સંવાદસંપદા/હર્ષદ ત્રિવેદી


હર્ષદ ત્રિવેદી સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

Harshad Trivedi 4.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી

સુખ્યાત કવિ, લેખક, સંપાદક, વિવેચક અને ૨૦૨૪થી ૨૦૨૭નાં ત્રણ વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૧મા પ્રમુખ હર્ષદ ત્રિવેદી આપણી ભાષાની અગ્રિમ સર્જકપ્રતિભાઓમાં સ્થાન ધરાવે છે. એમણે કાવ્યો, નિબંધો, નવલિકા, નવલકથા તેમ જ બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન કર્યું છે. એમની ઘણી કૃતિઓના મરાઠી, હિંદી, સિંધી ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ થયા છે. ૧૯૯૫થી ૨૦૧૫ સુધી તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક રહ્યા અને અકાદમીના મહામાત્ર તરીકે પણ કાર્યરત હતા. ઉપરાંત, એમણે ઘણી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર રહીને પ્રદાન કર્યું છે. એમણે દિલ્હીની સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમિતિમાં ૨૦૦૮થી ૨૦૧૨ દરમ્યાન સેવા આપી. આ ઉપરાંત, નૅશનલ બુક ટ્રસ્ટની સલાહકાર સમિતિમાં તેઓ રહી ચૂક્યા છે અને વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની વ્યવસ્થાપક સમિતિના સભ્ય પણ હતા. ૨૦૧૪માં એમને કવીશ્વર દલપતરામ એવૉર્ડ અને ૨૦૧૫માં કુમાર ચંદ્રક એનાયત થયા હતા. પ્રસ્તુત વાર્તાલાપ એમની સર્જકતાનો અને વ્યક્તિત્વનો અંતરંગ પરિચય કરાવશે. પ્રશ્ન : હર્ષદભાઈ, તમારાં અનેક ઉત્તમ કાવ્યો છે એ પૈકી એક ગીત છેલ્લા થોડા દિવસથી મારા ચિત્તમાં રમે છે, હું એને ગણગણું છું. એટલે એનાથી આપણા આ સંવાદની શરૂઆત કરીએ. હવે મળશું તો સાંજના સુમારે, આથમતો સૂરજ હો આછો હો ચંદ્રમા, અવનિના એવા ઓવારે. પગલાંમાં ઉતાવળ સહેજે ન હોય અને અમથોયે ના હો ઉચાટ, એવો ઉમંગ ચડે દિલને દુવાર જાણે ઝૂલ્યા કંઈ હિંડોળા ખાટ, ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા ઝાળ ઝાળ અગ્નિને ઠારે, હવે મળશું તો સાંજના સુમારે. આ કાવ્યનું અદ્‌ભુત સ્વરાંકન આપણા સજ્જ સ્વરકાર અમર ભટ્ટે કર્યું છે. આ કાવ્ય એક એવા કવિનું કાવ્ય લાગે જેમણે જીવનના બધા જ રંગો માણ્યા છે, જે સ્વસ્થ અને સ્થિર છે અને હવે હિંડોળા ખાટ ઝૂલતા કવિ છે. આ કાવ્યની ભૂમિકા અને પછી એ સંદર્ભ લઈને તમારી સર્જનયાત્રાના મુકામો વિશે પહેલાં વાત કરીએ. સાંજ એ મારે માટે હમેશા વિહ્વળતાનો સમય હોય છે, હું બાકીના બધા કલાકો પ્રેમથી જીવનમાં વિહરતો હોઉં છું, પણ સાંજ પડે એટલે ખબર નહીં એક વ્યાકુળતા ક્યાંકથી આવે છે. વર્ષોથી આ છે. એટલે સાંજ પડે હું ક્યાં તો ઘરની બહાર નીકળી જાઉં અથવા તો ઘેર ઉદાસ થઈને બેઠો હોઉં, હીંચકા ખાતો હોઉં. તો એવી એક મનઃસ્થિતિ હતી. અને મનમાં એક કાયમી વિરહ હોય છે. એ વિરહ કોઈ એક વ્યક્તિનો નથી હોતો, એક સત્ત્વનો વિરહ હોય છે. તો એમ થાય કે આ ક્યારે મળશે આપણને, કોઈક વાર મળે છે, કોઈ વાર નથી મળતું. કોઈ વાર વાયદો કરે છે, કોઈ વાર વાયદો પાળે છે–કોઈ વાર નથી પાળતું. એના અનેક રંગો છે અને એમાંની આ એક સ્થિતિ છે. છૂટા પડવાનું છે, તો હવે મળીશું ક્યારે? તો સાંજે મળવાનું છે. તો પહેલી પંક્તિ આવી ‘હવે મળશું તો સાંજના સુમારે’ અને તરત મેં આકાશ તરફ જોયું તો દેખાયું કે સૂર્ય અને ચંદ્ર બંનેની હાજરી છે. પણ આ ગીત કોઈ એક સાંજનું ગીત નથી, આ જીવનસંધ્યાનું પણ ગીત છે. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય કે હું જ્યારે આ જગત છોડું ત્યારે મારું પ્રિય મારી સાથે હોય. આ સાંજ એ બહુ મોટી સાંજ છે, અને છૂટાં પડવાની પ્રક્રિયા એ બીજા અર્થમાં મળવાની પ્રક્રિયા પણ છે. પ્રશ્ન : હવે આપણે તમારી સર્જનયાત્રાની વાત કરીએ. તો એ શરૂ થઈ ત્યારથી અત્યારે જ્યાં પહોંચ્યા છો એ યાત્રાના પડાવોને તમે કઈ રીતે જુઓ છો? બહુ ટૂંકમાં કહું તો, મને બાળપણથી કવિતાના સંસ્કાર મળેલા, મારા પિતાજી કવિતા લખતા. એટલે સ્વાભાવિકપણે બધા સાહિત્યકારો સાથે સંબંધ હોય, એટલે બહુ નાનપણમાં હું મોટા મોટા સાહિત્યકારોના ખોળામાં રમ્યો છું. પિતાજી લખતા હોય—ગીત હોય કે ગઝલ હોય, તો એમને એવી ટેવ કે ટેબલ પર તાલ દઈને બોલતા જાય. તો અમે બાળક તરીકે ફરતા હોઈએ અને એ લય સાંભળતા હોઈએ. પછી પિતાજી સ્કૂલમાં જાય અને ટેબલ પર કવિતા લખેલો એમનો કાગળ પડ્યો હોય એ કવિતા હું એ જ લયમાં વાંચતો થયો. એટલે એમ છંદોલય પાકા થતા ગયા. તમને આશ્ચર્ય થશે કે ઘરમાં કાવ્યનું જે પહેલું પુસ્તક મેં વાંચ્યું તે રાજેન્દ્ર શાહનો કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ હતો. અને એમાં તો છંદોલયના જે છાક છે, આમ તો રાજેન્દ્ર શાહ એટલે જ છંદોલય. બીજું કે મારી અંદરનું સંવેદનતંત્ર અંદરથી, ઈશ્વરદત્ત કહો તો એમ, બહુ જ જાગતું સંવેદનતંત્ર. કોઈ વ્યક્તિને જોઉં, કોઈ દૃશ્ય જોઉં તો એ બધું મારા મનમાં લગભગ છપાઈ જાય. આમ, જે અંદર જાય તે બહાર આવવા મથે. મારા અક્ષરો સુંદર હતા એટલે હું સારો ચિત્રકાર થઈ શક્યો હોત. પણ શબ્દમાં વહેવાનું કોણ જાણે કેમ મેં પસંદ કર્યું. એટલે હું એસએસસીમાં હતો ત્યારે તો મારી કવિતાઓ છપાવાની શરૂ થઈ ગઈ હતી. બીજું કે ઘરમાં ઘણાં સામયિકો આવતાં, એટલે, સમજ પડે કે ન પડે એમાંથી પસાર થવાનું થતું. બીજું કે, મને લોકસાહિત્યનો બહુ શોખ. એટલે દાખલા તરીકે મેઘાણીનાં પાત્રોને હું મારી અંદર અનુભવું. એ રીતે હું કાવ્યો લખતો થયો અને અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણસો જેટલાં કાવ્યો થયાં. પ્રશ્ન : તમે શરૂઆતમાં ‘ખદ્યોત’ ત્રિવેદીના ઉપનામથી પણ લખેલું. હા, એ રહસ્ય એવું હતું કે મારે મારું નામ જાહેર નહોતું કરવું. પિતાજીનું નામ તો બધા જાણે; એમનું સરનામું દુનિયા આખી જાણતી હોય, એટલે મારું સરનામું પણ એ જ હોય તો બધાને ખબર પડી જાય, એટલે મેં આવું છદ્મ નામ રાખેલું કે જેથી કોઈને ખબર ન પડે કે આ એમનો દીકરો છે. પણ એ બધું કંઈ બહુ લાંબું ચાલ્યું નહીં. એ નામ પછીથી ઓગળી ગયું. મને પોતાને લાગે છે કે એક વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એની સાથે એ ઘણા બધા સંસ્કારો લઈને આવે છે. એનું નામ પણ એ લઈને જ આવે છે. આ મારી માન્યતા છે, એને વૈજ્ઞાનિક આધાર હોય કે ન હોય મને ખબર નથી. મારું નામ હર્ષદ છે, મારા વ્યક્તિત્વ સાથે બરાબર છે, મારે બીજું નામ રાખવાની શું જરૂર છે. એટલે પછી મેં કરેલી એ ભૂલ મેં સુધારી લીધી. પ્રશ્ન : ગદ્ય અને પદ્યનાં જુદાં જુદાં સ્વરૂપોમાં તમારી કલમ વિહરે છે. આ વૈવિધ્ય ક્યાંથી આવે છે? કવિતા ક્યારે થાય અને નિબંધ કે વાર્તા ક્યારે થાય? તમે આ બહુ સરસ વાત કરી. મને પહેલો વિચાર આવે ને, એ તો કવિતામાં જ આવે. રોજ સવારે જ્યારે મારી આંખ ઊઘડે ત્યારે હું ખાલી નથી હોતો. મારા મનમાં ત્યારે પણ કોઈક ને કોઈક પંક્તિ ચાલતી હોય. એ ચાહે કોઈ ફિલ્મી ગીત હોય કે આપણા કોઈ કવિનું ગીત હોય કે મારી પોતાની કોઈ રચના હોય કે કોઈ નવી રચના આવતી હોય. હું હમેશા કવિતાના શબ્દથી ઊઠ્યો છું; અને સતત કાવ્યમય રહેવાનું બન્યું છે. એક વાત કહું કે મેં જે અનુભવ નથી કર્યો—સંવેદનાના સ્તરે કે વાસ્તવના સ્તરે—એ મેં ક્યારેય લખ્યું નથી. અંદર ઊથલપાથલ ન થાય ત્યાં સુધી હું લખતો નથી. જેમ તપેલીમાં દૂધનો ઊભરો આવે એમાં એક ક્ષણ એવી આવે કે એ ઊભરાઈ જાય. બસ એ મારી કવિતાની શરૂઆત હોય છે. તો આ રીતે મને કવિતા મળતી જાય અને હું લખતો જાઉં. એક વાત છે કે કવિતા એ થોડી સૂક્ષ્મ છે. એને પ્રતીકનો આધાર છે, એને કલ્પનોનો આધાર છે. પણ જ્યારે હું આ સમાજને ખુલ્લી આંખે જોતો હોઉં છું, ખુલ્લા કાને સાંભળતો હોઉં છું, કેટલાં બધાં એવાં સંવેદનો છે કે કેટલી બધી એવી વાતો છે કે જેના માટે મને કવિતાથી આગળ બીજો કોઈ ઠોસ આધાર જોઈએ છે. તો સ્વાભાવિક છે કે પાત્રો આવે, પાત્રો આવે એટલે પરિસ્થિતિ આવે, પરિસ્થિતિ આવે એટલે નેરેશન આવે. એટલે વાત કહેવા માટે એક મોટું ફલક જોઈએ. તો જે કવિતામાં નથી કહી શકતો ત્યારે અથવા એમ કહું કે જ્યારે મને કવિતાનું ફલક નાનું પડે છે ત્યારે હું વાર્તા તરફ જાઉં છું. અને વાર્તા તરફ જાઉં છું ત્યારે મારો ઉદ્દેશ શું હોય છે? જે દેખાય એનું વર્ણન કરવાનો તો કોઈ અર્થ જ નથી. તો વાર્તામાં જે પાત્રો આવે અને જે એમની જે કશ્મકશ છે, એમની જે વૈચારિક ભૂમિકા છે, એમની જે સંવેદનની ભૂમિકા છે, એમના જે સંઘર્ષો છે એ બધું ચીતરવા માટે મને કથાનક જોઈએ. તો એ રીતે હું વાર્તા તરફ જાઉં. મારી વાર્તાઓ જો તમે ધ્યાનથી જુઓ તો એમાં પાત્રની પીડા હોય છે. એટલે મને પરિસ્થતિ કરતાં વધારે પાત્રો આકર્ષે છે. પછી હું પરિસ્થિતિની રચના કરું છું. હું પાત્રથી વાર્તા તરફ જાઉં છું. અને એ હું કરું છું ત્યારે મને આ માનવમેળામાંથી વિલક્ષણ કહેવાય એવાં કેટકેટલાં પાત્રો મળે છે. બીજું, મારી વાર્તાનું ગદ્ય એ વાર્તાકારનું ગદ્ય નથી. એ કવિનું ગદ્ય છે, એટલે એ જુદું છે, કારણ કે, હું પાયામાં તો કવિ છું. મને જે સૂઝે છે એ બધું કવિતામાં સૂઝે છે. મારી નિરીક્ષણશક્તિ બહુ છે, એટલે બહુ ઝીણવટથી હું બધું જોતો હોઉં છું. સભાનતાથી નહીં, પણ મને ખબર ન પડે એમ આ બધું મારી અંદર જમા થતું હોય છે. હવે પાત્રો સાથે કામ કરીએ એટલે દરેક પાત્રની ભાષા હોવાની, એટલે ભાષાના પણ દરેક સ્તરે કામ કરવાનું મને ગમે છે. હું આપણી બધી જ બોલીઓમાં લખી શકું છું, બધી ઉંમરના લોકોની ભાષા હું જાણું છું, બધા વર્ગના લોકોની ભાષા હું જાણું છું. પછી એક તબક્કો એવો આવે કે છેવટે તો આ બધું પણ મને બાંધે છે. પાત્ર મને બાંધે એટલે એની ભાષા મને બાંધે, પરિસ્થિતિ મને બાંધે, પણ સર્જક તરીકે મને કોઈ પણ પ્રકારનું બંધન ખપતું નથી. તો પછી વાર્તાથી આગળ જવું હોય તો શું કરવું? તો હું નિબંધ તરફ જાઉં. નિબંધમાં મજા એ છે કે એ ટૉર્ચના અજવાળા જેવું છે, અજવાળું પહોંચે એટલું જ તમને મળે. પછી તમારે આગળ ચાલવું પડે, પછી અજવાળું આગળ ચાલે. એટલે નિબંધમાં હવે પછીનું વાક્ય કયું લખવાનું છે એ મને ખબર ન હોય છતાં નિબંધ લખાતો જાય. નિબંધ એ મારા માટે બહુ મોટો પડકાર છે, અને એટલે નિબંધ લખવા મને ગમે છે. પ્રશ્ન : નિબંધની વાત થોડી આગળ લઈ જઈએ. તમે કેટલાક ઉત્તમ નિબંધો આપ્યા છે. વ્યક્તિચિત્રોનું તો એક આખું પુસ્તક કર્યું છે. સ્વામી આનંદના મોનજી રુદર કે ધનીમા યાદ આવે એવાં કેટલાંક વ્યક્તિચિત્રો તમે આપ્યાં છે. આજે આપણી ભાષામાં સુ.જો., ઉ.જો કે પછી કાકાસાહેબ, સ્વામી આનંદ જેવા નિબંધો બહુ ઓછા લખાય છે. નિબંધના સ્વરૂપનું ખેડાણ આપણી ભાષામાં હવે ઓછું થયું છે એમ કહી શકાય? અને જો ઓછું થયું હોય તો કેમ ઓછું થઈ ગયું છે? એક તો મેં કહ્યું એમ, નિબંધ કોઈ પણ લેખક માટે પડકાર છે. નર્મદે કહેલું કે નિબંધ લખવા એ જેવીતેવી વાત નથી, એ વિધાન અનેક અર્થમાં સાચું છે. અંદર ભારોભાર સર્જકતા ન હોય, અથવા ઓછી સર્જકતા હોય તો નિબંધકાર ખુલ્લો પડી જાય. સાથે સાથે એની ભાષા એટલી સમૃદ્ધ ન હોય તોપણ નિબંધકાર ખુલ્લો પડી જાય. આપણા લેખકો નિબંધ તરફ નથી જતા એનું મુખ્ય કારણ એ છે કે નિબંધને બાહ્ય આધારો છે જ નહીં. હું ગઝલ લખું તો એમાં રદીફ-કાફિયા મને મદદ કરે છે, બંધારણ મને મદદ કરે છે. હું ગીત લખું તો એનો લય મને મદદ કરે છે, પ્રાસાનુપ્રાસ મદદ કરે છે, વાર્તા લખું તો પાત્રો મદદ કરે છે. નિબંધમાં મને કોઈ મદદ નથી કરતું. એમાં માત્ર એક ઉડાન ભરવાની હોય છે અને એ ઉડાન તમારી અંદર કેટલી શક્યતાઓ પડી છે, તમારી કેટલી ક્ષમતા છે એનાથી ભરાય છે. આ સાઇકલ ચલાવવા જેવું છે. શરૂઆતમાં તમે સાઇકલનું હૅન્ડલ પકડો તો પગ ચલાવવાનું ભુલાઈ જાય. પગ ચાલે તો દિશા બદલાઈ જાય. પણ પછી એક તબક્કો એવો આવે કે તમે હાથ છૂટા મૂકીને પણ ચલાવી શકો. લખાણમાં પણ આ એટલું જ સાચું છે. તેથી એક નિબંધ સારો લખાયો એટલે બીજો નિબંધ સારો લખાશે એની કોઈ ખાતરી આપી શકે નહીં. એટલે, નિબંધ એક પડકાર છે. મને પડકાર ઝીલવા ગમતા હોય છે અને એટલે હું નિબંધ તરફ જાઉં છું. તો મારા નિબંધોમાં સ્મૃતિ છે, બાળપણથી અત્યાર સુધીમાં મેં જે કંઈ અનુભવ્યું હોય એ ક્યાંક ને ક્યાંક પ્રગટ થાય છે અને એને માટે હું વાસ્તવનો આધાર લઉં છું. આમ એનું એક રસાયણ સર્જાય છે. આ તો બધું હમણાં વાત કરતાં કરતાં લાગે છે, બાકી લખાય ત્યારે એ તો ‘નહીં સાંધો નહીં રેણ’ની જેમ આપોઆપ આવતું હોય છે. અને એની સાથે સાથે એમાં આવે છે મારો ઓપિનિયન. મારો કોઈ નિબંધ એવો નહીં હોય જેમાં મારો ઓપિનિયન નહીં હોય. મારે શું કહેવું છે? એને હું પ્રગટ રીતે નથી કહેતો, પણ આડકતરી રીતે કહું છું, અને એ રીતે કહું ત્યારે એ નિબંધને વધુ મજબૂત બનાવે છે. આ બધું કોઈ પણ સર્જક માટે સાચું છે, માત્ર મારે માટે નહીં. અને આ બધું હું કહું છું કે મેં આમ કર્યું, એ અહંકારના અર્થમાં નહીં, પણ આપણે એને એક પ્રક્રિયાના ભાગરૂપે જોઈએ છીએ. જેમ કે, એવું બન્યું કે મારે મારી પોતાની એક તસ્વીર શોધવાની હતી. તો એક તસ્વીર શોધવા જતાં, માળિયામાંથી આખું મોટું બૉક્સ ઉતારવાનું થયું, અને એમાં અનેક આલ્બમ, અનેક નેગેટિવ, અનેક પોઝિટિવ બધું જ પડેલું. તો એક તસ્વીર શોધતાં શોધતાં એમાંથી આખું એક જગત મને મળ્યું, અને એ એક નિબંધનો વિષય બન્યું, મૂળ વાત તો બાજુ પર રહી ગઈ. નિબંધની પહેલી શરત એ છે કે એ રોચક બનવો જોઈએ. જો નિબંધના બીજા જ વાક્યથી વાચકને કંટાળો આવે અથવા તો નિબંધને સમજવો પડે તો મારી દૃષ્ટિએ એ નિબંધ બરાબર ન કહેવાય. નિબંધ તમને હોડીમાં બેસાડી દે અને પછી બસ સેલ્લારા મરાવે એવો હોવો જોઈએ, અને એ અર્થમાં એ લલિત નિબંધ છે. પ્રશ્ન : ગુજરાતી સાહિત્ય વિશે બે બાબતો વારંવાર ચર્ચાય છે. એક તો એ કે, આપણા સાહિત્યકારો વિશ્વસાહિત્યથી ઓછા પરિચિત છે, એટલે કે એમના વાંચનનો વ્યાપ ઓછો છે અને એનું પ્રતિબિંબ એમનાં સર્જનોમાં ઝિલાય છે. બીજી વાત એ છે કે, આપણી ભાષા પાસે એટલા અનુવાદકો નથી, તેથી આપણું ઉત્તમ સાહિત્ય બીજી ભાષાઓમાં અવતરતું નથી. આમ, ગુજરાતી ભાષામાં રચાતું સાહિત્ય જાણે કે એક નાનકડું વર્તુળ કરીને એમાં પુરાઈને બેઠું છે. આ બંને બાબતો માટે તમારો પ્રતિભાવ જાણવો છે. એમાં બે વસ્તુ છે. એક તો એ કે, ગુજરાતી તરીકે આપણે બહુ સંતોષી જીવ છીએ. એટલે આપણી પાસે શ્રીમદ્ ભાગવત છે, રામાયણ છે, અને મહાભારત છે. એની અંદર એટલું બધું પડ્યું છે કે એનાથી જ આપણે સંતુષ્ટ થઈ ગયાં. અને એ પર્યાપ્ત પણ છે. એટલે અપવાદો બાદ કરતાં, આપણો સર્જક વિદેશનું સાહિત્ય ભાગ્યે જ વાંચે છે. આજકાલ તો એવી ફરિયાદ ચાલે છે કે સાહિત્યકારો પોતે બીજા સાહિત્યકારોનું ગુજરાતી સાહિત્ય પણ વાંચતા નથી. એટલે જો ઇનપુટ ન હોય તો આઉટપુટમાં મુશ્કેલી થાય જ. વાંચન ઘણું ઘટી ગયું છે, લગભગ બધા પોતાની અંદર જ રાચતા હોય એવું તમને લાગે. બીજું કે, આપણે બહુ ઉદાર પ્રજા છીએ, એટલે બહારથી આપણે બહુ બધું લાવ્યા. બંગાળી સાહિત્યમાંથી ઘણું બધું લાવ્યા, મરાઠીમાંથી ઘણું બધું આવ્યું. પણ સામે પક્ષે ગુજરાતીમાંથી બીજી ભાષાઓમાં એટલે કે અંગ્રેજીમાં કે હિન્દીમાં કેટલું ગયું? બીજી બાબત એ પણ છે કે ગુજરાતી ભાષાની જે પ્રકૃતિ છે એ બહુ વિલક્ષણ છે. એટલે એનો અનુવાદ કરવાનું કામ પડકારજનક છે. હવે રમેશ પારેખની પંક્તિ ‘હે હે ઝાડ પડ્યું ડબાક મારા માથા પર’ તો આ ‘ડબાક’નું શું કરશું? એટલે ભાષાની પ્રકૃતિ પણ ક્યારેક આપણને અનુવાદ કરતાં રોકે છે. અને પછી તો શું થાય કે તમે પૅરાફ્રેઝ કરો તો કવિનો કે લેખકનો ચમત્કાર જતો રહે. આમ પણ તમે જાણો છો કે એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર રેડો તો એમાંથી થોડું તો ઊડી જ જતું હોય છે. પણ જો ઘણું બધું ઊડી જાય તો શું કરવું? એટલે આ બધા પ્રશ્નો તો આપણી સામે છે જ. ઘણાં વર્ષોથી, એટલે કે ગાંધીયુગથી આજ દિન સુધી આ પ્રશ્નો ઊભા જ છે. એટલે આપણે અનુવાદકો તૈયાર કરવા જોઈએ. પ્રશ્ન : સર્જક સમાજજીવન સાથે કે વ્યવહારજીવન સાથે કેવી રીતે સંકળાય? સભાઓ, કાર્યક્રમો, વ્યાખ્યાનો, સંસ્થાઓનાં વહીવટી કામો આ બધા ઘોંઘાટ વચ્ચે સર્જન માટેનું એકાંત અને અવકાશ કેવી રીતે મળે? તમારું એકાંત કેવું છે? હું બહુ મનસ્વી છું, એટલે હું કોઈ પણ ક્ષણે એકલો પડી શકું છું. અને કોઈ પણ ક્ષણે હું સભામાં ભળી શકું. ચાલુ સભામાં મને એમ લાગે કે મને આમાં કંઈ બહુ રસ નથી પડતો તો હું મારું એકાંત શોધી લેતો હોઉં છું. ચાલુ સભામાં મેં કવિતા લખ્યાના પણ દાખલા છે. હવે તો આવા પ્રસંગો નથી બનતા પણ જ્યારે બસમાં જતાં અને ભીડ હોય તો ઊભાં ઊભાં બસની ટિકિટ પાછળ પણ કવિતા લખી છે. તો મારું એકાંત હું કોઈ પણ સમયે મેળવી લેતો હોઉં છું અને આ બધી વ્યાવહારિકતા છે એને હું એક સ્તરથી આગળ વધવા દેતો નથી. જે સમયે જે કામ કરવાનું હોય એટલા પૂરતું એમાં મારું ઇન્વૉલ્વમેન્ટ હોય. છતાં હું જ્યાં હોઉં ત્યાં પૂરેપૂરો હોઉં, પણ એટલા પૂરતો જ. મને જ્યારે એમ લાગે કે હવે મારી ભૂમિકા અહીં પૂરી થઈ ગઈ ત્યારે હું એમાંથી નીકળી જાઉં. મારો એક શેર છે કે ‘એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું, શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં’. એક પણ સેકંડ બગાડવાનું મને ગમે નહીં, સમય બગાડવો એ મારો સ્વભાવ નથી. આખો સંસાર એની રીતે ચાલતો હોય ત્યારે મારી એકાંતયાત્રા મારી અંદર ચાલતી હોય. મને એકાંત માટે ક્યારેય ફરિયાદ નથી કરવી પડી. એવું પણ નહીં કે ‘હવે મને બે કલાક કોઈ બોલાવશો નહીં’. મારી અંદર એક તાપણું સતત ચાલ્યા કરે અને એ અંદર એનું કામ કર્યા કરે. એ પ્રકાશ પણ આપે, એ બાળે પણ ખરું, પણ સર્જક તરીકે તમારે એ પીડા વેઠવી પડે. પ્રશ્ન : આની સાથે સંકળાયેલી બીજી એક વાત પણ કરીએ—તમારું અધ્યાત્મ. તમારાં સર્જનોમાં તો એ સૂક્ષ્મપણે વર્તાય છે. તમે જનોઈ પહેરો છો, ઘરમાં પૂજા-પાઠ છે. તમે જ્ઞાતિઓમાં નથી માનતા. આ વાતો ખૂબ અંગત છે, તેમ છતાં જો એને શબ્દસ્થ કરી શકાય તો… ના ના, જુઓ અંગતમાં તો એવું છે કે, હું ઈશ્વરમાં માનું છું. કોઈનું નામ આપીએ એવી રીતે આપણે ઈશ્વર શબ્દ વાપરીએ. બીજો માણસ બીજો કોઈ શબ્દ વાપરે તો મને એનો વાંધો પણ નથી. કોઈ એક પરમ તત્ત્વ છે અને એ બધાંનો નિયંતા છે. બધાંનું સંચાલન એ કરે છે, એટલે એક અર્થમાં આપણા હાથમાં કશું જ નથી, અને એક અર્થમાં એણે આપણા હાથમાં બધું જ સોંપી દીધું છે. આપણને ઈશ્વરે જેટલી મુક્તિ આપી છે ને એટલી મુક્તિ કોઈએ આપી નથી. એ મુક્તિનો સૌથી વધારે લાભ હું લઈ રહ્યો છું. વિધિ-વિધાનની વાત કરીએ તો એ મને બહુ જ ગમે. કશો પ્રસંગ ન હોય તોપણ મને મૂડ આવે તો સવારે નાહી-ધોઈને હું પીતાંબર પહેરું, ભગવાનની પૂજા કરું. અને પૂજા એટલે, એમાં વેઠ નહીં કાઢવાની, બહુ વ્યવસ્થિત રીતે અભિષેક કરવાનો, ચંદન અર્ચા કરવાની. હું મારા કપાળમાં પણ ચાંદલો કરું. એ પ્રક્રિયા મને આનંદ આપે છે. એ મારી સર્જનપ્રક્રિયાનો એક ભાગ છે, ઈશ્વર સાથેના અનુસંધાનનો એક ભાગ છે. એ વખતે મારો પરમ તત્ત્વ સાથે સંવાદ થતો હોય છે. સંવાદ એટલે કોઈ ચમત્કારના અર્થમાં નહીં. હું મને પામતો હોઉં છું. અને હું મને પામું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે હા, કોઈક છે. અને એ ‘કોઈક છે’ની અનુભૂતિ આપણને એક મનઃસ્થિતિમાં રાખે છે. સૌથી વધારે તો શું કે એક માણસનો બીજા માણસ માટેનો પ્રેમ. આખું જગત એકબીજાના પગ ખેંચવામાંથી ઊંચું નથી આવતું. એ સમયે કોઈ આપણને એમ કહે કે ‘હું તને પ્રેમ કરું છું’ અથવા આપણને કોઈ માટે પ્રેમ-આદરની લાગણી થાય, ઉમળકો થાય, એની પીડા તમને સમજાય એને હું ઈશ્વરનો આશીર્વાદ માનું છું. ઈશ્વરે મને આ પંચેન્દ્રિયથી જગતને માણવાની જે તક આપી છે… થોડીક વધારે સૂક્ષ્મ વાત કરું તો અનેક અનુભવો એવા થયા છે કે મને ખાતરી થાય કે હા, કોઈક છે. આ બધું બહુ જાહેર કરવાની વાત નથી. આ ‘કોઈક છે’વાળો સધિયારો એ મારા જીવનનાં બધાં જ દુઃખોમાંથી મને મુક્તિ નહીં પણ આનંદ આપે છે. અને હું તો અનુભવીને એટલું કહું કે ‘આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે’. અહીં પરિબ્રહ્મનો અર્થ પેલા શંખ, ચક્ર, ગદા, પદ્મ લઈને આવી જાય એવો નથી. મને કદી એવું નથી થયું કે મને ભગવાનનો સાક્ષાત્કાર થાય. એ આવે તોયે હું ના પાડું, કે ભાઈ મારે તારું કોઈ કામ નથી. મારું જે અનુસંધાન છે એ એની ઉપસ્થિતિથી તૂટી જવાનું હોય તો મને એ નથી જોઈતું. એટલે મને ભગવાનનાં દર્શન કરવામાં કોઈ રસ નથી. મારું અધ્યાત્મ એ મારું પોતાનું છે અને એ મેં ઊભું કરેલું છે. એ અનુભવે જ મને કોઈ પણ પરિસ્થિતિમાંથી તૂટતો બચાવ્યો છે. જીવનમાં એવા તબક્કાઓ આવ્યા છે કે એવું લાગે કે હવે એક સેકન્ડ પછી કશું જ નથી. પણ ફરી પાછી નવી આશા મળે, એ કોણ આપે છે? બધું બહુ જ આકસ્મિક છે એવું માનવાની પણ જરૂર નથી. મને આ દીવાલની પાછળ શું છે એ દેખાતું નથી, કારણ કે, એ દીવાલ છે. એનો અર્થ એ નથી કે દીવાલની પાછળ કશું નથી. આપણે પહોંચવું પડે, ત્યાં. હું આને કોઈ ચમત્કારમાં ખપાવવા માંગતો નથી, કે ઈશ્વરના અસ્તિત્વ વિશે મોટાં મોટાં ભાષણો કરવાની વાત નથી. આ તો તમે બગીચામાંથી નીકળતા હો અને ગુલાબનું ફૂલ જોવું જરૂરી નથી, તમે એ ન જોયું હોય તોયે તમને એની સુગંધ આવે. આ એવો અનુભવ હોય છે. પ્રશ્ન : હર્ષદભાઈ, બે સર્જકોનું સહજીવન કેવું હોય? તમારાં પત્ની તે આપણાં સંપ્રજ્ઞ નવલકથાકાર–લેખિકા બિંદુબહેન ભટ્ટ. મને ખ્યાલ છે ત્યાં સુધી તમારું મિલન પણ ખાસ્સું રોમૅન્ટિક હતું. હા, બંને સર્જકો હોઈએ ત્યારે કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી થાય. પહેલી વાત એ છે કે અમારા બંનેની માનસિકતા ઘણી ઘણી નિકટ છે, એટલે હું કંઈ વિચારતો હોઉં તો એને ખબર હોય કે અત્યારે આ માણસ આ વિચારી રહ્યો છે. મારાં હલન-ચલન પરથી એને ખબર પડે કે હું શું કરવા જઈ રહ્યો છું, અથવા હું શું કરવા ઇચ્છું છું. એનું સંવેદનતંત્ર એટલું બધું જાગ્રત છે. સામે પક્ષે મને પણ ખબર હોય કે હવે અત્યારે આમ જ થશે અને એ આમ જ કરશે. એટલે અમે પૂરક છીએ અને અમે એવું માનતાં નથી કે અમે પતિ-પત્ની છીએ, દામ્પત્ય અને જીવન વગેરે… એવું કશું નહીં. અમે બહુ સારાં મિત્રો છીએ, એટલે અમારી વચ્ચે ઝગડા પણ બહુ થાય અને અદ્‌ભુત પ્રકારના ઝગડા થાય. એને લખવું હોય ત્યારે કામવાળી પણ ઘરમાં આવે, મહેમાનો પણ ઘરમાં આવે, અને કેટલાક એકદમ વાસ્તવજગતના પ્રશ્નો પણ હોય. બૅંકમાં પૈસા જમા કરાવવાના હોય, એવાં વ્યાવહારિક કામો કરવાં જ પડે. ક્યાં તો એણે કરવાં પડે કે મારે કરવાં પડે. અને ચોવીસ કલાક માત્ર સાહિત્ય સિવાય બીજું કશું ખપતું ન હોય ત્યારે આ આખો વ્યવહાર અમારા માટે બહુ જ વિક્ષેપકારક હોય છે. એટલે અમારા ઝગડા આને કારણે થતા હોય છે, પણ પ્રેમ થાય છે એ તો માત્ર શબ્દને કારણે થાય છે. એક વખત અમે બંને કારમાં જતાં હતાં. વરસાદ વરસતો હતો અને એક સુક્કું વૃક્ષ હતું, એના પર એક પણ પાંદડું નહીં, માત્ર હાડપિંજર કહેવાય એવું એ વૃક્ષ હતું. બિંદુએ કહ્યું કે ગાડી ઊભી રાખો ને, આ જુઓ. મેં એ જોયું. અમે બંને પાંચ-પંદર મિનિટ ત્યાં ચૂપચાપ બેઠાં રહ્યાં. પછી એણે વાર્તા લખી અને મેં કવિતા લખી. વિષય એક જ હતો, પણ એક નવલકથાકાર–વાર્તાકાર લખે તો એ વૃક્ષને કેવી રીતે જુએ અને એક કવિ જુએ તો કઈ રીતે જુએ! આવા અનુભવો અમે અનેક વાર કર્યા છે. બીજું શું છે કે એના સેમિનાર ચાલતા હોય, લખવાનું ચાલતું હોય, વાંચવાનું ચાલતું હોય, અનુવાદનું કામ ચાલતું હોય, બહાર જવાનું હોય, કાર્યક્રમો ચાલતા હોય, અને એ પ્રમાણે મારે બધાં કામ ચાલતાં હોય તો એ બધાંની વચ્ચે પણ અમારો તાર તો સતત મળેલો રહે. એટલે મારો લખેલો કોઈ શબ્દ નહીં હોય જે બિંદુએ વાંચ્યો નહીં હોય, એનો લખેલો કોઈ એવો શબ્દ ન હોય જે મેં ન વાંચ્યો હોય. અને અમે બંને એકબીજાંનાં બહુ કડક વિવેચકો છીએ. એટલે હું એમ કહું કે આ બરાબર નથી તો એ ક્યારેય બહાર ન મૂકે અને એ મને એમ કહે કે આમાં કંઈક વિચારવા જેવું છે, તો હું પણ એ બહાર ન મૂકું. તો અમે બંને એક અર્થમાં બરાબર સળગતી સગડી જેવાં છીએ. ક્યારેક એના મોટા ભડકા પણ થાય અને ક્યારેક એની ઉષ્મા અને હૂંફ પણ મળે. પણ એકબીજાં વગર રહી ન શકીએ, એટલું ખરું. બે-ચાર કલાક જાય તો એમ થાય કે યુગ ગયો. ઘણી વાર એક જ રૂમના ડાબા ખૂણે બિંદુ બેઠી હોય, જમણા ખૂણે હું બેઠો હોઉં, એ એનું કામ કરે અને હું મારું કામ કરતો હોઉં. મારી હાજરી એને ડિસ્ટર્બ નથી કરતી, એની હાજરી મને ડિસ્ટર્બ નથી કરતી અને ત્યાં સુધી મને લાગે છે કે વધારે સાયુજ્યની અપેક્ષા આ જગતમાં રાખવી જરા વધારે પડતી કહેવાય. બિંદુએ ‘અખેપાતર’ નવલકથા લખી. એમાં પણ થયું એવું કે એણે તરુબહેન કજારિયાને કહ્યું કે હું આવી નવલકથા લખવા વિચારું છું. એટલે તરુબહેને કહ્યું કે લખાય એટલે મને તરત મોકલજો, હું એ ‘જન્મભૂમિ’માં છાપીશ. બિંદુએ કહ્યું કે મેં તો ત્રણ જ ચૅપ્ટર લખ્યાં છે. પણ તરુબહેને તો બીજા રવિવારે જાહેરાત કરી દીધી કે આવતા અંકથી લેખિકા બિંદુ ભટ્ટની આ નવલકથા શરૂ થાય છે. હવે એ નવલકથા પૂરી કર્યા વગર છૂટકો જ નહોતો. ત્યારે તો બિંદુ કૉલેજમાં નોકરી પણ કરતી હતી. એટલે રાત આખી ઉજાગરો કરીને એ લખે, સવારે સાડા સાતે કૉલેજ હોય, જતાં પહેલાં રસોઈ કરવાની. હું લોટ બાંધું, એ શાક બનાવે. બીજી બાજુ એ રોટલી વણે અને હું શેકું. એણે જે લખ્યું હોય એ હું ફરી વાર વાંચી જાઉં, નાના-મોટા સુધારા કરું, ઝેરોક્સ કરાવું અને સાંજે એને ફૅક્સ કરીને મુંબઈ મોકલવાનું. તો આવા સંઘર્ષો જ આપણને શીખવે છે. કદાચ સંઘર્ષમાં વધારે સારું લખાય છે. એટલે અમે એકબીજાંનાં પૂરક છીએ તો આ અર્થમાં કે મને લાગે કે હમણાં લોઢી ગરમ છે તો એના પર રોટલી શેકવાની, બીજું વિચારવાનું જ નહીં. અમારું ફોકસ એક જ કે બિંદુની નવલકથા પૂરી ન થાય ત્યાં સુધી મારે બીજા કોઈ પ્રોજેક્ટ હાથમાં નહીં લેવાના. હું એને અનુકૂળ થવાની કોશિશ કરું, એ મને અનુકૂળ થવાની કોશિશ કરે. અત્યારે હવે આ સાહિત્ય પરિષદનું કામ લીધું છે તો એણે મને ત્રણ વર્ષ મુક્તિ આપી દીધી છે કે તમે ત્રણ વર્ષ માટે જે કામ કરવાનું હોય એ કરો. તો આ સમજણ પણ ઘણી રીતે મદદરૂપ થાય છે. પ્રશ્ન : તમે સાહિત્ય પરિષદનો ઉલ્લેખ કર્યો અને હું એ તરફ જ વળતી હતી. આપણે આ વાત કરીએ છીએ ત્યારે થોડા સમય પર જ તમે સાહિત્ય પરિષદના પ્રમુખનો હોદ્દો સંભાળ્યો છે. મને બરાબર યાદ છે કે આપણે થોડાં વર્ષો પહેલાં પણ સંવાદ કરેલો અને ત્યારે તમે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર હતા અને ‘શબ્દસૃષ્ટિ’નું સંપાદન કરતા હતા. અર્થાત્, ગુજરાતી ભાષાની બે મુખ્ય સાહિત્યિક સંસ્થાઓનાં સુકાન તમે સંભાળી ચૂક્યા છો / સંભાળી રહ્યા છો. આ બંને સંસ્થાઓમાં ‘…પડી એક તકરાર’ની પરિસ્થિતિ છે. સાહિત્યજગતના આ વિવાદ વિશે અને આ બંને સંસ્થાઓ વિશે સાહિત્ય પરિષદના નવા વરાયેલા પ્રમુખ તરીકે તમારો પ્રતિભાવ અને પરિષદની ભાવિ દિશા વિશે જાણવાની સૌને ઉત્સુકતા હોય એ સ્વાભાવિક છે. પહેલી વાત એ છે કે હું બહુ નસીબદાર માણસ છું. નસીબદાર એ રીતે કે હું સમજણો થયો ત્યારથી સાહિત્ય સિવાયનું કશું મને આવડ્યું જ નથી. મને ગઝલના શેરની ખબર પડે છે, શેરબજારની ખબર નથી. એટલે મેં પહેલી નોકરી કરી તે ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય કોશમાં કરી. બીજી નોકરી કરી તે ગુજરાત સાહિત્ય અકાદમીમાં કરી અને નિવૃત્ત થયા પછી હવે આ પ્રમુખપદની જવાબદારી લીધી છે. તો કહેવાનું એ છે કે સાહિત્યની સંસ્થાઓ અને સાહિત્યકારો અને સાહિત્યના વાતાવરણ સિવાય મને કોઈ અનુભવ જ નથી. મારી રીતે હું જગતનો અનુભવ કરું છું એ જુદી વાત છે. એટલે આ બધું મારી અંદર છે. પરિષદના પ્રમુખ થવાનું સ્વપ્ન મારે શા માટે જોવું પડે? હું કોઈ હોદ્દા માટે પરિષદનો પ્રમુખ થયો છું? ના, બિલકુલ નહીં. મને એવું લાગ્યું કે આ સંસ્થા ગુજરાતી સાહિત્યની મહત્ત્વની સંસ્થા છે પણ એ મહત્ત્વની બની રહેવી જોઈએ. એ સતત પ્રવૃત્ત રહેવી જોઈએ અને બધાને એમ લાગવું જોઈએ કે આ સંસ્થા મારી છે. આપણે ઇતિહાસ જોયો છે અને એવું ઘણી વખત થાય કે ચડાવ-ઉતાર તો આવે. તો મારી પહેલી નિસ્બત એ કે સંસ્થાને ધબકતી રાખવી. અકાદમીમાં હતો અને ‘શબ્દસૃષ્ટિ’ મને સોંપાયું અને તમને બધાંને ખબર છે કે મને સોંપાયું ત્યારે એ કેવું હતું. પછી એમાં શું બદલાવો આવ્યા, કેવા વિશેષાંકો થયા. તો મારી એક ભાવના રહી છે કે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણું હીર, આપણું સત્ત્વ કે તત્ત્વ, જે કંઈ છે તે નિચોવીને કામ કરવું. એમાં જ્યારે કોઈને ઊણા ઊતરતા જોઈએ ત્યારે આપણને આપણી જવાબદારી સમજાય કે બીજા ગમે તે કરે પણ તેં શું કર્યું. આ ‘તેં શું કર્યું’ના જવાબમાં પરિષદ પ્રમુખ થવાનું વિચાર્યું. ઉમાશંકર કહેતા એમ કે, દેશ તો આઝાદ થતાં થઈ ગયો, પણ તેં શું કર્યું. કામ કરવું હોય તો તમારી પાસે અધિકાર જોઈએ અને અધિકાર માટેની આ એક વ્યવસ્થા છે. કોઈ લોભ-પ્રલોભન એ મારો સ્વભાવ નથી. હવે તમે જે વાત કરો છો એ, ગુજરાતી સાહિત્ય પરિષદ સમક્ષ ઘણાં કામો છે. પહેલું તો મને જે દેખાય છે તે એ કે આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદનો ઑથેન્ટિક કહેવાય એવો ઇતિહાસ જ નથી. તો પહેલાં તો એ ઇતિહાસ લખાવો જોઈએ. ગુજરાતી સાહિત્ય કોશના ત્રણ વૉલ્યુમ પ્રગટ થયા પણ બીજા પાંચ વૉલ્યુમ થઈ શકે એટલી સામગ્રી તૈયાર છે. જે છે એને અદ્યતન કરવાનું છે અને આગળ પણ ચલાવવાનું છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધનના પ્રોજેક્ટ કરવા જ પડે, નહીંતર એ સાહિત્ય ધીમે ધીમે લુપ્ત થવામાં છે. બીજું કે, આપણી પાસે સંશોધકો કેટલા ઓછા છે; તો નવા સંશોધકો આવે એ માટે પ્રવૃત્તિઓ કરવાની છે, એટલે એને માટે સેમિનાર કરવા જોઈએ. સામે પક્ષે નવોદિતો એમ સમજે છે કે આ સંસ્થા અમને તો કંઈ ગણતી જ નથી. તો એવું નથી, નવોદિતો પણ આવે. પછી જેનામાં જેટલી તાકાત કે જેટલી સર્જકતા હશે એ પ્રમાણે એ ટકશે, પણ તક તો બધાને મળવી જોઈએ. એટલે નવોદિતો માટે દરવાજા ખુલ્લા કરવાની જરૂર છે. ગુજરાતી કવિતા-ચયન, નવલિકા-ચયન એ પ્રકારનાં કામો ઘણા વખતથી અટકીને બેઠાં છે એને આગળ ચલાવવાનાં છે. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે આખા વર્ષ દરમ્યાન જે પુસ્તકો પ્રગટ થાય છે એમાંથી ચૂંટેલાં પુસ્તકોની સમીક્ષા થવી જોઈએ, એ કામ આપણે કરવાનું છે. તો કામ તો બધાં બહુ છે. આપણું ‘પરબ’ જે લોકો સુધી જાય છે એ આપણું આઈ-કાર્ડ છે. તો એ ‘પરબ’ વધારે સારું થાય એની કોશિશ કરવાની છે. ‘શબ્દસૃષ્ટિ’ હું ચલાવતો હતો એમ હું ‘પરબ’ ન ચલાવી શકું, કારણ કે, હું પ્રમુખ છું; તંત્રી-સંપાદક તો બીજા હોવાના. અને જેમ હું મારા સ્વાતંત્ર્યમાં માનું એમ એમનું પણ સ્વાતંત્ર્ય હોય. એટલે માફ કરજો, પણ અકાદમીમાં હું ધારું તે કરી શકતો હતો. અહીં લોકશાહીનું માળખું જરા જુદા પ્રકારનું છે. બધાને ખુશ કરવાનો મારો સ્વભાવ નથી, પણ બધાને સાથે લઈને ચાલવું છે, એટલે, મર્યાદાઓ ઘણી હોવા છતાં મને શક્યતાઓ પણ ખૂબ દેખાય છે. પરિષદ પાસે પૈસા નથી. એટલે કામ કરવાનું અને એ કામ માટે પૈસા ક્યાંથી લાવવા એ પણ વિચારવાનું. પણ મેં જોયું કે આ છેલ્લા બે મહિનામાં મને કેટલા બધા લોકોએ કહ્યું છે કે પૈસાની જરૂર હોય તો ચિંતા ન કરશો, અમને કહેજો, અમે મદદરૂપ થઈશું. તો લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર ખરા ઊતરવાની વાત છે. એટલે એક વખત એને દોડતું કરી દઈએ તો એ પરંપરા મજબૂત બનીને આગળ ચાલશે. આ આશાએ મેં આમાં ઝુકાવેલું. પ્રશ્ન : ગુજરાત હવે ભારતના સીમાડાની બહાર પણ વસ્યું છે. દરિયાપાર વસતા ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં સર્જન કરે છે અને એમને પણ પરિષદ પાસે કેટલીક આશા-અપેક્ષા રહે એ સ્વાભાવિક છે. ચોક્કસ. હવે આપણે એક નવી દિશા એ પણ ખોલવા જઈ રહ્યા છીએ કે દરિયાપારના જે સર્જકો ગુજરાતી ભાષામાં કામ કરે છે એ જ્યારે ભારતમાં આવે અથવા અનુકૂળતા થાય તો આપણે એમને બોલાવીએ અને એ આવે ત્યારે આપણે વધારેમાં વધારે એમનો લાભ લઈએ, એમની સાથે સંવાદો કરીએ, એમના સાહિત્યનું પ્રકાશન અહીંથી વધારે સારી રીતે થાય એ માટે પ્રયત્ન કરીએ. એમની પાસે જે ખૂટે છે તે શું ખૂટે છે? મને એવું લાગે છે કે, દાખલા તરીકે, પચાસ વર્ષ પહેલાં જે ગુજરાત છોડીને ગયા એ પચાસ વર્ષ પહેલાંની ભાષા અને અનુભવો લઈને ગયા છે, એમાં કેટલો વધારો થયો? એમની ભાષા કેટલી બદલાઈ? એટલે કે, ગુજરાતમાં ક્ષણે ક્ષણે બદલાતી ગુજરાતી ભાષાનો સઘન પરિચય તો એમને નથી. એટલે એમનું સાહિત્ય હું જ્યારે વાંચું ત્યારે મને એવું લાગે કે સ્ટૉક લૅન્ગ્વેજથી કામ ચાલે છે. તો એને જીવંત કેવી રીતે બનાવવી? સંપર્ક એ જ એનો ઇલાજ કે ઉપચાર છે. અને હવે તો તમે સિડનીમાં છો અને હું અહીં છું અને આપણે વાત કરી શકીએ છીએ. તો આવાં માધ્યમોનો સૌથી વધુ લાભ લઈને સંવાદો વધારવા જોઈએ. એટલે સંવાદો વધુ થાય અને આપ-લે થાય તો આ વિશ્વ હવે નાનું થઈ ગયું છે. એ લોકો ગુજરાતમાં રહેતા હોય એવો અનુભવ અહીંથી આપણે એમને કરાવવાનો છે. અને પછી એમની પાસેથી સાહિત્ય આવે એને ગુણવત્તાના ધોરણે આપણે બને એટલું પોંખવાનો પ્રયત્ન કરીએ, એનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરીએ. તો આખું એક યુનિટ જ ઊભું કરવાનો મારા મનમાં વિચાર છે. એ ઉપરાંત મહિલાઓ આજકાલ કેટલું સુંદર લખે છે. એમને માટે કોઈ વિશેષ અનામતની વાત હું નથી કરતો. પણ એમને માટે સ્પેસ–જગ્યા આપીએ. એટલે એ કરવાનું છે. બાળસાહિત્યની અત્યારે શું પરિસ્થિતિ છે? એમાં એવું છે કે જે ઘરડાઓ છે એ પોતે બાળકો હોય તો શું વિચારે એમ માનીને એ બાળસાહિત્ય લખે છે. એ આજનાં બાળકો સ્વીકારવાનાં જ નથી. આપણે એમને ઉપદેશો આપીએ છીએ. બાળસહિત્યની આખી દિશા બદલવાની છે. એટલે, આ બધાં કામો સમાંતરે કરવાનાં છે. અને માત્ર યોગ્યતાના ધોરણે કામ થાય, એમાં તમારે કોઈને નારાજ પણ કરવા પડે તો એ કરવાની પણ તૈયારી હોય. આપણે અનુગ્રહો અને પૂર્વગ્રહોમાંથી બહાર નીકળીએ તો આ બધાં કામો થઈ શકશે.