વેળા વેળાની છાંયડી/૩૬. કોથળીનો ચોર કોણ ?
ઓતમચંદ પ્રાતઃકર્મોથી પરવારીને પેઢી ઉપર ગયો અને દુકાન ઉઘાડીને ગાદીતકિયા ઉપર બેઠો, ત્યાં એક બિહામણી વ્યક્તિ દુકાનના ઉંબરે આવી ઊભી. આવનાર માણસ વયોવૃદ્ધ તો હતો જ, પણ એનો લઘ૨વઘરિયો પહેરવેશ જાણે કે એના વાર્ધક્યમાં ઉમેરો કરતો હતો. એણે જે ડૂચા જેવી પાઘડી પહેરી હતી એને કોઈ જાતનું કાપડ કહેવા કરતાં લીરા-ચીંદરડાંનો લબાચો જ કહેવો યોગ્ય ગણાય. અંગ ઉપરનાં લૂગડાં પણ એવાં તો જર્જરિત હતાં કે એમાં ઉપરાઉપરી ચડેલાં થીગડાં વિનાનું કોઈ સ્થળ શોધવું મુશ્કેલ હતું. અને મોઢા ઉપર એવી તો મૂર્તિમંત કંગાલિયત દેખાતી હતી કે પહેલી નજરે તો એ બાર-બાર વરસનો લાંબો દુકાળ વેઠીને આવ્યો હોય એવી જ છાપ પડે.
પહેલી નજરે તો ઓતમચંદ પણ એને ઓળખી ન શક્યો તેથી આગંતુકે દીનભાવે પૂછ્યું:
‘ભૂલી ગયા, શેઠ? અણસારેય નથી ઓળખાતો?’
ઓતમચંદ વધારે મૂંઝવણ અનુભવીને આગંતુકની ઓળખ પાડવા મનમાં મથામણ કરી રહ્યો. એ જોઈને પેલા માણસે પોતાની વેદના વ્યક્ત કરી:
‘ક્યાંથી ઓળખાઉં? દીદાર જ સંચોડા બદલાઈ ગયા! વેળા પડે તંયે માણસનો ચહેરોમોરોય નહીં વરતાતો હોય?’
આગંતુકના દીદાર કે ચહેરોમોરો તો ઓતમચંદ ન વરતી શકયો પણ આટલી વાતચીત પછી પરિચિત અવાજ ને રણકો ઓળખાઈ આવતાં એ એકાએક બોલી ઊઠ્યો:
‘અરે! તમે મુનીમ તો નહીં?—મકનજીભાઈ જ કે બીજા?’
‘છઉં તો મકનજી જ, પણ હવે મુનીમ નથી રિયો,’ ડોસાએ કહ્યું. ‘રસ્તે રખડતો ભિખારી થઈ ગયો છું.’
‘કેમ? કેમ ભલા?’
‘મારાં કરમ. બીજું શું? અહીંનાં કરેલાં અહીંઆં જ ભોગવવાં પડે છે.’
‘પણ થયું શું? સરખી વાત તો કરો!’
‘દકુભાઈએ મને દગો દીધો. મને બાવો કરીને કાઢી મેલ્યો. હવે તો ભભૂત ચોળવાની બાકી છે.’
‘આટલી બધી વાત!—’
‘અરે કાંઈ કીધી જાય એમ નથી. મને તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં!’ કહીને મુનીમે તો જાણે કે કોઈની પ્રાણપોક પાડતા હોય એમ પાટકી ઢબે ઠૂઠવો જ મૂક્યો: ‘દકુભાઈએ મને ભોળાને ભરમાવ્યો.’
ઓતમચંદને જરા હસવું આવ્યું, મનમાં વિચારી રહ્યો: આ નટખટ મુનીમને ભોળો તો કોણ કહી શકે? એ તો પેલી કહેવતની જેમ, ગોળી ભૂલીને ગોળો ઉપાડી આવે એવો ભોળો છે!
‘જરાક સમતા રાખો, મુનીમજી! આમ રાંડીરાંડની જેમ રોવા બેસો એ આ ઉંમરે શોભે?’ ઓતમચંદે કહ્યું.
‘હું તો હવે રાંડીરાંડ કરતાંય નપાવટ થઈ ગયો… દકુભાઈએ તો મને નાળિયેરની કાચલી પકડાવીને ભીખ માગતો ક૨ી મેલ્યો—’
‘ભગવાન કોઈ પાસે ભીખ ન મગાવે!’ ઓતમચંદે દુઆ ગુજારી.
‘ભગવાન ભલે ન મગાવે. પણ દકુભાઈએ મારી પાસે ભીખ મગાવી,’ મુનીમ હજી રડમસ અવાજે બોલતા હતા. ‘પોતે તો ડૂબ્યા, પણ ભેગો આ ગરીબ માણસને પણ ડુબાડ્યો.’
‘કોણ ડૂબ્યા?’ ઓતમચંદે ચિંતાતુર પૂછ્યું, ‘દકુભાઈ ડૂબ્યા?’
‘જરાતરા નહીં, ગળાબૂડ.’
‘કેમ કરતાં—’
‘કાળાધોળાં કરવામાં—’
‘પણ મોલિમનથી સારી કમાણી કરીને આવ્યા’તા ને—’
‘એ મોલમિનની જ મોંકાણ ઊભી થઈ ને!’ મુનીમે સમજાવ્યું ‘સંધુંય કબાડું છતું થઈ ગયું—’
‘કબાડું?’ ઓતમચંદે આઘાત અનુભવ્યો, ‘દકુભાઈએ કબાડું કર્યું’તુ?’
‘કબાડું નહીં તો શું પરસેવો પાડીને આટલું કમાણા’તા. શેઠિયાઓના ઘરમાં ઘામો દઈને—’
‘ધામો દઈને? શું વાત કરો છો?’ ઓતમચંદે ઠાવકે મોઢે વાત આગળ ચલાવી. પણ મનમાં તો એને યાદ આવી જ ગયું કે મારી પેઢીમાંથી પણ તમે બેય કાબાઓ ઘામો દઈને જ નીકળેલા અને હવે, કૂંડું કથરોટને હસે એ ઢબે એક કાબો બીજા કાબાની કૂથલી કરવા બેઠો છે.
‘પણ પાપના ઘડાને ફૂટતાં કેટલી વાર!’ નિંદારસનો રેલો આગળ ચલાવતાં મુનીમ બોલ્યા, સંધુંય ભોપાળું છતું થઈ ગયું. મોલમિનવાળાએ મુંબઈની છૂપી પોલીસની મદદ લીધી—’
‘છૂપી પોલીસ? ઓતમચંદે અધ્ધર શ્વાસે પૂછ્યું, ‘મુંબઈની છૂપી પોલીસ?’
‘આકરા રોગનો ઉપાય પણ આકરો જ કરવો પડે ને!’ મુનિમે વિગત સમજાવી. ‘પોલીસે પગેરું કાઢ્યું ઠેઠ ઈશ્વરિયાના પાદરમાંથી ને બેસાડી દીધી જપ્તી દકુભાઈની ડેલી ઉપર—’
આ સમાચાર ઓતમચંદ માટે સાવ અણધાર્યા હતા. તેથી સહાનુભૂતિથી પૂછતો રહ્યો: ‘પછી? પછી શું થયું?’
‘પછી તો દકુભાઈને પહેરાવી દીધી બંગડિયું. સોનાની નહીં લોઢાની!—’
આવા અલંકારિક શબ્દપ્રયોગોમાં ઓતમચંદને સમજણ ન પડતાં એ મોઢું વકાસીને તાકી રહ્યો, એટલે મુનીમે સ્ફોટ કર્યો:
‘સમજ્યા નહીં, મારા શેઠ? લોઢાની બંગડી એટલે હાથકડી, બીજું શું વળી?’
‘દકુભાઈને હાથકડી? બિચારાને જેલમાં નાખ્યા?’
‘નાખ્યા’તા પણ છોડાવવા પડ્યા—’
‘કોણે છોડાવ્યા?’
‘કપૂરશેઠે,’ કહીને મુનીમે ઉમેર્યું: ‘દકુભાઈની સાખ પાછી બહુ સારી ને, એટલે એને જામીન પણ કોણ જડે? છેવટે કપૂરશેઠ જામીન પડ્યા, ને દકુભાઈની હાથકડી છૂટી—’
‘સારું થયું, ભાઈ! કપૂરશેઠે જામીન આપ્યા એ પણ સારું કર્યું.’
‘શું કરે બિચારો બીજું? બાલુ વેરે છોકરી વરાવીને કાકા મટીને ભત્રીજા થઈ બેઠા. લાજેશરમે પણ વેવાઈની આબરૂ તો સાચવવી પડે ને!’
એકેકથી અધિક આઘાતજનક સમાચાર સાંભળીને ઓતમચંદના મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયા: ‘અરેરે! બિચારા દકુભાઈ તો બહુ દુઃખી થઈ ગયા!’
‘ભેગો મનેય દુઃખીના દાળિયા કરતા ગયા એનું કાંઈ નહીં?’ મુનીમે ફરિયાદ કરી, ‘દકુભાઈનું તમને દાઝે છે, ને આ ગરીબ મુનીમનું કાંઈ નહીં?’
‘તમારેય નોકરી તૂટી ગઈ એ આ ગઢપણમાં આકરું લાગશે.’
‘અરે નોકરીની વાત ક્યાં માંડો છો! મારી આખી જિંદગી તૂટી ગઈ!’ મુનીમે ઘટસ્ફોટ કર્યો, ‘નોક૨ીને કોણ રૂવે છે? મારી તો સંધીયે માલમિલકત તમારા દકુભાઈ ઓળવી ગયા!’
‘તમારી માલમિલકત? કેવી રીતે?…’ ઓતમચંદને આમાં સમજણ ન પડી.
‘બર્માની કમાણી ખૂટી પડી પછી મારી મૂડી ઉછીની માગી. આ ગરીબ માણસ પાસે ખાવા સારુ ન હોય, પણ જાવા સારુ જે ચપટી-મૂઠી હતું એ બધું ઉસરડીને દકુભાઈને ધી૨ી દીધું.’ મુનીમે ફરી રડતે અવાજે ચલાવ્યું, ‘મને તો એમ કે શેઠની મોટી સાખ છે, એટલે મૂડી પાછી વ્યાજ સોતી દૂધે ધોઈને આપશે. પણ માણસ જેટલા મોટા એટલા જ ખોટા. મોટાનાં મોટા ભોપાળાં—’
‘પણ તો પછી મૂડી ધીરતાં પહેલાં તમારે વિચાર કરવો હતો ને!’
‘મને શું ખબર કે ઢોલની માલીપા પોલંપોલ છે? હું તો દકુભાઈને સાજાની માણસ સમજીને ભીડને ટાણે ટેકો દેવા ગયો. પણ મોલમિનમાં મોટું કબાડું કરીને આવ્યા હશે, ને એના છાંટા ઈશ્વરિયા લગી ઊડશે એની મને શું ખબર?’
‘હોય, એમ જ હાલે. માણસના ત્રણસો ને સાઠેય દિવસ સરખા નથી જાતા. કોઈ વાર છત તો કોઈ વાર અછત—’
‘પણ શેઠ, છત ડાહી ને અછત ગાંડી. દકુભાઈની દાનત જ ખોરી ટોપરાં જેવી હશે એની મને શું ખબર! પેટમાં જ પાપ. પોતે તો ખુવાર થયા, પણ જાતી જિંદગીએ મનેય ખુવારને ખાટલે કરતા ગયા—’
સાંભળીને ઓતમચંદ વિચારમાં પડી ગયો. દકુભાઈનું જીવનચક્ર આવી રીતે આખો આંટો ફરી રહીને પાછું મૂળ સ્થાને આવી ઊભશે એવી તો એને કલ્પના પણ નહોતી. થોડી વાર વિચાર કરીને એણે દિલસોજી દાખવી: ‘બિચારા દકુભાઈને તો ધરમીને ઘેર ધાડ પડવા જેવું થયું!’
‘એ વાતમાં શું માલ છે, શેઠ? દકુભાઈ કેવાક ધરમી હતા, એ તો તમારા કરતાં હું જ વધારે જાણું છું,’ મુનીમે હવે તો બેધડક વાટવા માંડ્યું, ‘બાપદીકરાનાં બેયનાં લખણ સરખાં જ છે—’
‘બાલુની વાત કરો છો?’ ઓતમચંદે પૂછ્યું.
‘હા, એ બાલુડો તો વળી એના બાપનેય સારો કહેવડાવશે. કુટુંબનું નામ ઉજાળશે. જોજો તો ખરા, જીવતા રહો તો!’
નિંદા૨સની આ પરાકાષ્ઠામાં ઓતમચંદે બહુ રસ ન બતાવ્યો એટલે મુનીમે વાતને નવો વળાંક આપ્યો:
‘શેઠ, તમે તે દિવસે ઈશ્વરિયે આવ્યા’તા ને ઓસરીમાં બેઠા’તા ત્યારે રૂપિયાની કોથળી ખોવાઈ ગઈ’તી એ સાંભરે છે?—'
‘કેમ ન સાંભરે?’ ઓતમચંદે ગંભીરભાવે કહ્યું, ‘હું પોતે જ કોથળી બગલમાં મારીને ઉપાડી ગયો’તો, પછી કેમ ન સાંભરે?’
સાંભળીને, ક્યારનો રોદણાં રોઈ રહેલો મુનીમ પહેલી વાર ખડખડાટ હસી પડ્યો, ને બોલ્યો: ‘શેઠ, તમે પણ ઠીક રોનક કરો છો હોં! તમારા ઉ૫૨ તો ખોટું આળ ચડાવ્યું’તું તોય તમે તો કહો છો કે કોથળી બગલમાં મારીને લઈ ગયો’તો!
‘હું ન લઈ ગયો હોઉં તો મારી પછવાડે પસાયતા ધોડે ખરા? ને હું ન લઈ ગયો હોઉં તો કોથળી જાય ક્યાં?’
‘કોથળી ક્યાં ગઈ એ કહું?’
‘તમે શું કહેવાના હતા, કપાળ? કોથળી તો સીધી મારા ઘરમાં ગરી ગઈ. પછી તમે શું કહેવાના હતા?’
‘તમે પણ ઠીક ટાઢા પહોરની સુગલ કરો છો, હોં શેઠ?’ મુનીમે કહ્યું, ‘કોથળીનો ચોર તો દકુભાઈના ઘરમાં જ હતો, ને ઠાલા તમારી વાંહે પસાયતા ધોડાવ્યા!’
‘દકુભાઈના ઘરમાં જ ચોર?’
‘હા, ઘરના ને ઘરના ઘરફોડુ…’
‘કોણ?… કોણ?’
‘પાટવીકુંવર બાલુ. બીજો કોણ? છોકરો હજી તો ઊગીને ઊભો થાય છે ત્યાં જ લખણ ઝળકાવવા માંડ્યાં છે—’
‘સાચે જ?’
‘મારું ન માનો તો પૂછી જુવો ઈશ્વરિયાના ખોડા ઢેઢને પણ. એક નાનું છોકરુંય દકુભાઈના આ ઉઠેલપાનિયાની આબરૂ જાણે છે—’
‘પણ એણે કોથળી ચોરી, એમ કોણે કહ્યું?’ ઓતમચંદે પૂછ્યું.
‘ગામ આખું કહે છે. બાલુડો આજથી જ ‘બાપ મૂવે બમણા’ ભાવની હૂંડી લખતો ફરે છે ને મોટા ફટાયાની જેમ ફાટ્યો ફરે છે.’
‘પણ એને આટલાં બધાં નાણાંની જરૂર શું પડે?’ ઓતમચંદે પૂછ્યું, ‘બાપ મૂવે બમણા’ના ભાવની હૂંડી લખીને એનાં નાણાં વાપરે છે ક્યાં?’
‘નાણાં હાથમાં હોય તો વાવરવાનાં ઠેકાણાં ક્યાં ઓછાં છે. બાલડો બત્રીલખણો પાક્યો છે. કાઠી ગરાસિયાનાં સંધાંય કફેન વાણિયાના કુળમાં આવી ઊતર્યાં છે…’ કહીને મુનીમે હજી જાણે બાલુનું શિરમોર સમું સુલક્ષણ વર્ણવવા કોઈ અત્યંત ગુપ્ત બાતમી રજૂ કરતો હોય એ ઢબે સાવ ધીમે અવાજે કહ્યું: ‘તમને ખબર છે શેઠ? એક-બે વાર તો ગામની આહીરાણીયુંએ બાલિયાને બલોયે બલોયે ઢીબી નાખ્યો તોય એને હજી સાન નથી આવી.’
‘પણ હું કહું છું કે ઓસરીમાંથી રૂપિયાની કોથળી હું જ ઉપાડી આવ્યો છું, ને ઠાલો બાલુને બિચારાને શું કામ બદનામ કરો છો,’ ઓતમચંદે ફરી પોતાના ઉપર ચોરીનું આળ ઓઢવાનો પ્રયત્ન કર્યો પણ આ વખતે પોતે જ ગાંભીર્ય જાળવી ન શક્યો તેથી મુનીમ સાથે એ પણ હસી પડ્યો.
‘પસાયતા ખાલી હાથે પાછા આવ્યા ને ખાતરીબંધ વાત કરી કે કોથળી ઘરની બહાર ગઈ નથી એટલે દકુભાઈને બાલુ ઉપર વહેમ પાકો થયો.’ મુનીમે કોથળી-પ્રકરણ આગળ લંબાવ્યું. ‘કપૂરશેઠ ચાંદલો કરીને મેંગણીને મારગે પડ્યા કે તરત જ દકુભાઈએ બાલુને લાકડીએ લાકડીએ લમધારી નાખ્યો. છોકરો બિચારો મૂઢ માર ખાઈને ત્રણ દી લગણ ખાટલે રિયો—’
ઓતમચંદને કહેવાનું મન તો થયું કે પસાયતાના હાથે મૂઢ માર ખાઈને હું પણ ત્રણ દી લગી મેંગણીમાં આહીરને ખોરડે ખાટલાવશ જ રહ્યો હતો, પણ જીવનની એ નાજુકમાં નાજુક ઘટના એણે આજ સુધી લાડકોરથી પણ છાની રાખેલી એ આ બે દોકડાના મુનીમ આગળ ખુલ્લી કરવાનું એને ઉચિત ન લાગ્યું.