શબ્દલોક/કળાત્મક આકૃતિની વિભાવના
૧
આધુનિક વિવેચનમાં લગભગ કેન્દ્રસ્થાને રહેલી ‘કળાત્મક આકૃતિ’ની વિભાવના વિશે આ એક નોંધ માત્ર છે. પશ્ચિમમાં આ સદીમાં વિવેચન અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રમાં જે જાતની ચર્ચાવિચારણાઓ ચાલતી રહી છે તેમાં કળાત્મક આકૃતિનું સ્વરૂપ અને તેના સ્થાનને લગતા પ્રશ્નો વિશેષ મહત્ત્વના રહ્યા દેખાય છે. જોકે એ વિશેની ઘણીબધી ધ્યાનપાત્ર વ્યાખ્યા-વિચારણાઓને લક્ષમાં લઈએ તે પછી પણ આપણા ચિત્તમાં કળાત્મક આકૃતિનો કોઈ સુરેખ અને સ્પષ્ટ ખ્યાલ બંધાવા ન પામે એમ બનવાનું કારણ પણ સમજાય એવું છે. કળાકૃતિનું કળાકૃતિ લેખેનું અસ્તિત્વ જ અન્ય લૌકિક પદાર્થોથી ભિન્ન કોટિનું સંભવે છે. એટલે એની આકૃતિનો એના એક પાસા કે પરિમાણ લેખેનો વિચાર અત્યંત છટકણો અને દુર્ગ્રાહ્ય બની રહે છે.
૨
પાશ્ચાત્ય પરંપરામાં તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તેમજ વિવેચનના ક્ષેત્રમાં આકૃતિનો ખ્યાલ છેક પ્રાચીન સમયથી પ્રતિષ્ઠિત થયેલો દેખાય છે. પ્લેટોથી માંડીને કાસિરેર સુધીના બધા અગ્રણી ચિંતકોની વિચારણામાં આકૃતિ સંજ્ઞાનો સ્વીકાર રહ્યો છે. એ દરેકના ચિંતનમાં એ સંજ્ઞાના વિશિષ્ટ અર્થસંકેત પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ એ રીતે એના એકબીજાથી તદ્દન જુદા, કેટલીક વાર પરસ્પરવિરોધી એવા અર્થો જોવા મળે છે. એ પૈકી મહત્ત્વના અર્થો આ પ્રમાણે છે. (૧) આકૃતિ એટલે ભૌતિક વિશ્વના દરેક પદાર્થ પાછળ રહેલો વિચાર કે ભાવના. અહીં વિચાર કે ભાવના એ પદાર્થ પાછળ રહેલું શાશ્વત તત્ત્વ છે અને તે જ તેની આકૃતિ છે. (૨) આકૃતિ એટલે આ વિશ્વના દરેક પદાર્થને પ્રાપ્ત થયેલું ભૌતિક રૂપ જે ઇંદ્રિયગોચર હોય છે અને એની ભૌતિક સત્તા રૂપે તે અસ્તિત્વમાં આવે છે. (૩) આકૃતિ એટલે એક જ જાતિના પદાર્થો કે કોષોમાં નિહિત રહેલું સર્વસામાન્ય રૂપ. અહીં આકૃતિ અમુક એક જાતિ કે વર્ગનું વ્યાવર્તક લક્ષણ બની રહે છે. (૪) આકૃતિ એટલે પ્રકૃતિના સજીવ કોષોને અંદરથી આકાર આપતું ચૈતસિક તત્ત્વ કે એવો જ કોઈ સજીવ સિદ્ધાંત. (૫) આકૃતિ છે પદાર્થની આદર્શ સ્થિતિનો ખ્યાલ, જે તરફ દરેક પદાર્થ ગતિ કરી રહ્યો દેખાય છે. (૬) આકૃતિ એટલે ભૌતિક જગતના પદાર્થોની ચિત્તમાં જે ઐન્દ્રિયિક બોધની છાપ ઊપસે છે તે. (૭) આકૃતિ છે પદાર્થના પ્રત્યક્ષીકરણ (perception)ના દરેક સ્થિત્યંતર સમયની ચૈતસિક છાપ. (૮) આકૃતિ છે પદાર્થ કે વ્યક્તિનું પ્રમાતાના ચિત્તમાં બંધાતું પ્રતીકાત્મક રૂપ. (૯) આકૃતિ છે પદાર્થ કે વ્યક્તિનું કલ્પનોત્થ કે મિથિકલ રૂપ. (૧૦) આકૃતિ છે ભાષાના માધ્યમમાં મૂર્ત થયેલા વિચારનું તંત્ર. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં આકૃતિના આ જાતના જે જે ખ્યાલો બંધાયા તેની કળાવિવેચન પર સીધી કે આડકતરી અસર પડેલી છે. કળાકૃતિના સંદર્ભે આથી આકૃતિનો વિચાર જુદી જુદી રીતે વ્યાખ્યા પામતો રહ્યો છે. જોકે આકૃતિની સંજ્ઞા કળાકૃતિના બાહ્ય ઘાટ કે એના સ્થૂળ આવિષ્કરણ તરફ વિશેષ ઢળેલી રહી દેખાય છે. કૃતિના કેન્દ્રમાં રહેલું અંતસ્તત્ત્વ અને તેને મળેલું સ્થૂળ રૂપ એ જાતનું કૃતક વર્ગીકરણ પણ પ્રચારમાં રહ્યું છે. અંતસ્તત્ત્વ તે કૃતિનું મુખ્ય રહસ્ય હોય અને સર્જકને માટે એ જ ઇષ્ટ હોય એ રીતે તેનો મહિમા કરવાનું બળવાન વલણ ઘણી જગ્યાએ જોવા મળે છે. એની સામે આકૃતિ તે કેવળ યાદૃચ્છિક અને આગંતુક (કે આકસ્મિક) વસ્તુ હોય તે રીતે તેને સાવ ગૌણ લેખવનારા લોકો પણ મળી આવે છે. પણ કળાનું રહસ્ય જેઓ જાણે છે તેઓ આકૃતિનું મહત્ત્વ પણ જાણે છે.
૩
કળાત્મક આકૃતિનો વિચાર કરતા જઈએ ત્યાં શુદ્ધ કળા અને કેવલ સર્જકતાના વિશિષ્ટ ખ્યાલો સામે મળે છે. છેલ્લાં સો-સવાસો વર્ષોમાં યુરોપ-અમેરિકામાં અદ્યતન કળાના અવનવા ઉન્મેષો જોવા મળ્યા. આ તબક્કામાં ચિત્ર, શિલ્પ અને સંગીત જેવી કળાની ગતિ એકદમ બદલાઈ ચૂકી હતી. એમાં માનવજીવનની રૂઢ સામગ્રીનો લોપ કરવામાં આવ્યો હતો. વાસ્તવિક જીવનનું તંતોતંત સુરેખ પ્રતિબિંબ ઝીલવાનું કામ કળાનું નથી તેમ સર્જકની ઊર્મિઓનું સહજ અનાયાસ પ્રગટીકરણ કરવું તે પણ કળા નથી. કળાનું કામ તો માધ્યમમાં આગવી આકૃતિ કંડારવાનું છે, કશુંક નવું રૂપ નિર્માણ કરવાનું છે. આકૃતિનું નિર્માણ એ જ હવે કળાનું પરમ લક્ષ્ય બની રહ્યું. અંતસ્તત્ત્વ અને આકૃતિના દ્વૈતને હવે કશું મહત્ત્વ રહેતું નથી. કળાવિચારણાના સંદર્ભે અંતસ્તત્ત્વ અને આકૃતિ એવા બે ભિન્ન ખ્યાલો જો સ્વીકારીએ, સ્વીકારવા પડે, તો તે કલ્પિત વસ્તુઓ છે, એને કળાકૃતિની વાસ્તવિકતાની અંતર્ગત અલગ સ્વતંત્ર કોઈ સત્તા હોતી નથી. અંતસ્તત્ત્વ અને આકૃતિના સરવાળાથી કળાકૃતિ જન્મતી નથી. એ તો એક સજીવ કૃતિનાં બે કલ્પિત પાસાં છે. અખંડ અને અવિભાજ્ય કૃતિ એ બે કરતાં જુદી જ વસ્તુ છે. કળાની જે આકૃતિની આપણે વાત કરવા માગીએ છીએ તે ખરેખર તો કૃતિની સમસ્ત સર્જનપ્રક્રિયાને અંતે પરિણત થતું રૂપ છે. આજનું વિવેચન ફરીફરીને એ વાત ભારપૂર્વક સ્થાપવા ચાહે છે કે કળાકૃતિ કંઈ સર્જકને પહેલેથી પ્રાપ્ત થયેલા વિચાર કે સત્યનું વાહન નથી કે તેનું કેવળ દૃષ્ટાંત પણ નથી. સર્જકની સંવેદનાનું એ સજીવ રૂપ છે. એ સંવેદનના ઉદ્ભવની ક્ષણે જ કશુંક સ્વયંસંચલિત તત્ત્વ ક્રિયાશીલ બને છે. અને માધ્યમ પણ એમાં સક્રિયપણે ભાગ ભજવે જ છે. સર્જકના ચિત્તમાં જ્યારે કૃતિ આરંભાય છે ત્યારે તેનું મૂળનું સંવેદન પૂરેપૂરું સ્પષ્ટ હોય જ એમ હંમેશાં બનતું નથી. બહારના જગતની એકાદ અલ્પસ્વલ્પ ઝાંખી કે સ્મૃતિમાંથી સળવળી ઊઠતું કલ્પન કે ચિત્તના કલરવમાંથી નીપજી આવતી લયછટા કે ક્વચિત્ અંતરના ધૂંધળા પ્રાંતની આબોહવા માત્ર સર્જકને ઉશ્કેરી રહે. વળી સર્જક જે માધ્યમમાં કામ કરતો રહ્યો હોય તે માધ્યમની આંતરિક ગુણવત્તા કે અંતઃક્ષમતા પણ સર્જકને આહ્વાન કરે એમ બને. સર્જક આ રીતે માધ્યમ જોડે કામ પાડવાની શરૂઆત કરે છે તે સાથે જ તેની સર્જકશક્તિ ગતિ પ્રાપ્ત કરે છે. માધ્યમ જોડેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા સર્જકનું સંવેદન ઊઘડતું આવે છે. રચનાપ્રક્રિયાના દરેક તબક્કે રચાઈ ચૂકેલો (કૃતિનો) ખંડ અમુક મૂલ્ય પ્રાપ્ત કરતો લાગે છે તેમ પોતાની અંદર હજી ઘણી અંતઃક્ષમતા પડી છે એવું ભાન સર્જકમાં જગાડી જાય છે. આવી રીતે રચનાપ્રક્રિયાના દરેક તબક્કે સર્જક માટે જાણે કે નિર્ણયાત્મક ક્ષણ આવી ઊભે છે. રચાઈ ચૂકેલી કૃતિ એકથી વધુ દિશામાં ઊઘડવાને સંકેત કરી રહી હોય છે એટલે આવી ક્ષણ અવનવી શક્યતાઓથી તેને મૂંઝવી નાંખે એમ પણ બને. સર્જનપ્રક્રિયાની આ ગતિમાં એક ન સમજી શકાય તેવો વિરોધાભાસ પણ પ્રતીત થાય છે. રચાઈ ચૂકેલી કૃતિનો ખંડ એક બાજુ અજ્ઞાત દિશામાં પ્રેરી રહ્યો હોય એમ પણ લાગે, બીજી બાજુ અજ્ઞાત દિશામાં મુકાતું દરેક ચરણ એ કોઈ લક્ષ્ય સ્થાન તરફ દોરી રહ્યું હોય એમ પણ લાગે, રંગ, પથ્થર, સૂર કે શબ્દ – એ દરેક માધ્યમની અલબત્ત આગવી ક્ષમતાઓ સંભવે છે. દરેકની રચનાપ્રક્રિયાના પ્રશ્નો પણ આથી ભિન્ન સંભવે છે. પણ એટલું તો ખરું જ કે સર્જનની ક્ષણે સર્જકને અંદરથી અસાધારણ ભીંસનો અનુભવ થયા કરે છે. અંતે તે એવા તબક્કે આવી પહોંચે છે જ્યાં તેને પોતાની કૃતિ પૂરી થઈ હોવાનું ભાન પ્રગટે છે અથવા તે એક એવે તબક્કે પહોંચ્યો છે જ્યાંથી આગળ વધવાને કેઈ અવકાશ દેખાતો નથી એટલે તે ત્યાં કૃતિ છોડી દે છે. પોતાના ભાવસંવેદનનું સૌથી વધુ સ્પષ્ટ અને સુરેખ રૂપ તે હવે જોવા પામે છે. તેને એમ પણ પ્રતીત થાય છે કે મૂળનું સંવેદન સ્વરૂપતઃ હવે બદલાઈ ચૂક્યું છે. રચના-પ્રક્રિયાના દરેક તબક્કે ઊઘડતું સંવેદન એના માધ્યમની શક્યતાઓ સાથે ટકરાતું રહ્યું હોય છે. એટલે કૃતિ પૂરી થતાં પૂરું વિકસેલું સંવેદન અને માધ્યમ પરસ્પરમાં એવાં તો ઓતપ્રોત થઈ ચૂક્યાં હોય છે કે તેનું અલગ અસ્તિત્વ કલ્પી શકાતું નથી. કળાકૃતિને આ રીતે એક સજીવ એકતાવાળી રચના તરીકે સ્વીકારો એટલે એની આકૃતિનો અલગ વિચાર કરવાનું લગભગ અશક્ય બની જાય છે. આધુનિક વિવેચનમાં આકૃતિ વિશે પરસ્પર-વિરોધી વિચારણાઓ મળે છે, તેનું કારણ સમજી શકાય તેમ છે. ઉપર નિર્દેશ કર્યો છે તેમ કળાકૃતિનું કળાકૃતિ તરીકેનું અસ્તિત્વ અન્ય લૌકિક પદાર્થોથી ભિન્ન કોટિનું સંભવે છે. ચિત્ર શિલ્પ જેવી કળાઓમાં કળાકૃતિ ભૌતિક માધ્યમમાં અંકિત થતી હોવા છતાં તે તેની ભૌતિકતામાં સમાઈ જતી નથી, તેને તે હંમેશાં અતિક્રમી જતી હોય છે. કૃતિમાં સ્થાન પામેલી માનવલાગણીઓ, માધ્યમને મળેલા નવા સંસ્કાર, અને કૃતિમાંથી વ્યંજિત થતો અર્થ એ પણ કૃતિનાં પરિમાણો જ છે. ચિત્ર કે શિલ્પ જેવી કળાઓમાં માધ્યમને ભૌતિક સત્તા પ્રાપ્ત થઈ હોય છે અને તે ઇંદ્રિયબોધનો વિષય બની શકે છે. પણ શબ્દની કળાનો પ્રશ્ન જુદો છે. ત્યાં ચિત્ર કે શિલ્પ જેવું ભૌતિક સ્પર્શક્ષમ માધ્યમ નથી. ખરી વાત એ છે કે જુદી જુદી લલિત કળાઓની બાબતમાં માધ્યમની ભિન્નતાને કારણે એ દરેકની આકૃતિનું સ્વરૂપ પણ જુદું જુદું રહ્યું છે. અને ચિત્ર શિલ્પ જેવી લલિત કળાઓની તુલનામાં સાહિત્યની આકૃતિનું સ્વરૂપ અનેક વિશિષ્ટ પ્રશ્નો ઊભા કરે છે. જુદા જુદા અભ્યાસીઓએ સાહિત્યના સંદર્ભે કૃતિના વિવિધ સ્તરેથી વિભાજન કરવાના પ્રયત્નો કર્યા છે. અંતસ્તત્ત્વ વિ. આકૃતિનો પ્રશ્ન, આથી, લેખકનું વક્તવ્ય વિ. નિરૂપણરીતિનો પ્રશ્ન બની રહેતો દેખાય છે. પણ આકૃતિ તે કેવળ ભાષાકીય તરેહો કે સંવિધાનનો પ્રશ્ન નથી, કેવળ શૈલીનાં રૂપ કે રૂપોનો પ્રશ્ન નથી, કેવળ પાત્ર પ્રસંગ કે પરિસ્થિતિના સંકલનનો પ્રશ્ન નથી. કૃતિના વિવિધ અર્થ-સ્તરોને તેની સર્વ સંકુલતાઓ સમેત સમાવી લે તેટલો એ સર્વગ્રાહી ખ્યાલ છે. માર્ક શોરર જેને ટેક્નિક કહે છે તે આકૃતિના ખ્યાલથી ખાસ જુદો નથી.
૪
કળાની આકૃતિનો ખ્યાલ આકૃતિવાદના આંદોલનકારોએ વિશિષ્ટ રીતે વિકસાવ્યો. પરંપરાગત કળામાં બહારના પદાર્થજગતનું પ્રતિનિધાન કરવાને માટે બળવાન આગ્રહ હતો. એની સામે અદ્યતનવાદી કળાએ પરિચિત માનવજીવનની સામગ્રીનું શક્ય તેટલું તિરોધાન સિદ્ધ કરવાના પ્રયત્નો શરૂ કર્યા. આકૃતિવાદના બે મહાન પુરસ્કર્તા ક્લાઈવ બેલ અને રોજર ફ્રાયે અદ્યતન કળાના સંદર્ભે આકૃતિનો અસાધારણ મહિમા કર્યો. એ બે પૈકી ક્લાઈવ બેલનો ‘અર્થપૂર્ણ આકૃતિ’(significant form)નો ખ્યાલ ધ્યાનપાત્ર છે. તેણે એ ખ્યાલ અલબત્ત ચિત્રકળાના સૌંદર્યબોધમાંથી તારવ્યો છે. તેણે એમ કહ્યું કે કળાનું ગૌરવ જેને આપી શકાય એવી દરેક કળાકૃતિને ‘અર્થપૂર્ણ આકૃતિ’ પ્રાપ્ત થઈ હોય છે. આકૃતિની તેની વ્યાખ્યા આ પ્રમાણે છે : In each lines and colours combined in a particular way, certain forms and relations of forms, stir our aesthetic emotions. These relations and combinations of lines and colours, these aesthetically moving forms, I call ‘Significant Form’; and ‘Signficant Form’ is the one quality common to all works of visual art. બેલે ‘અર્થપૂર્ણ આકૃતિ’ની વ્યાખ્યા કરતાં તેને તેમાંથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સૌંદર્યાનુભૂતિ જોડે સાંકળી લીધી છે. કૃતિના અવકાશમાં આલેખાયેલા અમુક વિશિષ્ટ પ્રકારના આકારો, તે સર્વનાં સંયોજનો, અને એ સર્વનો પરસ્પરનો સંબંધભાવ એ બધાંમાંથી ‘અર્થપૂર્ણ આકૃતિ’ ઊપસી આવે છે. બેલની આકૃતિવાદની વિચારણામાં સૌથી ક્રાંતિકારી (અને સૌથી વિવાદાસ્પદ) વિચાર તે અમૂર્ત સ્વરૂપની આકૃતિનો છે. પરંપરાગત કળાઓમાં પરિચિત લોકજીવનનું નિરૂપણ થતું હતું – વાસ્તવવાદી કળામાં રોજબરોજના જીવનનું એવું તાદૃશ ચિત્રણ થતું કે એ જોઈને સરેરાશ પ્રેક્ષક બહારના રોજબરોજના જીવનનું સ્મરણ કર્યા કરતો – એટલે પરંપરાગત કળાની બાબતમાં રસવૃત્તિની મુશ્કેલી ઊભી થઈ હતી. સરેરાશ ભાવકને એ વિશિષ્ટ કળાનાં આગવાં રચનાગત મૂલ્યો (plastic values)ની કશી જ ગતાગમ નહોતી કે એ વિશે કોઈ સભાનતા પણ નહોતી. કૃતિની રચનાકળામાં ગમે તેટલી અપૂર્વતા સિદ્ધ થઈ હોય તોય તેની વૃત્તિ તો એમાંથી પરિચિત વિષય અને પરિચિત લાગણીઓ શોધી લેવાની રહી હતી. ક્લાઈવ બેલે આથી કળામાંથી પરિચિત માનવજીવનની સામગ્રી બાદ કરવાની હિમાયત કરી. કેવળ રંગ રેખા અને આકારોનાં સંયોજનો દ્વારા અમૂર્ત આકૃતિ રચી ભાવકની શુદ્ધ રસકીય ચેતના જગાડી આપવાનો એમાં આદર્શ હતો. રોજર ફ્રાયે કંઈક જુદી રીતે પણ આકૃતિવાદનો બળવાન પુરસ્કાર કર્યો. એ રીતે સંગીતની કળામાં શુદ્ધ આકૃતિનિર્માણની જે શક્યતાઓ રહી છે તે દિશામાં ચિત્ર અને શિલ્પના સર્જકો મથામણ કરી રહ્યા. કળાકૃતિનું સાચું મૂલ્ય તેની સામગ્રીને કારણે નહિ, તેની આકૃતિને કારણે સંભવે છે એમ એક વિચાર પ્રતિષ્ઠિત થયો. વિવેચન અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રમાં અંતસ્તત્ત્વ વિ. આકૃતિનો પ્રશ્ન તેથી કેન્દ્રમાં આવ્યો.
૫
સાહિત્યકળાના સંદર્ભે અંતસ્તત્ત્વ વિ. આકૃતિનો આ પ્રશ્ન વિશેષ જટિલ પુરવાર થયો. સાહિત્યકળાનું માધ્યમ છે શબ્દ અને અર્થ, અને એ તો સૂક્ષ્મ તત્ત્વ છે. ચિત્ર શિલ્પ કે સ્થાપત્ય કળાની તુલનામાં શબ્દ સ્વરૂપથી જુદી જ કોટિનું માધ્યમ બને છે. એટલે એની આકૃતિના સ્વરૂપના પ્રશ્નો પણ જુદા સંભવે છે. પ્રસિદ્ધ વિદ્વાન એ. સી. બ્રેડલીએ તેમના જાણીતા નિબંધ ‘Poetry for the sake of poetry’માં પ્રસ્તુત વિષયની સંગીન ચર્ચા કરી. કવિતાની સૃષ્ટિ સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, આત્મપર્યાપ્ત છે, એ વિચાર રજૂ કરી તેમણે કવિતાના વિશ્વને બહારના વિશ્વવાસ્તવ જોડે ક્યાંક ગહનતમ સ્તરે સંબંધ રહ્યો હોય છે એમ પણ કહ્યું. આટલી ભૂમિકા બાંધ્યા પછી બ્રેડલી કહે છે કે કવિતાનો કહેવાતો વર્ણ્યવિષય (theme કે subject) એ તો કૃતિથી બહારની વસ્તુ છે અને એ દૃષ્ટિએ વર્ણ્યવિષયના વિરોધમાં આકૃતિ નહિ પણ સમસ્ત કૃતિ ઊભી રહે છે. એનો એક સૂચિતાર્થ એમ થશે કે કવિતાનું કવિતા તરીકે મૂલ્ય નક્કી કરવાને તેની બહાર રહેલા વર્ણ્યવિષયને લક્ષમાં લેવાનો રહેતો નથી. બીજી રીતે કહીએ તો વ્યવહારજગતમાં જુદા જુદા પ્રસંગ કે પરિસ્થિતિ વિશે અમુક રૂઢ નીતિમત્તાના ખ્યાલો સંકળાયેલા હોય છે અથવા તે પરત્વે અમુક ચોક્કસ મૂલ્યો રૂઢ થઈ ચૂક્યાં હોય છે. પણ આવો પ્રસંગ કે પરિસ્થિતિ જ્યાં સુધી કૃતિની બહારનો વર્ણ્યવિષય રહી જાય છે ત્યાં સુધી તેને કવિતાનું મૂલ્ય પ્રાપ્ત થતું નથી. એટલે આકૃતિવાદીઓ જ્યારે એમ કહે છે કે કળાનું મૂલ્ય તેની વિષયસામગ્રીમાં રહ્યું નથી ત્યારે આ ભૂમિકા સુધી તેઓ સાચા છે. પણ એથી આગળ જઈ તેઓ એમ કહે કે કાવ્યાત્મક મૂલ્યની દૃષ્ટિએ તેનો વિષય સર્વથા અપ્રસ્તુત છે ત્યારે તેઓ મહત્ત્વનો મુદ્દો ચૂકી જાય છે. બ્રેડલીના મતે ટાંકણીના માથા કરતાં માનવજાતિના પતનનો વિષય વધુ કાવ્યાત્મક ક્ષમતાવાળો છે. સમસ્ત માનવજાતિના ચિત્તમાં પોતાના મહાપતનની દશા વિશે અમુક ચોક્કસ પ્રકારનાં સંવેદનો અને વિચારવલણો સંચિત થઈ ચૂક્યાં હોય છે એટલે કવિતાની વિષયસામગ્રી લેખે એનો સ્વીકાર થાય તે પૂર્વે જ તેને કેટલીક રસકીય ક્ષમતા પ્રાપ્ત થઈ ચૂકી હોય છે. આકૃતિવાદીઓ આથી આકૃતિનો મહિમા કરતી વેળા કૃતિના વર્ણ્યવિષયને સર્વથા અપ્રસ્તુત ગણે છે તે બરોબર નથી. બ્રેડલી કાવ્યકૃતિની અન્તર્ગત રહેલાં ‘અંતસ્તત્ત્વ’ અને ‘આકૃતિ’ને એકબીજાની સામે મૂકીને વિચારે છે પણ કૃતિની અખિલાઈ જ તેમને સૌથી વધુ ઇષ્ટ લાગે છે. કેટલાક વિદ્વાનો કવિતાનું મૂલ્ય સંપૂર્ણતયા કે મહદ્ અંશે તેના ‘અંતસ્તત્ત્વ’માં જુએ છે. આથી ભિન્ન બીજા કેટલાક એ મૂલ્ય પૂર્ણતયા કે મહદ્ અંશે તેની આકૃતિમાં જુએ છે. પણ બ્રેડલી સ્પષ્ટપણે માને છે કે આ બંને પક્ષો મૂળથી જ ખોટા છે. અંતસ્તત્ત્વ અને આકૃતિ એ બંને કંઈ કાવ્યકૃતિની અંદર ગોઠવેલાં અલગ ઘટકો (components) નથી કે એ દરેકનો એકબીજાથી અલગ કરીને વિચાર કરી શકાય. ઉત્કટ કાવ્યાનુભૂતિની ક્ષણોમાં એ બેનું દ્વૈત પ્રતીત થતું નથી. અંતસ્તત્ત્વ કે આકૃતિને પ્રથમ અલગ રૂપે ઓળખીએ અને પછીથી સંયોજન કરીને આખી કૃતિનો બોધ પામીએ એમ બનતું નથી. કવિતાની કૃતિ એકાગ્ર એકાત્મ સંવિત્તિ રૂપે જ બોધમાં આવતી હોય છે. બ્રેડલી નોંધે છે કે કવિતાની આકૃતિ ભાવ કે રહસ્યની અભિવ્યંજક હોય છે. આવું રહસ્ય એ આકૃતિ દ્વારા વ્યંજિત થાય છે એ દૃષ્ટિએ આકૃતિનું મહત્ત્વ ઠરે છે જ પણ કૃતિમાં તે પોતે સાર્વભૌમ પણ નથી જ. અહીં આકૃતિ એ રહસ્યની વ્યંજનાનું અધિષ્ઠાન બને છે. અર્થાત્ વ્યંજનાનો વિસ્તાર એ આકૃતિનું કાર્ય છે એમ થયું.
૬
આકૃતિમાં પ્રાણભૂત ગણાતો સજીવ એકતાનો સિદ્ધાંત પણ જુદા જુદા વિવેચકો દ્વારા જુદી જુદી રીતે ઘટાવાયો છે. ટી. એમ. ગ્રીનનું અર્થઘટન આ પ્રમાણે છે : A work of art is obviously not a living organism in the strict biological sense, at the pre - artistic level, it is, save in the dance, an inanimate thing. But as a work of art it has an artistic vitality of its own. Its parts derive their artistic significance from the larger whole of which they are the constituent members, and its artistic unity, in turn, depends upon the contributions of its several parts and aspects. અહીં ગ્રીનને એમ કહેવું છે કે કળાકૃતિમાં જે સજીવ એકતાની આપણે વાત કરીએ છીએ તે પ્રકૃતિના સજીવ કોષોની એકતાથી જુદી વસ્તુ છે. નૃત્ય જેવી કળાને બાદ કરતાં બીજી કળાકૃતિઓ કળાત્મક અનુભવમાં આવે તે પૂર્વે તો માત્ર જડ પદાર્થ જ હોય છે. પણ એની એકતા એના રચનાતંત્રમાં પ્રગટ થાય છે. કૃતિનાં ઘટકો પોતાનાથી બૃહત્ એવી કૃતિમાંથી પોતાનો આગવો અર્થસંકેત પ્રાપ્ત કરે છે, તો એ સર્વ ઘટકો સમગ્રના રહસ્યમાં અર્પણ કરે છે. ગ્રીનની પ્રસ્તુત વિચારણામાંથી એમ પણ સૂચવાઈ જાય છે કે કળાનું રચનાતંત્ર એ માનવસંવિત્ની પ્રાપ્તિ છે. સર્જનની ક્ષણોમાં એ સભાન હેતુપુરસ્સર રચાયેલી હોય છે. વૃક્ષ જે રીતે સહજ ફૂલેફાલે છે તેવી સ્વયંભૂતા કળાના નિર્માણમાં હોતી નથી : સર્જકની માધ્યમપરક સભાનતા, રચનાગત પ્રણાલિઓ અને પ્રયુક્તિઓની સભાનતા, કળાનો વિશિષ્ટ પ્રકાર અને તેને અનુરૂપ વિશિષ્ટ શૈલીની સભાતતા – એ સર્વ તેમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે ભાગ ભજવે છે. કળાની આકૃતિ એ રીતે સર્જકની અનેકવિધ સ્તરની ચૈતસિક ગતિનું પરિમાણ સંભવે છે. એના અંતિમ રૂપમાં એની આગવી પ્રતિભાની મુદ્રા ઊપસી આવતી હોય છે, હેરોલ્ડ ઑસ્બોર્ન જેવો વિદ્વાન આકૃતિ માટે Configuration જેવો શબ્દપ્રયોગ કરે છે. અને કૃતિની રમણીયતા એ Configurationમાંથી જન્મે છે એમ કહે છે : Beauty is a function of configurationઃ the kind of configuration which constitutes artistic excellence in any mode of art, is the configuration which is known as ‘organic unity’. An organic unity was defined as a ‘configuration such that configuration itself is prior in awareness to its component parts and their relations according to discursive and additive principles.’ ઑસ્બોર્નની આ વિચારણામાં એક મુદ્દો ધ્યાનપાત્ર છે. કૃતિનાં ઘટકોનો અલગ બોધ અને તેના પરસ્પરના સંબંધો વિશે વિચારવિમર્શથી મેળવેલું જ્ઞાન, એ પૂર્વે કૃતિની સજીવ એકતાનું સહજ જ્ઞાન થઈ જાય છે. એમ કહી શકાય કે gestaltની પ્રક્રિયા રૂપે કૃતિની એકતા અને સમગ્રતાનું પૂર્વજ્ઞાન એમાં સંભવે છે. આકૃતિવાદના હિમાયતીઓએ જ્યારે કળાને જિવાતા જીવનના વિશાળ સંદર્ભથી અલગ કરી દીધી ત્યારે તેની પ્રતિક્રિયા રૂપે જ જાણે કે બીજા કેટલાક ચિંતકોએ આકૃતિને જીવનના રૂપ સાથે સાંકળવાના પ્રયત્નો કર્યા. એમાં સુઝાન લેન્ગરનો અભિગમ સવિશેષ ધ્યાનપાત્ર છે. કળાની આકૃતિ એ માનવસંવેદનને અભિવ્યક્ત કરનારી વસ્તુ છે એમ કહી આકૃતિનો આગવો મહિમા તેમણે કર્યો, તેમની કળાવિષયક વ્યાખ્યા સૂચક છે : A work of art is an expressive form for our perception through sense or imagination and what it expresses is human feeling. લેન્ગરને મતે કળાકૃતિ એ અનુભૂતિનું પ્રતીકાત્મક રૂપ છે. વિચારવિનિમયનાં અન્ય સાધનોથી એ જુદી કોટિનું પ્રતીક છે એ વાત સ્પષ્ટ કરતા તેમણે એને non-discursive symbol કહ્યો છે. કળાની આકૃતિ આપણને પરિચિત સ્થળકાળનાં પરિમાણને અતિક્રમી જાય છે એ મુદ્દા તરફ ગોશાલ્કે સારું ધ્યાન ખેંચ્યું છે : ‘In its uniqueness, artistic form is clearly more than mere spatio-temp-oral causatelic structure.’ ચિત્ર કે શિલ્પની કૃતિ આમ તો ભૌતિક માધ્યમમાં રજૂ થાય છે, પણ એની આકૃતિ એનાં ભૌતિક પરિમાણોમાં બંધાઈ જતી નથી. એ ભૌતિક માધ્યમમાં અંકિત થયેલી કળાત્મક શક્તિ પ્રેક્ષકની કલ્પનાને ઉત્તેજી શકે છે અને એના આસ્વાદની ક્ષણોમાં એનું કલ્પનોત્થ રૂપ એની ભૌતિક રેખાઓને અતિક્રમી જતું હોય છે. આકૃતિની આ પ્રકારની અતિ-ભૌતિક વ્યાપ્તિને કારણે જ એનું સાચું સ્વરૂપ ઓળખવાનું મુશ્કેલ બનતું હોય છે. કળામાં આકૃતિ પોતે સાધ્ય છે કે અન્ય કશાકનું સાધન છે એ પ્રશ્નના ઉત્તરમાં ગોશાલ્કનું એમ કહેવું છે કે એને એકીસાથે સાધન તરીકે તેમ સાધ્ય તરીકે મૂલ્ય પ્રાપ્ત થાય છે. માધ્યમમાં નિહિત રહેલા રમણીય અંશોને પ્રગટ કરી આપવામાં અને કૃતિમાં વ્યંજિત થતા સંકુલ અર્થને યોગ્ય પરિપ્રેક્ષ્ય રચી આપવામાં આકૃતિને સાધન તરીકેનું મૂલ્ય પ્રાપ્ત થાય છે, જ્યારે એ કૃતિમાં વ્યંજિત થતા અર્થના વિસ્તાર રૂપે, કૃતિના એક વિશેષ પરિમાણ રૂપે, આકૃતિ સાધ્યનું સ્થાન પણ લે છે.
૭
આકૃતિના પ્રશ્નના સંદર્ભે સ્તોલ્નિઝે કૃતિની ઉપાદાનસામગ્રી, આકૃતિ અને અભિવ્યંજકતા એ ત્રણ પાસાંઓ લઈને વિચાર કર્યો છે. તેઓ એમ કહે છે કે કળાકૃતિની ઉપાદાનસામગ્રી અને તેની આકૃતિનો એકીસાથે વિચાર કરવો પડે. તે એટલા માટે કે ઉપાદાનસામગ્રીના સ્વીકાર વિના આકૃતિ સંભવી શકે નહિ, ઉપાદાન અને આકૃતિ એ રીતે પરસ્પર અવિનાભાવે સંકળાયાં હોય છે. સ્તોલ્નિઝ સ્પષ્ટ કરે છે કે ઉપાદાનસામગ્રી ઇંદ્રિયબોધનો વિષય બને છે. માધ્યમમાંથી તેની વરણી કરવામાં આવી હોય છે, દૃષ્ટિસંપન્ન સર્જક પોતાના માધ્યમ કે ઉપાદાનસામગ્રીમાં નિહિત રહેલા રુચિર અંશો પારખી કાઢતો હોય છે. સર્જનની પ્રક્રિયાની ક્ષણોમાં એ રુચિર અંશોનો વિનિયોગ કરી લેવા તે પ્રયત્ન કરતો હોય છે. એ જ રીતે માધ્યમ કે ઉપાદાનસામગ્રીની ઐન્દ્રિયિક પ્રભાવકતા અને વ્યંજકતાનોય તે તાગ લેતો હોય છે. સમગ્ર કળાકૃતિના મૂલ્યમાં આવા માધ્યમગત અંશો પણ સમર્પક બન્યા હોય છે. સૌંદર્યપરક દૃષ્ટિએ આકૃતિનાં કાર્યો કયાં છે તે વિશે ચર્ચા કરતાં સ્તોલ્નિઝ કહે છે : એક : કળાકારની વર્ણ્યવસ્તુ આકૃતિ દ્વારા અને આકૃતિ રૂપે જ વ્યાખ્યા પામે છે. સાહિત્યની સૃષ્ટિમાં પાત્રો પ્રસંગો લાગણીઓ આદિ તત્ત્વોને હેતુપૂર્વક સાંકળવામાં આવે અને એ દરેક તત્ત્વ ૫રસ્પર જીવંત રીતે જોડાય ત્યારે એના સંયોજનમાંથી એનું વિશિષ્ટ રહસ્ય ઉદ્ભાસિત થઈ ઊઠે છે. જે માનવવૃત્તાંતને કાચી સામગ્રી રૂપે કોઈ અર્થ મળ્યો ન હોય તેને આકૃતિ દ્વારા જ શેષ અર્થ પ્રાપ્ત થાય છે. અથવા વધુ યથાર્થ રીતે કહીએ તો પાત્ર પ્રસંગ કે સંવેદનને એના લૌકિક સંદર્ભમાં જે ઉપરછલ્લો અર્થ મળ્યો હોય તેથી ભિન્ન અને ગહનતર અર્થ તેને આકૃતિને બળે પ્રાપ્ત થાય છે. જીવનના અનુભવો તો ત્રૂટક ત્રૂટક છિન્નભિન્ન કેન્દ્રરહિત સામગ્રી છે, એમાં કેટલીક તો જડ અપારદર્શી છે, એને અર્થપૂર્ણ અને પારદર્શી બનાવવામાં આકૃતિ જ ભાગ ભજવે છે. બીજું : કૃતિના સંવિધાનના બળે જ માધ્યમમાં પોતામાં રહેલા રુચિર અંશો પ્રકાશમાં આવે છે. ચિત્રકારના રંગો રેખાઓ અને આકારો જ્યારે સમુચિત પરિપ્રેક્ષમાં ગોઠવાય છે ત્યારે જ એ દરેકનું પૂરું સૌંદર્ય ખીલી નીકળતું હોય છે. શિલ્પની કૃતિમાં એના વિશિષ્ટ માધ્યમ તરીકે પથ્થરનું પોત, ધાતુની સખ્તાઈ કે પાતળા સળિયાની નમનીયતા જેવા ગુણો એની આકૃતિના બળે જ પ્રગટ થઈ શકે છે. વાદ્યના અવાજને એની આગવી ગુણસમૃદ્ધિ હોય છે. પણ જ્યાં સુધી સંગીતના આકારમાં તેને સંવાદી સ્થાન મળ્યું નથી ત્યાં સુધી તેનું પૂર્ણ મૂલ્ય બહાર આવતું નથી. કવિતાના શબ્દને પણ તેની શ્રુતિનું જે કંઈ સૌંદર્ય હોય તે તેના વિશિષ્ટ પદ્યલયમાં જ ઊપસી આવે છે. ત્રીજું : વર્ણ્યસામગ્રીના ભાગ રૂપે આવતી વિગતો વિપુલ પ્રમાણમાં હોય ત્યારે તેની વિપુલતા જ એક પ્રકારનું આવરણ બની જતી હોય છે. એવે પ્રસંગે આકૃતિ તેમાં સુરેખ તરેહોનો સિદ્ધાંત પૂરો પાડે છે. નવલકથા નાટક અને મહાકાવ્ય જેવી દીર્ઘ કૃતિઓમાં એની સંકુલતા અને સંદિગ્ધતા હંમેશ મૂંઝવનારી નીવડે છે. અસંખ્ય પંક્તિઓ સુધી જે વૃત્તાંત રજૂ થાય છે તેના આકલન માટે આકૃતિ જાણે કે vantage points પૂરાં પાડે છે. ચોથું : આકૃતિ જ વર્ણ્યવસ્તુને એકતા પૂર્ણતા અને આત્મપર્યાપ્તતા અર્પે છે. કળાનો અનુભવ આગવું મૂલ્ય ત્યારે જ પ્રગટ કરે જ્યારે કૃતિ એક આત્મનિર્ભર ઘટના બની રહેતી લાગે. આકૃતિના બળે જ કૃતિ પોતાનું વિશ્વ અંદરની બાજુએ ઉઘાડી શકે છે. જીવનના પ્રવાહમાં અર્થપૂર્ણ કે અર્થહીન જે કંઈ સામગ્રી છિન્નવિચ્છિન્ન થઈ જાત તેને અહીં enclosed form મળ્યું છે. કૃતિમાંનાં સર્વ ઘટકો હવે અંદરના કેન્દ્ર તરફ નિર્દેશ કરી રહે છે અને તેથી કૃતિ પોતાની જ આંતરિક ગુણવત્તાથી નભી શકે છે. ‘કળાની આકૃતિ’ એ સંજ્ઞાના ચાર અર્થસંકેતો સ્તોલ્નિઝે નોંધ્યા છે : (૧) કૃતિના માધ્યમનાં તત્ત્વોનું સંયોજન અને તેના આંતર-સંબંધો : આકૃતિનો આ અર્થ મુખ્યત્વે તેના માધ્યમને જ અનુલક્ષે છે. (૨) કૃતિની અભિવ્યંજકતાને અનુરૂપ ઘટકતત્ત્વોનું સંયોજન : આકૃતિ વિશેના પ્રથમ અર્થસંકેતમાં અભિવ્યંજકતાનું પરિમાણ ઉમેરવાથી આ અર્થ પ્રાપ્ત થાય છે. કળાકાર માનવજીવનની સામગ્રી સ્વીકારીને ચાલે છે ત્યારે માત્ર માધ્યમનો તત્ત્વોના સંયોજનનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કૃતિની વર્ણ્યસામગ્રી તરીકે સ્વીકાર પામેલાં પાત્રો પ્રસંગો ભાવો આદિ યથાર્થ રૂપમાં વ્યંજિત થઈ શકે તે દૃષ્ટિએ પણ કૃતિનાં ઘટકતત્ત્વોનું સંયોજન કરવાનું રહે છે. (૩) કૃતિના સંયોજનની અમુક સીમિત તરેહ : આકૃતિના ઉપરના બે અર્થોથી આ સીમિત અર્થ છે. કળાની દીર્ઘ પરંપરામાં આકૃતિનિર્માણના સંદર્ભે એમાં અમુક સીમિત રૂપની તરેહ દૃઢ બની જાય છે. શૈલી કે રૂપરચનામાં એનું રૂઢ માળખું બંધાઈ જતું હોય છે. કવિતાસાહિત્યમાં સૉનેટની આકૃતિ આવું એક લાક્ષણિક દૃષ્ટાંત છે. (૪) આકૃતિ સંજ્ઞાના ઉપરના ત્રણ અર્થો વર્ણનાત્મક છે. પણ આકૃતિ સંજ્ઞા અનેક વાર મૂલ્યદર્શી બની જતી હોય છે. અમુક વાર્તાને ‘આકૃતિ’ મળી નથી, – એવા વિધાનમાં ‘આકૃતિ’થી ‘સારી આકૃતિ’ ‘અર્થસમૃદ્ધ આકૃતિ’ કે ‘પ્રશંસાપાત્ર આકૃતિ’નો ખ્યાલ અભિપ્રેત હોય છે. સૌંદર્યલક્ષી આકૃતિના નિર્માણ પાછળ કાર્ય કરી રહેલા જુદા જુદા સિદ્ધાંતો વિદ્વાનોએ નોંધ્યા છે. પાર્કરે આવા છ મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે : (૧) કૃતિની સજીવ એકતા અને વૈવિધ્યમાં એકતાનો સિદ્ધાંત : જીવનમાં જોવા મળતી સામગ્રીમાં અનંત વૈવિધ્ય અને વિપુલતા સંભવે છે. જીવનમાં ઘણુંબધું અસ્તવ્યસ્ત વેરવિખેર અને વિસંવાદી હોય છે. સર્જક આવી સમવિષમ સામગ્રીમાં ‘એકતા’ રચી આપવા મથતો હોય છે, અલબત્ત, આવી એકતા પામવાનું સપાટી પરથી નહિ, ગહન સ્તરેથી શક્ય બને છે. (૨) વર્ણ્યવસ્તુની બીજભૂત એકતાનો સિદ્ધાંત : કળાકાર સામે વિસ્તરી રહેલા વિશ્વમાં સામગ્રીનું રૂપવૈવિધ્ય અપાર હોય છે. પણ સર્જક એ સામગ્રીમાંથી વર્ણ્યવસ્તુને અનુરૂપ એકતા સિદ્ધ કરી લે છે. આકૃતિના નિર્માણમાં આવી વર્ણ્યવસ્તુની એકતા કે એકરૂપતા પણ નિર્ણાયક બનતી હોય છે. (૩) વર્ણ્યવિષયમાં વૈચિત્ર્ય દ્વારા આકૃતિની પ્રાપ્તિનો સિદ્ધાંત : કળાની રચનામાં એક વર્ણ્યવિષયની સામે વૈચિત્ર્ય સાધતો બીજો વર્ણ્યવિષય રજૂ કરીને એક સંકુલ રચવામાં આવે છે. એવે પ્રસંગે કૃતિનું સંયોજન એ રીતે થાય કે મુખ્ય અને ગૌણ સૌ વર્ણ્યવિષયો પરસ્પરને પ્રકાશિત કરીને એકતાનો અનુભવ કરાવે. સંગીત જેવી કળામાં ‘વર્ણ્યવિષય’ના વૈચિત્ર્ય દ્વારા નવી જ તરેહો રચવામાં આવે છે. (૪) સમતુલનનો સિદ્ધાંત : જીવનની સામગ્રીમાંથી પરસ્પર-વિરોધી અંશો એકબીજાની સામે મુકાય, એ બંનેનું સમતુલન રચાય અને એ સમતુલનમાંથી પણ આકૃતિ સિદ્ધ થઈ શકે, ચિત્ર કે શિલ્પમાં આ સિદ્ધાંત વ્યાપકપણે કામ કરતો જોવા મળશે. (૫) ઉચ્ચાવચ્ચ સરણિનો સિદ્ધાંત : સામગ્રીની વિગતોને તેના ઉચ્ચાવચ ક્રમમાં યોજીને પણ આકૃતિ રચી શકાય. ચિત્ર શિલ્પ કે સ્થાપત્યમાં આ સિદ્ધાંત જોવા મળશે. (૬) ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત : બીજભૂત વસ્તુ ક્રમશઃ ઊઘડતી આવે અને એ રીતે એમાં ઉત્ક્રાન્તિનો નિયમ જોવા મળે. આકૃતિના નિર્માણમાં આવો ઉત્ક્રાન્તિનો સિદ્ધાંત પણ કામ કરતો જોઈ શકાશે. આકૃતિનિર્માણમાં ભાગ ભજવતા સિદ્ધાંતો વિશે ગોશાલ્કે પણ સારી ચર્ચા કરી છે. તેમણે સંવાદિતા, સમતુલા, કેન્દ્રગામિતા અને વસ્તુવિકાસ એ ચારને મુખ્ય સિદ્ધાંતો ગણ્યા છે જ્યારે કૃતિનાં ઘટકોનું પુનરાવર્તન, ઘટકોનું સારૂપ્ય, ઉચ્ચાવચક્રમ, રૂપવૈચિત્ર્ય, સમપ્રમાણતા, પરસ્પરભિન્નતા, વિરોધ, સમતુલન, લયાત્મકતા, માપન, એક ઘટકની મુખ્યતા, ગૌણમુખ્ય વ્યવસ્થા, પરાકાષ્ઠા, ક્રમિક વિકાસ એ ઉપરના ચાર મુખ્ય સિદ્ધાંતોને સહાયક ગૌણ સિદ્ધાંતો ગણાવે છે. જુદી જુદી કળાઓમાં આ બધા સિદ્ધાંતો આકૃતિનિર્માણમાં શી રીતે ભાગ ભજવે છે તે વળી અભ્યાસનો એક જુદો જ વિષય બને છે.