સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ભાવધ્વનિની આસ્વાદ્યતા ને એનો મોભો
ભાવધ્વનિની આસ્વાદ્યતા ને એનો મોભો
બીજી એક વાત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પોતે જે ધ્વનિપ્રકારને સર્વાધિક મહત્ત્વને સ્થાને મૂકે છે તેને કાવ્યશાસ્ત્રીઓ રસાદિધ્વનિ તરીકે વારંવાર ઉલ્લેખે છે, કેવળ રસધ્વનિ તરીકે નહીં. રસાદિમાં રસ ઉપરાંત ભાવ, ભાવાભાસ, રસાભાસ વગેરેનો સમાવેશ થાય છે. આનો અર્થ એવો થયો કે વિભાવ-અનુભાવ- વ્યભિચારિભાવના ઠાઠથી વ્યંજિત થતા સ્થાયિભાવથી જેની નિષ્પત્તિ થાય છે એ રસ જ કાવ્યનું એક માત્ર લક્ષ્ય નથી, ભાવ એટલે કે સંચારિભાવનું નિરૂપણ પણ કાવ્યનું એક પ્રશસ્ત લક્ષ્ય છે. ઉદ્રેકની અવસ્થાને પામેલો સંચારિભાવ ચમત્કારાતિશય નિપજાવે તે ભાવધ્વનિ. (ધ્વન્યાલોક, ૨.૩૫ની લોચનટીકા) ભાવના નિરૂપણમાં કેટલા વૈવિધ્યને અવકાશ છે એની ઝીણવટભરી નોંધ પણ કાવ્યશાસ્ત્ર કરે છે – ભાવની સ્થિતિનું વર્ણન હોય તેમ ભાવ ઉદય પામતો હોય કે ભાવનું શમન થતું હોય એવી અવસ્થાનું વર્ણન હોઈ શકે. ભાવસંધિ એટલે કે બે ભાવની સહોપસ્થિતિનું વર્ણન હોઈ શકે, ભાવશબલતા એટલે કે વિવિધ ભાવોના મિશ્રણનું આલેખન પણ હોઈ શકે. આપણે એમ કહી શકીએ કે ‘એક બપોરે’માં વિષાદના ભાવની સ્થિતિ વર્ણવાઈ છે, જ્યારે કાન્તના ‘ઉદ્ગાર’ કાવ્યમાં પ્રિયાપ્રીતિ અને જગતપ્રીતિ એ બે ભાવોની સહોપસ્થિતિ છે, કહો કે કવિચિત્ત બંને ભાવો વચ્ચે થોડો ઝોલો ખાઈ, જગતપ્રીતિ જેમાં આનુષંગિક છે એવા પ્રેમમસ્તીના ભાવમાં સ્થિર થાય છે. ‘અવસાનસંદેશ’માં સ્વાભિમાન (‘મમ લેખચિત્રથી જીવતો છઉં હું દમથી’) અને નમ્રતા (“યથાશક્તિ રસપાન કરાવ્યું’) એ બે પરસ્પરવિરોધી ભાવોની સહોપસ્થિતિ ચમત્કારજનક છે; જો કે એમાં બીજા ભાવોનેયે અવકાશ મળ્યો છે – મનોભાવની સંકુલતા ચિત્રિત થઈ છે, એ દૃષ્ટિએ એ ભાવશબલતાનું કાવ્ય છે. કલાપીનું ‘એક ઘા’ પણ ભાવશબલતાનું કાવ્ય છે – ભય, આશંકા, વેદના, ચિંતા, વાત્સલ્યપ્રીતિ આદિ અનેક ભાવો એમાં આલેખાયા છે; પરંતુ એમાં આસ્વાદ્ય છે તે તો ભાવના પલટાઓ - પંખી મરી જશે કે શું એવો ભય જાગવો, એ ભય શમી જઈ આશાનો સંચાર થવો અને આશા પાછી નિરાશામાં પલટાઈ જવી. ભાવના ઉદય-અસ્તની લીલા આમ આપણે અનુભવીએ છીએ. રીસનો ફુગ્ગો ફૂલે અને પછી ફૂટી જાય એવી ભાવનિરૂપણરીતિનો દયારામે કેટલોબધો આશ્રય લીધો છે! કાવ્યશાસ્ત્રે તો ભાવનિરૂપણના મુખ્ય માર્ગો બતાવ્યા, એના ઘણા ફાંટાઓ હોઈ શકે અને એ માર્ગો ને ફાંટાઓની વિવિધ પ્રકારની ગૂંથણી પણ હોઈ શકે. અહીં એક પ્રશ્ન જરૂર ઊભો થઈ શકે કે સંચારિભાવની સ્વતંત્ર રસવત્તા કાવ્યશાસ્ત્ર સ્વીકારી શકે ખરું? કાવ્યશાસ્ત્રે કરેલો સ્થાયિભાવ અને સંચારિભાવનો ભેદ જ એ રીતનો છે કે સ્થાયિભાવ મુખ્ય છે અને રસનીયતા તે એની જ છે. સંચારિભાવ તો સ્થાયિભાવને અનુષંગે જ આવે છે અને સ્થાયિભાવની રસનીયતાને પુષ્ટ કરવાનો જ ધર્મ બજાવે છે. પણ સામે કાવ્યશાસ્ત્ર જેમાં સંચારિભાવ ઉદ્રેક પામીને ચમત્કારાતિશય નિપજાવે છે એવા ભાવધ્વનિને પણ સ્વીકારે છે એનું શું? એને રસધ્વનિથી જુદી કોટિમાં મૂકે છે એ ખરી વાત છે – ’રસ’ સંજ્ઞા તો કાવ્યશાસ્ત્રીઓ વિભાવાનુભાવથી વ્યંજિત થતા અને સંચારિભાવોથી પુષ્ટ થતા સ્થાયિભાવના નિરૂપણ માટે જ અનામત રાખે છે – પણ ભાવધ્વનિને કાવ્યનું એક પ્રશસ્ત લક્ષ્ય તો એમણે બનાવ્યું જ છે. અભિનવગુપ્ત કહે છે કે ચર્વ્યમાણ વ્યભિચારી રસની પ્રતિષ્ઠા પામતો નથી છતાં કાવ્યના પ્રાણરૂપ બને છે. (ધ્વન્યાલોક, ૧.૫ પરની લોચનટીકા) શું ભાવધ્વનિ કાવ્યમાં આધિકારિક રૂપે નહીં પણ પ્રાસંગિક રૂપે જ આવે – આધિકારિક રૂપે તો રસધ્વનિ જ આવે – એવો ભેદ એમને અભિપ્રેત હશે? ભાવધ્વનિનાં જે ઉદાહરણો અપાયાં છે તે સામાન્ય રીતે કાવ્યસમગ્રનાં નહીં પણ કાવ્યાંશોનાં છે તેથી આપણને આવો વહેમ જાય. પણ કાવ્યશાસ્ત્રીઓએ દૃષ્ટાંતો તો સર્વત્ર કાવ્યાંશોનાં ને મુક્તકોનાં જ આપ્યાં છે ને? મમ્મટ ધ્વનિકાવ્ય – જેને એ ઉત્તમ કાવ્યપ્રકાર લેખે છે તેના પ્રભેદોના પ્રકરણમાં ભાવધ્વનિને એક પ્રભેદ તરીકે વર્ણવે છે તે એમ બતાવે છે કે એમને ભાવધ્વનિનું સ્વતંત્ર કાવ્યરૂપ ઇષ્ટ છે. આનંદવર્ધનનેયે આમ અભિપ્રેત જણાય છે. પછી આપણને એવો પ્રશ્ન ઊભો થાય કે ભાવધ્વનિ વડે કોઈ દીર્ઘ કાવ્ય ન રચાય, લઘુકાવ્ય જ રચાય, દીર્ઘકાવ્ય તો રસધ્વનિથી જ રચાય એમ શું કાવ્યશાસ્ત્રીઓ માનતા હશે? આનો જવાબ આપવો મુશ્કેલ છે. કેટલાક કાવ્યશાસ્ત્રીઓએ સ્થાયિભાવોની જેમ જ સંચારિભાવોને રસકોટિએ પહોંચતા માન્યા છે પણ એ જુદી વાત છે અને આનંદવર્ધન – અભિનવગુપ્તને અનુસરતી મુખ્ય ધારાને એ માન્ય નથી. એ મુખ્ય ધારામાં ભાવધ્વનિના મોભા પરત્વે પૂરેપૂરી સ્પષ્ટતા નથી એમ કહેવાય. ભાવધ્વનિ વિશે એક એવો ખુલાસો કરવામાં આવે છે કે સંચારિભાવનું આલેખન જ્યાં મુખ્ય આસ્વાદવિષય હોય ત્યાં પણ ભૂમિકામાં સ્થાયિભાવ તો રહેલો હોય છે, એ પાછળ રહે છે પણ તે ચાકરના લગ્નના વરઘોડામાં રાજા પાછળ રહે તેમ. (કાવ્યપ્રકાશ, ૪.૩૭.૫૧) આમાં સ્થાયિભાવ મૂળ તત્ત્વ હોવાનું તેમજ વાસ્તવિક આસ્વાદ્યતા ને પ્રધાનતા સંચારિભાવની પણ તાત્ત્વિક પ્રધાનતા સ્થાયિભાવની હોવાનું સૂચવાય છે. કાન્તના ‘ઉદ્ગાર’ કાવ્યમાં, કાવ્યશાસ્ત્ર તો એમ કહે કે, ‘મતિ” નામક સંચારિભાવ આલેખાયો છે – એમાં ચિંતન અને નિર્ણયની મન:સ્થિતિનું ચિત્રણ થયું છે તેથી. પણ આ ચિંતન પ્રેમસંબંધવિષયક છે એટલે રતિ એ સ્થાયિભાવ એની ભૂમિકામાં પડેલો છે એમ કહેવાય. સાક્ષાત્ આસ્વાદવિષય ‘મતિ’ એ સંચારિભાવ, પણ એના આધારરૂપ સ્થાયિભાવ ‘રતિ’ અંતે આપણા ચિત્તમાં તરી રહે છે. ‘વાતો’ (પ્રહ્લાદ પારેખ) કાવ્યનો સીધો નિરૂપણવિષય તો, એમ કહેવાય કે, પ્રેમગોષ્ઠિ પરત્વેની લજ્જા કે એ અંગેનો અધિકારભાવ – મમત્વભાવ છે પણ એ દ્વારા જે ઊંડા પ્રીતિભાવનું માર્મિક સૂચન થાય છે એને લીધે એ લજ્જા ને એ મમત્વભાવની અભિવ્યક્તિ સવિશેષ આસ્વાદ્ય બને છે. ‘એક બપોરે’ વિષાદભાવનું કાવ્ય છે એમ જ કહેવાય પણ એના મૂળમાં રતિભાવ – પ્રકૃતિરતિભાવ અથવા સારસીને કોઈ પ્રેમિકાના પ્રતીક તરીકે લઈએ તો સ્ત્રીરતિભાવ રહેલો છે ને વિષાદનું જે ભાવમૂલ્ય છે તેમાં એ રતિભાવનો હિસ્સો નથી એમ નહીં કહી શકાય. પણ બધે આવા ખુલાસા શક્ય નયે બને. રામનારાયણના ‘વૈશાખનો બપોર’માં શ્રમિક વર્ગના દૈન્યનું અને નગરજનોના અસમભાવી બૌદ્ધિક વલણનું ચિત્રણ છે, જેના વિરોધમાં શ્રમજીવી વર્ગની માણસાઈનું ચિત્રણ થયું છે. આ બધા સંચારિભાવો જ કહેવાય, કાવ્યશાસ્ત્રકથિત કોઈ સ્થાયિભાવ એમાં નજરે પડતો નથી. ‘અવસાનસંદેશ’માં સ્વાભિમાન અને નમ્રતાના સંચારિભાવોના મૂળમાં પણ કોઈ સ્થાયિભાવ જોવો મુશ્કેલ છે. પ્રસાદજીની બેચેની એમના રતિભાવને પડછે એક આગવો ઉઠાવ પામે છે પણ એ બેચેનીનું કારણ તો જુદું જ છે – બજારુ ઓરતની ઈશ્વરનિષ્ઠાનું દર્શન ને તેથી પોતે સેવેલાં કેટલાંક સંસ્કારમૂલ્યોનું હચમચી ઊઠવું – એને પેલા રતિભાવ સાથે કશો કાર્યકારણનો સંબંધ નથી. તેથી બેચેની એક સ્વતંત્ર ભાવ તરીકે જ આપણને ભાસે છે. એમ લાગે છે કે સંચારિભાવની સ્વતંત્ર આસ્વાદ્યતા સ્વીકારવાનું આજે આપણને વધુ ગમશે.