સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/પંચમી આવી વસંતની

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં!
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો—
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતાં ભમતાં ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો, કે પંચમી આવી વસંતની
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો! કે પંચમી આવી વસંતની.
[‘સમગ્ર કવિતા’ પુસ્તક: ૧૯૮૧]