શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/દઈશ
Jump to navigation
Jump to search
*
દઈશ
ચકલી તે ચાંચ મહીં લાવી તણખલું,
નીડ એને બાંધવા દઈશ;
કાગડોય લાવ્યો છે પૂરીનું બટકું,
નિરાંતે ખાવા હું દઈશ.
નાનકડી કૂંડી આ પાણી-ભરેલ છે,
કાબરને ન્હાવા હું દઈશ;
પેલી અટારીએ બેસે જો પોપટો,
મીઠું મીઠું બોલવાનું કહીશ.
ગાદલું પડ્યું છે આ પ્હોળા પલંગમાં,
બિલ્લીને પોઢવા હું દઈશ;
મારી સંગાથ પેલા ડાઘિયાને તેડીને,
બાગ મહીં ફરવાને જઈશ.
મારા જો આંગણામાં ગાવલડી આવશે,
દાદીની સુખડી હું દઈશ;
મારી અગાશીમાં વાનર જો આવશે,
દાદાની લાડુલી દઈશ.