વેણીનાં ફૂલ/કાંઠે રમનારાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાંઠે રમનારાં
[ગોકૂળ ગામ સોયામણાં રે, જળ જમૂનાને તીર

ગિરિધર ચારે ગાવડી, હાં રે ભેળા બળભદ્ર વીર

ગોકૂળ ગામ સોયામણાં - એ ઢાળ]


દરિયાના તીર રળીઆમણા રે
રૂડાં રમે નાનાં બાળ;
નાતાં ગાતાં ને કાંઈ નાચતાં,
હાં રે હૈયે નથી કોની ફાળ
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

ઉંચે અનંત આભ થંભીયાં રે
વિના થોભ ને થડકાર;
નીચે નીચે રે નીલાં પાણીડાં
હાં રે સદા ફીણાળાં શ્રીકાર
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

વેળુ દાબીને કરે ઘોલકી રે
રૂડાં તરાવે છે વ્હાણ;
પાળ્યેથી વીણી વન પાંદડાં,
હાં રે ગુંથે હોડલાં સુજાણ
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

રમતાં તે બાલુડાંએ દીઠડાં રે
એવાં અચરજ બે ચાર;
ક્યાં રે હાલ્યા આ મોટા કાફલા,
હાં રે કોણે ડોળીઆં પતાળ
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં.

મરજીવા મોતીડાંના લોભીયા રે
ડોળે પાણીનાં પતાળ;
વાણીડા લક્ષ્મી તણા લાલચુ,
હાં રે હાલ્યા ખેડવાવેપાર
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

બાલુડાં ન જાણે જળ ડોળતાં રે,
નથી જાણતાં વેપાર

કાંઠે બેસીને વીણે કોડીઓ
હાં રે વીણે શંખલા બે ચાર
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

દરિયો ભેંકાર ભુરો ગાજતો રે,
હસે સાગરે જુવાળ;
હાલાં ગાતી રે જાણે માવડી,
હાં રે નાનાં બાલુડાંને કાન
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

ઓચીંતા આભ ચડ્યા વાયરા રે,
ગડ્યાં કાળનાં નિશાન;
ડૂબ્યા મરજીવા મોતી વીણતા,
હાં રે ડૂબ્યા વાણીડાનાં વ્હાણ
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં

મોતી માયાના મોટા લોભીયા રે,
મહીં પડી ખુવે પ્રાણ;
નાનાં નિરલોભી ઉભાં કાંઠડે
હાં રે કરે ગાન ગુલતાન
-કાંઠે રમે રે રૂડાં બાલુડાં​