમ્બરમાં અમદાવાદ જાય પણ છે અને તેમનાથી અજાણપણે વધારે વિષમ અવસ્થામાં પાછા ફરે છે. લેખક આ આગમનને વર્ણવે છે: ‘ન્યૂયોર્કના એરપોર્ટ ઉ૫૨, રથમાં બેસીને નગરપ્રવેશ કરતા કોઈ વિજયી યોદ્ધાની જેમ, વ્હીલચેરમાં બેસીને તે કસ્ટમના સ્વયંસંચાલિત દરવાજામાંથી બહાર આવી. અમારા પરાજયની નોબતો વાગવાની તૈયારી હતી. (પૃ.૬૫). ઉષાબહેન રસોઈ કરવાનાં અને જમાડવાનાં શોખીન જીવડા છે. જેમ જેમ તબિયત કથળતી ગઈ તેમ તેમ મનનો ઉત્સાહ કાયમ રહે છે પણ હવે શરીર કામ આપતું નથી. થાકીને-હારીને અનિચ્છાએ ઉષાબહેન પિઝા લાવવાની હા પાડે છે તેના આલેખનમાં પણ આ વિરોધી શબ્દોની ઉપસ્થિતિ જોવા મળે છે.... નિખિલે (દીકરો) પૂછ્યું, ‘પિઝા લઈ આવું?’ આ પ્રશ્નનો જવાબ અમને બંનેને ખબર હતો. ‘પિઝા શાના સૂઝે છે? એમ બહારનું ખા ખા કરવું? હમણાં ખીચડી બનાવી દઉં છું. અર્ધા કલાકમાં તો થઈ જશે. તમે પ્લેટો ગોઠવી દો!’ નિખિલની પ્રશ્ન પૂછવાની મજાલથી મને નવાઈ લાગી. તેથી ઘણી વધારે નવાઈ લાગી ઉષાના જવાબથી. તેણે કહ્યું, ‘સા...રું’. આટલા ખરાબ અર્થમાં આ ‘સારું’ શબ્દ વપરાયેલો મેં ક્યારેય જોયો કે સાંભળ્યો નથી.’ (પૃ.૬૬) નવું લીવર મળ્યું એટલે નાની મોટી ઉપાધિઓ સતાવવા માંડી. ‘હવે’ તો નાનામાં નાની વાત, ચાદરમાં પડેલી સળ, વાંકું ઓશીકું, નળી કાઢી નાખેલી તે જગ્યાએથી નીકળતું એકાદું લોહીનું ટીપું, અઠવાડિયા સુધી લોહીની તપાસ માટે લોહી લેતાં પડેલાં જાંબલી ચકામાં, પટ્ટીઓ મારેલી ત્યાં આવતી ચળ, એ બધું જ હવે રહી રહીને દુઃખનું કારણ બની ગયું. દુઃખનો અનુભવ થઈ શકે, તે પણ કેટલી સુખદ ઘટના છે! (પૃ.૧૧૮) સર્જકતાનાં આવાં સ્ફુલ્લિંગો અવારનવાર જોવા મળે છે. મરણાસન્ન ઉષાને હૉસ્પિટલમાં દાખલ કરીને ભરતભાઈ ઘરે પાછા આવે છે ત્યારની આ સચોટ ઉપમા જુઓઃ ‘પત્ની સહિત સર્વસ્વ હારીને આવેલા યુધિષ્ઠિરની જેમ મેં ઘરમાં પ્રવેશ કર્યો.’ (પૃ.૧૯). આવી જ સચોટ તુલના છે લીવરની બીમારીથી પીળા પડી ગયેલા શરીરને જાણે પીઠી ચોળી હોય તેની: ‘લોહીના કણોનો ભંગાર લીવર બહાર કાઢતું બંધ થાય ત્યારે તે પીળો ભંગાર શરીરમાં ભેગો થાય છે... ઉષાના લોહીમાં તે ભંગાર ભેગો થવાની શરૂઆત હતી. અમારા લગ્નનાં ત્રીસ વર્ષ પછી મારી નવોઢાને અંગે હવે ફરીથી પીઠી ચડી રહી હતી!’ (પૃ.૬૭) ક્યારેક સંક્ષિપ્ત બાનીમાં લેખક પ્રયોજન સિદ્ધ કરે છે: ઑપરેશન સફળ થયું હતું. પુનર્જન્મ દિન : ૨૪મી જૂન ૧૯૯૯.’ (પૃ.૧૧૫) ટ્રાન્સપ્લાન્ટ વૉર્ડની નર્સોને ભરતભાઈએ ઉમળકાભેર અંજલિ આપી છેઃ ‘ત્યાંની એકેએક નર્સ, એકમેકથી ચડે એવી હતી. ‘શ્વેતા, શ્યામા, ફિલીપીના, કોરિયન, બધી જાત અને બધા રંગની એ સ્ત્રીઓ હતી. તેમની વર્તણૂક, મદદ કરવાની તેમની તત્પરતા, હૂંફ આપવાની તેમની કળા, તેમનું શાંત કૌશલ અને દર્દી તથા તેમના સંબંધીઓ માટેનો તેમનો અસીમ પ્રેમભાવ, એ સૌ અમારા માટે ખારા રણમાં મીઠી વીરડીવાળા દ્વીપકલ્પ જેવાં હતાં.’ (પૃ.૧૨૫-૧૨૬). સાજા થયા પછી ઉષાબહેન વૉર્ડની નર્સોને ઓળખી નથી શકતા એ સાવ સ્વાભાવિક છે. નર્સોને એનો કોઈ ખેદ નથી, કહે છે: ‘અમને કોઈ ન ઓળખે. અમે તો પેલી વાર્તામાંના છૂપા વહેંતિયાઓ (Elves) છીએ! કામ કરીને અદૃશ્ય થઈ જઈએ.’ માત્ર બે જ વિશેષણોથી લેખક એમનો મહિમા પ્રગટ કરે છે : ‘કેવા વિરલ અને વિરાટ વહેંતિયાઓ!’ (પૃ.૧૨૬)

આ લઘુનવલકથાનું વ્યાવર્તક લક્ષણ છે એમાં વ્યક્ત થતી શ્રદ્ધા. અનેક પરાભવો પામવા છતાં પરાજય ન સ્વીકારવાની અવિચલ શ્રદ્ધા, જીવનના આખરી શ્વાસ સુધી લડી લેવાની તત્પર શ્રદ્ધા, મૃત્યુને પણ બે ડગલાં પાછા હઠી જવું પડે તેવી બળવાન શ્રદ્ધા આ નવલનાં પાને પાને, પદે પદે પ્રતીત થાય છે. શાહમૃગની જેમ રેતીમાં માથું નાખીને વાસ્તવિકતાની ઉપેક્ષા કરતી અંધશ્રદ્ધા આ નથી પણ નિરાશાને ખંખેરી નાખતી અમર આશામાંથી જન્મતી અપૂર્વ શ્રદ્ધા અહીં છે. લેખકના શબ્દો આત્મપ્રતીતિથી રણકી ઊઠે છે - ‘વળી આશા, નિરાશા, અસમંજસ, ગભરામણ, ચિંતા, એ બધાંય કરતાં ચડી જાય, શ્રદ્ધા. તેલ ખૂટી ગયા પછી પણ બુઝાય નહિ, એવા દીવાની એ અચળ જ્યોત!’ (પૃ.૯૯) ‘હૉસ્પિટલમાં લઈ ગયાં ત્યારે તે જીવવાની ન હતી તે તો સાવ સ્પષ્ટ જ હતું. તે મરવાની તો નથી જ, એ અમારા સૌનાં મનમાં તેનાથી પણ વધારે સ્પષ્ટ હતું.’ (પૃ.૧૪૦) શ્રદ્ધાનો આ પુરવઠો ક્યાંથી આવે છે? ભરતભાઈનું કાવ્યસાહિત્યનું પરિશીલન અને ધર્મતત્ત્વજ્ઞાનનો અભ્યાસ એમને જરૂર ફલદાયી નીવડ્યાં હશે. ‘સમીપે’ની ઉમદા પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરી અનુમાન કરે છે : ‘તમે તમારા દુઃખ પ્રત્યે ગંભીર છો, સંબંધ પ્રત્યે વફાદાર છો અને એક હારેલી લડાઈ લડવા નિઃશસ્ત્ર ઊભા હો, ત્યારે કદાચ જીવનદૃષ્ટિ આટલી વિધાયક થઈ જતી હશે.’ (પ્રસ્તાવના, પૃ.IX) સાચું. મારે ઉમેરવું છે કે મૃત્યુ મુખોમુખ આવીને ઊભું રહે ત્યારે નચિકેતા જેવી જિજ્ઞાસા ધરાવતા જીવોને આવો આત્મભાવ જાગતો હશે. ઉપનિષદકારે કહ્યું જ છે वक्ता चास्य त्वादृगन्यो न लभ्यः (આ વિષયમાં તેના જેવો બીજો વકતા મળવો અશક્ય છે.)

પાત્રાલેખન

પાત્રાલેખન થોડુંક નિરાશ કરે છે. માતા, ભગિની, ભાઈ, ભાભી, દીકરી, દીકરો, સાળી – આ સૌનાં અઢળક પ્રેમ અને સહાનુભૂતિ નિરૂપાયાં છે છતાં એક પણ પાત્રને રંગરેખા મળ્યાં નથી. આમાં નાનકડો અપવાદ છે વિઝિટર્સ રૂમની બે મુસ્લિમ મહિલાઓ. આ નણંદભોજાઈનું મીઠું હિન્દી વ્હાલ કરે તેવું છે, હૃદયસ્પર્શી છેઃ ‘ડૉક્ટર સાહબ, ઈન્શાલ્લા, ખુદાસે હમ દુઆઈ કરતે હૈં કિ આપકી ‘બેગમ’ કો ભી સબ ઠીક હો જાયેગા!’ વળી બીજી વાર કહે છે: ‘ડૉક્ટરસાહબ, હમ લોગ તો મુસલમાન હૈં, ખુદા કે બંદે હૈં. તીન તીન મહિને સે હમ યહાં આતે હૈં, રૂઈ અચ્છા નહિ હોતા હૈ. આપ આપ કે ભગવાન કો ભી મેરે ખાવિંદ કે લિએ દુઆ કરે તો બડા શુક્ર હોગા.’ (પૃ.૯૮) આમ આ બે જ પાત્રોની કથા છે: ઉષા અને ભરત, સમગ્ર કથામાં ઉષાબહેન બીમાર, મરણાસન્ન અને હોસ્પિટલગ્રસ્ત હોવા છતાં તેમનું વ્યક્તિત્વ સારું એવું પ્રકટ થયું છે. આંતરડાના સ્પેશિયાલિસ્ટની મુલાકાતમાંથી જન્મતો સંઘર્ષ ઉષાબહેનના લાક્ષણિક વ્યક્તિત્વનો દ્યોતક છે. ઉષાબહેનને તપાસીને ફૅમિલી ડૉક્ટરના નિદાન સાથે સંમત થઈને ૪૦૦ ડોલરનું બિલ પકડાવે છે. ભરતભાઈ ક્રેડિટ કાર્ડથી ચૂકવે છે. હવે જુઓ ઉષાબહેનનો રોષઃ ‘પાંચ મિનિટ મને જોઈ, મેં કહ્યું તે બધું લખી લીધું, પછી આપણા ડૉક્ટરે કહેલું તે બધું તેમણે કહ્યું અને તેના ચારસો ડૉલર?’ ભરતભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ‘પણ આટલાના ચારસો ડૉલર! તેમણે કામ શું કર્યું? તેમણે બિલ બનાવી દીધું અને તમે તે ચૂકવી પણ દીધું?’ એમ ભરતભાઈ પર પણ ગુસ્સો ઠાલવે છે. ‘મારે તને મરવા નથી દેવી!’ મેં છેવટે થાકીને કહ્યું. ‘તો આ રીતે મારે નથી જીવવું!’ તેણે રોકડું પરખાવ્યું. આનાથી વધારે પ્રકોપ તો ડોક્ટરની સેક્રેટરી પર ઉષાબહેન ઠાલવે છે. બીજા અઠવાડિયાની બધી ટેસ્ટો રદ કરે છે અને જ્યારે સેક્રેટરી કારણ પૂછે છે ત્યારે પરખાવે છે કે, ‘તમે લોકો બધાંને લૂંટવા બેઠાં છો!’ પેલી બાઈ સમાધાનવૃત્તિથી કહે છે કે ‘સારું. તો અમે વીમાવાળા આપશે તેટલા લઈશું, બાકીના...’ બાકીના પણ હું નથી આપવાની!’ (પૃ.૫૩) આમ ઉષાબહેનની બધી શરત તે કબૂલે છે. ભરતભાઈનું માર્મિક નિરીક્ષણ છેઃ ‘વળી ઉષાનું બ્લડ ગ્રૂપ પણ અસામાન્ય હતું. તેથી તેના માટે લીવર મળવાનું વધારે દુષ્કર હતું. કદાચ A ગ્રૂપવાળા લોકો આસાનીથી મરતા નહિ હોય. ઉષા પણ તેની ઠંડી તાકાતથી કદાચ એ જ દર્શાવી રહી હતી.’ (પૃ.૯૭) સૌથી ઉત્તમ ચરિત્રચિત્રણ તો આ લઘુનવલના નાયક ડૉ. ભરત શાહનું જ છે! સંસ્કૃત નાટકોના ધીરોદાત્ત નાયકની છાપ આ કૃતિમાંથી ઊપસે છે. આસન્નમૃત્યુની કટોકટીમાં પણ ભરતભાઈનું ધૈર્ય અડોલ છે. धीरस्तत्र न मुह्यति એ સૂત્રવાક્યને એમણે જીવનમાં ઉતાર્યું છે. ગીતાના શબ્દોમાં ભરતભાઈ अनुद्विग्नमनः છે. તેમની ચિત્તશાંતિ અપાર છે. આ કપરી પરિસ્થિતિમાં પણ એમની દૈનંદિન વ્યવહારની તેમજ સર્જનલેખનની પ્રવૃત્તિ અબાધિતપણે ચાલુ રાખે છે. એમના જ શબ્દોમાં, ‘કાળાં ડિબાંગ વાદળાં ઘેરાયાં હોય ત્યારે પણ મોર તો તેની કળા કરે જ છે... મૃત્યુના ઘોર ઓળા અમારા પર છવાયેલા હોવા છતાં કે પછી કદાચ તેથી જ, મારી સર્જનાત્મક પ્રવૃત્તિઓ તો ચાલતી જ હતી. મૃત્યુમાંથી ઊગરવાનો રસ્તો એ જ કે જીવનમાં ચિત્તને પરોવવું.’ (પૃ.૭૮). આ ધૈર્ય અને ચિત્તશાંતિનું મૂળ તેમની અખૂટ શ્રદ્ધા છે. અગાધ આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા આ શબ્દોમાં રણકી ઊઠે છે: ‘ડરીશ નહિ. બધું જ આપણા ધાર્યા પ્રમાણે જ થયું છે. જે થાય તે સારા માટે જ થાય છે. હવે બહુ વાર નહિ લાગે... અહીં સુધી આવીને તને મરવા નહીં દઉં.’ (પૃ.૯૪). ઉષાબહેન અર્ધબેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતાં હોય છે એ અરસામાં જ ભરતભાઈના મિત્રના યુવાન પુત્રનું અવસાન થાય છે. ઉષાને છોડીને ભરતભાઈ સ્મશાનયાત્રામાં જાય છે અને એ મિત્રોના સૌજન્યને નોંધીને તુલસીદાસને સ્મરે છેઃ

जो न मित्रदुःख होइ दुखारी,
तिनहि विलोकत पातक भारी ।
निज दुःख गिरिसम रज करी जाना,
मित्र के दुःख रज मेरु समाना ॥

મર્યાદા

ઉષાનું પાત્ર idealised છે. कार्येषु मंत्री, करणेषु दासी, शयनेषु रंभा, क्षमया धरित्री આ બધું સંસ્કૃત સુભાષિતમાં શોભે. પણ આ બધા ગુણો કોઈ જીવતી જાગતી હાડચામની બનેલી વ્યક્તિમાં આરોપવામાં અતિશયોક્તિ છે. નવલકથાની નાયિકા સર્જી હોય તો તેમાં પણ અપ્રતીતિજનકતાનો આરોપ આવે. વિચલિત કરી મૂકે, વ્યથિત કરી મૂકે એવા પ્રસંગે લેખકનું ધૈર્ય પ્રશંસનીય છે. સંયત કરુણ અને અનાક્રમક હાસ્યવિનોદને વ્યક્ત કરતી લેખકની શૈલી સમથળ છે. પણ ક્યારેક આ ચરિત્ર અને શૈલીની ટાઢાશ અકળાવે તેવી છે. ઉષાની દેરાણી કાશ્મીરા એના લીવરનું દાન આપવાની ઓફર કરે છે તેના ઔદાર્ય અને સ્વાર્પણને જે ગંભીરતાથી નોંધ લેવાવી જોઈએ એ સૌજન્ય બતાવવામાં લેખક ચૂક્યા છે. એક વિચિત્ર છાપ એવી પણ પડે છે કે જેવા અને જેટલા ઉષ્માભર્યા ઉલ્લેખો ઉષાબહેનનાં પિયરિયાંઓ માટે થયાં છે તેવાં ભરતભાઈનાં ભાઈ-ભાભી-બહેન માટે નથી થયાં. આ પાત્રોને થયેલો અન્યાય કઠે તેવો છે. એક સલાહ લેખકને ખાસ આપવા જેવી છે - સ્મૃતિમાંથી અવતરણો ન ટાંકવાની. ભવભૂતિમાંથી સુપ્રસિદ્ધ અવતરણ આ પ્રમાણે ટાંક્યું છે : अमृता आत्मनः कला । ઉત્તરરામચરિત કેટલું દૂર હોય કે अमृताम् आत्मनः कलाम् શુદ્ધ રૂપે ન ટાંકી શકાય? ‘કુંવરબાઈનું મામેરું’ની જાણીતી પંક્તિ ટાંકી છે: ઘડો ફૂટે ને રઝળે ઠીકરી, મા વિનાની એવી દીકરી’. પ્રેમાનંદની પંક્તિનો લય આમાં કેવો તૂટે છે, આ ‘ને’ અને ‘ની’ ઉમેરવાથી. આવા જ અશુદ્ધ પાઠથી ‘ઓ ભાઈ રે, શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ફિલ્મી ઢાળમાં પરિણમે છે. આટલું ઓછું હોય તેમ બાપુ ગાયકવાડની ‘શાંતિ પમાડે તેને તો સંત કહીએ’ એ પંક્તિને નરસિંહને નામે ચડાવી છે! ભાષાશુદ્ધિની પણ ક્યારેક, જવલ્લે જ મુશ્કેલી નડે છે. ‘વિસ્તાર’ના અર્થમાં ‘પ્રસ્તાર’ અને ‘સીમા’ના અર્થમાં ‘મર્યાદા’ યોગ્ય શબ્દપ્રયોગો નથી. આ લઘુનવલનાં નાયકનાયિકાને થોડીક શુભેચ્છાઓ આપવાની છે. ઉષાબહેન મૃત્યુના મુખમાંથી પાછાં આવ્યાં. નવું જીવન જ મળ્યું એમ કહો ને. કૌટુંબિક સાંસારિક જળોજથાઓ, અલ્પતાઓ અને ક્ષુદ્રતાઓમાંથી અલ્પાંશે પણ મુક્ત થઈ શેષ જીવનને સાર્થક કરવાની પ્રેરણા કદાચ એમને ફ્રૅન્ક મેઇયરના ‘સ્વીટ રિવાઇવલ’માંથી મળે. “ન્યૂઝવીક’નો પત્રકાર ફ્રૅન્ક પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે અને નવું જીવન પામે છે. આ નવું જીવન તે ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં સમર્પી દે છે. આ જીવનપરિવર્તનમાં ભરતભાઈનો પણ સાથસહકાર મળે તેમ ઇચ્છીએ. અવસાન સમયના ફ્રૅન્કના શબ્દો કેટલા કૃતજ્ઞતાથી છલોછલ છે: "You never can repay the people who help you in your trip through life, but you can pass on the payment." ડો.ભરત શાહે ટ્રાન્સપ્લાન્ટની એક ઉત્તમ કથા આપી. આપણે ઈચ્છીએ કે બીજા એક ટ્રાન્સપ્લાન્ટની, ભારતથી અમેરિકાના ટ્રાન્સપ્લાન્ટની, માત્ર અંગત નહીં પણ ભારતીય બલકે ગુજરાતી વસાહતીઓની કથા આપણને આપે. ઇલા આરબ મહેતાએ ‘ધ ન્યૂ લાઈફ’માં બ્રિટનના ગુજરાતીઓની સાહસિકતા, સંઘર્ષ અને સામર્થ્યની, બે સંસ્કૃતિઓના સંઘટ્ટનની અને બે પેઢીઓની સોરાબરૂસ્તમીની જે વિશાળ પટ ઉપર નવલકથા આપી છે તેવી અમેરિકાના ગુજરાતીઓની રોમહર્ષણ કથા ડૉ. ભરત શાહ પાસેથી મળે એમ આપણે ઈચ્છીએ. દિલીપ રાણપુરાની ‘મીરાંની રહી મહેક’ સાથે આ લઘુનવલનું ગાઢ સામ્ય છે. બન્ને આત્મચરિત્રાત્મક કૃતિઓ છે. બન્નેના કેન્દ્રમાં પત્નીની અસાધ્ય બીમારી છે. બન્ને આસન્નમૃત્યુની કથાઓ છે. રાણપુરાની નવલકથામાં ત્રણ વર્ષની પીડાનું વિસ્તૃત ફલક છે, ‘સમીપે’નો સમયગાળો ટૂંકો છે. રાણપુરામાં બંને પતિપત્ની સર્જક હોવાથી સંવેદનશીલતા અને તત્ત્વચિંતનની સમૃદ્ધિને લીધે તેમના ચેતોવિસ્તારને ઊંડો અવકાશ મળ્યો છે. ‘મીરાંની રહી મહેક’ દુઃખાન્ત છે, ‘સમીપે’ સુખાન્ત છે. છતાં ભરત શાહે ‘સમીપે’ના લઘુ ફલકમાં કરુણરસની નિષ્પત્તિ વધુ સિદ્ધ કરી છે.