સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા
સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા
ધ્વનિવિચાર, રસવિચાર અને વક્રોક્તિવિચાર, આમ, કાવ્યસૌંદર્યસાધક ઉક્તિભંગિઓનું વિશ્લેષણ કરવાનાં ઘણાં ઝીણાં ને ધારદાર ઓજારો આપણને સંપડાવે છે, કાવ્યના ઘટકોની સમર્પકતાનો અને પરસ્પરોપકારકતાનો વિચાર કરવા આપણને પ્રેરે છે, ઘટકોના આયોજનની સમીક્ષા કરી કાવ્યની અખંડતાને પ્રકાશિત કરવા આપણને શક્તિમાન બનાવે છે અને કાવ્યના પ્રધાન ભાવસંવેદન સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરે છે. આ ત્રણ વિચારપદ્ધતિઓના મુખ્ય અંશોને જ આપણે અહીં સ્પર્શ્યા છીએ અને નમૂના રૂપે જ કેટલીક વાતો કરી છે. એ વિચારપદ્ધતિઓમાં આથી ઘણું વધુ પડેલું છે. વળી, લાંબા સમયપટ પર ફેલાયેલી સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય પરંપરામાં આ સિવાય પણ કેટલીક વિચારપદ્ધતિઓ જોવા મળે છે – અલંકાર, ગુણ, રીતિ, ઔચિત્ય વગેરેને કેન્દ્રમાં રાખનારી. પ્રાચીન પરંપરામાં ધ્વનિવિચારે ભલે એને અપ્રસ્તુત કરી નાખી હોય, આજે આપણે એની ક્ષમતાનો અને પ્રસ્તુતતાનો નવેસરથી વિચાર કરી શકીએ અને સંભવ છે કે એમાંથી પણ પ્રત્યક્ષ કાવ્યવિવેચનમાં કામ આવે એવું કેટલુંક જડી આવે.