સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વક્રતા અને વ્યંજકતાના પ્રકારો
વક્રતા અને વ્યંજકતાના પ્રકારો – સમાન્તરતા અને વિશેષતા
વક્રોક્તિવિચારમાં આપણે ઝાઝું રોકાવાની જરૂર હોય એવું મને લાગતું નથી. એના વિનિયોગની સદૃષ્ટાંત રજૂઆત કરવાનીયે આવશ્યકતા નથી કેમ કે કાવ્યવિશ્લેષણની પદ્ધતિની બાબતમાં વક્રોક્તિવિચાર ધ્વનિવિચારને પગલેપગલે જ ચાલે છે. વક્રોક્તિવિચાર કાવ્યમાં ઉક્તિવૈશિષ્ટ્યને પ્રાધાન્ય આપે છે અને ઉક્તિવૈશિષ્ટ્યના એટલે કે વક્રતાના જુદાજુદા પ્રકારો વર્ણવે છે. આ પ્રકારો ધ્વનિના પ્રકારોની સમાંતર જ ચાલે છે. જેમ કે કુંતકની વર્ણવિન્યાસવક્રતા, પદપૂર્વાર્ધવક્રતા, પદપરાર્ધવક્રતા ને વાક્યવકતા, તો ધ્વનિકારની વર્ણ, પદ, પ્રત્યય ને વાક્યની વ્યંજકતા. ધ્વનિકાર સંઘટનાની વ્યંજકતા દર્શાવે છે એને મળતું કંઈ કુંતકના વક્રોક્તિવિચારમાં નથી. પરંતુ કુંતક પ્રકરણવક્રતા ને પ્રબંધવક્રતા જુદી પાડે છે ત્યારે ધ્વનિવિચારમાં એ બધું પ્રબંધધ્વનિમાં જ સમાય છે. પદ વગેરેની વ્યંજકતાનાં જે ઉદાહરણો આગળ બતાવવામાં આવ્યાં છે ને વક્રતા પરત્વે પણ ચાલી શકે તેમ છે. ફરક એટલો કે ધ્વનિકાર ઉક્તિવૈશિષ્ટ્યની સાર્થકતા એની વ્યંજકતામાં જુએ છે ને વ્યંગ્યાર્થને મહત્ત્વ આપે છે ત્યારે કુંતકની વક્રતામાં એવી અપેક્ષા નથી, એમાં ઉક્તિવૈશિષ્ટ્યમાં જ કાવ્યત્વ મનાયેલું છે. બેશક, કુંતક થોડી વિશેષ ઝીણવટ કરે છે ને વક્રતાના થોડા વધુ પેટાપ્રકારો જુદા પાડી બતાવે છે. જેમ કે પદપૂર્વાર્ધવક્રતા, જે આનંદવર્ધનની પદની વ્યંજકતાની સમાન ગણાય, તેના એ દશ પેટાપ્રકારો વર્ણવે છે : રૂઢિવૈચિત્ર્યવક્રતા, પર્યાયવક્રતા, ઉપચારવક્રતા, વિશેષણવક્રતા, સંવૃત્તિવક્રતા, પદમધ્યપ્રત્યયવક્રતા, વૃત્તિ-વૈચિત્ર્યવક્રતા, ભાવ-વૈચિત્ર્યવક્રતા, લિંગવૈચિત્ર્યવક્રતા, અને ક્રિયા-વૈચિત્ર્યવક્રતા. કુંતકની વાક્યવક્રતામાં આખો અલંકારવર્ગ સમાય છે. આ બધું ધ્વનિવિચારમાં અભિપ્રેત નથી એમ ન કહેવાય, પણ એ જુદું પાડીને બતાવાયું નથી. એ રીતે વક્રોક્તિવિચારમાં ધ્વનિવિચારની કેટલીક સુંદર પૂર્તિ થાય છે એમ કહેવાય. પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતાને નિમિત્તે થયેલી પૂર્તિ વધારે ધ્યાન ખેંચે છે કેમ કે એથી કૃતિસમગ્રની પરીક્ષાનાં વધુ ઓજારો આપણને પ્રાપ્ત થાય છે અને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છૂટક શ્લોકો ને મુક્તકોના વિશ્લેષણમાં જ પુરાયેલું રહે છે ને કૃતિસમગ્રના વિવેચન માટે એ અપર્યાપ્ત નીવડે છે એ ફરિયાદને કંઈક સબળ જવાબ મળે છે. પ્રકરણવક્રતા અને પ્રબંધવકતાના મળીને કુલ ૧૫ ભેદો કુંતકે વર્ણવ્યા છે અને એમાં આનંદવર્ધનથી ઘણા વધારે મુદ્દા સમાયેલા છે. જેમ કે, મુખ્ય પાત્રોનો આશય અપ્રકટ રહે તેવું એટલે કે કુતૂહલ ટકી રહે તે રીતનું એમની પ્રવૃત્તિઓનું વર્ણન થાય; જુદાજુદા ભાગમાં આલેખાયેલા પ્રસંગ કાવ્યના પ્રધાન કાર્ય સાથે અનુસંધાન ધરાવતા હોય – એને ઉપકારક હોય એટલે કે કાવ્યમાં અંગાગિભાવની સુશ્લિષ્ટતા હોય; પ્રબંધના જુદાજુદા ભાગમાં એકની એક વસ્તુ આલેખાય પણ તે નવા રસાલંકારના સૌંદર્યથી યુક્ત થઈને; પ્રબંધમાં અનન્ય રસવત્તા અને ચમત્કાર ધરાવતા કોઈ પ્રકરણની ગૂંથણી થાય; પ્રધાન વસ્તુની સિદ્ધિનું સૂચન કરતી બીજી વસ્તુ આલેખાય; પ્રકરણની અંતર્ગત પ્રકરણની – નાટકની અંદર નાટકની રચના કરવામાં આવે, ઐતિહાસિક કથાનું નિર્વહણ નવીન રમણીય રસથી કરવામાં આવે; પ્રબંધનું સમાપન ઇતિહાસના ઉત્કર્ષપોષક કોઈ ભાગ આગળ જ કરવામાં આવે; પ્રબંધમાં અન્ય વસ્તુનું આલેખન થાય પણ પ્રધાન વસ્તુનો દોર છિન્ન થવા દેવામાં ન આવે, નાયક જે ફલની પ્રાપ્તિ માટે ઉદ્યત થયેલો હોય તે ઉપરાંતનાં ફલો પ્રાપ્ત કરતો આલેખાય; પ્રધાન સંવિધાનનું સૂચન કરતું પ્રબંધનું નામકરણ કરવામાં આવે વગેરે. પ્રબંધના વસ્તુસંવિધાનમાં કેવાંકેવાં વૈચિત્ર્યોને અવકાશ છે તેનું આ તો દષ્ટાંતાત્મક નિરૂપણ છે. કુંતક કહે છે કે ઉત્તમ કવિઓના પ્રબંધમાં અનંત વૈચિત્ર્યો પ્રગટતાં હોય છે. વસ્તુસંવિધાનની આ દૃષ્ટિ આજે અપ્રસ્તુત છે એમ આપણે નહીં કહી શકીએ. કદાચ નામકરણવક્રતાનો ઉલ્લેખ જોઈને આપણે જરા ચમકીએ. આજે તો આપણે કેટલીક વાર કૃતિને નામ આપવાનું ટાળીએ છીએ. પણ કુંતક માને છે કે કૃતિનું નામ પણ એક વક્રતાપ્રકાર, એક સૌંદર્યભંગિ હોઈ શકે છે. એમની દૃષ્ટિએ ‘શિશુપાલવધ’ ‘પાંડવાભ્યુદય’ જેવાં, કથાસામગ્રીનો સીધોસાદો નિર્દેશ કરતાં નામોમાં કશો ચમત્કાર નથી, પરંતુ ‘અભિજ્ઞાનશાકુન્તલ’ ‘મુદ્રારાક્ષસ’ જેવાં કથાવસ્તુના મર્મભાગનો નિર્દેશ કરતાં નામોમાં ચમત્કાર છે. નામકરણનો દુરાગ્રહ આપણે ન રાખીએ, પણ નામકરણવક્રતા અવગણવા જેવી મને લાગતી નથી, બલ્કે એનો લાભ ઉઠાવવા જેવો લાગે છે. નામ માત્ર ઓળખચિઠ્ઠી બની રહેવાને બદલે વ્યંજનાત્મક બની રહે, કૃતિના અંગ સમાન બની રહે એમ થઈ શકે છે. ‘ચક્રવાકમિથુન’ એ નામ એ એક ઓળખચિઠ્ઠી છે, પરંતુ ‘વસંતવિજય’ નામમાં વ્યંજનાત્મકતા છે એમ કહેવાય. ‘અમૃતા’ કરતાં ‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’ એ નામકરણ વધારે અર્થગર્ભ છે એમ કહેવાય. કુંતકે પ્રકરણ – પ્રબંધવક્રતાના ઘણા પ્રકારો બતાવ્યા છે એટલું જ નહીં, એમણે જે દૃષ્ટાંતો આપ્યાં તે મૂળમાંથી ઘણું ઉદ્ધૃત કરીને વિગતે ચર્ચ્યા છે અને એમાં પ્રવર્તતી અન્ય વક્રતાઓની વાત પણ સાથે વણી લીધી છે. એકની એક વસ્તુ જુદાંજુદાં પ્રકરણોમાં આવે ત્યારે નવીન રસાલંકારના સૌંદર્યથી વર્ણવાય એનાં દૃષ્ટાંત તરીકે ‘રઘુવંશ’ના મૃગયાના વર્ણનનું તથા પ્રધાન વસ્તુને સિદ્ધ કરવા માટે બીજી વસ્તુની ચમત્કારક વિશેષતા ઉલ્લેખવામાં આવે તેના દૃષ્ટાંત તરીકે ‘મુદ્રારાક્ષસ’ના છઠ્ઠા અંકના પ્રસંગનું એમણે કરેલું વિશ્લેષણ જુઓ. એમાં વિશેષણવક્રતા, વચનવક્રતા, ક્રિયાવક્રતા. પર્યાયવક્રતા કઈ રીતે ઉપકારક બને છે તે બતાવી પ્રકરણવક્રતાનો એક સુસંકલિત ખ્યાલ પ્રગટ કરવામાં આવ્યો છે. કુંતકનું આવું સમગ્રતાલક્ષી વિશ્લેષણ આપણને આજે પણ તાજગીભર્યું લાગે છે.