વનાંચલ/પ્રકરણ ૬
ગોઠ ગામ નાનું ને બ્રાહ્મણોનાં બીજાં ઘરમાં બાળકોની વસ્તી નહિ એટલે ઘણુંખરું અમે ભાઈ-બહેનો જ સાથે સમીએ. ગિરજાશંકર પંડ્યાની એક પૌત્રી, મા વિનાની, તે પંડ્યાકાકાને ઘેર જ રહે; નામ ધનુ. મારી બહેન પુષ્પાની એ એકની એક બહેનપણી. કોળીનાં છોકરાં ખરાં, પણ અમે રહ્યા બ્રાહ્મણ, એટલે એમનાથી આઘા રહીએ. મોટેરાંની સલાહ-ધમકી કે એ નીચ જાત કહેવાય, મરઘાં-કૂકડાં ખાય, એટલે એમની સાથે ન રમાય, બગડી જવાય. બ્રાહ્મણત્વના આ આભડછેટિયા ખ્યાલે અમને લોકજીવનથી અળગા ને અજ્ઞાન રાખ્યા. આજે પન્નાલાલ કે મડિયાની વાર્તા વાંચતા હોઈએ ત્યારે એવો રંજ થાય કે આવા લોકો વચ્ચે જ જીવ્યા છતાં અમે એમના જીવનવ્યવહાર વિશે એક અક્ષર પાડવા જેટલુંય જ્ઞાન ન મેળવ્યું. એમનાં ઝૂંપડાંની ભીતરમાં જેમ અમે ન પ્રવેશી શક્યા તેમ એમના સંસારની ભીતરમાં પણ.
પણ રમનારની ખોટ તેટલી રમતની ખોટ અમારે નહિ. મારાથી બે વર્ષ નાનો રમણ ને બે વર્ષ મોટી પુષ્પા; અમારી ત્રિપુટી જાતજાતની રમતો શોધી કાઢે. પુષ્પાબહેન ને ધનુ ઢીંગલીઓ રમે, એમનાં લગ્ન યોજે. ખાખરાનાં પાન ચૂંટી લીધા પછી જે ડાંખળીઓ રહે તેનું ગાડું બનાવીએ ને વરરાજા એમાં બેસીને ધનુની ઢીંગલીને પરણવા જાય. સાથે અમારે જવાનું. મારે ભાગે ઢોલ વગાડવાનું આવે. ઘાસતેલના એક ખાલી ડબ્બાની કડીમાં એક દોરી ભરાવી હું એ ઢોલને ગળે ભેરવું. વગાડતાં વગાડતાં ગિરજાશંકરને ઘેર પહોંચીએ. વરકન્યાનાં લગ્ન થાય ને ઘેરથી મગફળીના દાણા કે મઠિયાં લઈ ગયા હોઈએ તેનો ભોજન-સમારંભ થાય. બપોરે દાદાના ઘરમાં સંતાકૂકડી રમીએ. ઘરમાં એક રસોડાની અંધારી ઓરડીમાં હિંમત કરી સંતાઈએ તો ખરા, પણ બીક લાગે; વહેલાં શોધી કાઢે તો સારું, એમ થાય. ક્યારેક માળિયે ઘાસના પૂળામાં કે ખડકેલાં છાણાં પાછળ સંતાઈએ; ક્યારેક દાદા પણ રમતમાં સક્રિય સાથ આપે. ખાટલામાં સૂતા હોય ને એમની પડખે અમે ભરાઈ જઈએ. શોધનારને દાદાની તપાસ લેવાનું સૂઝે નહિ. કોઈ વાર ‘કૂકડીકૂક’ બોલી બીજે બારણેથી મોટે ઘેર – બાબાપુ રહે તે ઘેર – જતાં રહીએ તે જડીએ જ નહિ. પાછળથી મોટા ઘરમાંથી નીકળીએ એટલે રમતના નિયમોનો ભંગ કર્યો ગણાય, શિસ્તભંગનાં પગલાં લેવાય, દાન આપવો પડે.
અમારી ને ખાસ તો મારી પ્રિય રમત તે ‘દુકાન દુકાન’ની. દાદાને ઓટલે દુકાન માંડીએ. રેતી તે ખાંડ, માટીનાં ઢેફાં તે ગોળ, મગફળીના દાણા ને પૌંવા-મઠિયાં પણ ઘરમાંથી લાવીને દુકાનમાં ગોઠવીએ. દાદાએ બે મોટાં કોડિયાંમાં ત્રણ ત્રણ કાણાં પાડી ત્રાજવું બનાવી આપ્યું હોય. પથ્થરનાં કાટલાંની તો ખોટ જ નહિ; ચલણી નાણાંની પણ તંગી નહિ ફળિયામાં પડેલાં નળિયાના ટુકડાઓને પથ્થર ઉપર ઘસી ગોળ પૈસા બનાવીએ. આવા પૈસા લઈને ઘરાક માલ લેવા આવે. મને આ પૈસા લેવામાં અને માલ જોખી આપવામાં બહુ મજા પડે. મોટેરાં કહે : ‘આ બચુડો મોટો થશે ત્યારે એના મામા(મારા મામા ગંગાશંકર પુરાણીની કાલોલમાં દુકાન ચાલે)ની જેમ દુકાન કાઢશે.’ એ આગાહી સાચી નથી પડી. ઘરનો હિસાબ રાખતાં મને આવડતું નથી ને બજારમાં હંમેશાં છેતરાઉં છું એવું મારી પત્નીનું પ્રમાણપત્ર હું રળી શક્યો છું. હા, શબ્દનો વેપલો કરું છું – મોટોજોટો, મારા હિસાબે ને જોખમે. એમાં કમાણીમાં કંઈ મળ્યું હોય તો થોડી કીર્તિ જેનાં કોટડાં પાડ્યાં પડી શકે એવાં છે; વેપાર ગમે ત્યારે ઉલાળી મૂકવો પડે, દેવાળું ફૂંકવું પડે એવો ભય સતત ઝઝૂમતો હોય છે.
ઘરબહારની રમતોમાં અમારે અમારા કોળી મિત્રોનો સાથ લેવો જ પડે. જાલમો, રેવલો, રૈલો, મડિયો અમારા આવા મિત્રો. એમની સાથે ગિલ્લીદંડા, ભમરડા, ગેડીદડા ને લખોટા રમવાના. દાદાએ સરસ મોઈદંડા બનાવી આપ્યા હોય. અમારા ફળિયામાં કે સાંજ પડતાં પસાયતામાં રમત ચગે. ગામમાં ભમરડા ન મળે; ટપાલી સાથે ચારેક ગાઉ દૂર આવેલા અડાદરા ગામથી મંગાવવાના. છગુ ટપાલીને પૈસા આપ્યા હોય. સવારે એ ટપાલ લઈને જાય ને સાંજે ટપાલ લઈને પાછો આવે. અમારો એ બપોર ભારે અસ્વસ્થતામાં જાય. ક્યારે સાંજ પડે, છગુ ટપાલી ક્યારે ઓટલે ચડે એવી અધીરાઈમાં બારણે પાટ ઉપર બેસી રહીએ. ક્યારેક તો ઘેર આવી ગયો હશે, ખાવા બેઠો હશે એમ ધારી કોળી ફળિયામાં એને ઘેર જઈએ. છગુ થોડો બહેરો, ધીમું ધીમું બોલે ને ટીખળી પણ ખરો. કહે : ‘બચુભઈ, ભમેડા તો ના મળ્યા.’ સાતેય વહાણ ડૂબી ગયાની નિરાશા અમારા મોં ઉપર છવાઈ જાય ત્યાં તો ઘરમાં જઈ કોટના ગજવામાંથી ભમરડા કાઢી લાવે. અમે ખુશ થઈ જઈએ. નદીને સામે કાંઠે નવાગામમાં એક લુહાર રહે. દાદાની સાથે ત્યાં જવાનું ને ભમરડાને આર બેસાડાવી લાવવાની. બપોરે આંબલી નીચે અમારી રમત જામે. કૂંડાળું કરી તેમાં કાંકરી મૂકવામાં આવે; એ કાંકરી જે પહેલો કાઢે તે ભમરડો પોતાની પાસે રાખે; બાકીનાઓને ભમરડા કૂંડાળામાં મૂકી દેવાના. પછી તો સમમમ્ કરતા ભમરડા ફરે, ઊંઘ લે, કાતરે ચડે. ભમરડાને જમીન ઉપર ન પડવા દેતાં હથેળીમાં અધ્ધર ફરતો ઝીલી લેવો, હથેળીમાંથી ધીમે ધીમે સરકાવી છેક કોણી સુધી લાવવો, એમ જાતજાતનું કૌશલ બતાવાય. કોઈ વાર ભમરડો ચિરાઈ પણ જાય કે ‘ગદ્દાં’ પડવાથી બેડોળ બની જાય. મારા ‘લીલિયા’(લીલા રંગનો ભમરડો)ને ગદ્દાં પડે ને મને મારું શરીર કોચાતું હોય એવી વેદના થાય. લખોટા ટપાલી સાથે જ મંગાવવાના હોય. ઘરમાં કરગરીએ પણ મોટેરાં બધી વાર દાદ ન દે, એટલે કાચકાં નામના ફળથી ચલાવીએ. અમારે ઘેર એવાં કાચકાં ઘણાં રહેતાં કદાચ ઓસડ માટે હશે. પંડ્યાકાકાના ઘરની પછવાડે કોતર ઉપર એક કાચકીનું જાળું હતું. આ કાચકાં ગોળ, સુંવાળાં ને મેલા ધોળા રંગનાં હોય. દાદાને ઓટલે જમીનમાં દાટેલો ખાંડણિયો તે અમારી ‘ગબ્બી.’ છાંયડો થાય એટલે ફળિયામાં રમવા નીકળીએ. વડીલોની કૃપાથી ક્યારેક સરસ લખોટા મળે. વચમાં લાલ ભૂરી લીટીવાળા એ લખોટા અમારી ચડ્ડીના ખિસ્સામાં ખખડતા હોય ત્યારે કોથળીમાં ખખડતા સિક્કાઓથી કંજૂસને જેવો આનંદ થાય એવો અમને થાય.
હોળીના દિવસો નજીક આવે એટલે ગેડીદડાની રમત માટે તૈયારીઓ ચાલે. દાદા સાથે જંગલમાં જઈએ. ‘ધોહેડી’ નામથી ઓળખાતી વનસ્પતિના જાડા વેલા ખાસ કરીને ઊંડી નેળની ધસ ઉપર ઊગેલા જોવા મળે. (એટલે જ એને ‘ધોહેડી’ કહેતા હશે. સરસ જાડો જોઈને વેલો દાદા કાપે. ઘેર લાવીને એના એક છેડાને દેવતામાં ખૂબ તપાવે. તપેલા છેડાને પછી ગોળ વાળે ને એમ ગેડીનો આગલો ભાગ બને. ચીથરાંનો દડો ગૂંથવામાં દાદા નિષ્ણાત; ગૂંથણી મજબૂત, દડા ઉપર દોરીની એકસરખી ચોરસ ‘ડિઝાઈન’ બને. ગૂંથાઈ રહ્યા પછી વચલી દોરીનો બેત્રણ ઇંચનો છેડો છૂટો રાખે ને એ ઉપર મોટી ગાંઠ વાળે. આવો દડો ગેડીના પ્રહારથી જ્યારે ગબડતો હોય ત્યારે પેલી ગાંઠનો ‘પડ પડ પડ’ અવાજ થાય. એમાં ગમ્મત ઉપરાંત એક લાભ પણ ખરો, અંધારામાં દડો ક્યાં જઈ રહ્યો છે તેની ભાળ રહે. ચાંદની રાતે મોડે સુધી મડિયા, જાલમા વગેરે મિત્રો સાથે ફળિયામાં ગેડીદડા રમીએ. એક બાજુ કોતર ને બીજી બાજુ વડ એ સરહદો. બન્ને છેડાથી સરખે અંતરે, દાદાના ઘરની લગભગ સામે દડો મૂકવામાં આવે. ખેલાડીઓના બે પક્ષ પડ્યા હોય; એકને દડો લઈ જવાનો વડ સુધી ને બીજાને કોતર સુધી. ‘વગ વગ’ કરતા બંને પક્ષના ખેલાડીઓ સામાને પોતાની વગમાં રહેવાનું કહે. બે-ચાર ગેડીઓ વચ્ચે દડો ઘેરાઈ જાય ને બંને પક્ષના ખેલાડીઓ તેને પોતાની હદ ભણી લઈ જવા મથે. ગેડી સાથે ગેડી ટકરાય. આને ભડિયાંમાં આવી ગયા કહેવાય. હોળીના દિવસે તો પસાયતામાં હોળી થાય ત્યાં રમીએ ને છેવટે હોળીમાં ગેડીદડા પધરાવી દઈએ.
વાડામાં આંબલીનું એક મોટું ઝાડ છે. એની ઝૂકેલી ડાળીએ દોરડાં બાંધી, વચ્ચે એક દંડો રાખી હીંચકો બનાવ્યો છે. નીચે ખુલ્લી જગામાં ‘ચિચૂડો’ છે. એક ગોળ, જરા જાડા લાકડાનો ખીલો જમીનમાં દાટ્યો છે. ઉપરથી એ ખીલાને થોડો અણિયાળો બનાવ્યો છે. એની ઉપર એક વચ્ચેથી જરા વળેલા લાકડાને વચમાં વેહ પાડી મૂક્યું છે. એને સામસામે છેડે બે જણને બેસવાનું. એક જણ આડા લાકડાને ધક્કો મારી ચિચૂડો ચલાવે. ચિચૂડો ગોળ ગોળ ફરે. એની ગતિ વધે એટલે ક્યારેક સાહસિક ફેરવનાર વચમાં ચડી બેસે. ચિચૂડો ફરતાં ફરતાં અવાજ થાય એટલા માટે પેલા વેહમાં કોલસો ને આંબલીના ચિચૂકા ભરવાના. આ બધી દાદાની કરામત. અમારા મોટા ભાઈ લક્ષ્મીરામ, બહારગામ માસીને ત્યાં રહી ભણે તે માસીના દીકરા પશુભાઈ સાથે રજાઓમાં આવે ત્યારે ચિચૂડાની રમતમાં જોડાય.
ઝાડે ચડવું એ અમારી પ્રિય રમત. બપોર આખો કોઈ કોઈ વાર ગામ વચ્ચે ઊભેલા આંબલીના ઝાડ ઉપર જ ગાળી નાંખીએ. ગજવામાં મગફળી કે પૌંવા-મઠિયાં ભરીને ઉપર ચડીએ. મારી બહેન પુષ્પા, ભાઈ રમણ ને હું ત્રણે ઝાડ ઉપર પકડાપકડી રમીએ. ગામના લોકો ક્યારેક વડીલોને તો ક્યારેક સીધા અમને ચેતવણી આપે કે કોઈનાં હાડકાં ભાંગશે. પણ એવી ચેતવણી છતાં એ વડીલોએ અમને ક્યારેય રોક્યાં હોય એવું યાદ નથી ને અમે તો સાંભળીએ જ શાનાં! ઝાડ ઉપર ચડવાની અમારી આવડત ને શોખનો ઉપયોગી કામમાં લાભ પણ લેવાતો. ઉનાળામાં પડિયાં-પતરાળાં કરવા માટે ખાખરાનાં પાન લાવવાનાં હોય ત્યારે અમે જ ખાખરે ચડીએ. દાતણ લાવવાનાં હોય ત્યારે પસાયતામાં આવેલા બાવળિયે, હાથમાં ટૂંકા હાથાનું ધારિયું લઈને મારે જ ચડવાનું. બાવળના થડમાં ધારિયાનો ટચકો મારી ત્યાં એને ભરાવી દઉં ને થડને બાથ ભરી ઉપર ચડું. ધારિયા સુધી પહોંચાય એટલે એને ઉખાડી લઈ વધારે ઊંચે ટચકો મારી ભરાવી દઉં ને એમ ડાળ પર પહોંચી જાઉં.
આજે તો હું ‘શહેરી’ છું, ‘પ્રોફેસર’ છું. રસ્તા ઉપરનાં ને કૉલેજ વિસ્તારમાં ઊગેલાં સુંદર વૃક્ષો જોઈને આજેય પહેલો વિચાર એની ઉપર ચડવાનો આવે છે. કોઈ પણ વૃક્ષ જોતાં મન ચડવાની યુક્તિ શોધવામાં ગૂંથાઈ જાય છે ને મનોમન ચડી ઊતરું ત્યારે જ ટાઢક વળે છે. હા, મનોમનસ્તો! બાકી તો આ સભ્ય દુનિયામાં એવું કૃત્ય થાય કે! પૂર્વજોની પંગતમાં ગણાઈ જવાનો, રમૂજનો ભોગ બનવાનો ડર ઊભો જ હોય છે. ઘણી વાર આત્મવિશ્વાસમાં ઓટ આવતાં થાય છે કે અગાઉના જેવી કુશળતાથી હવે હું ઝાડ ઉપર ચડી શકું કે નહિ. ત્યારે તો એકાદ ડાળી હાથ આવે એટલે એને વળગીને એક એવો હીંચકો લઉં કે પગ ડાળે પહોંચે ને બે પગ વચ્ચે ડાળી આવી જાય, પછી એમ વાગોળની જેમ લટકવાનો આનંદ તો કંઈ ઓર જ! ‘સુધર્યા’ પછી એકાંતના મોકા આવ્યા છે ત્યારે ઝાડે ચડી જોવાના પ્રયાસો કર્યા છે ને હજી ‘ગુલાંટ’ નથી ભૂલ્યો એ ખ્યાલથી સંતોષ ને આનંદ અનુભવ્યો છે.
કરડ નદીના રેતાળ પટમાં વચ્ચે વચ્ચે માટીના બેટ હોય. એમાં દરુંગડાનો છોડ ઊગે. પાતળી ચારેક ફૂટ ઊંચી લીલા રંગની સોટી, માથે પાતળી પત્તીઓનું છોગું, દરુંગડાના છોડને મૂળ સાથે ઉખાડીએ તો સફેદ મૂળમાંથી સુખડ જેવી સુગંધ આવે; અમને બહુ ગમે. એની સોટીને ઊભી ચીરીને એક ચીરી હાથમાં આડી રાખવાની ને બીજી એની ઉપર ઊભી મૂકવાની, પછી ઊભી ચીરીને વાળીએ એટલે એની છાલ રેસો બનીને આડી ચીરી સાથે વીંટાઈ જાય ને એનો અંદરનો ભાગ એક દાંતો બને. આમ કર્યા કરીએ એટલે મજાનો કાંસકો તૈયાર થાય. આવા કાંસકાને કોઈ વાર દાંત ઉપર બે ગલોફાંમાં દબાવી બેસાડીએ ને બિહામણા દાંતાવાળા રાક્ષસનું રૂપ ધારણ કરી નાની બહેનો જશી, રમણી ને હીરાને બિવરાવીએ. બદલામાં ગાળો ને માર ખાવા મળે.
નદીની ભીની રેતીમાં પગ ખોસીને ઉપર રેતી દાબી દઈએ ને પછી સંભાળીને પગ કાઢી લઈએ; મજાનું ‘દેરું’ બને. એમાં એક ગોળ પથ્થર પધરાવીએ તે મહાદેવજી. આવાં દેરાં બનાવવામાં જેટલો રસ પડે તેટલો જ તોડવાના મિજાજમાં હોઈએ ત્યારે તોડવામાં રસ પડે. એક કવિ(તનસુખ ભટ્ટ)નું મુક્તક ‘પ્રસ્થાન’માં ત્રણેક દાયકા પર વાંચેલું :
દ્વારકા નગરી, પૉમ્પી, ક્વેટા ઉદ્ધ્વસ્ત થૈ ગયાં;
ઘોલકી શિશુઓ તોયે સિન્ધુતીરે રચી રહ્યાં !
વાંચ્યું ત્યારે ને આજેય એ પંક્તિઓ યાદ આવતાં મને એ કરડ નદીની રેતીમાં અમારી ‘દેરાં બાંધવાની’ રમતનું જ સ્મરણ થાય છે. વળી કોઈ વિચિત્ર રીતે સાયગલના પેલા ગીતમાં આવતી ‘આપ બનાયે, આપ બિગાડે’ એ પંક્તિ સાથે પણ આ રમતના સંસ્કાર જડાઈ ગયા છે.
વરસાદના એ દિવસો યાદ આવે છે. પસાયતામાં નજર કરીએ તો લીલાં લીલાં તૃણની પત્તીઓ હવામાં થરકી રહી છે. કૂંવાડિયાનાં પાન ઉપર ઝિલાયેલાં વરસાદનાં ટીપાંનાં મોતી આંગળીઓ વડે નીચે ખેરવી નાંખવાની કેવી મજા આવે છે! લાલ લાલ દેવની ગાયને નાનકડી સળીથી દોડાવીએ તો વળી મૂઠીમાં રાખી ગલીપચી અનુભવીએ. વાડા પાછળ ને પસાયતામાં ભરાયેલાં નાનાં તળાવડાંને કાંઠે બેઠેલાં દેડકાંને પથ્થર મારી પાણીમાં કુદાવીએ; પાણીના રેલાઓને આમાંથી તેમ નીક કરીને આંતરીને વાળીએ, પછી એકદમ છોડી ‘ખળકો’ લાવીએ. ઝાપટું પડી જાય એટલે કરડમાં પાણી આવશે એવી આશામાં ને અધરાઈમાં વારંવાર નદી ભણી દોડી જઈને ને પાણી આવતું હોય તો પૂરું બે કાંઠે ચડે ત્યાં સુધી બેસી રહીએ.
આ બાજુ ભૂરી ડોસીના કાચલા(નદીકાંઠાનું ખેતર)ને ડુબાડી સામી બાજુએ ગણપતભાઈના કાચલામાં પથરાઈને વહેતું પાણી જોવામાં કલાકોના કલાકો કાઢી નાંખીએ. શેરીમાં ઊભેલી આંબલીના ગરેલા મોર સાથે વહેતા પાણીમાં ફોરાંનાં ફૂલ ફૂટે. બારણે બેસવા માટેની એક પાટ, પાટ ઉપર ભીંતમાં થોડા થોડા અંતરે લાકડાની બે ખીંટીઓ; એ ખીંટીએ પગ ભરાવી વાગોળની જેમ ઊંધા લટકી વરસાદ જોવાની ખૂબ ગમ્મત આવે. આજે તો ઊંધી દુનિયા જોઈને અકળામણ થાય છે, પણ શૈશવની આ ‘ઊંધી દુનિયા’ ખૂબ ગમતી. એકધારો વરસાદ પડતો હોય ત્યારે કાન ઉપર હથેળીઓ ઢાંકી ઉઘાડવાસ કરવાથી જે સંગીત મળતું તે તો આજેય મન થઈ જતાં માણી લઉં છું. શૈશવના એ દિવસો! ते हि नो दिवसा गताः।