સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/કોણ ટકાવી શકે છે?
મૈસૂરની યુવક પરિષદમાં અમેરિકન મિશનરી મોટ આવ્યા હતા. ત્યાંથી પાછા ફરતાં તેઓ ગાંધીજીને મળવા [સાબરમતી] આશ્રમમાં આવ્યા. ગાંધીજી એમને માટે કેવળ દશ મિનિટ કાઢી શકે એમ હતું. દુનિયાના યુવકોના માનીતા રેવરંડ મોટ દશ મિનિટમાં ગાંધીજીને શું પૂછશે, એ કુતૂહલે હું પણ ત્યાં ગયો. ભૂખ્યા વરુની પેઠે એમણે એક પછી એક પ્રશ્નપરંપરા શરૂ કરી. ગાંધીજીએ એમને ટૂંકા ને ટચ જવાબ આપ્યા. બે પ્રશ્નાોએ મારું ખૂબ ધ્યાન ખેંચ્યું. “તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે કે જેના આનંદમાં તમે કટોકટીના સમયે પણ ટકી શકો છો?” રેવ. મોટે પૂછ્યું. ગાંધીજીએ જવાબ આપ્યો : “હિંદુસ્તાનની પ્રજાના સ્વભાવમાં અહિંસા રહેલી છે. આ એક શ્રદ્ધા મને ટકાવી રહેલી છે. આ શ્રદ્ધામાં વિશ્વાસ રાખીને મારી પ્રજા દ્વારા જગતને અદ્વિતીય એવી ક્રાંતિ કરી દેખાડવાની ઉમેદ હું રાખી શકું છું. બીજી પ્રજાઓ ગમે તેટલી સુસંસ્કૃત હોય, પણ યુદ્ધ સમયે પશુની માફક હિંસક બને છે. ભારતવર્ષની નાડીમાં અહિંસા રહેલી છે.” રેવ. મોટે બીજો પ્રશ્ન પૂછયો : “તમને વધારેમાં વધારે ચિંતાજનક અને દુખદ કઈ વસ્તુ લાગે છે?” “ભારતના ભણેલા લોકોની ‘હાર્ડનેસ ઓફ હાર્ટ’,” બાપુજીએ જવાબ વાળ્યો. “અંગ્રેજી કેળવણીની અસરને લીધે તેઓનાં હૃદય પાષાણ જેવાં બની ગયાં છે.”
ગાંધીજી જ્યારે પ્રથમ જેલમાં ગયા ત્યારે આપણા જેવા ભણેલાઓથી ડરીને એમણે ખૂબ ખૂબ વાંચી લીધું. તમારામાં જો જિજ્ઞાસા હોય તો જૂનાં ‘યંગ ઇન્ડિયા’ ઊથલાવી એ ચોપડીઓની યાદી જોઈ લેજો. તમે આશ્ચર્યચકિત થઈ જાઓ એટલું તેમણે વાંચ્યું, અને ઉપરાંત ઘણું લખ્યું. પરંતુ આ વખતે? આ વખતે [જેલમાં] તેમણે રેંટિયા સિવાય કશી પ્રવૃત્તિ હાથ ધરી જ નથી. એ બધું વાંચીને એમણે જોઈ લીધું કે સાચી વસ્તુ રેંટિયો છે. [જેલમાં] તેઓએ ખોરાકમાં તાજાં ફળ તજી દીધાં છે. પણ તેમનો સાચો ખોરાક તો પ્રજાની અહિંસા-પરાયણતા છે. ગાંધીજીનો દેહ એ રાષ્ટ્રીય દેહ છે. રાષ્ટ્રની વૃત્તિની તેમના શરીર ઉપર ભારે અસર થાય છે. [વિદ્યાપીઠનો] એક વિદ્યાર્થી મારી સાથે લડીને સરકારી કૉલેજમાં ભણવા ગયેલો. બાપુજીએ [દાંડી-]કૂચ કરી ત્યારે ફરી બાપુ પાસે એ આવ્યો અને અભ્યાસ છોડી લડતમાં જોડાયો. એના આનંદમાં ગાંધીજી બીજે દિવસે દસ માઈલ વધારે ચાલી શક્યા. ખેડા જિલ્લાના વીર ખેડૂતોને મેં કહેલું કે, ગાંધીજીનો સાચો ખોરાક તો તમારી ટેક છે, તમારી તાલીમબદ્ધ અહિંસાપરાયણતા છે. એને લીધે તો ગાંધીજી ટકી રહ્યા છે.